અમૃતસર ટ્રેન દુર્ઘટના : શું ટ્રેનચાલક પાસે અકસ્માત ટાળવાનો વિકલ્પ હતો?

પંજાબ રેલવે દુર્ઘટના બાદ અકસ્માત સાથે જોડાયેલી અવનવી જાણકારીઓ સામે આવી રહી છે.

દશેરાના અવસર પર રાવણ દહન સમયે ટ્રેનની ઝપટે આવતાં 59 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ અકસ્માત બાદ સવાલ થાય છે કે આખરે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ છે?

સવાલ કરતી આંગળીઓ રેલવે તંત્ર, દશેરાનું આયોજન કરનારી કમિટી અને સ્થાનિક તંત્ર તરફ ચીંધાઈ રહી છે.

આ વચ્ચે ટ્રેનના લોકોપાઇલટ (ટ્રેન ચાલક) પર પણ સવાલો ઊઠી રહ્યા છે.

શું આટલી ભીડ જોવા છતાં તેમણે ટ્રેન શા માટે ના રોકી? બીજું કે તેમણે હૉર્ન પણ શા માટે ના વગાડ્યું?

મળતી માહિતી મુજબ પંજાબ અને રેલવે પોલીસે લોકોપાઇલટની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે ગ્રીન સિગ્નલ મળ્યું હતું એટલા માટે ટ્રેન રોકી નહોતી.

આ સાથે જ તેમને કોઈ અનુમાન પણ નહોતું કે પાટા પર આટલી સંખ્યામાં લોકો હાજર હશે.

આ સાથે જ જોડા રેલવે ફાટકના લાઇનમેન સાથે પણ પૂછપરછ કરવામાં આવી છે.

જેમના પર આરોપ છે કે તેમણે લોકોપાઇલટને પાટા પર લોકોની હાજરી અંગે માહિતગાર નહોતા કર્યા.

રેલવે પ્રશાસને સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે તેમણે રાવણદહનના આયોજનની મંજૂર આપી નહોતી.

તમે આ વાંચ્યું કે નહીં?

રેલવે પ્રશાસને સમગ્ર ભાર અમૃતસર પ્રશાસન પર ઢોળી દીધો અને કહ્યું કે સ્થાનિક અધિકારીઓને દશેરાના કાર્યક્રમ અંગે જાણ હતી.

સાથે જ આ કાર્યક્રમમાં એક વરિષ્ઠ નેતાનાં પત્ની પણ ભાગ લેવાનાં હતાં.

એ નેતા પંજાબના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંઘ સિદ્ધુ છે જેમનાં પત્ની આ કાર્યક્રમમાં હાજર હતાં.

પીટીઆઈ અનુસાર રેલવે અધિકારીએ કહ્યું, "અમને આ કાર્યક્રમના આયોજન અંગે કોઈએ જણાવ્યું નહોતું અને અમે મંજૂરી પણ નહોતી આપી."

"આ મામલો અતિક્રમણ સાથે જોડાયેલો છે અને સ્થાનિક પ્રશાસને આની જવાબદારી લેવી જોઈએ."

ટ્રેન શા માટે ના રોકી?

ભલે, રેલવેને આ કાર્યક્રમની જાણકારી ન હોય પરંતુ આટલી ભીડ હોવા છતાં ટ્રેન રોકવામાં કેમ ના આવી?

આ સવાલનો જવાબ આપતા રેલવે અધિકારી કહે છે, "જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં ખૂબ જ ધુમાડો હતો."

"જેના કારણે લોકોપાઇલટને ભીડ ના દેખાઈ. આ સાથે જ ત્યાં એક વળાંક પણ હતો."

મંત્રીઓની મુલાકાત

દુર્ઘટના બાદ તમામ મંત્રીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળની મુલાકાતે આવવા લાગ્યા હતા.

રેલવે રાજ્ય મંત્રી મનોજ સિન્હા રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાની અને અન્ય વરિષ્ઠ અધિકારી રાત્રે જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બીજી તરફ રેલવે મંત્રી પીયુષ ગોયલ પોતાની અમેરિકા યાત્રા છોડીને પરત ફરી રહ્યા છે.

આ વચ્ચે એવી પણ ખબર મળી રહી છે કે રેલવેએ મૃતકોને વળતર આપવાનો ઇન્કાર કરી દીધો છે. રેલવેનું કહેવું છે કે મૃતકો ટ્રેનનાં યાત્રીઓ નહોતાં.

જોકે, વડા પ્રધાન મોદીએ મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ઘટનાસ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા રવિન્દ્ર સિંહ રૉબિને ઘાયલો સાથે વાતચીત કરી હતી.

ઘટનાને યાદ કરતા એક ઈજાગ્રસ્ત વ્યક્તિ કહે છે, "જ્યાં રાવણ દહન થતું હતું અમે ત્યાં હાજર હતાં."

"રેલવે ટ્રેક પાસે એક એલઈડી લાગેલી હતી. અમે તેના પર રાવણ દહન જોઈ રહ્યાં હતાં."

"રેલવે ટ્રેક પરથી ત્રણ ટ્રેનો નીકળી ચૂકી હતી પરંતુ જ્યારે આ ટ્રેન આવી ત્યાં કંઈ ખબર ના રહી."

ગુરુનાનક હૉસ્પિટલમાં લગભગ 70 લોકોને દાખલ કરવામાં આવ્યા છે.

બીજી તરફ ઘટનાના દિવસે લોકો તેમનાં સંબંધીઓને શોધવા માટે ચારેતરફ ફરી રહ્યા હતા. મોડી રાત સુધી લોકોની ભીડ ત્યાં હાજર રહી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો