BBC Exclusive: “અમેરિકા, રશિયા અને ચીન સાથે બરોબરીના સંબંધની સ્થિતિમાં છે ભારત”

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના આગામી નાયબ રાષ્ટ્રીય સલામતી સલાહકાર પંકજ સરન માને છે કે વિદેશ નીતિના ઉદ્દેશોના સંદર્ભમાં ભારતે તેના પાડોશી દેશો સાથેના સંબંધને અગ્રતા આપવી પડશે.

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોભાલ સાથે કામ કરવા માટે નિયુક્ત થયેલા પંકજ સરન એવું પણ માને છે કે અમેરિકા, રશિયા અને ચીન જેવા ત્રણ મોટા રાષ્ટ્રો સાથે હવે ભારત બરોબરીનો સંબંધ રાખવાની સ્થિતિમાં છે.

કોણ છે પંકજ સરન?

1958ની 22 નવેમ્બરે જન્મેલા પંકજ સરન હાલ રશિયામાં ભારતના રાજદૂત તરીકે કાર્યરત છે.

પંકજ સરનની નાયબ રાષ્ટ્રીય સલામતી સલાહકાર તરીકે કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ ગત 29 મેએ કરી હતી.

પંકજ સરને દિલ્હીની હિંદુ કોલેજમાંથી બી.એ. (ઓનર્સ)નો અભ્યાસ કર્યો છે, જ્યારે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.

ઓગસ્ટ, 1982માં ભારતીય વિદેશ સેવામાં જોડાયેલા પંકજ સરન મોસ્કો, વોશિંગ્ટન ડી સી, કૈરો અને ઢાકાસ્થિત ભારતીય એલચી કચેરીમાં ફરજ બજાવી ચૂક્યા છે.

તેમણે 2007થી 2012 સુધી વડાપ્રધાનની ઓફિસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.

ટેનિસ, ગોલ્ફ રમવાના શોખીન

ભારત અને બંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક જમીન સીમા કરાર પર 2015માં સહીસિક્કા થયા ત્યારે પંકજ સરન બંગલાદેશમાં ભારતીય હાઈ કમિશનર તરીકે ફરજરત હતા.

તેઓ પ્રીતિ સરનને પરણ્યાં છે. પ્રીતિ સરન પણ ભારતીય વિદેશ સેવાનાં અધિકારી છે.

ટેનિસ, ગોલ્ફ તથા બ્રીજ રમવાના અને વાંચવાના શોખીન પંકજ સરન બે પુત્રોના પિતા છે.

પંકજ સરને નાયબ રાષ્ટ્રીય સલામતી સલાહકાર તરીકે નિમણૂંક થયા બાદ તેમનો સૌપ્રથમ એક્સક્લૂસિવ ઈન્ટર્વ્યૂ તાજેતરમાં રશિયા ગયેલા બીબીસી હિન્દીના નિતિન શ્રીવાસ્તવને આપ્યો હતો. એ ઈન્ટર્વ્યૂના મહત્વના અંશો અત્રે પ્રસ્તુત છે.

તમામ દેશો સામે પડકાર

સવાલઃ રાષ્ટ્રીય સલામતીના સંદર્ભમાં ભારત સામે વિવિધ પડકારો છે. કાશ્મીર હોય કે દક્ષિણ ભારત, પૂર્વ હોય કે પશ્ચિમ ભારત, આંતરિક સલામતીનો પડકાર મોટો છે. આ બધા પડકારો ક્યા છે અને તમે હોદ્દો સંભાળશો ત્યારે તમારી અગ્રતા શું હશે?

જવાબઃ આ પ્રકારના પડકારોનો સામનો કરતો હોય તેવો વિશ્વનો એકમાત્ર દેશ ભારત નથી. આવા પડકારોનો સામનો અન્ય દેશો પણ કરી રહ્યા છે.

ભારતમાં આ પડકાર થોડો ઉગ્ર છે, કારણ કે ભારત એક સંકુલ રાષ્ટ્ર છે. તેમાં વ્યાપક સમસ્યાઓ છે.

આપણી વસતિ મોટી છે. આપણી અપેક્ષા અને આકાંક્ષા પણ એક પડકાર છે, કારણ કે ભારતીય અર્થતંત્ર એકધારી ગતિથી આગળ વધે તેવું આપણે નથી ઇચ્છતાં.

આપણી આકાંક્ષા ઝડપી વૃદ્ધિની છે. આ બધાને ધ્યાનમાં રાખીને આપણે નવી રીતે વિચારવું પડશે.

સૌપ્રથમ તો આપણે આપણા માટે નિર્ણયો લેવા પડશે. આગામી દસ-વીસ વર્ષમાં આપણે કેવું ભારત ઇચ્છીએ છીએ એ નક્કી કરવું પડશે.

ભારતની આગળ વધે એ માટે શું કરવું પડશે એવું બધું વિચારીને અગ્રતાક્રમ નક્કી કરવો પડશે.

પાડોશી દેશો અને વિદેશ નીતિ

સવાલઃ પાકિસ્તાન, બંગલાદેશ, નેપાળ અને શ્રીલંકા જેવા પાડોશી દેશોની વાત કરીએ તો ભારતની વિદેશ નીતિ સંદર્ભે ક્યા-ક્યા પડકારો છે?

જવાબઃ પાકિસ્તાન હોય કે બંગલાદેશ, અલગ-અલગ દેશ સાથે આપણે અલગ-અલગ પ્રકારનો સંબંધ છે.

કોઈ પણ દેશ માટે સૌથી મોટો તથા મહત્ત્વનો પડકાર પાડોશી દેશને સર્વોચ્ચ અગ્રતા આપવાનો હોય છે.

પાડોશી દેશોને અગ્રતા આપવી જોઈએ એવી તમારી વાત સાથે હું સહમત છું.

એ આપણી વિદેશ નીતિની મુખ્ય બાબત હોવી જોઈએ.

સવાલઃ વિદેશ નીતિના સંદર્ભમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પાડોશી દેશો સાથેનો સંબંધ સારો નથી. તમે આ બાબતે શું માનો છો?

જવાબઃ પાડોશી દેશો સાથે સંબંધ સુધારવાના આપણા પ્રયાસ સતત ચાલતી પ્રક્રિયા છે અને તેમાં ચડઉતર થતી રહે છે.

આપણી તથા પાડોશી દેશોની સલામતી, આર્થિક પરિસ્થિતિ કઈ રીતે બહેતર બનાવી શકાય અને પાડોશી રાષ્ટ્રો સાથેની કનેક્ટિવિટી તથા વ્યાપાર કઈ રીતે વધારી શકાય તેના પર વધારે ભાર મૂકાવો જોઈએ.

આપણે આપણી નીતિઓ મારફત એવો સમુદાય સર્જવો જોઈએ, જ્યાં આપણા પાડોશીઓને પણ લાગે કે સાથે મળીને નીતિનું અનુસરણ કરવાથી તેમને લાભ થશે.

મોટા દેશો સાથે ભારતનો વ્યવહાર

સવાલઃ ચીન સાથેના સંબંધમાં ચડાવઉતાર આવતા રહે છે અને ડોકલામ જેવી ઘટનાઓ પણ બની છે. ભારતની વિદેશ નીતિ કેવી હોવી જોઈએ અને ચીન જેવા પાડોશી તથા અમેરિકા જેવા મોટા દેશો સાથે ભારતનો વ્યવહાર કેવો હોવો જોઈએ?

જવાબઃ હું મારું નવું પદ સંભાળીશ ત્યારે આ સવાલનો વિગતવાર જવાબ આપીશ, પણ અત્યારે જરૂરી છે એટલું જ કહીશ.

ચીન હોય, રશિયા હોય કે અમેરિકા હોય, ભારત શક્તિશાળી દેશો સાથે અલગ-અલગ રીતનો સંબંધ રાખવાની સ્થિતિમાં પહોંચી ગયું છે.

આ ત્રણેય દેશ સાથે આપણે મજબૂત સંબંધ છે અને દરેક સાથેના સંબંધમાં ચોક્કસ પડકાર પણ છે.

આપણે એક રાષ્ટ્રની તુલના બીજા દેશ સાથે કરી ન શકીએ, પણ એ રાષ્ટ્રો સાથેના સંબંધને આપણે આગળ વધારીએ એ જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો