You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લોગઃ ન્યાયમૂર્તિઓ અને સરકાર વચ્ચેની દોસ્તીથી કેટલાં જોખમ?
- લેેખક, રાજેશ જોશી
- પદ, એડિટર, બીબીસી હિન્દી રેડિયો
ગત સપ્તાહે બે અભૂતપૂર્વ ઘટના બની હતી. તેને તમે 'મામૂલી વાત' ગણાવીને ફગાવી શકો અથવા ઝીણવટભરી રીતે મૂલ્યાંકન કરો તો તે ઘટનાઓ તમને ચિંતિત કરી શકે છે.
પટના હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તાજેતરમાં નિમાયેલા જસ્ટિસ મુકેશ રસિકભાઈ શાહે બીબીસી હિન્દીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાનના વખાણ કરતા કહ્યું હતું, "નરેન્દ્ર મોદી એક મૉડલ છે, તેઓ એક હીરો છે."
બીજી ઘટના છત્તીસગઢની છે. તેમાં રાજ્ય સરકારના જનસંપર્ક વિભાગે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ દીપક મિશ્રાના ફોટોગ્રાફવાળા મોટાં હોર્ડિંગ્ઝ રાયપુર શહેરમાં લગાવ્યાં હતાં.
છત્તીસગઢ પહેલીવાર આવી રહેલા વડા ન્યાયમૂર્તિનું એ હોર્ડિંગ્સમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
જોકે, એ પૈકીનાં કેટલાંક હોર્ડિંગ્ઝ ઊતારી લેવામાં આવ્યાં હોવાનો અહેવાલ આવ્યા હતા.
મામૂલી ઘટના?
પહેલી નજરે આ બન્ને ઘટનાઓ અત્યંત મામૂલી લાગશે.
ભારતના કોઈ પણ નાગરિકને, ભલે તે ન્યાયાધીશ હોય તો પણ કોઈનાં વખાણ કે ટીકા કરવાનો બંધારણીય અધિકાર છે.
દેશના નાગરિક કે મતદાતા સ્વરૂપે ન્યાયમૂર્તિઓ પણ કોઈને કોઈ રાજકીય પક્ષનાં કામ કે વિચારધારા સાથે સહમત થઈને તેને મત આપતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
જજ હોવાને કારણે તેમના આ લોકશાહી અધિકારમાં ઘટાડો થતો નથી, પણ કોઈ જજ ન્યાય તોળવા બેઠા હોય ત્યારે તેમણે નાગરિક તરીકે તેમની પસંદના નેતા, રાજકીય પક્ષ કે સરકાર વિરુદ્ધ પણ નિર્ણય કરવો પડે છે.
તેથી આપણી શાસન વ્યવસ્થામાં ન્યાયપાલિકાને સરકારથી આઝાદ રાખવામાં આવી છે. સરકાર અને તેના વડા વિરુદ્ધના નિર્ણયો કરતી હોવાને કારણે પણ ન્યાયપાલિકાને સરકારનું અંગ ગણવામાં આવતી નથી.
ન્યાયકર્તા સત્તાથી ઉપર ભલે ન હોય પણ લોકોની નજરમાં આઝાદ જરૂર હોવો જોઈએ. ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ત્યારે જ ટકેલો રહે.
એ ભરોસો જ્યાં સુધી ટકેલો રહે ત્યાં સુધી લોકો ન્યાયની શોધમાં પોલીસતંત્ર અને અમલદારશાહી મારફત અદાલતના દરવાજા ખખડાવતા રહે છે.
એ ભરોસો નબળો પડે ત્યારે લોકો પોતપોતાની રીતે કે દૃષ્ટિકોણથી જાતે જ 'ન્યાય' કરતા થઈ જાય છે.
વિશ્વના અનેક દેશોમાં આ પ્રકારની અરાજકતા ફેલાયેલી છે અને ત્યાં અદાલતો નહીં, પણ વિજિલન્સ સંગઠનો, મિલિશિયા અને ગુંડા ટોળકીઓ ફેંસલા કરે છે.
મોટાભાગના કિસ્સાઓમાં દુશ્મનો વિરુદ્ધના આ ફેંસલા રસ્તાઓ પર જ કરવામાં આવે છે.
'હીરો અને મૉડલ'
આ વાત મુકેશ રસિકભાઈ શાહ વધારે સારી રીતે જાણે છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'હીરો અને મૉડલ' ગણાવી રહ્યા હતા ત્યારે તેમણે આ અભિપ્રાય એક સામાન્ય નાગરિક તરીકે આપ્યો હતો કે પટના હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે?
તેમની દૃષ્ટિએ નરેન્દ્ર મોદી તેમના પોતાના મૉડલ અને હીરો છે કે પછી તેમણે એ વાત સમગ્ર દેશના લોકો તરફથી કહી હતી?
રિપોર્ટરે જસ્ટિસ શાહને તેમના ગુજરાત કનેક્શન સંબંધે સવાલ કર્યો હતો કે "બધા લોકો તમને મોદી સાથે જોડી લે છે. એવું કેમ બને છે?"
આ સવાલના જવાબમાં જસ્ટિસ શાહ એવું કહી શક્યા હોત કે લોકોના અભિપ્રાય પર તેમનું નિયંત્રણ નથી અને બધાને પોતાની વાત કહેવાનો અધિકાર છે.
જોકે, જસ્ટિસ શાહે નરેન્દ્ર મોદી વિશેનો તેમનો સ્પષ્ટ અભિપ્રાય જણાવ્યો હતો અને કહ્યું હતું, "કારણ કે નરેન્દ્ર મોદી એક મૉડલ છે, તેઓ એક હીરો છે."
સરકાર પરત્વે સહાનુભૂતિનો સંકેત?
કોઈ ન્યાયાધીશ તરફેણ કરે એવું સરકાર શા માટે ન ઇચ્છે?
સરકાર અને સત્તાધારી પક્ષો એવું શા માટે ન ઇચ્છે કે કાયદાના હાથ તેમના કોઈ મોટા નેતા સુધી પહોંચવાના હોય ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ એ હાથને પાછા ખેંચી લે?
કટોકટી વખતે ઇંદિરા ગાંધીએ ઇચ્છ્યું તથા કરાવ્યું હતું તેમ દરેક અદાલત પર પોતાની મહોર લાગી જાય, જેથી પોતાને બધું કરવાની છૂટ મળે એવું સરકાર શા માટે ન ઇચ્છે?
દેશના દરેક નાગરિકોની કીકીના ફોટોગ્રાફ્સ, આંગળીઓનાં નિશાન, ફોન નંબર, બેંક ખાતાં, મકાન-દુકાન, પત્ની-બાળકો, માતા-પિતા, ચાચા-દાદા અને સગાંસંબંધીની તમામ માહિતી પોતાની મુઠ્ઠીમાં હોય એવું સરકાર શા માટે ન ઇચ્છે?
તમે શું ખાઓ છો, ક્યાં જાઓ છો, કોને મળો છો, કેવાં કપડાં પહેરવાનું પસંદ કરો, ઇન્ટરનેટ પર કેટલો સમય-શું જુઓ છો, ક્યા પક્ષને સારો, ક્યાને ખરાબ ગણો છો, કામદાર સંગઠનોને નેતાગીરી ગણીને ફગાવી દો છો કે તેને કામદારોનો મૂળભૂત અધિકાર માનો છે એ જાણવા સરકાર જરૂર ઇચ્છતી હોય.
સરકારની આવી ઘણી ગેરબંધારણીય મનમરજી પર લગામ તાણવાનું કામ ન્યાયાધીશોનું છે, પણ સરકાર ચલાવતા લોકોને ન્યાયાધીશો "હીરો તથા મૉડલ" કહેવા લાગે તો તેને તેમના પરત્વેની ન્યાયમૂર્તિઓની સહાનુભૂતિનો સંકેત ગણવામાં આવી શકે અને ન્યાયની ખુરશી પર બેસતી વ્યક્તિ વિશે સારી-ખરાબ ધારણા આકાર પામી શકે છે.
ચીફ જસ્ટિસ માટે હોર્ડિંગ્ઝનો અર્થ
ભારતના ચીફ જસ્ટિસ ના છત્તીસગઢમાં પહેલીવાર આગમન નિમિત્તે રમણ સિંહ સરકારે મોટાં હોર્ડિંગ્ઝ મારફત સામાન્ય લોકોને એવું જણાવવાની જરૂર શા માટે પડી કે તેઓ ખરેખર રાજી થયા છે?
તેમાં જસ્ટિસ મિશ્રા કશું કરી શકે તેમ ન હતા, પણ રાજ્ય સરકારનો ઇરાદો છુપાવી શકાય તેમ નથી, કારણ કે કથિત બનાવટી અથડામણના એક ગંભીર કેસમાં છત્તીસગઢ સરકાર વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની અદાલતમાં પોતાનો બચાવ કરવા હાજર થઈ રહી છે.
માત્ર આ કારણે જ જસ્ટિસ મિશ્રાના સ્વાગત માટે હોર્ડિંગ્ઝ લગાવવાનો અર્થ બદલાઈ જાય છે.
છત્તીસગઢના સુકમા જિલ્લાના કોટા ક્ષેત્રમાં છઠ્ઠી ઑગસ્ટે થયેલી એક કથિત અથડામણમાં 15 માઓવાદીઓને મારવાનો દાવો રાજ્ય સરકારે કર્યો હતો.
એક માનવાધિકાર સંગઠને આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને છત્તીસગઢ સરકાર પર સામાન્ય ગ્રામજનોની હત્યાનો આરોપ મૂક્યો છે.
છત્તીસગઢ સરકારે તેને બનાવટી અરજી ગણાવી છે અને તેનો નિર્ણય જસ્ટિસ દીપક મિશ્રા, એ.એમ. ખાનવિલકર તથા ડી. વાય. ચંદ્રચૂડની બનેલી ખંડપીઠ કરવાની છે.
સ્વાગતનાં હોર્ડિંગ્ઝ ઍસોશિયેશન કે વકીલોની કોઈ સંસ્થાએ લગાવ્યાં હોત તો બહુ સામાન્ય ગણાયું હોત, પણ છત્તીસગઢ સરકારે આવું કરીને ખુદ જસ્ટિસ દીપક મિશ્રા માટે અસમંજસની સ્થિતિ સર્જી છે.
એક જૂની કહેવત છે કે અદાલતનું કામ ન્યાય કરવાનું જ નથી, પણ ન્યાય થઈ રહ્યો છે એ દેખાડવાનું પણ છે.
જસ્ટિસ દીપક મિશ્રા સમક્ષ એવા ઘણા મામલા છે, જેમાં તેમણે ન્યાય પણ કરવાનો છે અને ન્યાય થતો હોવાનું દેખાડવાનું પણ છે.
આવા મામલાઓની ગંભીર સુનાવણી ચાલી રહી હોય ત્યારે એ વિવાદ સાથે સંકળાયેલા ભાજપ અને તેની સરકારો પાસેથી એવી આશા ન હોય કે તેઓ સુનાવણી કરતા ન્યાયાધીશથી અંતર જાળવી રાખે?
ન્યાયમૂર્તિઓ કરે નિર્ણય
જસ્ટિસ દીપક મિશ્રાના સ્વાગતનાં હોર્ડિંગ્ઝ લગાવીને રમણ સિંહ સરકારે તેમનું સ્વાગત નથી કર્યું, પણ ન્યાયના આસન પર રાજકારણની છાયા પાડવાનો પ્રયાસ કર્યો છે.
કટોકટી વખતે ઇંદિરા ગાંધીએ ન્યાયપાલિકાને સત્તાનાં લોખંડી બૂટ હેઠળ દબાવી દીધી હતી અને કેટલાક અપવાદોને બાદ કરતા મનગમતા નિર્ણયો કરાવ્યા હતા.
કટોકટીને ભારતીય લોકશાહીના ઇતિહાસનો અંધાર યુગ એ કારણસર ગણવામાં આવે છે અને તે અંધાર યુગનું પુનરાવર્તન કોઈ ઇચ્છતું નથી.
તેથી ન્યાયની મૂર્તિઓને ખંડિત થતી કેવી રીતે બચાવવી એ ન્યાયમૂર્તિઓએ જ નક્કી કરવું પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો