બૉક્સર મેરીકૉમે રચ્યો ઇતિહાસ, છઠ્ઠી વખત વિશ્વ ચૅમ્પિયન

પાંચ વખત વિશ્વ બૉક્સિંગ ચૅમ્પિયન રહી ચૂકેલાં એમ. સી. મેરીકૉમ છઠ્ઠી વખત બૉક્સિંગમાં વિશ્વ ચૅમ્પિયન બની ગયાં છે.

તેમણે 48 કિલોગ્રામ લાઇટ ફ્લાઇવેટ કૅટગરીમાં યૂક્રેનની હેના ઓખોટાને હરાવ્યાં છે.

35 વર્ષીય મેરિકૉમે શનિવારે નવી દિલ્હીના કે. ડી. જાદવ ઇન્ડૉર સ્ટેડિયમમાં હેનાને એકતરફી મૅચમાં 5-0થી હરાવ્યાં હતાં.

વિશ્વ ચૅમ્પિયનશિપમાં મેરિકૉમે છેલ્લે 2010માં સુવર્ણ પદક જીત્યો હતો.

એ પહેલાં 2002, 2005, 2006 અને 2008માં પણ સુવર્ણ પદક જીત્યા હતા.

વિશ્વ ચૅમ્પિયનશિપના ઇતિહાસમાં પુરુષ બૉક્સરના રૅકર્ડની બરાબરી

આ રૅકર્ડ સાથે મેરિકૉમે આયર્લૅન્ડનાં કેટી ટેલરનો પાંચ વખત વિશ્વ ચૅમ્પિયન બનવાનો રૅકર્ડ તોડી નાખ્યો છે.

સાથે જ મેરીકૉમે વિશ્વ ચૅમ્પિયનશિપના ઇતિહાસમાં પુરુષ બૉક્સર ફેલિક્સ સેવનના છ વખત ચૅમ્પિયન બનવાના રૅકર્ડની બરાબરી કરી લીધી છે.

યૂક્રેનનાં હેના માત્ર 22 વર્ષનાં છે. તેમની અને મેરીકૉમની ઉંમરની વચ્ચે 13 વર્ષનું અંતર છે.

'હંટર' ઉપનામથી પ્રસિદ્ધ હેનાએ યુરોપિયન યૂથ ચૅમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો