'લવયાત્રી'ના ગીતમાં અવિનાશ વ્યાસને ક્રૅડિટ તો મળી પણ...

લવયાત્રી ફિલ્મની તસવીર

ઇમેજ સ્રોત, lOVEYATRI/TWITTER

    • લેેખક, સમિના શેખ
    • પદ, બીબીસી ગુજરાતી

1976માં આવેલી ગુજરાતી ફિલ્મ 'સોનબાઈની ચૂંદડી'માં ગરબા રૂપે ગવાતું ગીત 'હે રંગલો જામ્યો કાલંદરીને ઘાટ, છોગાળા તારા...' હિંદી ફિલ્મ 'લવયાત્રી'માં લેવાયું છે.

જોકે, ગુજરાતી ગીતોની ધુનનો પ્રયોગ હિંદી ફિલ્મમાં થયો હોય એવો આ પ્રથમ કિસ્સો નથી.

'સોનબાઈની ચૂંદડી' રિલીઝ થઈ એનાં ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 1979માં આવેલી 'સુહાગ' ફિલ્મમાં 'છોગાળા તારા...'ની ધુન વપરાઈ હતી.

એ ધુન અવિનાશ વ્યાસે રચી હતી. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં એ કિસ્સાને વર્ણવ્યો.

ગૌરાંગ વ્યાસે જણાવ્યું, ''સુહાગ ફિલ્મનું ગીત 'ઓ શેરોવાલી' આશા ભોસલેએ ગાયું હતું. મૂળ ગુજરાતી ગીત "છોગાળા તારા" પણ એમણે જ ગાયું હતું.''

'''સુહાગ'માં સંગીત આપનારા સંગતીકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ 'છોગાળા તારા'ને લોકગીત માનતા હતા. જોકે, આશા ભોસલેએ આ મુદ્દે તેમનું ધ્યાન દોર્યું.''

ગૌરાંગ ઉમેરે છે, ''એ બાદ લક્ષ્મીકાંતજીએ જાતે ફોન કરીને અવિનાશભાઈની માફી માગી હતી અને 'સુહાગ'માં એમની ધુન વાપરવા માટે પરવાનગી માગી હતી.''

line

'અસલ ગીતને લોકગીત કઈ રીતે માની લેવાય?'

દર્શન રાવલ

ઇમેજ સ્રોત, Darshan Raval/FB

'લવયાત્રી' ફિલ્મમાં 'છોગાળા તારા' ગીતના ગાયક અને ગીતને લખનાર તરીકેની ક્રૅડિટ મેળવનારા ગુજરાતી કલાકાર દર્શન રાવલ સાથે બીબીસીએ આ અંગે વાત કરી.

તેમણે જણાવ્યું,'' મ્યુઝિક કંપની કોઈ પણ ગીત વાપરે ત્યારે એને જાણ હોય જ છે કે એ ગીતના અસલ કલાકાર કોણ છે.''

તેમના જણાવ્યા અનુસાર રૅકૉર્ડિંગ વખતે જ ગીત અવિનાશ વ્યાસનું હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

તેઓ એવું પણ જણાવે છે કે આ અંગે ગૌરાંગ વ્યાસે તેમને ફોન કર્યો હતો. જે બાદ અવિનાશ વ્યાસને ક્રૅડિટ અપાઈ હતી.

line

ક્રૅડિટ અપાઈ પણ...

લવયાત્રી ફિલ્મની તસવીર

ઇમેજ સ્રોત, Gaurang vyas

ઇમેજ કૅપ્શન, ફરિયાદને પગલે 'સલમાન ખાન પ્રૉડક્શન્સ' દ્વારા ફિલ્મના ગીતમાં અવિનાશ વ્યાસને અપાયેલી ક્રૅડિટનો સ્ક્રિન શૉટ જે બીબીસીને ગૌરાંગ વ્યાસે મોકલ્યો.

આ અંગે વાત કરતા ગૌરાંગભાઈ ઉમેરે છે, "દર્શન રાવલ ગુજરાતી અને મૂળ અમદાવાદી છોકરો છે તો એણે પણ નાનપણથી આ ગરબો ચોક્કસપણે સાંભળ્યો હશે જ.''

જોકે, કોઈ કલાકારના અસલ ગીતને લોકગીત કઈ રીતે માની લેવાય એવો સવાલ પણ તેઓ પૂછે છે.

તેઓ ઉમેરે છે, ''અવિનાશભાઈના ગીતો, ગરબાઓ અને ધુનો વર્ષોથી એટલાં પ્રખ્યાત થયાં છે કે લોકોએ એને લોકગીત માની લીધાં છે. જોકે, એ હંમેશાં એમના જ લખેલાં જ ગણાશે."

જોકે, 'છોગાળા તારા' ગીતને લઈને 'લવયાત્રી' ફિલ્મની ટીમને ફરિયાદ કરતા તેમણે ઉપર દર્શાવેલી તસવીર પ્રમાણે ક્રૅડિટમાં સુધારો કર્યો છે.

સલમાન ખાન પ્રૉડક્શન હાઉસ દ્વારા "અમને જાણ નહોતી કે આ લોકગીત નથી" એવો સ્વીકાર કરીને ગૌરાંગ વ્યાસ સાથે થયેલી વાતચીત પ્રમાણે ક્રૅડિટ અપાઈ છે.

જોકે, એમાં પણ 'લોકગીત' વાળી વાત તો હજુ પણ હટાવાઈ નથી જ.

line

'અવિશાન વ્યાસના આદર માટે પણ તસ્દી ના લીધી?'

ડાબેથી ત્રીજા: કિશોર કુમાર, ગૌરાંગભાઈ વ્યાસ, અવિનાશભાઈ વ્યાસ અને નિરંજનભાઈ મેહતા

ઇમેજ સ્રોત, Niranjan Mehta

ઇમેજ કૅપ્શન, કિશોર કુમાર સાથે અવિનાશ વ્યાસની તસવીર

અવિનાશ વ્યાસના અંગત મિત્ર નિરંજન મહેતા આ મામલે જીણવટથી રસ લઈ રહ્યા છે.

બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું, "મુંબઈમાં બેઠેલા લોકો અજ્ઞાત હોય એ માની શકાય, પણ ફિલ્મ સાથે જોડાયેલા ગુજરાતી કલાકારોએ પણ આ અંગે તપાસ ના કરી એ બહુ કહેવાય.''

તેઓ આરોપ લગાવે છે,''ફિલ્મના ગુજરાતી કલાકારોએ પણ તસ્દી ના લીધી કે અવિનાશ વ્યાસ પ્રત્યે થોડો આદર દાખવીએ''

આ મામલે સલમાન ખાનનાં બહેન અર્પિતાનો સંપર્ક કરાયો હોવાનું નિરંજન મહેતા ઉમેરે છે. ફિલ્મમાં અર્પિતાના પતિ આયુષ શર્મા મુખ્ય કલાકાર છે.

નિરંજન મહેતાના જણાવ્યા અનુસાર ફિલ્મ હાઉસને જાણ જ નહોતી કે 'છોગાળા તારા' એ લોકગીત નહીં પણ અવિનાશ વ્યાસનું ગીત છે.

line

'ચોરી એ ચોરી જ'

મન મોર બની થનગાટ કરેની યુટ્યુબ ક્રેડિટ

ઇમેજ સ્રોત, YOUTUBE GRAB

ઇમેજ કૅપ્શન, 'મન મોર બની થનગાટ કરે' ગીતને 'ઇરોઝ'ની યુટ્યુબ ચેનલ પર અપાયેલી ક્રેડિટ

ગૌરાંગભાઈના ઘરે જ્યારે આ મામલે ચર્ચા થઈ રહી હતી ત્યારે ગુજરાતી કવિ અંકિત ત્રિવદી પણ ત્યાં હાજર હતા.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, ''કોઈ ગીતમાંથી પ્રેરણા લેવી અને કોઈ ધુનની ઉઠાંતરી કરવી એ બન્ને અલગઅલગ બાબત છે. આખરે ચોરી એ ચોરી જ છે.''

'લવયાત્રી' પહેલાં આવેલી 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા' ફિલ્મમાં ઝવેરચંદ મેઘાણીજીની કૃતિ 'મન મોર બની થનગાટ કરે' લેવામાં આવી હતી.

એ વખતે ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ ફિલ્મના ટાઇટલમાં મેઘાણીને ક્રૅડિટ આપી હતી, પણ યુટ્યુબમાં આજે પણ ગીતકાર તરીકે ઉપર દર્શાવેલી તસવીર પ્રમાણેની વિગતો જોવા મળે છે.

line

ગુજરાતી ગીતોમાંથી પ્રેરણા

અવિનાશભાઈ વ્યાસ

ઇમેજ સ્રોત, NIRANJAN MEHTA

ઇમેજ કૅપ્શન, અવિનાશ વ્યાસ

ગુજરાતી ગીતોના આધારે હિંદી ફિલ્મોની ધુન બની હોય એવા કેટલાય કિસ્સા મોજૂદ છે.

વર્ષ 1951માં આવેલી 'મલ્હાર' ફિલ્મમાં સમાવેશ કરાયેલું 'બડે અરમાનો સે રખા હૈ કદમ' ગીત પણ ગુજરાતી ધુન પર આધારિત હતું.

એ ગીત વર્ષ 1948માં આવેલી ગુજરાતી ફિલ્મ 'ગુણસુંદરી'નું ગીત 'ઓ ભાભી તમે થોડાં થોડાં વરણાગી'ની ધુન પર તૈયાર કરાયું હતું. 'ગુણસુંદરી' ફિલ્મમાં અવિનાશ વ્યાસે સંગીત આપ્યું હતું.

ગુજરાતી ગઝલ 'કહું છું જવાનીને પાછી વળી જા'ની ધુન પરથી જ 1980માં આવેલી હિંદી ફિલ્મ 'ધ બર્નિંગ ટ્રેન'નું ગીત 'પલ દો પલ કા સાથ હમારા' તૈયાર કરાયું હતું.

નોંધનીય છે કે ગુજરાતી ગઝલને અવિનાશ વ્યાસે જ સંગીતબદ્ધ કરી હતી.

line

'લવરાત્રિ'નું નામ બદલીને 'લવયાત્રી' કેમ કરવું પડ્યું?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

'લવયાત્રી' ફિલ્મનું નામ પહેલાં 'લવરાત્રી' રખાયું હતું.

જોકે, નામને લઈને વિવાદ સર્જાતા ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું.

સલમાને મંગળવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે 'લવરાત્રિ'નું નામ બદલીને 'લવયાત્રી' કરવામાં આવ્યું છે.

આ બાબતે મજાક કરતા સલમાને એવું પણ લખ્યું હતું કે 'આ સ્પેલિંગ મિસ્ટેક નથી.'

વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાના નવા સંગઠન 'હિંદુ હી આગે'ના આગરા એકમના પ્રમુખ ગોવિંગ પરાશરે સલમાન ખાનની ધોલાઈ કરનારને ઇનામ તરીકે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત 31 મેએ કરી હતી.

ગોવિંગ પરાશરે આક્ષેપ કર્યો હતો કે સલમાન ખાને તેની ફિલ્મનું નામ 'લવરાત્રિ' રાખીને હિન્દુઓની લાગણી દુભાવી છે.

કોઈએ લીધેલા વાંધાને કારણે ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી.

આ પહેલાં 'પદ્માવતી'નું નામ બદલીને 'પદ્માવત', કરાયું હતું. 'જાફના'નું નામ બદલી 'મદ્રાસ કેફે' કરાયું હતું. એવી જ રીતે 'બિલ્લુ બાર્બર'નું નામ'બિલ્લુ' કરાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો