You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિભાઈ ચૌધરીને લાંચ પેઠે કરોડો રૂપિયા ચૂકવ્યા : સીબીઆઈના ડીઆઈજી
સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈના એક સિનિયર અધિકારી એમ. કે. સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલી એક પિટિશનમાં કહ્યું છે કે કોલસા અને ખાણ રાજ્ય મંત્રી હરિભાઈ પરથીભાઈ ચૌધરીને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
પિટિશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જૂન 2018ના પ્રથમ પખવાડિયામાં મોઇન કુરેશી કેસના મામલામાં હરિભાઈને આ કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પિટિશનમાં સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં અજિત ડોભાલે હસ્તક્ષેપ કર્યો હોવાનો પણ દાવો કરાયો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા પિટિશન સ્વીકારી લેવાઈ છે, જોકે, સુનાવણી અંગેની તારીખ હજુ સુધી નક્કી કરાઈ નથી.
સિન્હાના આરોપ અનુસાર અસ્થાની લાંચ મામલે ફરિયાદી સના સતિષ બાબુએ તેમને જણાવ્યું હતું કે કોલસા અને ખાણ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીને સંબંધિત મામલે કથિત મદદ માટે કરોડો રૂપિયાની લાંચ આપવામાં આવી હતી.
દાવો કરવામાં આવ્યો છે કે સતિષ બાબુ સાનાના કહેવા પ્રમાણે આ રકમ અમદાવાદની કોઈ વિપુલ નામની વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવી હતી.
સિન્હાએ પિટિશનમાં કહ્યું કે આ તથ્યોની સાનાએ 20 ઑક્ટોબર 2018ના રોજ તેમની સમક્ષ કબૂલાત કરી હતી. જેની તાત્કાલિક ડિરેક્ટરને પણ જાણ કરવામાં આવી હતી.
સીબીઆઈના ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ મનિષકુમાર સિન્હા રાકેશ અસ્થાના વિરુદ્ધ ચાલી રહેલી લાંચ અંગેની તપાસના કેસની દેખરેખ રાખતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાકેશ અસ્થાના અને આલોક વર્માના મામલા બાદ સીબીઆઈમાંથી અનેક અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી હતી.
જેમાં મનિષ કુમારની પણ 24 ઑક્ટોબરના રોજ નાગપુરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
તેમણે દાખલ કરેલી પિટિશનમાં કહ્યું છે કે તેમની બદલી સંપૂર્ણપણે મનસ્વી, પ્રેરિત અને બદદાનતથી હેરાન કરવા માટે કરવામાં આવી હતી.
તેનું કારણ આપતા તેમણે પિટિશનમાં કહ્યું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું કે કેટલીક શક્તિશાળી વ્યક્તિઓ સામે સબળ પુરાવા હતા.
'ડોભાલે તપાસમાં દખલ કરી'
સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં બીજો આક્ષેપ અજીત ડોભાલ પર કરવામાં આવ્યો છે.
સિન્હાએ પિટિશનમાં કહ્યું કે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ થઈ રહેલી તપાસમાં દખલગીરી કરી હતી.
ઉપરાંત દાવો કરાયો કે રાકેશ અસ્થાનાના નિવાસ સ્થાને જે તપાસ કરવાની હતી તેને પણ નિષ્ફળ બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
પિટિશનમાં કરાયેલા દાવા મુજબ સીબીઆઈના ડીવાય એસપી દેવેન્દ્રકુમારના ઘરે મોઈન કુરેશી કેસને લઈને તપાસ ચાલી રહી હતી.
તે સમયે દેવેન્દ્રકુમારનો ફોન પુરાવા તરીકે સીઝ ન કરવા કહેવામાં આવ્યું હતું.
સિન્હા, સીબીઆઈના એ અધિકારીઓમાં સામેલ હતા, જેઓ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર અસ્થાના વિરુદ્ધ તપાસ કરી રહ્યા હતા.
જોકે, બાદમાં ઑક્ટોબર મહિનામાં અન્ય અધિકારીઓ સાથે તેમની પણ બદલી કરી દેવામાં આવી હતી.
સિન્હાએ આરોપ લગાવ્યો છે કે લાંચના આ મામલે જે અન્ય બે મધ્યસ્થી હતા તેઓ ડોભાલના નજીક હતા.
પિટિશનમાં એવું પણ કહેવાયું છે કે રૉના અધિકારી સામંત ગોયલ સાથે સંકળાયેલી વાતચીત સાથે છેડછાડ કરાઈ છે.
જેમાં એવું કહેતા સાંભળવા મળ્યું હતું કે પીએમઓએ સીબીઆઈ મામલાનું સંચાલન કર્યું હતું.
એ જ રાતે અસ્થાના મામલે તપાસ કરી રહેલી સંપૂર્ણ ટીમને હટાવી દેવાઈ હતી.
હરિભાઈ ચૌધરી કોણ છે?
સીબીઆઈના ડીઆઈજીની પિટિશન મામલે બીબીસી ગુજરાતીએ હરિભાઈનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો.
જોકે, તેમનો મોબાઇલ ફોન બંધ આવી રહ્યો હતો. જ્યારે તેમના કાર્યાલયમાં સતત ફોન કરવા છતાં કોઈ જવાબ નહોતો મળ્યો.
તેમના ઘરે ફોન કરાતાં 'રૉંગ નંબર' કહીને ફોન કાપી નખાયો હતો.
આ મામલે હરિભાઈ ચૌધરીનો પક્ષ જાણવા બીબીસી ગુજરાતીએ તેમને ઈ-મેલ પણ કર્યો. જોકે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ પણ જાતનો જવાબ મળ્યો નથી.
કોલસા અને ખનીજ રાજ્ય પ્રધાન હરિભાઈ ચૌધરી 1988થી ભાજપના સક્રીય કાર્યકર છે.
નવેમ્બર 2014થી જુલાઈ 2016 સુધી ગૃહ રાજ્ય પ્રધાન રહેલા બનાસકાંઠાથી ભાજપના સાંસદ હરિભાઈ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
ખેડૂત નેતા તરીકે જાણીતા હરિભાઈ પ્રથમ વખત 1998માં 12મી લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા.
એ જ વર્ષ બાદ 1999માં ફરીથી ચૂંટણી યોજાઈ અને 13મી લોકસભા માટે હરિભાઈ ફરીથી ચૂંટાયા.
કૃષિ મંત્રાલયની સલાહ-મસલત માટેની સમિતિ, સરકારી વીમા સમિતિ, નાણાંના વહીવટ માટે નિમાયેલી સમિતિ, રસાયણ અને ખાતર માટેની સમિતિ, વાણિજ્ય, વાહનવ્યવહાર અને પ્રવાસન માટેની સમિતિના તેઓ સભ્ય રહી ચૂક્યા છે.
શ્રી બનાસકાંઠા અંજના કેળવણી મંડળના ટ્રસ્ટી એવા હરિભાઈ શ્રી બનાસકાંઠા મધ્યસ્થ કૉ-ઑપરેટિવ બૅન્કના ડિરેક્ટર અને 'ઑલ ઇન્ડિયા અખિલ ચૌધરી સમાજ'ના સભ્ય પણ છે.
રાકેશ અસ્થાના મામલો શું છે?
રાકેશ અસ્થાના વિરુદ્ધ સીબીઆઈએ હૈદરાબાદના બિઝનેસમેન સતિષ બાબુની ફરિયાદના આધારે એફઆરઆઈ દાખલ કરી છે.
સતિષ બાબુનો આરોપ છે કે તેમણે પોતાના વિરુદ્ધ તપાસ રોકવા માટે ત્રણ કરોડ રૂપિયાની લાંચ આપી હતી.
એફઆરઆઈમાં અસ્થાના વિરુદ્ધ ષડયંત્ર અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો છે.
એફઆરઆઈમાં કહેવાયું છે કે સતિષ બાબુએ દુબઈમાં રહેતી મનોજ પ્રસાદ નામની વ્યક્તિની મદદથી લાંચ આપવાની વાત કરી હતી.
એફઆરઆઈ અનુસાર મનોજ પ્રસાદનો દાવો હતો કે તેઓ સીબીઆઈના લોકોને જાણે છે અને તપાસ અટકાવી શકે છે.
સતિષ બાબુ વિરુદ્ધ જે પણ તપાસ ચાલી રહી હતી તેની આગેવાની રાકેશ અસ્થાના કરી રહ્યા હતા.
રાકેશ અસ્થાના કોણ છે?
રાકેશ અસ્થાના 1984ની બેચના ગુજરાત કૅડરના આઈપીએસ ઑફિસર છે.
તેમણે અનેક મહત્ત્વના કેસ સંભાળ્યા છે. જેમાં લાલુ પ્રસાદ યાદવના કથિત ઘાસચારા કૌભાંડથી માંડીને 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવાના કેસનો સમાવેશ થાય છે.
1994માં સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં સુપરિટેન્ડેન્ટ ઑફ પોલીસ હતા. ત્યારે ઘાસચારા કૌભાંડની તપાસ કરી લાલુ પ્રસાદ યાદવની ધરપકડ કરી હતી.
તો 2002માં જ્યારે સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપવાની ઘટના બની ત્યારે અસ્થાના વડોદરામાં રેન્જ આઈજી હતા.
એટલે આ કેસની તપાસમાં પણ તેમની ભૂમિકા રહી હતી. બહુચર્ચિત એવા આસારામ અને નારાયણ સાંઈના કેસના કથિત બળાત્કારકાંડની તપાસ પણ તેમણે કરી છે.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ રાકેશ અસ્થાનાના વ્યક્તિત્વ વિશે વાત કરતા કહે છે, ''રાકેશ અસ્થાના મીડિયાસેવી ઑફિસર છે અને તે હંમેશાં મીડિયામાં પોલીસની પૉઝિટિવ છબી રજૂ થાય તેના પ્રયાસ કરતા રહયા છે. ''
તેઓ ઉમેરે છે સમાચારમાં કઈ રીતે રહેવું એ રાકેશ અસ્થાના સારી રીતે જાણે છે.
રાકેશ અસ્થાનાનું સબળા અને નબળા પાસા વિશે વાત કરતાં પ્રશાંત દયાળ કહે છે કે , અસ્થાના 'કાગળના બાદશાહ' છે અને કલમનો કઈ રીતે ઉપયોગ કરવો તે સારી રીતે જાણે છે.
ચિત્રલેખાના સિનિયર કૉરસ્પૉન્ડન્ટ ફયસલ બકીલી રાકેશ અસ્થાના વિશે વાત કરતાં કહે છે : "રાકેશ અસ્થાના જ્યારે પ્રૅસ બ્રીફિંગ કરતાં હોય ત્યારે તેમાં ક્રાઇમનું ડિટેઇલિંગ ઘણું રહેતું હતું. તેમનો સીબીઆઈનો અનુભવ તેમાં દેખાતો."
ફયસલ અસ્થાનાના વડોદરા અને સુરત પોલીસ કમિશનર તરીકેના કાર્યકાળને વાગોળતા કહે છે કે અસ્થાનાએ સુરત અને વડોદરામાં લોકભાગીદારી થકી મૅરેથૉન દોડ જેવા ઘણાં કાર્યક્રમો યોજ્યા, જેના થકી તેમની ઉદ્યોગપતિ સાથેની નિકટતા પણ વધી.
ફયસલના મતે આ નિકટતાએ અસ્થાનાને ફાયદો પણ કરાવ્યો અને નુકશાન પણ.
તેમની કામગીરી અંગે વાત કરતા ફયસલ કહે છે કે અસ્થાના બોલવામાં ઘણા 'સૉફ્ટ' જણાતા, પણ પોલીસ કર્મચારી માટે તે ઘણા 'હાર્ડ' હતા.
તેમના સમયમાં પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાના પણ ઘણા કિસ્સા બન્યા.અસ્થાના જ્યારે સુરત કમિશનર હતા ત્યારે ''સંઘર્ષ-ગાથા''ને રજૂ કરતો વીડિયો તૈયાર કરાયો હતો. જેમાં તેમની તુલના સરદાર અને વિવેકાનંદ સાથે કરવામાં આવી હતી.
જોકે, આ વીડિયો કોણે તૈયાર કર્યો એ અંગે બીબીસી પુષ્ટિ કરી શકતું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો