પંજાબની આ યુવતીને દિવાળીની ખરીદીએ બનાવી દીધી કરોડપતિ

ઇમેજ સ્રોત, ARSHDEEP SINGH/BBC
- લેેખક, પ્રિંયંકા ધીમાન
- પદ, સંવાદદાતા, બીબીસી પંજાબી
પોતાના સપનાં સાકાર કરવા માટે અને ધનવાન થવા માટે ઘણા લૉટરીનો માર્ગ અપનાવે છે, પણ કોઈકની જ કિસ્મત ચમકતી હોય છે.
આ વખતે પંજાબ સરકારનું દિવાળી બમ્પર બઠિંડાનાં લખવિંદર કૌરે જીત્યું છે. બઠિંડાના ગુલાબગઢમાં રહેતાં લખવિંદરની કિસ્મત ચમકી ગઈ છે. તેમણે દોઢ કરોડ રૂપિયાનું દિવાળી બમ્પર જીત્યું છે.
દિવાળીના માત્ર એક દિવસ પહેલાં જ લૉટરીની ટિકિટ ખરીદનારાં લખવિંદરને ફોન આવ્યો કે આ વર્ષનું બમ્પર ઇનામ તેમણે જીત્યું છે.

પહેલી પ્રતિક્રિયા શું હતી?

ઇમેજ સ્રોત, ARSHDEEP SINGH/BBC
કરોડપતિ બનતાં જ લખવિંદરે પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું, "અમને લૉટરી સ્ટૉલવાળાનો ફોન આવ્યો કે જો તમે લોકો ઊભા હોવ તો પહેલા બેસી જાવ. આવું સાંભળીને અમે ગભરાઈ ગયા, અમને એવું લાગ્યું કે શું થયું હશે? તેમણે કહ્યું કે અમારે તમને ખુશખબર આપવાના છે."
ખબર સાંભળતાં જ પરિવારની ખુશીઓનો પાર ના રહ્યો અને ઘરમાં ઉજવણી શરૂ કરી દેવાઈ.
લખવિંદર લૉટરીની ટિકિટ અંગે વાત કરતાં જણાવે છે,"હું મારાં મમ્મી સાથે દિવાળીના એક દિવસ પહેલાં ખરીદી કરવાં માટે બજાર ગઈ હતી અને મેં જોયું કે ઘણાં લોકો એક સ્ટૉલ પાસે ઊભાં રહીને લૉટરીની ટિકિટ ખરીદી રહ્યાં હતાં."
"મેં પણ મારાં મમ્મીને કહ્યું કે આપણે પણ ટિકિટ ખરીદીએ. માત્ર 200 રૂપિયાની જ તો વાત હતી."

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર



ઇમેજ સ્રોત, ARSHDEEP SINGH/BBC
લખવિંદર કહે છે કે તેઓ લૉટરીના પૈસાથી પહેલાં જમીન ખરીદીને એક સારું મકાન બનાવશે.
લખવિંદર અનુસાર અત્યારે તેઓ જે ઘરમાં રહે છે તે ઘણું નાનું છે.
તેઓ કહે છે કે લૉટરીના આ પૈસાથી તેઓ શહેરમાં જઈને અભ્યાસ કરશે. લખવિંદરને બૅન્ક ઑફિસર બનવું છે.
17 વર્ષીય લખવિંદર હમણાં 12મા ધોરણમાં પોતાના ગામમાં જ અભ્યાસ કરી રહ્યાં છે. તેમના ત્રણ ભાઈ બહેન છે અને તમામ ભણી રહ્યા છે.
લખવિંદરના મોટા ભાઈ, મોટી બહેન અને એક નાના ભાઈ છે. આ લોકોનાં ભણતર માટે પણ લખવિંદર લૉટરીના પૈસાનો ઉપયોગ કરશે.
તેમનું કહેવું છે કે આ લૉટરીના પૈસાથી તેઓ તેમનાં માતા માટે પણ કંઈક કરવા ઇચ્છે છે કેમ કે તેમનાં માતાએ ઘણી બધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તેઓ ઘણી મહેનત કરી છે.

પિતા પણ લૉટરીમાં હાથ અજમાવી ચૂક્યા છે

ઇમેજ સ્રોત, ARSHDEEP SINGH/BBC
લખવિંદર જણાવે છે કે તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી છે.
તેઓ પશુપાલન કરે છે અને પશુઓ માટે બીજાના ખેતરમાંથી ચારો લઈ આવે છે.
લખવિંદરના પિતા પરમજીત સિંઘ બઠિંડામાં એસ.પી કચેરીમાં હોમગાર્ડ છે. પરિવારમાં કમાનારા તેઓ એક માત્ર વ્યક્તિ છે.
પરિવારની આર્થિક જરૂરિયાત અને બાળકોના અભ્યાસ સહિતની તમામ જવાબદારીઓ તેમના પર જ છે.


પરમજીત સિંઘ પણ લૉટરી પર હાથ અજમાવી ચૂક્યા છે. પરંતુ તેમને ક્યારેય સફળતા મળી નથી.
પોતાની પુત્રી સાથે વાત કરાવતાં પહેલાં પરમજીતે કહ્યું,"હું છેલ્લા 12 વર્ષથી લૉટરીની ટિકિટ લઈ રહ્યો છું. પણ ક્યારેય સફળતા નથી મળી. એક વાર મેં એક સાથે પાંચ ટિકિટ લીધી હતી પર કિસ્મતે સાથ ન આપ્યો."
તેમના જણાવ્યા અનુસાર લૉટરીની રકમ મળવામાં તેમને છ મહિનાનો સમય લાગશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












