BBC TOP NEWS : મોદીએ કાર્યકર્તાઓને કહ્યું સોશિયલ મીડિયામાં ગંદકી ન ફેલાવો

પ્રતીકત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ધ હિંદુના અહેવાલ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર સાવધાનીપૂર્વક શેર કરવાની સલાહ આપી છે.

બુધવારે વારાણસી લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા ચર્ચા કરતા વડા પ્રધાને આ નિવેદન કર્યું હતું.

મોદીએ કહ્યું હતું કે સારા સમાજનું નિર્માણ વિચારધારાથી નહીં, પરંતુ વર્તનથી થાય છે.

કાર્યકર્તાઓને સંબોધતા મોદીએ કહ્યું હતું કે લોકો જે કંઈ પણ સાંભળે છે અને જુએ છે તેને ફૉરવર્ડ કરી નાખે છે, પરંતુ એ નથી વિચારતા કે તેમની આ પોસ્ટના કારણે સમાજને કેટલું નુકસાન થશે.

કેટલાક લોકો સભ્ય સમાજને ન શોભે તેવા શબ્દોનો પ્રયોગ કરે છે. તેઓ મહિલાઓ વિશે કંઈ પણ લખે છે અને બોલે છે.

મોદીએ વધુમાં કહ્યું કે વિષય રાજકીય પક્ષનો કે તેમની વિચારધારાનો નહીં, પરંતુ 125 કરોડ ભારતીયોનો છે.

દરેક વ્યક્તિએ કાળજી રાખવી જોઈએ કે તે સોશિયલ મીડિયા પર 'ગંદકી' ન ફેલાવે.

સ્વચ્છ ભારત અભિયાન ફક્ત આસપાસ પડેલો કચરો સાફ કરવા પૂરતું નથી, પરંતુ માનસિક સ્વચ્છતાનો પણ વિષય છે.

લોકોએ સોશિયલ મીડિયામાં સારી બાબતો પ્રસરાવવી જોઈએ.

line

દર્દીઓને ક્ષતિગ્રસ્ત હિપ ઇમ્પાલન્ટ્સની અસર પહોંચી

ડિવાઇસની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અનેક યુવાન દર્દીઓને ક્ષતિગ્રસ્ત હિપ ઇમ્પાલન્ટ્સના કારણે મુશ્કેલી થઈ છે.

જ્હૉનસન ઍન્ડ જ્હૉનસનની સહયોગી કંપનીના ક્ષતિગ્રસ્ત ડિવાઇસના મેન્યુફેક્ચરિંગની અસર દર્દીઓને પહોંચી છે.

અહેવાલ મુજબ ઇમ્પલાન્ટ્ કરાવનારા 10માંથી બે દર્દીઓને ચાલવામાં મુશ્કેલી, સખત દુખાવા સહિતની અનેક સમસ્યા થઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

જ્હૉનસન ઍન્ડ જ્હૉનસને કેન્દ્રીય ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન(સીડીએસસીઓ)ને સુપરત કરેલા અહેવાલમાંથી આ વિગતો જાણવા મળી હતી.

તબીબી ઉપકરણોનાં કારણે થયેલાં મૃત્યુ, ઈજા અથવા તો ક્ષતિઓ વિશે ડિવાઇસનું ઉત્પાદન કરતી કંપનીઓએ સીડીએસસીઓને અહેવાલ આપવો ફરજિયાત છે.

કંપની દ્વારા સીડીએસસીઓને સોંપવામાં આવેલા અહેવાલ મુજબ, જાન્યુઆરી 2014થી લઈને જુન 2017 સુધી આ પ્રકારના ક્ષતિગ્રસ્ત ડિવાઇસનાં કારણે 121 દર્દીઓને ગંભીર સમસ્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

line

શિક્ષકોએ રાખડી કઢાવી હોવાના આરોપમાં શિક્ષણમંત્રીએ ખુલાસો માંગ્યો

રાખડીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરની એક શાળા પાસે વિદ્યાર્થીઓના હાથેથી રાખડી કઢાવી નાંખવાના બનાવ મુદ્દે ખુલાસો માગ્યો છે.

કેટલાક વાલીઓએ ફરિયાદ કરી હતી કે ગાંધીનગરની માઉન્ટ કારમેલ સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓના હાથમાં બાંધેલી રાખડીઓને કાતરથી કાપી નાખી હતી.

શાળામાં ભણતા ધોરણ 5ના વિદ્યાર્થીઓનાં વાલીઓનાં આક્ષેપના પગલે બુધવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાને ખુલાસો રજૂ કરવાની નોટિસ પાઠવી હતી.

પત્રકારો સાથેની વાતચીતમાં ચુડાસમાએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે કે રાખડી છોડાવવાનો હુકમ કોણે કર્યો હતો અને શા માટે આવું કરવામાં આવ્યું હતું?

અમે ખુલાસાના આધારે આગળની કાર્યવાહી કરીશું.

ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારના બનાવોને શિક્ષણ વિભાગ ચલાવી નહીં લે અને કોઈ પણ ધર્મની લાગણી દુભાય તે પ્રકારની પ્રવૃતિ કરવામાં આવશે તો કડક કાર્યવાહી થશે.

line

કોર્ટે રૂ. 1.06 લાખનું ભરણપોષણ ચૂકવવાનું કહેતા પતિ 80 હજારનું પરચૂરણ લઈ આવ્યા

પરચૂરણની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ નડિયાદ નજીક આવેલા ચલાલી ગામના એક વ્યક્તિએ પત્નીને ભરણપોષણ પેટે આપવાની રકમમાં 80 હજાર રૂપિયાનું પરચૂરણ લઈ આવ્યો હતો.

કોર્ટે ભરણપોષણના એક કેસમાં પતિને એક લાખ છ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો, જેના પેટે પતિએ પત્નીને 80 હજાર રૂપિયાનું પરચૂરણ ચૂકવ્યું હતું.

પત્નીના વકીલોને આ પરચૂરણ ગણતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.

નડિયાદ નજીકના ચલાલી ગામના રહેવાસી જયેશ તળપદા અને તેમના પત્ની મેઘાબહેનને લગ્નજીવનમાં તકરાર થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

કોર્ટે જયેશ તળપદાને ભરણપોષણ પેટે એક લાખ છ હજાર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

જયેશ તળપદાએ અગાઉ પણ 26 હજાર રૂપિયાનું પરચૂરણ જ ચૂકવ્યાનું જાણવા મળ્યું હતું.

તેમણે ચૂકવેલા પરચૂરણમાં રૂપિયા 1, 2, 5, 10ના સિક્કાનો સમાવેશ થતો હતો.

જોકે, જયેશ તળપદાએ એવું જણાવ્યું હતું કે તેઓ શાકભાજીનો વ્યવસાય કરતાં હોવાથી તેમના પાસે પરચૂરણ જ હતું, જેથી તેમની પાસે જે રકમ હતી તેમાંથી તેમણે પરચૂરણ ચૂકવ્યું હતું.

આ પરચૂરણને કોર્ટ સુધી ત્રણ કોથળામાં ભરીને લાવવામાં આવ્યું હતું, જેને ઊંચકવા માટે ત્રણ માણસોની મદદ લેવી પડી હતી.

line

રાહુલ ગાંધી કૈલાસ માનસરોવરની યાત્રાએ જશે

રાહુલ ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સંદેશના અહેવાલ મુજબ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવરની યાત્રાએ જશે.

અહેવાલ મુજબ રાહુલ ગાંધી આગામી 31 ઑગસ્ટે કૈલાસ માનસરોવર જવા રવાના થશે.

અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન રાહુલ પોતાને શિવભક્ત ગણાવી ચૂક્યા છે.

રાહુલના કહેવા મુજબ, તેઓ શિવભક્ત છે અને રૂદ્રાક્ષની માળા પણ પહેરે છે.

કોંગ્રેસની એક રેલી સંબોધવા માટે કર્ણાટક જઈ રહેલા રાહુલ ગાંધીના વિમાનમાં ખામી સર્જાંતા વિમાન અચાનક જ આઠ હજાર ફૂટ નીચે આવી ગયું હતું.

એપ્રિલમાં થયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં રાહુલે જણાવ્યું હતું કે, 'વિમાનમાં થયેલી દુર્ધટના સમયે મને કૈલાસ માનસરોવર યાદ આવી ગયું હતું અને મેં ભગવાન શિવને યાદ કર્યા હતા અને એજ વખતે મે માનસરોવર જવાનું નક્કી કર્યું હતું.'

રાહુલ નેપાળના બદલે ચીનના માર્ગે કૈલાસ માનસરોવરની યાત્રાએ જશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો