ભારત અને રશિયા વચ્ચે કઈ-કઈ વસ્તુઓનો વેપાર થાય છે?

ભારતના વિદેશ મંત્રાલય અનુસાર રશિયા અને ભારત વચ્ચેનો દ્વીપક્ષી વેપાર '30 અબજ ડૉલર'નો લક્ષ્યાંક પૂરો કરી ચૂક્યો છે.

હવે બન્ને રાષ્ટ્રોએ એક નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભારત અને રશિયા બન્ને તરફનું રોકાણ 50 અબજ ડૉલરને પાર લઈ જવાં માગે છે.

ગત 11 મહિનામાં ત્રણ વખત રશિયાની મુલાકાત લઈ ચૂકેલાં ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સપ્ટેમ્બર, 2018માં કહ્યું હતું કે ભારત આ લક્ષ્યાંક વર્ષ 2025 સુધીમાં હાંસલ કરવા માગે છે.

વર્ષ 1990માં સોવિયત સંઘના વિઘટનની પ્રક્રિયા શરૂ થયા બાદ રશિયાને કેટલાંક 'મિત્ર રાષ્ટ્રો'ની જરૂર હતી.

આ એ જ સમય હતો કે જ્યારે ભારત અને રશિયા વચ્ચેની નિકટતા વધી હતી.

બન્ને રાષ્ટ્રો વચ્ચે એકબીજાને રાજકીય અને આર્થિક સહયોગ આપવા અંગે સહમતી સધાઈ હતી.

રશિયાએ વચન આપ્યું હતું કે તે ભારતને સંરક્ષણના ઉપકરણોની સપ્લાય ચાલુ રાખશે.

આ સાથે એવું પણ નક્કી કરાયું હતું કે રશિયાને ભારતથી પણ કેટલીક વસ્તુઓ આયાત કરવી પડશે.

ડિફેન્સ ઉપરાંત...

આ જ સંદર્ભમાં ભારતનાં વિદેશ મંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ભારત મુલાકાત પહેલાં કહ્યું હતું, ''ભારત માટે રશિયા સૌથી મહત્ત્વનો દેશ છે.''

''અમે દ્વીપક્ષી સંબંધોને મજબૂત કરવા માગીએ છીએ. સંરક્ષણ ક્ષેત્રે રશિયાએ ભારતને ઘણો સહયોગ કર્યો છે.''

''જોકે, અમે કેટલાક નવા ક્ષેત્રોની શોધ કરી રહ્યાં છીએ. જેથી બન્ને તરફ રોકાણ કરી શકાય.''

તમે આ વાંય્યું

સ્વરાજે જણાવ્યું, ''પરમાણુ, ઉર્જા, બૅન્કિંગ, ટ્રૅડ, ફાર્મા, કૃષિ, શિક્ષણ, પરિવહન, પ્રવાસન, વિજ્ઞાન અને અવકાશ સંબંધીત કાર્યક્રમોમાં ભારત અને રશિયા સાથે મળીને કામ કરશે.''

અહીં એ પણ નોંધવું રહ્યું કે આમ તો રશિયા 1960ના દાયકાથી જ ભારતની સંરક્ષણ જરૂરિયાત પૂરી પાડનારો સૌથી મોટો દેશ રહ્યો છે.

''સ્ટૉકહૉમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'ના મતે વર્ષ 2012થી 2016 વચ્ચે સંરક્ષણ ક્ષેત્રની ભારતની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો 68 ટકા રહ્યો હતો.

જોકે, સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત ભારત અને રશિયા વચ્ચે કેટલીય વસ્તુઓનો વેપાર થાય છે અને બન્ને તરફી રોકાણ પણ કરાય છે.

ભારતની રશિયામાંથી આયાત

  • હીરા-જવેરાત
  • પેટ્રોલિયમ ઉત્પાદન
  • ફર્ટિલાઇઝર
  • લોખંડ અને સ્ટીલ
  • પેપર ઉત્પાદન
  • ન્યુક્લિયર પ્લાન્ટ માટેનાં યંત્ર
  • ખનીજ તેલ

ભારતમાંથી રશિયાની આયાત

  • ફાર્મા પ્રોડક્ટ
  • મશીન અને પુરજા
  • ખાદ્ય ઉત્પાદન
  • મસાલા
  • વિમાનના પુરજા
  • ઑર્ગેનિક કેમિકલ

પૉલિશ કરાયેલા હીરા

છેલ્લાં કેટલાક વર્ષોથી ભારત અને રશિયા વચ્ચે હીરા-જવેરાતના વેપારમાં વધારો નોંધાયો છે.

જોકે, યુરોપના અન્ય દેશો, જેવા કે બૅલ્જિયમની સરખામણીમાં આ અત્યંત ઓછો છે.

ભારતમાં હીરાના કેટલાય નિર્માતાઓએ રશિયામાં હીરાના કટિંગ અને પૉલિશિંગ યુનિટ સ્થાપવાની ઇચ્છા જાહેર કરી છે.

આ નિર્માતા ઇચ્છે છે કે રશિયામાં તેમને કારખાના ઊભાં કરવાની મંજૂરી મળે. જેથી અલરોસાની ખાણોમાંથી નીકળતા હીરા સુધી તેઓ પહોંચી શકે.

ચા

રશિયામાં ચાનો વાર્ષિક ઉપાડ લગભગ 17 કરોડ કિલોગ્રામ જેટલો છે.

ભારતના વાણિજ્ય મંત્રાલય અનુસાર આ ઉપાડમાંથી લગભગ 30 ટકાની પૂર્તિ ભારત કરે છે.

ભારતીય ચા ઉદ્યોગ વર્ષ 2020 સુધીમાં રશિયા માટેની નિકાસ વધારીને 6.5 કરોડ કિલોગ્રામ કરવા માગે છે.

જે હાલમાં 4.5 કરોડ કિલોગ્રામ છે.

ફાર્મા સેક્ટરમાં સહયોગ

ભારત અને રશિયા બન્ને રાષ્ટ્રોમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં સહયોગ વધારવા અંગે સહમતી સધાઈ છે.

રશિયાના ફાર્મા 2020 કાર્યક્રમ અંતર્ગત રશિયામાં કેટલાંક સંયુક્ત સાહસ સ્થાપવામાં આવશે.

તો ભારત પણ ઇચ્છે કે વર્ષ 2020 સુધી દેશની દવાઓની નિકાસ 20 અબજ ડૉલરને પાર કરી જાય.

માર્ગ યોજના

ભારત સરકારે આંતરરાષ્ટ્રીય નૉર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કૉરીડૉર તૈયાર કરવામાં રશિયાની મદદ કરવાની પ્રબળ ઇચ્છા દર્શાવી છે.

આ કૉરિડૉર ભારત, ઇરાન, રશિયા અને એશિયાના બીજા દેશોને ધોરીમાર્ગ સાથે જોડશે.

પરમાણુ ઉર્જા

દેશના કુદનકુલમમાં આવેલા 1000 મેગાવૉટની ક્ષમતા ધરાવતા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના નિર્માણમાં રશિયાએ મદદ કરી છે. આ પ્લાન્ટનાં બે યુનિટ હાલમાં કાર્યરત છે.

વર્ષ 2014ના અંતમાં ભારત સરકારે દાવો કર્યો હતો કે રશિયાની કંપની રૉસ્ટાટૉમ આગામી 20 વર્ષોમાં ભારતમાં ન્યુક્લિઅર ઍનર્જી રિએક્ટર તૈયાર કરશે.

જે પૈકીના 6 રિએક્ટર્સ માટે તામિલનાડુના કુજાનકુલમમાં જગ્યા નક્કી કરવામાં આવી હતી.

જ્યારે બાકીના 6 રિએક્ટર્સની જગ્યા નક્કી થઈ ન હતી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો