ગુજરાતમાં મગફળીની 'આગ' કેવી રીતે લાગી?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના રાજકારણમાં જે મામલો ચર્ચામાં છે એ છે મગફળીનું કૌભાંડ. સરકારે સહકારી મંડળીઓ પાસેથી ખરીદેલી મગફળીના આ કૌભાંડમાં તપાસનો વિષય એ બની ગયો છે કે, એ બોરીઓમાં સામાન્ય માટીવાળી મગફળી હતી કે પછી થોડીઘણી મગફળી ધરાવતી માત્ર માટી હતી.
એક તરફ જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ સત્તારૂઢ ભાજપ પર આક્ષેપ મૂક્યો છે કે આ મગફળી કૌભાંડમાં 4000 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે.
તો સામે રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે આ આરોપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભ્રામક આંકડા ફેલાવીને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરે છે.
સરકારે ગુજરાત હાઈ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં એક તપાસ પંચ નીમ્યું છે. આ પંચ મગફળીના આ કથિત કૌભાંડની તપાસ કરશે.
જોકે, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એ સ્વીકાર્યું છે કે, કેટલીક સહકારી મંડળીઓએ મગફળીની ખરીદીમાં ગેરરીતિ આચરી છે, પરંતુ સરકાર તેમને છોડશે નહીં.

શું છે સમગ્ર કૌભાંડ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી અને એ સમયે ગુજરાતના ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ મળતાં ન હતા.
કોંગ્રેસ ખેડૂતો માટે ટેકાના ભાવની માગણી કરી રહી હતી અને સરકાર માટે પણ સાપે છછુન્દર ગળ્યા જેવી સ્થિતિ હતી, કારણકે 2015ની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને માર પડ્યો હતો અને પાટીદાર અનામત આંદોલને એમની હાલત ખરાબ કરી નાખી હતી.
મગફળી પકવનાર મોટા ભાગના લોકો પટેલ સમુદાયના મતદાતા હતા અને સૌરાષ્ટ્રની 48 બેઠકો પર તેમનું મતદાન નિર્ણાયક સાબિત થાય એવું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સ્થિતિમાં સરકારે પ્રતિ 20 કિલોગ્રામના 700 રૂપિયાના ભાવે વેચાતી મગફળીને પ્રતિ 20 કિલોગ્રામના 900 રૂપિયે ખરીદવાનું શરૂ કર્યું અને સૌરાષ્ટ્રની સહકારી મંડળીઓએ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કર્યું.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
ગુજકોટ દ્વારા ખરીદાયેલી મગફળીના નાણાં નોડલ એજન્સી તરીકે નાફેડે ગુજકોટને આપવાનું શરૂ કર્યું, પરંતુ અહીં મોટી કમી એ હતી કે સરકારે ઉતાવળે ભાડે લીધેલા ગોદામોમાં સીસીટીવી નહોતા કે મગફળીને સલામત રાખવાની વ્યવસ્થા પણ નહોતી.
2 જાન્યુઆરી 2018માં ગાંધીધામના ગોદામમાં આગ લાગી અને મગફળી બળી ગઈ.
આ અરસામાં 19 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના જૂનાગઢની બગડુની સહકારી મંડળીથી ગોદામમાં મગફળી ભરી ને જતી બે ટ્રક પોલીસે પકડી જેમાં માટી વાળી મગફળી હતી.
પણ આ કેસમાં ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને ગુનેગાર ગણવામાં આવ્યા અને એ પછી મગફળીના ગોદામોમાં આગ લાગવાનો સિલસિલો શરૂ થઈ ગયો.
30 જાન્યુઆરીએ રાજકોટના મગફળીના ગોદામમાં આગ લાગી અને મગફળી બળી ગઈ. ૧૩ માર્ચે રાજકોટના ગોદામમાં આગ લાગી જેમાં મગફળીની સાથેસાથે મગફળી ભરવાના ખાલી ગુણી (બારદાન) પણ બળી ગયા.
19 એપ્રિલે જામનગરના હાપામાં આગ લાગી જેમાં 350 ટન મગફળી બળી ગઈ, આ અરસામાં વેલ્ડિંગ કરતા કેટલાક લોકોને પકડવામાં આવ્યા.

કેવી રીતે કૌભાંડ પકડાયું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
આ મામલો થાળે પડી રહ્યો હતો ત્યાં મગફળી ખરીદવા ગોદામ પર ગયેલા વેપારીઓ એ જોયું કે મગફળીમાં માટી નહીં, પણ માટીમાં મગફળી છે.
સૅમ્પલિંગનો વીડિયો રેકર્ડ કરવામાં આવ્યો અને સરકાર પણ ઊંઘતી ઝડપાઈ હોવાનું જણાયું, કૉંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું.
જેના કારણે સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસના મેનેજર મગન ઝાલાવાડિયાએ પોલીસ ફરિયાદ કરી કે ગોદામોમાં આવેલી મગફળીમાં મોટાપાયે માટીની ભેળસેળ થયેલી છે, આ ભેળસેળ ટ્રક મલિક અને મજૂરોએ કરી છે.
પોલીસે તપાસ શરૂ કરી તો અહીં ગોદામમાં આવતી મગફળીની યોગ્ય તપાસ થઈ ન હતી.
મગન ઝાલાવાડિયા સહિત 22 લોકોની ધરપકડ કરાઈ, મજૂર અને બીજા લોકોનાં નિવેદન લેવાયા, કેટલાય દિવસોથી પોલીસને નહીં મળી રહેલા સીસીટીવી ફૂટેજ મળી ગયા.
પોલીસે મગન ઝાલાવાડિયાના ઘરે દરોડો પડ્યો ત્યારે ખબર પડી કે મગન ઝાલાવાડિયાએ માટી ભેળવેલી મગફળી ગોદામમાં ભરી હતી, એટલું જ નહીં અહીંના રેકર્ડ સાથે પણ ચેડાં કર્યાં હતાં.
આ દરમિયાનમાં કૉંગ્રેસ નવો આરોપ લગાવ્યો કે જ્યાં મગફળી ઊગી નથી એવા બનાસકાંઠા જિલ્લામાંથી પણ મગફળી ખરીદવાનું કૌભાંડ થયું છે.

સરકારે મગફળી કૌભાંડ અંગે તપાસ પંચ નીમ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સૌરાષ્ટ્રના મગફળીના ગોદામોમાં લાગેલી આગની તપાસ માટે હાઈ કોર્ટના નિવૃત જજ એચ. કે. રાઠોડની આગેવાનીમાં એક તપાસ પંચની રચના કરાઈ છે, જેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.
પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું “સરકારે ખેડૂતોના હીતમાં નાફેડ દ્વારા ગુજરાતમાંથી ૧૦ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવામાં આવી છે. જેના કારણે રૂપિયા ૩૭૫૦ કરોડ ખેડૂતોને આપ્યા, કેટલીક સહકારી મંડળીઓ દ્વારા ગેરરીતિ થઈ છે અને સરકાર કોઈને છોડશે નહીં.”
તો બીજી તરફ આ મગફળી કૌભાંડની તપાસ કરી રહેલા રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે બી.બી.સી. સાથેની વાતચીતમાં કહ્યું કે મગન ઝાલાવાડિયાની ફરિયાદ બાદ પોલીસે મજૂરો અને ટ્રક ચાલકોની તપાસ કરતા મહત્ત્વના પૂરાવા મળી આવ્યા છે.
સહકારી મંડળીના આગેવાનો સાથે મળીને મગન ઝાલાવાડિયાએ આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી છે એને ગોદામમાં આગ લાગી ત્યારે નહીં સળગેલા 34000 ખાલી બારદાન ટ્રકમાં નાખી સૌરાષ્ટ્રના બે વેપારી સાગર ટ્રેડર્સના અરવિંદ અને આશાપુરા ટ્રેડર્સમાં મહેશને બારદાન વેચી દીધા છે.
એમના વેવાઈ કાનજી પટેલ પણ આ સરકારી સામાન સગેવગે કરવામાં જોડાયેલા છે, એટલું જ નહીં, સરકારી રેકર્ડ પર કેટલી મગફળી ભરેલી ગુણી આવી અને કેટલી મગફળીનાં ખાલી બારદાન હતા તેના તમામ રેકર્ડ બળી નાખવામાં આવ્યા છે.
રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કહ્યું કે જે ગોદામોમાં આગ લાગી છે એ તમામ ગોદામો કેવી રીતે આગ લાગી, મગફળીમાં માટી કેવી રીતે આવી, અને ખાલી બારદાન કેટલા બળ્યા છે અને એ મગફળી ક્યાં ગઈ એની તપાસ માટે અમે સાત ટીમ બનાવી છે.
જેની તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ રીતે મગફળીમાં ભેળસેળ કરવાનું અને સળગાવવાનું કાવતરું દેખાઈ રહ્યું છે.
કેટલી મગફળી આવી એના રેકર્ડનો નાશ કરવામાં આવ્યો છે એ જોતા આ સુવ્યવસ્થિત કાવતરું લાગે છે પરંતુ એફ.એસ.એલ.ના રિપોર્ટ બાદ એની વધુ પુષ્ટિ થઈ શકશે.

કૉંગ્રેસ સરકારને ઘેરવાના મૂડમાં

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું “આ ગોદામોમાં મગફળી આવી એના કરતા વધારે માટી આવી છે અને સરકારના મળતીયાઓ આ મગફળીના કૌભાંડમાં ભ્રષ્ટાચાર કરી પૈસા બનાવી ચૂક્યા છે.”
“એટલે જ હવે નિવૃત જજનું તપાસ પંચ નીમાયું છે, જેથી તપાસ પર પડદો પડી જાય. કારણ કે છેલ્લાં ૨૨ વર્ષમાં જે તપાસ પંચો નિમાયા છે એના અહેવાલ આવ્યા નથી, એટલે આ કૌભાંડને દાબી દેવાનું કાવતરું છે.”
“સરકારે ૪ હજાર કરોડની મગફળી અને ખાલી બારદાન ખાઈ ગઈ છે, પણ એના પેટનું પાણી નથી હાલતું. સરકારે જે લોકોને પૂરમાં પાક ખલાસ થઈ જવા બદલ રાહતના પૈસા આપ્યા છે. એમને મગફળી ઊગાડવાના પૈસા કેવી રીતે આપી દીધા?”
“પૂરમાં જેમનો પાક ધોવાઈ ગયો હોય, ત્યાં મગફળી કેવી રીતે ઊગી હોય? પરંતુ આ મામલામાં ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે એટલે તપાસ પંચ નીમવામાં આવ્યું છે.”
તો ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું “કૉંગ્રેસ સરકારને બદનામ કરવા ખોટા આંકડા સાથે જુઠ્ઠાણું ફેલાવે છે.”
“બનાસકાંઠામાં નર્મદાનાં પાણી પહોંચ્યા બાદ મગફળી ઊગે છે અને સરકારે ખેડૂતોનાં હીતમાં ખરીદી છે, પરંતુ પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આ કારસો રચાઈ રહ્યો છે.”
“આ મામલે સરકાર કસૂરવારોને છોડશે નહીં એટલેજ તપાસ પંચ નિમાયું છે.”
ટેકાના ભાવે થયેલી મગફળીની ખરીદીમાં ગેરરીતિ થઈ છે એ સરકાર જાતે કબૂલ કરી રહી છે, ત્યારે બંને રાજકીય પક્ષ પોતાની ચામડી બચાવવામાં લાગ્યા છે. એમાં જે ખેડૂતની મગફળી નથી વેચાઈ એમનો ખુરદો બોલી રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














