નરેન્દ્ર મોદીનાં એ બહેન જેમનો જન્મ પાકિસ્તાનમાં થયો

મોદી સાથે કમર તેમના પતિ અને દીકરા સાથે

ઇમેજ સ્રોત, MOHSIN SHAIKH/BBC

ઇમેજ કૅપ્શન, મોદી સાથે કમર તેમના પતિ અને દીકરા સાથે
    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

અત્યારસુધી લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક રાજનેતા, એક દીકરા અને ભારતના લોકપ્રિય વડા પ્રધાનના રૂપે જોયા છે.

જોકે, આ રક્ષાબંધન પર મળો નરેન્દ્ર મોદીનાં માનેલા બહેન કમર મોહસિન શેખને.

વડા પ્રધાનને રાખડી બાંધ્યા બાદ કમરે બીબીસી સાથે વાતચીત કરી.

તેમણે કહ્યું કે તેઓ મોદીને ત્યારથી રાખડી બાંધે છે જ્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સામાન્ય કાર્યકર હતા.

કમરનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો પરંતુ એક ભારતીય સાથે લગ્ન થયા બાદથી તેઓ ભારતમાં રહે છે.

જોકે, તેમના હૃદયમાં પાકિસ્તાનની યાદો પડેલી છે અને તેઓ ઇચ્છે છે કે બન્ને દેશ વચ્ચે શાંતિનું વાતાવરણ બનેલું રહે.

line

'બિલકુલ નથી બદલ્યા નરેન્દ્ર ભાઈ'

મોદીને રાખડી બાંધી રહેલાં કમર

ઇમેજ સ્રોત, MOHSIN SHAIKH/BBC

કમરે જણાવ્યું કે તેઓ ઘણાં વર્ષોથી મોદીને રાખડી બાંધતા આવ્યાં છે. મોદી પહેલાં જેવા હતા બિલકુલ આજે પણ એવા જ છે.

વડા પ્રધાન મોદી સાથેનો એક કિસ્સો યાદ કરતા કમર જણાવે છે, "એક વખત જ્યારે હું નરેન્દ્ર ભાઈને રાખડી બાંધવા માટે દિલ્હી આવી તો તેમણે હસતાં હસતાં કહ્યું 'અરે...કમર તું તો ટીવી પર છવાયેલી રહે છે, સ્ટાર બની ગઈ છો' ત્યારબાદ તેઓ મારા દીકરા અંગે પૂછવા લાગ્યા કે તેનો અભ્યાસ કેવો ચાલે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

line

કેવી રીતે બંધાયો સંબંધ?

મોદીને રાખડી બાંધી રહેલાં કમર

ઇમેજ સ્રોત, MOHSIN SHAIKH/BBC

વડા પ્રધાન મોદી અને કમર મોહસિન વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ બંધાવાની કહાણી પણ રસપ્રદ છે.

પાકિસ્તાનથી લગભગ 37 વર્ષ પહેલાં ભારત આવેલા કમર શેખને ભાઈ સ્વરૂપે નરેન્દ્ર મોદી જ દેખાય છે.

તેઓ કહે છે, "નરેન્દ્ર મોદી સાથે મારી પ્રથમ મુલાકાત દિલ્હીમાં થઈ હતી જ્યારે તેઓ ગુજરાતના સાંસદ દિલીપભાઈ સાંઘાણીનાં ઘરમાં રહેતા હતા."

"હું મારા પતિ સાથે તેમના અમુક ચિત્રો લઈને પહોંચી હતી. જ્યારે તેમણે આ ચિત્રો જોયાં ત્યારે તેમને ખૂબ પસંદ પડ્યાં હતાં."

મોદી સાથે રાખડીના સંબંધ અંગે કમર જણાવે છે, "ગુજરાતના રાજ્યપાલ સ્વરૂપ સિંહ મને દીકરીની જેમ માનતા હતા."

"જ્યારે તેઓ ગુજરાત છોડીને જતા હતા ત્યારે નરેન્દ્ર મોદી તેમને ઍરપૉર્ટ છોડવા માટે આવ્યા હતા."

"ત્યારે સ્વરૂપ સિંહે મોદીને કહ્યું કે કમર મારી દીકરી છે અને તેનું ધ્યાન રાખજે."

"ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો તમારી દીકરી છે તો મારી બહેન થઈ. ત્યારબાદથી દર વર્ષે નરેન્દ્ર મોદીને રાખડી બાંધું છું."

line

ભારત-પાક સંબંધો સુધરે

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનનાં કરાચી શહેરમાં ઊછરેલા કમર શેખ કહે છે કે બન્ને રાષ્ટ્રોની પ્રજા એક જેવી જ છે. બન્ને તરફના લોકો પ્રેમાળ અને એકબીજાને પ્રેમ કરે છે.

કમર ઉમેરે છે, "હું પાકિસ્તાનમાં પણ રહી છું અને ભારતમાં પણ. મેં બન્ને તરફના લોકોને જોયા છે."

"જો તમે ક્યારેય પાકિસ્તાન જશો તો માલૂમ પડશે કે ત્યાંના લોકો મહેમાનગતિ કરવામાં કંઈ બાકી નહીં છોડે. અહીં પણ આવું જ છે."

બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધમાં સુધારો આવશે કે નહીં તે સવાલ કરતા કમર જણાવ છે, "ઇમરાન ખાન ક્રિકેટર તરીકે ખૂબ જ સારા છે પરંતુ રાજનીતિમાં આવ્યા બાદ લેવાયેલા નિર્ણય વ્યક્તિગત રૂપે અલગ હોય છે. હું દુઆ કરીશ કે બન્ને રાષ્ટ્રો વચ્ચે શાંતિનો માહોલ બન્યો રહે."

line

જ્યારે વાજપેયી સાથે થઈ મુલાકાત

કમર અને તેમના પતિ જ્યારે વાજપેયીને મળ્યા તેની તસવીર

ઇમેજ સ્રોત, MOHSIN SHAIKH/BBC

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરતા કમર એક કિસ્સો સંભળાવે છે.

તેઓ કહે છે, "તે 1998નું વર્ષ હતું જ્યારે વાજપેયીએ પરમાણુ પરીક્ષણ કર્યું હતું."

"એ સમયે નરેન્દ્ર ભાઈએ મારા પતિના પેઇન્ટિંગ્સ વાજપેયીને બતાવ્યાં હતાં."

"તેમણે વાજપેયીજીને પેઇન્ટિંગ્સ બતાવતા કહ્યું- 'આ પેઇન્ટિંગ્સ હિન્દુસ્તાનના દીકરા અને પાકિસ્તાનની દીકરીએ બનાવ્યાં છે' વાજપેયીજીને એ પેઇન્ટિંગ્સ ખૂબ પસંદ આવ્યાં હતાં."

મોહસિન શેખ આ ઘટનાને યાદ કરતા દાવો કરે છે, "મેં મારા પેઇન્ટિંગ સાથે એક કવિતા પણ લખી છે. જ્યારે મેં એ કવિતા વાજપેયીજીને સંભળાવી તો તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં."

"તેમણે કહ્યું કે પોખરણને લઈને તેમનાં મનમાં જે ભાવના હતી તે આ ચિત્ર અને કવિતા સ્વરૂપે સામે આવી હતી."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો