સિક્કિમમાં મોદીએ જે ઍરપૉર્ટનું ઉદ્ઘાટન કર્યું એની ખૂબસૂરતી જોઈ?

ભારતના એકસોમા ઍરપૉર્ટનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈશાન ભારતીય રાજ્ય સિક્કિમમાં સોમવારે કર્યું હતું. આ ઍરપૉર્ટ વિશ્વનાં સૌથી સુંદર ઍરપૉર્ટ પૈકીનું એક છે તેમાં કોઈ શંકા નથી.

સિક્કિમ અગાઉ હિમાલયનું રાજ્ય હતું. વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી ઊંચું પર્વતશિખર કાંચનજંગા સિક્કિમમાં જ આવેલું છે.

હવે ભારતનું આ રાજ્ય તિબેટ, ભુતાન અને નેપાળ જેવા દેશો સાથે આઠ પર્વતીય માર્ગોથી જોડાયેલું છે.

રાજ્યની રાજધાની ગેંગટોકથી આશરે 30 કિલોમિટર દૂર પાક્યોંગ ખાતે સિક્કિમનું આ સૌપ્રથમ ઍરપૉર્ટ આકાર પામ્યું છે.

પર્વતીય વિસ્તારમાં બનાવવામાં આવેલા આ ઍરપૉર્ટને 'એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ' ગણાવવામાં આવે છે.

ચીન સાથેની સરહદથી આશરે 60 કિલોમીટર દૂર પાક્યોંગ ગામની પહાડી પરનું આ ઍરપૉર્ટ સમુદ્રની સપાટીથી 1,371 મીટરની ઊંચાઈ પર આવેલું છે અને તે 201 એકર જમીનમાં ફેલાયેલું છે.

ઍરપૉર્ટના 1.75 કિલોમિટર લાંબા રનવેના બન્ને છેડે ઊંડી ખીણ છે. ઍરપૉર્ટમાં બે પાર્કિંગ લૉટ્સ અને એક ટર્મિનલ બિલ્ડિંગ છે, જે એકસમયે 100 પ્રવાસીઓને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ ઍરપૉર્ટ માટે રનવેનું નિર્માણ 'પુંજ લોયડ' નામની ભારતીય કંપનીએ કર્યું છે.

કંપનીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, મુશ્કેલ ભૂગોળ અને અણધાર્યા હવામાનને કારણે નવ વર્ષ સુધી ચાલેલો આ પ્રોજેક્ટ "અત્યંત પડકારરૂપ અને ઉત્તેજનાસભર" બની રહ્યો હતો.

એન્જિનિયરોએ જણાવ્યું હતું કે મુખ્ય પડકાર ઍરપૉર્ટના સ્થળે 'હેવી અર્થવર્ક કન્સ્ટ્રક્શન' અને પર્વતોના સાંકડા રસ્તાઓ મારફતે મોટાં સાધનો ઍરપૉર્ટ સુધી પહોંચાડવાનો હતો.

સિક્કિમમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ચાલતું હોય છે. તેથી એ સમયગાળામાં કામ ખોરવાતું રહ્યું હતું.

ખડકાળ ઢાળ ધરાવતા પ્રદેશમાં એન્જિનિયરોએ ભારે કંપનના પડકારનો સામનો પણ કરવો પડ્યો હતો.

ઊંડી ખીણમાં 263 ફીટ ઊંચી દિવાલ બાંધીને રચાયેલી જમીન પર રનવે સહિતના સમગ્ર ઍરપૉર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

'પુંજ લોયડ'ના જણાવ્યા મુજબ, એ દિવાલ વિશ્વની સૌથી ઊંચી 'રિઇન્ફૉર્સમન્ટ' દિવાલ પૈકીની એક છે.

પાક્યોંગ ઍરપૉર્ટ પરથી વેપારી ધોરણે વિમાન સેવા ચોથી ઑક્ટોબરથી શરૂ કરવામાં આવશે.

સંખ્યાબંધ પર્વતો, હિમક્ષેત્ર અને ઊંચાઈ પર સરોવરો ધરાવતા સિક્કિમમાં આ ઍરપૉર્ટ પ્રવાસનને ભારે આપશે એવું મનાઈ રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો