મૃતકનાં પત્નીનો સવાલ, 'મારા પતિને કેમ ગોળી મારી દેવાઈ?'

ઇમેજ સ્રોત, VIVEK TIWARI/FACEBOOK
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, લખનઉથી બીબીસી ગુજરાતી માટે
રાજધાની લખનૌમાં ઉત્તર પ્રદેશ પોલીસના એક કૉન્સ્ટેબલની ગોળીથી મૃત્યુ પામેલા વિવેક તિવારીનાં પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેમના પતિની હત્યા કરાઈ છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે આ અંગે જવાબ માગ્યો છે.
ઍપલ કંપનીના મૅનેજર પદે કામ કરતા વિવેક તિવારીને શુક્રવારે મોડી રાતે ફરજ પરના પોલીસ કૉન્સ્ટેબલે તેમની કથિત રીતે સંદિગ્ધ વર્તણૂકને કારણે ગોળી મારી હતી, જેના કારણે રાત્રે જ તેમનું મૃત્યુ થયું હતું.
વિવેક તિવારી પર ગોળી ચલાવનાર પોલીસ કૉન્સ્ટેબલ પ્રશાંત ચૌધરી અને તેમના એક સહકર્મી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને બન્નેની ધરપકડ કરી લેવાઈ છે.
ધરપકડ કરાયેલા પોલીસ કૉન્સ્ટેબલનું કહેવું છે કે તેમણે આત્મરક્ષામાં ગોળી ચલાવી હતી.

'તેઓ મારા પતિને મારી નાખવા માગતા હતા'

ઇમેજ સ્રોત, Vivek Tiwari
બીબીસી સાથેની વાતચીતમાં વિવેક તિવારીનાં પત્ની કલ્પના તિવારીએ કૉન્સ્ટેબલના આ આરોપને ખોટો ઠેરવતાં પોલીસ પર પોતાના પતિના 'ચરિત્રહનન'નો પણ આરોપ લગાવ્યો છે.
કલ્પનાનું કહેવું છે, "જો પોલીસવાળાને કંઈ ખોટું લાગે તો સીધી ગોળી જ મારી દેવાની? ગાડી રોકી પણ શક્યા હોત. તેમની અટકાયત કરીને પૂછતાછ પણ કરી શક્યા હોત."
"ગોળી પગમાં કે હાથમાં પણ મારી શક્યા હોત પણ માથામાં ગોળી મારી એનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ મારા પતિને મારી નાખવા માગતા હતા."
કહેવાય છે કે આ ઘટના ત્યારે થઈ જ્યારે વિવેક તિવારી ઑફિસના એક કાર્યક્રમમાંથી મોડી રાત્રે પોતાનાં એક સહકર્મી સાથે ઘરે પરત ફરી રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોળી ચલાવનાર કૉન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમણે કાર સંદિગ્ધ સ્થિતિમાં જોઈ એટલે વિવેક તિવારીને ઊતરવાનું કહ્યું પણ તેમણે કાર હંકારી મૂકી.
પ્રશાંત ચૌધરીના કહેવા પ્રમાણે, વિવેકે તેમની બાઇક પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો અને એટલે જ આત્મરક્ષામાં તેમણે ફાયરિંગ કર્યું.
જોકે, પરિવારજનોની દલીલ છે કે આત્મરક્ષામાં કોઈ માથાની નજીકથી ફાયરિંગ ન કરે.

શું કહે છે પોલીસ?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશના ઍડિશનલ ડીજીપી આનંદ કુમાર કહે છે, "પોલીસે આ ઘટનાને હત્યાનો કિસ્સો માનીને ફરિયાદ નોંધી છે. બન્ને સિપાહીઓની ધરપકડ કરી લેવાઈ છે અને તેમને જેલ મોકલવાની કાર્યવાહી કરાઈ રહી છે."
એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે ઘટના જોઈને લાગે છે કે ફાયરિંગ કરવું પડે એવી સ્થિતિ નહોતી, એમ છતાં ફાયરિંગ કેમ કર્યું એ વિશે તો ઘટનાની તપાસ પછી જ ખબર પડશે.
ઉત્તર પ્રદેશમાં સુલ્તાનપુરના રહેવાસી વિવેક તિવારીએ મેરઠની એક કૉલેજમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો અને હાલ પોતાનાં પત્ની અને બે દીકરીઓ સાથે લખનૌમાં રહેતા હતાં.
વિવેકનાં મૃત્યુથી તેમના પરિવારમાં શોક અને આક્રોશની લાગણી છે.
તેમનાં પત્નીનું કહેવું છે કે વિવેક એવું કહીને ગયા હતા કે રાત્રે ઘરે આવતા મોડું થશે કારણ કે કંપનીમાં કોઈ મોટું આયોજન હતું.
તેમનું કહેવું છે, "મેં દોઢ-બે વાગ્યે મારા પતિને ફોન કર્યો, પણ જવાબ ન આવ્યો. બે-ત્રણ વખત કૉલ કર્યો એમ છતાં કોઈ જવાબ ન આવ્યો તો ચિંતા થવા લાગી હતી."
"પછી ત્રણ વાગ્યાની આસપાસ કોઈએ ફોન ઉઠાવ્યો અને કહ્યું કે તમારા પતિને ઇજા થઈ છે અને હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે."
કલ્પના તિવારી પૂછે છે કે તેઓ ફોન કરતાં હતાં, એમ છતાં પોલીસે આ અંગે કેમ કોઈ સૂચના ન આપી.
હાલમાં પોલીસ પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













