BBC Top News : રાકેશ અસ્થાના તપાસની આડમાં વસૂલાતનું રૅકેટ ચલાવતા : સીબીઆઈ

આંતરિક વિખવાદમાંથી પસાર થઈ રહેલા સીબીઆઈએ તેમના જ નંબર-2 અધિકારી રાકેશ અસ્થાના પર આરોપ લગાવ્યો છે કે તેઓ તપાસની આડમાં વસૂલાતનું રૅકેટ ચલાવતા હતા.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પ્રમાણે આ રૅકેટમાં ડીએસપી દેવેન્દ્ર કુમાર પણ સામેલ હતા.

દિલ્હીની એક કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ કહ્યું કે તેમણે એફઆઈઆરમાં વસૂલાત સંલગ્ન બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે.

અસ્થાના વિરુદ્ધની કાર્યવાહીમાં સીબીઆઈએ તેમની પાસેથી તમામ અધિકારો પરત લઈ લીધા છે.

સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની વડા પ્રધાન સાથેની કથિત મુલાકાતના બીજા જ દિવસે આ કાર્યવાહી કરાઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

એફઆઈઆર રદ કરવાની તેમની અરજી કરી હતી. જોકે કોર્ટે કાર્યવાહી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

હું દસ વાગ્યા પછી જ ફટાકડા ફોડીશ - ભાજપના સાંસદ

'એનડીટીવી ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભાજપના સાંસદ ચિંતામણિ માલવીયએ રાત્રે 8 થી 10 દરમિયાન જ ફટાકડા ફોડવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે ફટાકડાના ઑનલાઇન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને રાત્રે 8 થી 10 દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે.

ઉજ્જૈનથી ભાજપના સાંસદ ચિંતામણિએ સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ટ્વીટ કરતા લખ્યું હતું, "અમારી હિંદુ પરંપરાઓમાં કોઈનો પણ હસ્તક્ષેપ હું સહન કરી શકતો નથી."

તેમણે ટ્વીટમાં એવું પણ લખ્યું છે કે હું પરંપરાગત રીતે જ દિવાળી ઊજવીશ અને રાત્રે લક્ષ્મી પૂજન કર્યા પછી 10 વાગ્યા પછી જ ફટાકડા ફોડીશ.

તેમણે ટ્વીટમાં લખ્યું છે કે મારી ધાર્મિક પરંપરાઓ માટે જો મારે જેલમાં જવું પડે તો જઈશ.

'શું તમે મેન્સ્ટ્રુઅલ બ્લડવાળું સેનિટરી પૅડ તમારા મિત્રના ઘરે લઈ જશો?'

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે યુનિયન ટેક્સટાઇલ મિનિસ્ટર સ્મૃતિ ઇરાની સબરીમાલા મુદ્દે કોર્ટના ચુકાદા અંગે ટિપ્પણી કરી છે.

સબરીમાલા મુદ્દે સરકારનો મત શું છે? આ પ્રશ્નના જવાબમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું, "સુપ્રીમ કોર્ટના વિરોધમાં બોલી ન શકું, કારણકે હું કૅબિનેટ મંત્રી છું."

પછી તેમણે કહ્યું, "સામાન્ય સમજણની વાત છે. તમે મેન્સ્ટ્રુઅલ બ્લડમાં ભીનું સેનિટરી પૅડ લઈને તમારા મિત્રના ઘરે જશો? તમે નહીં જાઓ."

"તો શું એવું જ ભગવાનના ઘરમાં કરવું સન્માનજનક છે? પૂજા કરવાનો મારો અધિકાર છે, પણ કોઈને અપવિત્ર કરવાનો મને અધિકાર નથી."

આ તેમનો અંગત મત હોવાનું પણ તેમણે કહ્યું હતું.

સબરીમાલામાં પૂજા કરવા માટે પોલીસ સુરક્ષાની માગ

'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ચાર મહિલાઓ અને બે વકીલોએ સબરીમાલામાં પૂજા કરવા માટે પોલીસ સુરક્ષાની માગ કેરળ હાઈકોર્ટમાં કરી છે.

પિટિશનરે કોંગ્રેસ, ભાજપ તથા કેટલાક રાજકીય આગેવાનો પર ધર્મ આધારિત ભેદભાવ કરવા બદલ પગલાં ભરવાની માગ પણ કરી છે.

પિટિશનમાં લખ્યું છે કે 10 થી 50 વર્ષની મહિલાઓને કોર્ટના ચુકાદા બાદ પણ સબરીમાલામાં પ્રવેશતી અટકાવવી એ અયોગ્ય છે અને રોકનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકાર બંધાયેલી છે.

પથ્થરો ભરેલી 70 ટ્રક અયોધ્યા માટે તૈયાર છે : વીએચપી

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે આરએસએસના વડા મોહન ભાગવતની અયોધ્યા રામ મંદિર અંગેની ટિપ્પણી બાદ રામ મંદિર મુદ્દો ચર્ચામાં છે.

29 ઑક્ટોબરથી આ અંગે કોર્ટમાં સુનાવણી થવાની છે એ વચ્ચે વિશ્વ હિંદુ પરિષદના રામ મંદિર મૉડલના પ્રસ્તાવે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

વીએચપીના નેતાએ અયોધ્યામાં કહ્યું હતું કે વિશાળ રામ મંદિર બનાવવા માટે પથ્થર ભરેલી ટ્રકનો ઑર્ડર આપ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પથ્થર ભરેલી 70 ટ્રક ટૂંક સમયમાં અયોધ્યા આવશે.

વીએચપીના આંતરરાષ્ટ્રિય ઉપપ્રમુખ ચંપત રાયે કહ્યું હતું કે મંદિરની કામગીરી ઝડપથી પૂરી કરવા વધારે પથ્થર અને કારીગરોને બોલાવી લેવાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો