You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં 59 લોકોનાં મોત, આ રીતે બની ઘટના
અત્યારસુધી શું થયું?
- પંજાબના અમૃતસર પાસે મોટી ટ્રેન દુર્ઘટના
- રાવણદહન દરમિયાન ટ્રેન અડફેટે આવતા 59 લોકોનાં મોત
- પોલીસના જણાવ્યા અનુસાર 150થી વધુ લોકો ઘાયલ
- ઘટનાસ્થળ પર તંત્ર સામે લોકોનો ગુસ્સો અને પ્રદર્શન
- પંજાબના મુખ્ય મંત્રીએ મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
- વડા પ્રધાન સહિત અનેક લોકોએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું.
પંજાબમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 59 લોકોનાં મોતની પુષ્ટિ કરાઈ છે, જ્યારે 150થી વધારે લોકો ઘાયલ થયાં છે.
પંજાબમાં શુક્રવારના રોજ થયેલી મોટી ટ્રેન દુર્ઘટનાના કારણે દશેરાનો ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો હતો.
પંજાબના અમૃતસર નજીક આવેલા જોડા ફાટક નજીક આ દુર્ઘટના ઘટી હતી.
અમૃતસરના પોલીસ કમિશનર એસ. એસ. શ્રીવાસ્તવે બીબીસી સાથેની વાતચીતમાં 60 થી 70 લોકોનાં મોત થયાં હોવાની વાત કહી હતી.
તો બીજી તરફ પંજાબના સ્વાસ્થય મંત્રી બ્રહ્મ મહિન્દ્રાએ શુક્રવારે કહ્યું હતું કે અત્યારસુધીમાં 40 લોકોના મૃતદેહોને હૉસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે.
કેવી રીતે બની ઘટના?
અમૃતસર શહેર પાસે આવેલા જોડા ફાટક પાસે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ રાવણ દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
આ દરમિયાન તેજ ગતિથી લોકલ ટ્રેન જોડા ફાટક પાસેથી પસાર થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રેલવે ટ્રેક પાસે ઊભા રહીને રાવણ દહન જોઈ રહેલા અનેક લોકો ટ્રેનની ઝપટમાં આવી ગયા હતા.
સ્થાનિક પત્રકાર રવિંદર સિંહ રૉબિને જણાવ્યું, "જે વખતે આ ટ્રેન ઝડપી ગતિથી ઘટનાસ્થળેથી પસાર થઈ, અનેક લોકો ટ્રેક પાસે ઊભા હતા."
"કેટલાક લોકો ટ્રેક પર બેઠા હતા અને કેટલાક લોકો મોબાઇલ પર રાવણ દહનનો વીડિયો બનાવી રહ્યા હતા."
"એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે રાવણના પૂતળાને આગ લગાડવામાં આવી તો મંચ પરથી લોકોને પાછળ હટવાની અપીલ કરવામાં આવી હતી."
"આ કારણે પણ કેટલાક લોકો મેદાનથી પાછળ હટીને રેલવે ટ્રેક પર ગયા હતા."
ઘટનાસ્થળે હાજર લોકો શું કહે છે?
ઘટના વખતે ત્યાં હાજર અમરનાથે બીબીસીને જણાવ્યું, "રાવણને આગ લગાવવામાં આવી, ફટાકડા ફૂટી રહ્યા હતા. આ વચ્ચે એકદમ જ ટ્રેન આવી ગઈ. કોઈને પણ ટ્રેન આવવાનો અવાજ સંભળાયો નહીં. મેં બે યુવકોને હાથથી ખેંચીને બચાવ્યા હતા. મેં જોયું કે 25-30 લોકોના મૃતદેહો ત્યાં પડ્યા છે. મેં એ મૃતદેહોને ઉઠાવીને બીજી જગ્યાએ પહોંચાડ્યા. મારા હાથ લોહીથી લથબથ થઈ ગયા, હું હાલ જ તેને ધોઈને આવ્યો છું. તેમાં ઘણા લોકોને હું ઓળખતો હતો. તેમના ચહેરા મેં જોયા છે."
આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ હાલ પોસ્ટ થઈ રહ્યા છે. જેમાં રાવણ દહનનો કાર્યક્રમ અને ભીડને જોઈ શકાય છે.
આ ઉપરાંત ન્યૂઝ એજન્સી એએનઆઈએ પણ એક વીડિયો શેર કર્યો છે. જેમાં પૂરપાટ ઝડપે પસાર થતી ટ્રેન જોઈ શકાય છે.
આ કાર્યક્રમના મંચ પર પંજાબના ઉપ મુખ્ય મંત્રી નવજોત સિદ્ધુનાં પત્ની નવજોત કૌર પણ હાજર હતાં.
ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું કે હૉસ્પિટલો અને ઍમ્બુલન્સોને એલર્ટ પર રાખવામાં આવી છે.
રેલવેએ આ દુર્ઘટના અંગે હેલ્પલાઇન નંબર પર જારી કર્યા છે.
અમૃતસર હેલ્પલાઇન નંબર :
0183-2223171
0183-2564485
ઘટના બાદ તણાવ
ઘટના બાદ તંત્ર સામે લોકોનો ગુસ્સો દેખાઈ રહ્યો છે. લોકો તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.
શરૂઆતમાં ઘટનાસ્થળેથી મૃતદેહો લઈ જવા માટે તંત્રએ ખૂબ જ મહેનત કરવી પડી હતી કારણે કે ગુસ્સે થયેલા લોકો તેમને મૃતદેહો લઈ જવા દેતા ન હતા.
પોલીસ કમિશનર શ્રીવાસ્તવે લોકોને શાંતિ રાખવા વિનંતી કરી છે.
હાલ આ ઘટનાને લઈને તંત્ર પણ સાવધ થઈ ગયું છે.
દુર્ઘટના પર કોણે શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
તેમણે લખ્યું કે અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાના કારણે હું ખુબ દુઃખી છું. આ હૃદયદ્રાવક ઘટના છે. જે પરિવારોએ તેમના સભ્યો ગુમાવ્યા છે તેમની મારી સહાનુભૂતી અને ઘાયલ થયેલાં લોકો જલદી સાજા થાય એવી મારી પ્રાર્થના.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને પંજાબની કોંગ્રેસ સરકાર અને કાર્યકર્તાઓને પીડિતોને તાત્કાલિક રાહત પહોંચાડવાની અપીલ કરી છે.
પંજાબના મુખ્ય મંત્રીએ પણ જાણ કરી છે કે તેઓ ઘટનાસ્થળ પર પહોંચી રહ્યા છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું, "દશેરના અવસર પર અમૃતસર પાસે થયેલા ટ્રેન અકસ્માતમાં રાહત અને બચાવ કામગીરીની સ્થિતિ જોવા માટે હું ખુદ ત્યાં પહોંચી રહ્યો છું. મારી સરકાર તરફથી મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકોને સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં મફતમાં સારવાર આપવામાં આવશે."
હાલ આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. પંજાબના વિપક્ષમાં રહેલા શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું.
તેમણે લખ્યું, "અમૃતસરથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ આવી રહ્યા છે. હું આ વિસ્તારમાં અમારા કાર્યકર્તાઓને અપીલ કરું છું કે રાહત અને બચાવ કાર્યમાં મદદ કરે. સંકટની આ સ્થિતિમાં શક્ય એટલી મદદ કરે."
ઘટના બાદની તસવીરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો