You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિષ્ણાતોને આશા, 377ની જેમ આધારનો ચુકાદો પણ સુપ્રીમ પલટશે
આધારકાર્ડની અનિવાર્યતા અંગે સુપ્રીમ કોર્ટે બુધવારે શકવર્તી ચુકાદો આપ્યો હતો, પાંચ જજોની ખંડપીઠે બુધવારે આધારકાર્ડને બંધારણીય રીતે કાયદેસર ઠેરવ્યું હતું.
આધાર કાર્ડ સંબંધિત પ્રંરભિક ચુકાદો જસ્ટિસ એ. કે. સીકરીએ વાંચી સંભળાવ્યો. ચુકાદામાં જણાવવામાં આવ્યું છેકે આધાર કાર્ડ ક્યાં જરૂરી રહેશે તથા ક્યાં નહીં.
સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે ખાનગી કંપનીઓ આધાર કાર્ડ માગી ન શકે.
આ બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ. કે. સીકરી, જસ્ટિસ એ. એમ. ખનવિલકર, જસ્ટિસ ચંદ્રચૂડ તથા જસ્ટિસ અશોક ભૂષણનો સમાવેશ થાય છે.
2016માં મોદી સરકાર દ્વારા આધારનો કાયદો લાવવામાં આવ્યો હતો, જેની બંધારણીય કાયદેસરતાને પડકારતી 27 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
નિષ્ણાતોને આશા છે કે ગે સંબંધોને ગેરકાયદેસર ઠેરવતી 377ની કલમને સુપ્રીમ કોર્ટે જ પુનઃવિચાર બાદ નિરસ્ત કરી, તેવું જ આધાર કાર્ડની બાબતમાં પણ થશે.
આપને આ પણ વાંચવું ગમશે
અરજદારોનું કહેવું હતું કે આધારકાર્ડને કારણે 'રાઇટ ટુ પ્રાઇવસી'નો ભંગ થાય છે, જોકે ખંડપીઠે નોંધ્યું હતું કે તેનાથી સમાજના હાંસિયા પર ધકેલાઈ ગયેલા લોકોને ઓળખ મળી છે, જે પ્રાઇવસી કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.
આ અરજીઓ ઉપર 38 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. અરજદારોમાં હાઈકોર્ટના પૂર્વ જજ પુટ્ટુસ્વામીનો પણ સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો બચાવ કરવાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે આધારકાર્ડનો ડેટા સુરક્ષિત છે અને તેના કારણે વચેટિયાઓને દૂર કરવામાં સફળતા મળી છે.
377 જેવું આધાર સાથે થાય તેવી આશા
ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ અમદાવાદનાં પ્રોફેસર તથા અર્થશાસ્ત્રી રિતિકા ખેડાના કહેવા પ્રમાણે, "આ ચુકાદાથી હું ન તો ખિન્ન છું કે ન તો પરાજયભાવ અનુભવું છું.
"આધાર એક્ટની સેક્શન સાત હેઠળની મોટાભાગની મૂળભૂત સેવાઓ માટે આધારને અનિવાર્ય રાખવામાં આવ્યું છે. આથી, ગરીબોને બહુ થોડી રાહત મળશે.
"2013થી સુપ્રીમ કોર્ટે જે આદેશો આપ્યા છે, તેનું સરકારોએ ઉલ્લંઘન કર્યું છે અને વર્તમાન આધાર વ્યવસ્થા 'બાકાત કરવા'ના પાયા પર ઊભી થઈ છે.
"અમે માનીએ છીએ કે આધાર એક્ટને મની બીલ તરીકે પસાર કરાવવું એ 'બંધારણ સાથે છેતરપિંડી' સમાન છે. આ પ્રોજેક્ટ 'સંપૂર્ણપણે' ગેરબંધારણીય છે.
"અમને આશા છે કે સેક્સન 377ની (પુરુષોમાં સજાતીય સંબંધોને ગુનાહિત કૃત્ય ઠેરવતી કલમ) જેમ આધારની લડાઈ પણ ચાલુ રહેશે. 2013માં સુપ્રીમ કોર્ટે તે કલમને માન્ય રાખી હતી, પરંતુ 2018માં નિરસ્ત કરી દેવામાં આવી. એક સમય આવશે, જ્યારે સુપ્રીમ કોર્ટ સર્વાનુમતે આધારને નિરસ્ત કરી દેશે."
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણના કહેવા પ્રમાણે, "આ એક ઐતિહાસિક ચુકાદો છે. તેનાથી સામાન્ય નાગરિકને રાહત મળશે. હવે ખાનગી કંપનીઓ અને બૅન્કો આધાર નંબર નહીં માગી શકે."
આધાર કાર્ડ કેસમાં અરજદાર ઉષા રામનાથને કોર્ટના ચુકાદા બાદ કહ્યું, "લોકોની વ્યક્તિગત માહિતીએ ભવિષ્યનું એવું સંસાધન છે, જેના આધારે સરકાર આવનારા સમયમાં એક અર્થવ્યવસ્થા તૈયાર કરવા માગે છે. આમ કરવું યોગ્ય છે કે નહીં તે એક મોટો સવાલ છે. તે મૌલિક અધિકારો સાથે સંકળાયેલો સવાલ છે. મને નથી લાગતું કે કોર્ટના ચુકાદા બાદ લોકોના મૌલિક અધિકારોની સુરક્ષા થઈ હોય."
રામનાથને ઉમેર્યું, "ચુકાદાની સૌથી મોટી બાબત એ છે કે દેશના ગરીબોને માટે આ યોજના ચાલુ રાખવામાં આવી હોવાનું કારણ જણાવાયું છે. તેમના અધિકારો માટે જ આ કેસ કોર્ટમાં ગયો હતો. આ લોકોએ જ તેમના અધિકારો હાંસલ કરવા તથા તેમની ઓળખને પ્રસ્થાપિત કરવા માટે અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. તેઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે."
ચુકાદાની મહત્ત્વપૂર્ણ બાબતો
- ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા લોકોને આધારકાર્ડ ન મળે તેની વ્યવસ્થા કરવી.
- કાયદા દ્વારા સ્થાપિત સંસ્થાઓ જેમ કે, યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન), CBSE (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન) તથા NEET (નેશનલ એલિજિબ્લિટી ઍન્ડ ઍન્ટ્રેન્સ ટેસ્ટ) આધાર કાર્ડ માગી શકે.
- કોઈ ખાનગી કંપની કે મોબાઇલ કંપની આધારકાર્ડ ન માગી શકે. જેટલો બને તેટલો ઓછો ડેટા માગવો અને છ મહિના સુધી જ આ માહિતીનો સંગ્રહ કરવો.
- બૅન્ક એકાઉન્ટને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી નથી, પરંતુ જો ગ્રાહક ચાહે તો ઓળખપત્ર તરીકે આધારકાર્ડ આપી શકે છે.
- સર્વોચ્ચ અદાલતે આધાર એક્ટની કલમ 57ને નાબુદ કરી હતી, જે મુજબ ખાનગી કંપનીઓ પણ આધારના ડેટા દ્વારા ખરાઈ કરી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
- ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી પરમેનન્ટ અકાઉન્ટ નંબર (પાનકાર્ડ) સાથે આધારને લિંક કરવાને માન્ય રાખવામાં આવ્યું છે. આ ચુકાદો ત્રણ વિરુદ્ધ બે જજના ચુકાદાથી આપવામાં આવ્યો હતો.
- અન્ય ઓળખપત્રોનું અસ્તિત્વ અને માન્યતા યથાવત્ રહેશે.
- સ્કૂલમાં એડમિશન સમયે આધાર નંબર માગી ન શકાય. કોઈપણ બાળકને આધાર વિના સરકારી લાભ આપવાથી વંચિત ન રાખી શકાય.
ખંડપીઠની ટિપ્પણીઓ
- સુપ્રીમ કોર્ટથી બીબીસી સંવાદદાતા નીતીન શ્રીવાસ્તવ જણાવે છે, "સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ સીકરીએ કહ્યું હતું, અમને લાગે છે કે આધારની ખરાઈ માટેની જે વ્યવસ્થા છે, તે પૂરતી છે. ડુપ્લિકેટ આધાર કાર્ડ મેળવવું શક્ય નથી."
- ચુકાદો વાંચ્યા બાદ જસ્ટિસ સિકરીએ હળવાશભર્યાં સૂરમાં કહ્યું, "ભણતરે આપણને અંગૂઠાછાપમાંથી લખતા-વાંચતા કર્યાં અને હવે ટેકનૉલૉજીએ આપણને ફરી અંગૂઠાનો ઉપયોગ કરતા કર્યાં છે."
- આધારકાર્ડ માત્ર 0.232%માં નિષ્ફળ રહે છે, જો તેને નકારવામાં આવે તો આધાર ધરાવતા બાકીના 99 ટકા લોકોને અસર પહોંચે તેમ છે.
- જસ્ટિસ ચંદ્રચૂડે નોંધ્યું કે આધારનો કાયદો ગેરકાયદેસર છે, તેને 'મની બીલ' તરીકે પસાર ન કરાવી શકાય. આ રીતે ડેટા એકઠો કરવાથી 'રાઇટ ટુ પ્રાઇવસી'નો ભંગ થાય છે.
- સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે વહેલી તકે સરકારે ડેટા પ્રોટેક્શનનો કાયદો લાવવો જોઈએ. આ અંગે શ્રીકૃષ્ણ કમિટી તેનો રિપોર્ટ સુપ્રત કરી ચૂકી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો