જ્યારે અટલ બિહારી વાજપેયીએ માન્યું કે મોદીને ના હટાવવા એ મોટી ભૂલ હતી

ઇમેજ સ્રોત, FACEBOOK/NARENDRA MODI
ગુજરાતનાં રમખાણોનાં બે વર્ષ બાદ ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ માન્યું હતું કે તે સમયે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને પદથી ના હટાવવા એ મોટી ભૂલ હતી.
જૂન 2004માં મનાલીમાં એક ખાનગી ટેલિવિઝન ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.
વાજપેયીએ પત્રકારોને વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતનાં રમખાણો વર્ષ 2004માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર માટેનું એક કારણ હતું.
ઝી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં વાજપેયીએ કહ્યું હતું, "ગુજરાત રમખાણોની અસરનો અહેસાસ દેશ આખામાં થયો હતો."
"એ અનપેક્ષિત હતું અને તેને અમને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કર્યા હતા. આ ઘટના બાદ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને હટાવી દેવા જોઈતા હતા."
તમે આ વાંચ્યું કે નહીં?
ત્યારે વાજયેપીએ તે મહિને મુંબઈમાં થનારી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં તેમના પર નિર્ણય લેવાની વાત પણ કહી હતી. જોકે, એવું કંઈ થયું નહીં.
વર્ષ 2004માં અટલ બિહારી વાજપેયીએ સમયથી પહેલાં લોકસભા ભંગ કરીને ચૂંટણી યોજાવવાની ભલામણ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ચૂંટણીનું પરિણામ કોંગ્રેસના પક્ષમાં આવ્યું અને ભાજપ સત્તામાંથી બહાર થઈ ગયો.
ત્યારે લોકસભામાં ચૂંટણીમાં પક્ષની હારની જવાબદારી સ્વીકારતા વાજપેયીએ કહ્યું હતું, "લોકસભાની ચૂંટણી મારા નેતૃત્વમાં લડવામાં આવી હતી. મારે હારની જવાબદારી લેવી જોઈએ."
જોકે, તેમણે ચૂંટણીના પરિણામને આશ્ચર્યજનક ગણાવ્યું હતું.
જલદી ચૂંટણી કરાવવાના નિર્ણય પર વાજપેયીએ કહ્યું હતું કે પક્ષમાં એ સમયે બે વિચારધારા હતી. જોકે, બહુમત એ હતો કે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવે.
તેમણે સ્વીકાર કર્યો હતો કે આ નિર્ણયમાં પક્ષને કોઈ ફાયદો થયો નહીં.

ગુજરાત દંગાઓના કારણે....

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દા વિશે વાજપેયીએ કબૂલ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર વ્યક્તિગત હુમલાની નીતિએ પણ ભાજપને કોઈ ફાયદો કરાવ્યો ન હતો.
તેમણે કહ્યું હતુ, "ભારતના મતદારો બધું સમજે છે. આ પ્રકારના વ્યક્તિગત હુમલાઓને તેઓ કેટલાક સમય માટે પસંદ કરી શકે છે, પરંતુ દિલથી તેઓ આ પ્રકારના હુમલાઓની નીતિઓથી બિલકુલ વિરુદ્ધ છે."
વાજપેયીએ એ પણ માન્યું છે કે ગુજરાતના હુલ્લડો લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનું એક મુખ્ય કારણ બન્યા હતા.
વાજપેયીએ કહ્યું હતું કે રમખાણો ખૂબ શરમજનક હતાં અને તેનું ક્યારેય પુનરાવર્તન ન થવું જોઈએ.
તેમણે કહ્યું, "એ કહેવું મુશ્કેલ છે કે ચૂંટણીમાં ભાજપની હારનાં બધાં કારણો શું હતાં પરંતુ ગુજરાતની હિંસાનું એક પરિણામ એ પણ આવ્યું કે અમે ચૂંટણી હારી ગયા."
તેમણે કહ્યું હતું કે ગુજરાતના દંગાના સમયે લોકોની ભાવનાઓનો વિપક્ષે ફાયદો ઉઠાવ્યો હતો.
"વિપક્ષે તેનાથી રાજકીય ફાયદો ઉઠાવવાની મનસા રાખી પરંતુ હું તેમને દોષ નથી દેતો. આ રાજનીતિ છે અને અહીં આવી વાતો થતી રહે છે."
વાજપેયીએ કહ્યું હતું કે ગુજરાતમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું અને તેની નિંદા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે એવાં પગલાં ઉઠાવવાં જરૂરી છે કે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને.

સત્તાની રાજનીતિમાંથી સંન્યાસ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2005માં વાજપેયીએ ભાજપની સ્થાપનાનાં 25 વર્ષ પૂરા થવાના અવસર પર મુંબઈમાં યોજાયેલા રજત જયંતી સમારોહમાં સત્તાની રાજનીતિમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી.
વાજપેયીએ પોતાના ટૂંકા ભાષણમાં સંન્યાસની ઘોષણા કરતાં કહ્યું હતું કે હવે કોઈ ચૂંટણી નહીં લડે પરંતુ પાર્ટી માટે કામ કરતા રહેશે.
વાજપેયીની આ ઘોષણા ઠીક એ તારીખે કરી હતી જે તારીખે એટલે કે 29 ડિસેમ્બર 1980માં 25 વર્ષ પહેલાં ભાજપની સ્થાપનાની ઘોષણા થઈ હતી અને વાજપેયી તે વખતે પક્ષના અધ્યક્ષ બન્યા હતા.
સંન્યાસની ઘોષણાના કેટલાક મહિના પહેલાં સંઘના તત્કાલિન પ્રમુખ કે. એસ. સુદર્શનને સલાહ આપી હતી કે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી બંનેની ઉંમર થઈ ગઈ છે. હવે તેમને સેવાનિવૃત થઈ જવું જોઈએ.
કે. એસ. સુદર્શનની સલાહનું સમર્થન કરતાં વાજપેયીએ કહ્યું હતું કે વધારે ઉંમરના નેતાઓએ સેવાનિવૃત થઈ જવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















