You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તેલંગણાનું એ ગામ જે 'રાતોરાત સ્મશાન'માં ફેરવાઈ ગયું
- લેેખક, દિપ્તિ બત્તિની
- પદ, બીબીસી તેલુગુ સંવાદદાતા
અમે એ વાત વિચારી રહ્યા હતા કે અમારે દવાખાનામાં શું લઈને જવું જોઈએ અને શું નહીં. હું એને મૂકવા માટે બસ સ્ટોપ સુધી ગયો. તે હસી અને હાથ હલાવી અને બાય કહ્યું....પણ મને શું ખબર કે તે મને અલવિદા જ કહી રહી હતી.
બરફની પાટ પર રાખેલાં મા અને પત્નીના મૃતદેહ જોઈને સુરેશ આ જણાવતા પોક મૂકી રડી પડ્યા.
સનિવારમપેટાના રહેવાસી સુરેશનાં પત્ની ગર્ભવતી હતાં અને એના ગર્ભમાં બે જોડિયાં બાળકો ઉછરી રહ્યાં હતાં.
મંગળવારે તેલંગણાના જગતિયાલ જિલ્લામાં થયેલી બસ દુર્ઘટનામાં તેમણે તેમની પત્ની અને ના જન્મેલાં જોડિયાં બાળકો જ નહીં પણ તેમની માતા અને સાસુને પણ હંમેશાં માટે ગુમાવી દીધાં હતાં.
સુરેશ ખેતરમાં કામ કરે છે. એ દિવસ પણ રોજ જેવો જ હતો.
એમણે નક્કી કર્યું હતું કે પહેલાં તેઓ ખેતરમાં જશે અને જલદી કામ પતાવી કરીમનગર હૉસ્પિટલમાં જશે જ્યાં તેમનાં પત્ની બાળકોને જન્મ આપવાનાં હતાં.
જોકે, એમને ક્યાં ખબર હતી કે તેઓ એમની પત્નીને કે છેલ્લા 9 મહિનાથી જેમની રાહ જોઈ રહ્યા છે તે બાળકોને હવે જોઈ નહીં શકે.
આ દુર્ઘટનાએ તેમને સંપૂર્ણ રીતે હચમચાવી નાખ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
સુરેશના ઘરથી થોડાક અંતરે એક ઘર આવેલું છે જ્યાં શોકનું વાતાવરણ પ્રસરી રહ્યું છે.
આ પરિવારે બસ દુર્ઘટનામાં પોતાના ત્રણ વર્ષના દીકરા હર્ષવર્ધનને ગુમાવ્યો છે.
હર્ષ અને એમની માતા લક્ષ્મી સનિવારમપેટા પણ એ બસમાં મુસાફરી કરી રહ્યાં હતાં.
હર્ષને ભારે તાવ ચડ્યો હતો અને એમના માતા એને જગતિયાલ હૉસ્પિટલ લઈને જઈ રહ્યાં હતાં.
દુર્ઘટનામાં 58 લોકોનાં મોત
દુર્ઘટનામાં લક્ષ્મીની પાંસળીઓ પણ તૂટી ગઈ છે, પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને માથા પર ઇજા થઈ છે પણ આ ઇજા દીકરાને ગુમાવવાના દુ:ખ આગળ કશું જ નથી.
જગતિયાલ જિલ્લાના પાંચ ગામોમાં અત્યારે શોકનું વાતાવરણ છવાયેલું છે.
મંગળવારે તેલંગણા રાજ્ય પરિવહનની એક બસ ખીણમાં પડી જવાને કારણે 58 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 20 લોકોને ગંભીરપણે ઇજા થઈ હતી.
આ પાંચેય ગામોમાં મંગળવારે એક જેવું જ વાતાવરણ હતું. મોટા ભાગનાં ઘરોની બહાર ટેન્ટ લાગેલા હતા.
ઘરોમાંથી રડવાના અવાજ સંભળાઈ રહ્યા હતા. ઘરની બહાર ટેન્ટ નીચે બરફનાં બૉક્સ મૂકેલાં હતાં અને ગામોમાં ઍમ્બુલન્સ ઊભેલી હતી.
કોઈ પરિવારે તેમના ઘરના વડીલને ગુમાવ્યા હતા. કોઈએ પોતાનાં બાળકોને તો કોઈએ પોતાની પત્નીને.
દેવુતમાઈપલ્લીના કે જી રાજૂ રડતાં રડતાં એક જ વાત કહેતા હતા કે મેં મારા માતાપિતાને કહ્યું હતું કે હું એ દિવસે નહીં જાઉં પણ.
મારાં મા, મારી નાની બહેનને મળવા જઈ રહ્યાં હતાં અને મારા પિતા પોતાના મિત્રને મળવા જગતિયાલ જઈ રહ્યા હતા.
બન્નેએ નક્કી કર્યું હતું કે પોત પોતાનાં કામ પતાવી તેઓ જગતિયાલમાં મળશે અને ત્યારબાદ રાતના ભોજન સુધી તેઓ ઘરે પાછા ફરી જશે.
મેં એમને કહ્યું પણ હતું કે તેઓ આજે ના જાય પણ તેઓ ગયાં અને પાછા ઍમ્બુલન્સમાં આવ્યાં.
પોતાની બહેનને આશ્વાસન આપતાં વૈંકેયમ્મા જણાવે છે, "રાતોરાત અમારું ગામ સ્મશાનમાં ફેરવાઈ ગયું છે.''
આ દુર્ઘટનામાં વૈંકેયમ્માની બહેને પોતાના પતિને ગુમાવી દીધાં છે.
વૈંકેયમ્માના દીકરાની દીકરી લતા એક આશા વર્કર છે.
તે જણાવે છે કે હું અને મારી બહેનપણીઓ હંમેશાં કહેતી કે જે રીતે આ બસો ઓવરલોડ ફરે છે એ જોતાં લાગે છે કે એક દિવસ નક્કી કોઈ મોટી દુર્ઘટના થશે. અને એમ જ થયું.
બસમાં 100 લોકો સવાર હતા
એમણે કહ્યું, ''બસ કાયમ વધારે જ ભરાયેલી હોય છે. ઘાટ રોડથી જેવી બસ વળે છે કે બીક લાગે છે કે કશું થઈ ના જાય."
"અમારામાંથી ઘણા લોકોએ ડ્રાઇવરને ઘણી વખત કહ્યું પણ છે કે ઘાટ રોડવાળા રસ્તે ના જાવ. જુઓ શું થઈ ગયું.''
જગતિયાલ બસ ડેપોએ આપેલા સત્તાવાર આંકડા અનુસાર બસમાં લગભગ 100 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં.
કોંડાગટ્ટુને મંદિરોનું શહેર માનવામાં આવે છે. ઘાટ રોડના અંતમાં કેટલીક નાનકડી દુકાનો આવેલી છે, જ્યાં પૂજા પાઠનો સામાન મળે છે.
દુર્ઘટના કોંટાગટ્ટ બસ સ્ટોપથી માત્ર 200 મીટર દૂર આવેલા ઘાટ રોડના છેલ્લાં વળાંકે બની હતી.
વિકલાંગ બી શ્રીનિવાસ રાવની પણ એક નાની દુકાન આ વળાંક પર જ છે.
એમણે જણાવ્યું કે ઘટના પછી ઇમર્જન્સી સેવાઓને ફોન કરીને અકસ્માતની માહિતી આપનારા તે પ્રથમ હતા.
તેમણે કહ્યું, "એક જોરદાર ધડાકો થયો. લોકોના રડવાનો અવાજ અને ચીસો સંભળાઈ રહી હતી."
"મારી પત્ની અને દીકરો બસ પાછળ દોડ્યાં. મેં ઇમર્જન્સી ઍમ્બુલન્સ સેવાને ફોન કર્યો અને અધિકારીઓને આ અકસ્માતની જાણ કરી."
"મારા દીકરા અને અન્ય કેટલાક લોકોએ ઘાયલોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું."
તેમણે વધુમાં કહ્યું, "મારો દીકરો અને તેના કેટલાક મિત્રો એક છોકરીને લઈને દોડતા દોડતા આવ્યા."
"એ છોકરીના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. અમે તેને ઍમ્બુલન્સમાં પહોંચાડીએ એ પહેલાં જ તે મૃત્યુ પામી."
"એ છોકરીની એક બહેન પણ હતી, જે બસની અંદર જ પોતાનો જીવ ગુમાવી ચૂકી હતી."
લતાની જેમ રાવ પણ કહે છે કે સામાન્ય રીતે બસોમાં ક્ષમતાથી વધુ લોકો મુસાફરી કરે છે.
બધુ મિનિટોમાં બની ગયું
તેઓ કહે છે, "આ બસ માટેનો રસ્તો નથી. આ ખૂબ જ સાંકડો રસ્તો છે. થોડાં વર્ષો પહેલાં આ જ જગ્યાએ એક રિક્ષા પલટી ગઈ હતી. જોકે, એની કોઈ દરકાર નથી કરતું. હવે જુઓ શું થઈ ગયું. કેટલા લોકોએ તેમનો જીવ ખોયો."
લક્ષ્મી અહીં જ કરિયાણાની દુકાન ચલાવે છે. એ કહે છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે તેને ભૂલવો મુશ્કેલ છે.
"હું ઘાયલોને પાણી પિવડાવી રહી હતી. આવી દુર્ઘટના કાળજું કંપાવી દે છે. બધુ જ મારી નજર સામે બન્યું."
"હું મારી દુકાન પર બેઠી હતી અને જોતજોતામાં બસ પેલી બાજુથી આવી અને ખાઈમાં પડી ગઈ."
"લોકોની ચીસો હજી પણ મારા કાનમાં પડઘાઈ રહી છે. આ બધુ ક્ષણવારમાં બની ગયું."
દેબુતમાઇપલ્લી, રામસાગર અને સનિવારમપેટામાં કેટલાક બીજા પરિવાર પણ છે, જેમણે પોતાના કોઈને કોઈ સ્વજન ગુમાવ્યા છે.
લોકો સાથે વાત કરીએ ત્યારે ખબર પડે છે કે જેટલા લોકો એ સમયે બસમાં મુસાફરી કરી રહ્યા હતા.
તેમાંથી મોટાભાગના લોકો તાવની સારવાર કરાવવા હૉસ્પિટલ જઈ રહ્યા હતા.
જગતિયાલ જિલ્લાની સિવિલ હૉસ્પિટલમાં પોતાની ઇજાની સારવાર કરાવી રહેલા 11 વર્ષના મનદીપને ખબર પણ નથી કે તેમના મા વારાલક્ષ્મી મૃત્યુ પામ્યાં છે.
મનદીપના કાકાના દીકરા પ્રસન્નાએ કહ્યું કે મનદીપ તેમના મા સાથે તેમની દાદીને મળવા જઈ રહ્યા હતા.
તેમણે કહ્યું, "એ ખૂબ તકલીફમાં છે. અમે તેને તેમના માતાના મૃત્યુ વિશે નથી જણાવ્યું."
"અમે કહ્યું છે કે તેના મા ઘરે છે. અમને ખબર નથી કે આ સચ્ચાઈ અમે તેનાથી ક્યાં સુધી છુપાવી શકીશું પરંતુ અમારામાંથી કોઈમાં એટલી તાકાત નથી કે તેને સચ્ચાઈની જણાવી શકીએ."
અકસ્માત પછીની સ્થિતિ
અમિતકુમાર પણ આ અકસ્માતમાં બચી ગયેલા કેટલાક લોકોમાંથી એક છે. તે કપડાં વેચવા જગતિયાલ જઈ રહ્યા હતા.
તેમણે કહ્યું “હું અહીં પૈસા કમાવવા આવ્યો હતો અને હવે હું હૉસ્પિટલમાં છું. મારું કાંડું તૂટી ગયું છે."
"હું બસમાં ઊભો હતો. ડ્રાઇવરની સીટથી થોડી સીટ પાછળ. બસ ખીચોખીચ ભરાયેલી હતી."
"હું જોઈ નહોતો શક્યો કે શું થયું હતું. પરંતુ અચાનક મને ધક્કો લાગ્યો અને હું ડ્રાઇવરની સીટ પાસે પહોંચી ગયો."
"લોકો મારી ઉપર પડી રહ્યા હતા. હું ઊભા થવાની કોશિશ કરી રહ્યો હતો પણ ઊભો થઈ શકતો ન હતો.
"મારો શ્વાસ બંધ થઈ ગયો. કેટલાક લોકોના માથેથી લોહી વહી રહી રહ્યું હતું."
"હું ત્યાં લગબગ 15 મિનિટ સુધી દબાયેલો રહ્યો. પછી જ્યારે મારી નજર પડી તો મેં જોયું કે કેટલાક લોકો કાચ તોડીને લોકોને બહાર કાઢી રહ્યા છે."
અકસ્માત બાદ કોંટાગટ્ટુનો આ વિસ્તાર કોઈ પ્રવાસન સ્થળ જેવો બની ગયો છે.
લોકો દૂર-દૂરથી બરબાદીનું દૃશ્ય જોવા આવી રહ્યા છે. જોકે, ગામલોકોની માગણી છે કે તેમના સ્વજનો સાથે જે દુર્ઘટના બની છે, તેને અન્ય અકસ્માતોની જે ભૂલાવી ન દેવાય.
આ અકસ્માતમાં પોતાના માને ગુમાવનારા હનુમંથ કહે છે, "તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે મૃતકોના પરિવારજનોને વળતર આપવાની ઘોષણા કરી છે પરંતુ આ ક્ષતિઓને દૂર કરવા માટે પણ કંઈક કરવામાં આવે ત્યારે જ આ વળતરનો ફાયદો થશે.”
“અમારામાંથી મોટાભાગના લોકો ખેતરોમાં કામ કરે છે. આ બસ અમને જિલ્લાના મુખ્યમથક સાથે જોડે છે."
"અમે આ બસમાં જ હૉસ્પિટલ જઈએ છીએ, સ્કૂલ જઈએ છીએ, કૉલેજ જઈએ છીએ.”
“જ્યાં સુધી ન્યાય નહીં થાય ત્યાં સુધી મારી માના આત્માને શાંતિ નહીં મળે."
"જ્યારે બસ સેવાને બહેતર બનાવવામાં આવશે અને અમારી સુરક્ષાનો ખ્યાલ રાખવામાં આવશે ત્યારે જ અમને ન્યાય મળશે."
જગતિયાલ અને સનિવારમપેટા વચ્ચે દરરોજ રાજ્ય પરિવહનની બસ ચાલે છે.
જગતિયાલના ડિવિઝન મૅનેજર માદીલેતી લક્ષ્મી નરસિમ્હા સ્વામીએ જણાવ્યા મુજબ આ બસ દરરોજ ચાર ફેરા કરે છે.
સ્વામી કહે છે કે આ બસ જગતિયાલ ડૅપોથી ઉપડે છે અને નાચુપલ્લી, દેબુતમાઇપલ્લી, રામસાગર, હિમાત્રઓપેત, સનિવારમપેટા, તિરુમાલપુર ગામોમાંથી પસાર થાય છે.
જોકે, પરત ફરતી વખતે બસ રામસાગરથી રસ્તો બદલીને ઘાટરોડ થઈને કોંટાગટ્ટુ પહોંચે છે.
ડિવિઝનલ મૅનેજર કહે છે, "બસના રૂટમાં લોકોની માગણી બાદ જ ફેરફાર કરવામાં આવ્યો હતો.આથી લોકોને કોંડાગટ્ટુમાં દર્શન કરવા જવાની સુવિધા થઈ ગઈ હતી."
"જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે એ વાત પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી કે તેનાથી સગવડ વધશે. હજી 20 દિવસ પહેલાં જ બસે આ ડાયવર્ઝનવાળા રૂટ પર બસ ચલાવવાનું શરૂ કર્યું હતું."
એ કહે છે કે આ રસ્તે હંમેશાં ટ્રાફિક રહે છે. અમને શંકા છે કે આ અકસ્માત પાછળ એક મોટું કારણ હોઈ શકે છે. લોકો અહીં દર્શન કરવા આવે છે અને રસ્તા ખૂબ જ સાંકડા છે. એવામાં અહીં ડ્રાઇવિંગ કરવું એ મોટો પડકાર છે. હાલ તો અમે તપાસનો રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહ્યા છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો