અફઘાન ડૉક્ટર શફિકા એનિન દાઝી ગયેલી મહિલાઓને આપે છે નવજીવન

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનમાં જાતે સળગીને આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાઓને સારવાર આપતાં પ્લાસ્ટિક સર્જન ડૉ. શફિકા એનિને તેમના કામ વિશે બીબીસી સાથે કરેલી વાત તેમના જ શબ્દોમાં.
મહિલાઓની બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર દર વર્ષે સેંકડો મહિલાઓ ખુદને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
''જાતે સળગીને આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાઓના કેસીસ ગંભીર હોય છે. તેઓ તેમના આખા શરીર પર કેરોસીન રેડતી હોય છે.
તેથી ઘણા કિસ્સામાં તેમનું આખું શરીર સળગી જતું હોય છે. એવા કિસ્સાઓ થર્ડ ડિગ્રી બર્ન્સના હોય છે, જે ઘાતક નિવડતા હોય છે.
પશ્ચિમ અફઘાનિસ્તાનમાં મહિલાઓ જાતને આગ ચાંપતી હોવાની ઘટનાઓ સામાન્ય છે. મહિલાઓ તેમના ઘરમાં હિંસાનો સામનો કરતી હોય છે અને તેનો પ્રતિકાર કરી શકતી નથી.
તમને આ પણ વાંચવું ગમશે:
કેટલીક સ્ત્રીઓનાં લગ્ન બળજબરીથી કરાવવામાં આવ્યાં હોય છે,
જ્યારે કેટલીક મહિલાઓને તેમના ઘરના અન્ય લોકો જ માર મારતા હોય છે. એવી મહિલાઓ પાસે આપઘાત સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફઘાનિસ્તાનમાં અને ખાસ કરીને હેરાતમાં મહિલાઓ આ બધું પોતાના નસીબમાં હોવાનું માનીને તેને સ્વીકારી લેતી હતી, પણ હવે એ અભિગમમાં પરિવર્તન આવી રહ્યું છે.
મહિલાઓ તેમની સામેની હિંસાનો વિરોધ કરતી થઈ રહી છે અને વધુ અધિકાર મેળવવા ઇચ્છે છે. ''

ઇમેજ સ્રોત, Getty Images
''આપણે માણસ છીએ. એટલે કોઈની પીડા જોઈએ ત્યારે આપણને દુઃખ થાય. ખાસ કરીને ખરાબ રીતે દાઝી ગયેલી મહિલાઓને નિહાળવાનો અનુભવ સારો નથી હોતો.
મને દાઝેલી મહિલાઓ પ્રત્યે સહાનુભૂતિની લાગણી થાય છે. પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ન હતો, એવું જણાવવાનું અને હકીકત છૂપાવવાનું એવી મોટાભાગની મહિલાઓને તેમના પરિવારજનોએ શિખવાડી રાખ્યું હોય છે.
એ મહિલાઓ ડરેલી હોય છે. તેથી ચૂપ રહે છે. કંઈ જ કહેતી નથી. મને તેનું દુઃખ થાય છે. હું તેમને મદદ કરવાનો અને શાંત પાડવાનો પ્રયાસ કરું છું.
હું તેમને સધિયારો આપું છું, જેથી સમય જતાં તેઓ મને સાચી વાત જણાવે. હું તેમને કહું છું કે હકીકત શું હતી તે મને જણાવો. એ તમારા જ લાભમાં છે.''
''કેટલીક મહિલાઓને તેમના પતિ, કેટલીકને તેમનાં પેરન્ટ્સ અને કેટલીકને તેમના પરિવારના પુરુષ સભ્યો હોસ્પિટલમાં લાવે છે.
તેઓ દાઝેલી મહિલાને હોસ્પિટલમાં મૂકીને ચાલ્યા જાય છે. તેમને ડર હોય છે કે તેમના પરિવારની દાઝેલી મહિલા જીવતી રહેશે તો તેમના માટે મુશ્કેલી સર્જાશે. એક મહિલાને તેનો પતિ અને સાસરિયાં હોસ્પિટલમાં લાવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
એ મહિલા એટલી ખરાબ રીતે દાઝેલી હતી કે બેભાન અવસ્થામાં હતી.
એ મહિલાને હોસ્પિટલમાં મૂકીને તેનો પતિ ક્યારેય પાછો આવ્યો ન હતો. બાદમાં અમને ખબર પડી હતી કે એ મહિલાને તેના સાસરાએ જ આગ ચાંપી હતી.
સાસરિયાં એ મહિલાને હોસ્પિટલમાં મૂકીને ચાલ્યાં ગયાં હતાં, કારણ કે તેઓ પોલીસની કાર્યવાહીનો સામનો કરવા ઇચ્છતાં ન હતાં.''
''દાઝેલી જૂજ મહિલાઓ બચી શકે છે. કેટલીકનું હોસ્પિટલે આવતાં પહેલાં રસ્તામાં જ મોત થાય છે. કેટલીકનું હોસ્પિટલમાં મોત થાય છે. દસમાંથી સાત મહિલાઓ મરણ પામે છે.''
''હમણાં મેં જેનો ઉલ્લેખ કર્યો એ મહિલાનો કેસ ભયાનક હતો. એ યુવતીને તેના સાસરા હોસ્પિટલમાં લાવ્યા હતા. તેમણે નર્સને કહેલું કે એ યુવતી છાપરા પરથી પડી જતાં દાઝી ગઈ હતી.
એ યુવતીના શરીરનો 50 ટકા હિસ્સો દાઝી ગયો હતો. એ બચી ગઈ હતી, પણ તેની હાલત ભયાનક હતી. આટલું ઓછું હોય તેમ એ યુવતીને તેના સાસરિયાં કે તેના માતા-પિતાનાં ઘરનાં સરનામાની ખબર ન હતી.
એ યુવતીને એવી હાલતમાં જોવાથી બહુ પીડા થતી હતી. એ યુવતી દરેક અર્થમાં ગંભીર રીતે દાઝેલી અને નિરાધાર હતી. અમે તેને તેના પરિવાર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
આવો જ એક બીજો પીડાદાયક કિસ્સો મને યાદ છે. એ 16 વર્ષની એક છોકરીની વાત છે. તેને 19 વર્ષના એક છોકરા સાથે પરણાવવામાં આવી હતી. એ છોકરી પર તેના સાસરાએ બળાત્કાર કર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
એ છોકરી માટે તેના પતિ અને સાસરીમાં સાથે રહેવું મુશ્કેલ હતું. એ એટલી ડરેલી હતી કે તેની સાથે શું થયું હતું એ કોઈને કહી શકે તેમ ન હતી. તેથી તેણે જાતે સળગીને આત્મહત્યાનો ફેંસલો કર્યો હતો.''
''જે મહિલાઓ જાતે સળગીને આપઘાતના પ્રયાસ કરે છે તેમના પરિવારો જે થયું એ બાબતે દોષભાવના અનુભવતા હોય છે. કેટલીક મહિલાઓના દેહ વિકૃત થઈ ગયા હોવા છતાં તેમના પતિઓ તેમને સાથે લઈ જાય છે.
કેટલીક મહિલાઓને તેમનાં માતા-પિતા પરત લઈ જાય છે. એ લોકો પણ ગિલ્ટી ફીલ કરતા હોય છે. ''
''મને લાગે છે કે આ સમસ્યાનું નિરાકરણ શોધવું મુશ્કેલ છે, પણ રેડિયો તથા ટેલિવિઝન જેવા મીડિયા મારફતે કાર્યક્રમો શરૂ કરીએ અને સળગીને આત્મહત્યાના પ્રયાસ કરતી મહિલાઓનું શું થાય છે એ બાબતે સ્કૂલોમાં પણ માહિતી આપવામાં આવે તો જાગૃતિ લાવી શકાય.
લોકો તેમના અધિકારો વિશે, મહિલાઓ તથા પુરુષોના અધિકારો વિશે, એક માણસ તરીકેના મહિલાઓના અધિકારો, તેમના સામાજિક અધિકારો વિશે સમજતા થાય તો બહુ મોટી મદદ મળે.
લોકોએ જાણવું જોઈએ કે મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, મહિલાઓનું મહત્વ શું છે, મહિલાઓ માર મારવા માટે નથી.
હિંસાનો સામનો કઈ રીતે કરવો, પોતાનું રક્ષણ કઈ રીતે કરવું એ મહિલાઓએ પણ શિખવું જોઈએ. આવું થાય તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે એવું હું માનું છું.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












