UNમાં ટ્રમ્પનું ભાષણ સાંભળીને લોકો હસી પડ્યા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ પર આકરો પ્રહાર કરતા કહ્યું છે કે ઈરાને આખા મધ્ય-પૂર્વમાં અંધાધૂંધી, મોત અને વિનાશનું વાતાવરણ ઊભું કર્યું છે.

ટ્રમ્પે આ વાત ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પોતાના 73મી સભામાં કહી હતી. એમણે ઈરાન સાથેના પરમાણુ કરારને રદ કરવાના પોતાના નિર્ણયનો પણ બચાવ કર્યો છે.

એમણે કહ્યું, ''ઈરાનનું નેતૃત્વ પોતાના પાડોશી દેશો, એમની સરહદ અને તેમના સાર્વભૌમત્વનો આદર નથી કરતું. ઈરાનના નેતા દેશના સંસાધનોનો ઉપયોગ પોતાને અમીર બનાવવામાં અને મધ્ય-પૂર્વમાં અરાજકતા ફેલાવવામાં કરી રહ્યા છે.''

ટ્રમ્પે એમ પણ કહ્યું કે એમના વહીવટીતંત્રે અમેરિકાના ઇતિહાસમાં અન્ય ''કોઈની સરખામણીમાં ઘણાં'' કામ કર્યાં છે.

એમની આ વાતો સાંભળી લોકો હસી પડ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

લોકોને હસતા જોઈ ટ્રમ્પ પણ હસી પડ્યા અને કહ્યું, મેં આવી પ્રતિક્રિયાની આશા રાખી નહોતી. ત્યાર બાદ ટ્રમ્પે ફરીથી પુનરાવર્તન કર્યું કે અમેરિકા પહેલાં આટલું મજબૂત, અમીર કે સુરક્ષિત ક્યારેય નહોતું.

ઉત્તર કોરિયા પર નરમ, ચીન પર ગરમ

ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયા સાથે અમેરિકાના નરમ અને ચીન સાથેના કડક વલણનો પણ બચાવ કર્યો.

આ બધી વાતો ઉપરાંત ટ્રમ્પનાં ભાષણનો સાર એ કહી શકાય કે તે દુનિયામાં અમેરિકાને પોતાની મરજી પ્રમાણે ચાલવા અંગેની તરફેણ કરી હતી.

એમણે કહ્યું, “હું દરેક દેશના પોતાની પરંપરા, વિશ્વાસ અને રીત-રિવાજોને માનવાના અધિકારનું સન્માન કરું છું. તમારે કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે કામ કરવું જોઈએ કે કોની પૂજા કરવી જોઈએ એ વિશે અમેરિકા તમને નહીં જણાવે. અમે તમને માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે એના બદલામાં તમે અમારા સાર્વભૌમત્વનો આદર કરો.”

બીબીસીના વ્યૂહાત્મક સંવાદદાતા જેમ્સ રોબિન્સનું વિશ્લેષણ

રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાષણમાંથી જો તાત્કાલિક કોઈ હેડલાઈન બનાવવી હોય તો એ બની શકે કે તે ઉત્તર કોરિયાને બદલે તે, હવે ઈરાનનું સૌથી મોટું દુશ્મન બની ગયું છે. પણ એમના ભાષણમાં આ ઉપરાંત ઘણું બધું હતું.

ગયા વર્ષે ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર અને એના એક કરતાં વધારે પક્ષોની તરફેણ કરવાના વલણ પર જે પ્રહાર કર્યો હતો તેનું અત્યારે વિશાળ રૂપ જોવા મળ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર પોતાના સભ્યોની સાથે મળીને એક લક્ષ્યની પ્રાપ્તિની તરફેણ કરે છે અને ટ્રમ્પ એની ટીકા કરે છે.

ટ્રમ્પે પોતાના ભાષણમાં વૈશ્વિકતાની નિંદા કરી છે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટને પણ બાકી રાખી નથી. ટ્રમ્પના આ વખતના ભાષણમાં રાષ્ટ્રવાદ અને દેશના સાર્વભૌમત્વ માટેનો પ્રેમ ઊડીને આંખે વળગે તેવા હતા.

ટ્રમ્પ માટે રાષ્ટ્રવાદ જ એક માત્ર રસ્તો છે જે અમેરિકાના લોકોના અધિકાર અને આઝાદીની રક્ષા કરી શકે તેમ છે.

ટ્રમ્પે બીજું શું કીધું?

  • ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ વ સંગઠનની આકરી ટીકા કરી અને કહ્યું કે તે ડબલ્યૂટીઓ તરફથી વધારે ''શોષણ'' સહન નહીં કરે.
  • એમણે ચીન પર બૌધ્ધિક સંપદાની ચોરીનો આરોપ લગાડ્યો. ટ્રમ્પે કહ્યું કે ચીનના આવાં કામોને લીધે જ અમેરિકા અને ચીન વચ્ચે “ટ્રેડ વૉર”ની પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
  • એમણે વૈશ્વિકતાને રદિયો આપ્યો અને દેશભક્તિની પ્રશંસા કરી.
  • ટ્રમ્પે જણાવ્યું કે ગેરકાયદે આવતા પ્રવાસીઓને કારણે ગુનેગારોને નેટવર્ક બનાવવામાં મદદ મળે છે અને સ્થાનિક લોકોને અડચણો ઊભી થાય છે.
  • એમણે કહ્યું કે સ્થાળાંતર અને પ્રવાસ જેવા મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાના હાથમાં સોંપી ના શકાય. ટ્રમ્પે કહ્યું કે જે દેશોના લોકો સ્થળાંતર કરી અન્ય સ્થળે જાય છે એ દેશોએ પોતાના વ્યક્તિઓની મદદ કરવી જોઈએ.

ઇમેન્યૂઅલ મેક્રોને આપ્યો જવાબ

ટ્રમ્પના ભાષણ બાદ બોલનારા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મૅક્રૉંને કહ્યું કે એમણે સાર્વભૌમત્વના સિદ્ધાંતને માનવાની ક્યારેય ના પાડી નથી પણ આનો ઉપયોગ શસ્ત્ર તરીકે ના કરવો જોઈએ.

મૅક્રૉં કહ્યું કે આ અંગે વાતચીત અને સંવાદ થવા જોઈએ. એમણે કહ્યું, હું સાર્વભૌમત્વના સિધ્ધાંતને એવા રાષ્ટ્રવાદીઓના હાથમાં ના સોંપી શકું કે જે આપણા સિધ્ધાંતો પર આક્રમણ કરવા માટે એનો ઉપયોગ કરે છે.

મેક્રોને કહ્યું કે તેઓ સૌથી શક્તિશાળી દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં વિશ્વાસ મૂકતા નથી.

એમણે કહ્યું, ''હું વૈશ્વિક સંતુલનમાં માનું છું. 21 મી સદીમાં મજબૂત એક કરતા વધારે પક્ષોના વલણને માન આપ્યા વગર આપણે જીતી ના શકીએ.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો