અમૃતસર ટ્રેન દુર્ઘટના : 'દોઢ વર્ષની નૂર મારા ખોળામાં હતી, ભીડે એને કચડી નાખી'

    • લેેખક, રવીન્દ્રસિંઘ રૉબિન
    • પદ, અમૃતસરથી બીબીસી ગુજરાતી માટે

'મારી દીકરી અનુ સાસરેથી દશેરા માટે અમૃતસર આવી હતી.'

'અનુની દોઢ વર્ષની દીકરી નૂર... મારી વહાલી નૂર, મારા ખોળામાં હતી.'

'અમે તો રેલવે ટ્રેકથી દૂર ઊભાં હતાં. ફટાકડા ફૂટ્યા તો નૂર ખુશખુશાલ થઈ ગઈ. પણ ખબર નહોતી કે એ ખુશી દુઃખમાં ગરકાવ થઈ જશે.'

દશેરાના રાવણદહન કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાનું વર્ણન કરતા અમૃતસરની ગુરુનાનક હૉસ્પિટલમાં દાખલ કિંમતીલાલની આંખો ભીની થઈ જાય છે.

15 મિનિટ પહેલાં જ તેમને જાણકારી મળી હતી કે એ દુર્ઘટનામાં તેમનાં પુત્રી અનુ અને દોહિત્રી નૂર, બન્નેનાં મૃત્યુ થયાં છે.

કિંમતીલાલને પણ ઈજા પહોંચી છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાવણદહન દરમિયાન જોડા ફાટક નજીક શુક્રવારે એક ટ્રેનની ઝપેટમાં આવતાં 62 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી 150થી વધુ લોકો ઘાયલ થયાં છે.

કિંમતીલાલ કહે છે કે તેઓ અને તેમનાં પુત્રી ટ્રેનની ઝપેટમાં નહોતાં આવ્યાં.

તેઓ જણાવે છે, ''અમે તો ટ્રેક પર ઊભાં પણ નહોતાં. દોડધામ થઈ અને લોકોએ અમને કચડી નાખ્યાં.''

વર્ષોથી આ મેળામાં આવતા કિંમતીલાલ કહે છે કે તેમને અંદાજ પણ નહોતો કે આ વખતે મેળામાં તેમને આવી મોટી કિંમત ચૂકવવી પડશે.

આ જ દુર્ઘટનામાં ઘાયલ થયેલાં સપના પણ ગુરુનાનક હૉસ્પિટલમાં દાખલ છે.

તેઓ પોતાનાં બહેન સાથે મેળામાં આવ્યાં હતાં. તેમનાં બહેનનાં મૃત્યુની પુષ્ટિ કરાઈ છે.

સપનાના માથે ઈજા પહોંચી છે અને તે હજુ પણ આઘાતમાં છે.

'ખબર જ ના રહી અને ટ્રેન આવી પહોંચી'

ઘટનાને યાદ કરતાં તેમણે જણાવ્યું, ''જ્યાં રાવણદહન થઈ રહ્યું હતું, અમે તો ત્યાંથી ઘણા દૂર ઊભાં હતાં.''

''રેલવે ટ્રેક પાસે એક એલઈડી લગાયેલું હતું અને અમે તેના પર રાવણદહન જોઈ રહ્યાં હતાં.''

''રેલવે ટ્રેક પરથી ત્રણ ટ્રેન પસાર થઈ ચૂકી હતી, પણ ખબર જ ના રહી કે ક્યારે એ ટ્રેન આવી પહોંચી.''

તમે આ વાંચ્યું કે નહીં?

ગુરુનાનક હૉસ્પિટલમાં લગભગ 70ને દાખલ કરાયાં છે.

દુર્ઘટના બાદ હૉસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનાં સંબંધીઓને શોધવા હૉસ્પિટલ પહોંચી રહ્યાં હતાં.

હૉસ્પિટલના શબઘર પાસે પણ મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.

મોડી રાત સુધી સગાંસબંધીઓને લોકો શોધતાં રહ્યાં. રડતાં રહ્યાં. માથાં પછાડતાં રહ્યાં.

હજુ પણ શબઘરમાં લગભગ 25 મૃતદેહો પડ્યા છે.

મદદ કરનારા આગળ આવ્યાં

આ દરમિયાન મદદ માટે પણ લોકો આગળ આવતાં રહ્યાં.

હૉસ્પિટલમાં રક્તદાન માટે પહોંચેલાં લોકોનું પણ ટોળું એકઠું થઈ ગયું. કેટલાંય લોકો ઘાયલો અને તેમનાં કુટુંબીઓ માટે ખાવાનું પણ લઈ આવ્યાં.

જેમની સ્થિતિ ગંભીર જણાઈ, એમને ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ગુરુનાનક હૉસ્પિટલમાં અમને હૃદયેશ પણ મળ્યા.

ટ્રેનની ઝપેટે એમના ભાઈ પણ આવ્યા છે અને તેમને ઈજા પણ પહોંચી છે.

હૃદયેશના જણાવ્યા અનુસાર તેમના ભાઈ વર્ષોથી અહીં મેળો માણવા આવતા હતા.

'કિસ્મતે બચાવી લીધાં'

ઈજાગ્રસ્ત પત્નીનું ધ્યાન રાખી રહેલા પવન પ્રભુનો આભાર માને છે.

રેલવે ટ્રેક પણ તેઓ પણ હાજર હતા.

પવન જણાવે છે, ''મારી મોટી દીકરી મારા ખભા પર બેઠી હતી. પત્નીએ મારો એક હાથ પકડી રાખ્યો હતો. અમે પણ રેલવે ટ્રેક પર જ ઊભાં હતાં.''

તેઓ ઉમેરે છે કે દુર્ઘટનાના થોડા સમય પહેલાં જ એક ટ્રેન પસાર થઈ અને ટ્રેક પર ઊભેલાં લોકોએ તેમને રસ્તો કરી આપ્યો.

થોડી વારમાં જ બીજી ટ્રેન પણ આવી પહોંચી.

પવન કહે છે, ''મારી પત્ની પણ ટ્રેનની ઝપેટમાં આવી જાત પણ મેં હાથ પકડીને એને ખેંચી લીધી.''

''પડી જતાં એને ઈજા પહોંચી છે. એ વખતે હું પણ પડી જ ગયો હતો અને મારી આંખે અંધારાં આવી ગયાં હતાં.''

જોકે, પવન પોતાને નસીબદાર ગણે છે કે તેમનો પરિવાર બચી ગયો.

તેઓ જણાવે છે, તેમનાં પત્નીના ઘા તો રુઝાઈ જશે પણ કેટલાંય લોકોને દુર્ઘટનાએ એવા જખમ કર્યાં છે કે જિંદગીભર નહીં રુઝાય.

કેવી રીતે બની ઘટના?

અમૃતસર શહેર પાસે આવેલા જોડા ફાટક પાસે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ રાવણ દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

આ દરમિયાન તેજ ગતિથી લોકલ ટ્રેન જોડા ફાટક પાસેથી પસાર થઈ.

રેલવે ટ્રેક પાસે ઊભા રહીને રાવણ દહન જોઈ રહેલા અનેક લોકો ટ્રેનની ઝપટમાં આવી ગયા હતા.

સ્થાનિક પત્રકાર રવિંદર સિંહ રૉબિને જણાવ્યું, "જે વખતે આ ટ્રેન ઝડપી ગતિથી ઘટનાસ્થળેથી પસાર થઈ, અનેક લોકો ટ્રેક પાસે ઊભા હતા."

"કેટલાક લોકો ટ્રેક પર બેઠા હતા અને કેટલાક લોકો મોબાઇલ પર રાવણ દહનનો વીડિયો બનાવી રહ્યા હતા."

"એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે રાવણના પૂતળાને આગ લગાડવામાં આવી તો મંચ પરથી લોકોને પાછળ હટવાની અપીલ કરવામાં આવી હતી."

"આ કારણે પણ કેટલાક લોકો મેદાનથી પાછળ હટીને રેલવે ટ્રેક પર ગયા હતા."

મે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો