અયોધ્યામાં રામ મંદિર મુદ્દો : ભયના ઓથાર નીચે સ્થાનિક મુસલમાન

    • લેેખક, સમિતરાત્મજ મિશ્ર
    • પદ, અયોધ્યાથી

રવિવારે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ની ધર્મસભા યોજાઈ રહી છે. આ પહેલાં શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાક્રમને પગલે અયોધ્યામાં વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.

શહેરમાં પ્રવેશના દરેક રસ્તા ઉપર ઉત્તર પ્રદેશ પોલીસ, પ્રોવિઝનલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી, રેપિડ એક્શન ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

રસ્તાઓ ઉપર 'અયોધ્યા ચલો'ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાક્રમને કારણે સ્થાનિક મુસ્લિમો ભયના ઓથાર હેઠળ છે.

અહીં પહોંચેલા શિવસૈનિકો જોશમાં જણાય છે અને તેમનું વલણ આક્રમક રહ્યું. તેઓ ટ્રેન બુક કરાવીને, બાઇક્સ, ગાડીઓ તથા બસોમાં અયોધ્યા પહોંચ્યા હતા.

રવિવારે પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કાયદો લાવવામાં આવે કે વટહુકમ, પરંતુ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ.

તમે આ વાંચ્યું કે નહીં?

સ્થાનિકોમાં ભય

ચાંપતા સુરક્ષા બંદોબસ્ત છતાંય નાગરિકોને અસુવિધા થઈ રહી છે. પાંજીટોલા અને મુગલપુરા જેવા મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારમાં સ્થાનિકો સાથે વાત કરતા, તેમના ચહેરા પર ભય સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આવી જ સ્થિતિ 1992માં પણ થઈ હોવાને કારણે સ્થાનિક મુસ્લિમો ભીડને કારણે થોડા ડરેલા રહે છે.

સ્થાનિક ઇશ્તિયાક અહમદ કહે છે, "આ ભીડને જોઈને અમને ડર લાગે છે કે 1992 જેવી સ્થિતિ ઊભી ન થાય. કેટલાક લોકોએ તેમના પરિવારનાં મહિલાઓ અને બાળકોને અન્યત્ર મોકલી દીધાં છે. કેટલાક લોકોએ અમુક દિવસો સુધી ચાલે એટલું ખાવા-પીવાનું એકઠું કરી દીધું છે."

અહમદ ઉમેરે છે, " તમે જાણો છો ને કે 'દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે' એટલે તેઓ દરેક સંભવિત કાળજી રાખી રહ્યા છીએ. 1992માં મુસલમાનોનાં ઘરો, દુકાનો, દરગાહો તથા મસ્જીદો ઉપર બહારથી આવેલા લોકોએ હુમલા કર્યા હતા."

અહમદ કહે છે કે તંત્રે સુરક્ષાની ખાતરી આપી છે, છતાંય ભયનું વાતાવરણ છે.

વિવાદાસ્પદ પરિસથી થોડે દૂર રહેતા રઈસ અહમદ કહે છે કે સાવચેતીના પગલારૂપે તેમણે ઘરમાં ખાવાપીવાનો સામાન એકઠો કરી લીધો છે, જેથી કરીને કટોકટીની સ્થિતિ ઊભી થાય તો તકલીફ ન પડે.

તેઓ પણ ઉમેરે છે કે અહીંના મુસલમાનોમાં ભય છે અને કેટલાક ઘર છોડી ગયા છે.

મોંઘવારી વધી

અમંગળની આશંકાએ માત્ર મુસ્લિમો જ નહીં, હિંદુઓ પણ ભયભીત છે.

અયોધ્યામાં ગાઇડ તરીકેનું કામ કરતા સંજય યાદવ કહે છે કે ભીડને કારણે તેમણે અકારણ અસુવિધા વેઠવી પડે છે.

યાદવ કહે છે, "લોકોને અવરજવરમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. દરેક જગ્યાએ ચેકિંગ ચાલી રહ્યું છે. જીવન જરૂરિયાતનો સામાન મળતો નથી અને જે કાંઈ મળી રહ્યો છે તે મોંઘો મળે છે."

કડક બંદોબસ્ત

શિવસેના તથા વિહિપના કાર્યક્રમોને પગલે અયોધ્યામાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સ્થાનિક પોલીસ ઉપરાંત પીએસીની 48 કંપની અને આરએફની ટૂકડીઓને તહેનાત કરવામાં આવી છે.

લખનૌ ઝોનના ડીઆઈજી (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) ઓંકાર સિંહે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત સ્થાનિકોને અગવડ ન પડે તે માટે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ

રવિવારે ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે અયોધ્યા ખાતે 'ભવ્ય' મંદિર બાંધવાની વાત કરી હતી.

ઠાકરેએ કહ્યું, "વહેલામાં વહેલી તકે અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ તે માટે ચાહે તો કાયદો અને ચાહે તો વટહુકમનો માર્ગ લેવો જોઈએ."

ઠાકરેએ કહ્યું કે 'સરકાર જો રામ મંદિર નહીં બનાવે તો આ સરકાર નહીં રહે' સાથે ઉમેર્યું કે 'રામ મંદિરને ચૂંટણી પ્રચારનો મુદ્દો ન બનાવવો જોઈએ .'

આ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ હંગામી રામ મંદિરના દર્શન કર્યા હતા.

અયોધ્યા પહોંચેલા બીબીસી મરાઠી સેવાના નિરંજન છાનવાલે જણાવ્યું, "રવિવારે બપોરે ઉદ્ધવ ઠાકરે મુંબઈ જવા રવાના થયા હતા. અહીં આવી પહોંચેલા શિવસૈનિકો પણ સાંજ સુધીમાં રવાના થઈ જશે."

કુંભકર્ણ સરકાર

લક્ષ્મણ કિલ્લા ખાતે ઉદ્ધવની સભા દરમિયાન શિવસેનાના કાર્યકરોના સમૂહોને 'જય શ્રી રામ', 'હર હિંદુ કી યહી પુકાર - પહલે મંદિર ફીર સરકાર' તથા 'અયોધ્યા ચલો'ની નારેબાજી કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કુંભર્ણની જેમ સૂતેલી સરકારને જગાડવા માટે તેઓ અયોધ્યા આવ્યા છે.

ઉદ્ધવે કહ્યું હતું કે મંદિરનું નિર્માણ કોઈ પણ કરે, શિવસેના તેને ટેકો આપશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો