અમદાવાદમાં ધરાશાયી ઇમારતમાંથી ચારને બચાવાયાં, એકનો મૃતદેહ મળ્યો

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રવિવારે સાંજે ધરાશાયી થયેલી ઇમારત હેઠળ દબાયેલાં લોકોમાંથી ચાર વ્યક્તિને જીવતી બચાવી લેવામાં આવી છે અને એક વ્યક્તિનું મૃત્યું થયું હોવાનું અમદાવાદ ફાયર અને ઇમર્જન્સી સર્વિસના અધિકારીએ જણાવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ ફાયર અને ઇમર્જન્સી સર્વિસના એડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે બીબીસીને જણાવ્યું, “ગઈકાલ સાંજથી શરૂ થયેલા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઑપરેશનમાં અત્યાર સુધી ચાર વ્યક્તિને જીવતી બચાવી લેવાઈ છે. તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત કાટમાળમાંથી એક વ્યક્તિને મૃત હાલતમાં બહાર કાઢીને તેમના દેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “આ પાંચ વ્યક્તિ સિવાય આ ઇમારતમાં રહેતા 32 પરિવારો પાસેથી તેમના સ્વજનોમાંથી હજી સુધી કોઈ ગુમ હોવાની માહિતિ હજી સુધી અમને મળી નથી. હજી અમારું સર્ચ ઓપરેશન ચાલું છે.”

“અત્યાર સુધીમાં 60 ટકા જેટલો કાટમાળ ખસેડી લેવાયો છે અને ઇમારતમાં હવે કોઈ વ્યક્તિ હોવાની શક્યતા નહિવત્ છે, આમ છતાં બાકીનો કાટમાળ કાઢવાની પ્રક્રિયા એક વખત કોઈ વ્યક્તિ દટાયેલી ન હોવાની બાબતની પુષ્ટિ કર્યા બાદ પૂર્ણ કરી દેવાશે. ”

કેવી રીતે બની આ ઘટના?

મળી રહેલી પ્રાથમિક માહિતી પ્રમાણે સરકારી આવાસ યોજનાની 3 થી 4 માળની ઇમારતના બે બ્લૉક ધરાશાયી થયા હતા.

ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 15 ગાડીઓ અને 4 ઍમ્બ્યુલન્સ છે અને રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે.

ઘટનાસ્થળે કૉર્પોરેશન અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. ઉપરાંત ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઇમારતના બે બ્લૉક ધરાશાયી થયા છે, જેમાં 32 મકાનો હતાં.

તેમણે વધુમાં કહ્યું, "ઇમારત જોખમી જણાતા ગઈકાલે જ ઘરો ખાલી કરાયા હતા અને અહીં રહેતા પરિવારોને બહાર કાઢી લેવાયા હતા.

"32 મકાનોમાં આશરે 150 લોકો રહેતા હતા."

મ્યુનિસિપલ કમિશનર પાસેથી મળેલી માહિતી પ્રમાણે એનડીઆરએફની ટીમ બોલાવાઈ છે.

શુક્રવારે ઇમારત ખાલી કરાવાઈ, શનિવારે ધરાશાયી

અમદાવાદના કમિશનર વિજય નહેરાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે આ ઇમારતને શુક્રવારે જ ખાલી કરાવવામાં આવી હતી.

તેમના કહેવા મુજબ તેમાં રહેતા લોકોને બહાર કઢાયા હતાં પરંતુ શનિવારે ફરીથી કેટલાક પરિવારો તેમાં રહેવા જતા રહ્યા હતા.

નહેરાએ કહ્યું, " જોકે, ફરીથી આજે પોલીસને સાથે રાખીને લોકોને બહાર કઢાયા હતા. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે."

જિલ્લા કલેક્ટર વિક્રાંત પટેલે ટીવી નાઇન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.

આશરે અત્યાર સુધીમાં છ જેટલાં લોકોને સારવાર અર્થે ખસેડાયા છે.

'NDRFની પાંચ ટીમો કામે લગાવાઈ'

રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રેસ્ક્યૂની કામગીરીમાં એનડીઆરએફની પાંચ ટીમોને કામે લગાવાઈ છે.

તેમણે કહ્યું, "ચારથી વધુ લોકોને કાટમાળમાંથી કાઢીને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે."

"એનડીઆરએફની ટીમો આવી ગઈ હોવાથી લોકોને બહાર કાઢવાની કામગીરી ઝડપી થશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો