વિશ્લેષણ: ઐતિહાસિક ભાષણ આપનારા નેતાઓમાં નરેન્દ્ર મોદીની ખાસિયત શું છે?

સ્વામી વિવેકાનંદ
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્વામી વિવેકાનંદ 1893માં શિકાગોમાં યોજાયેલી ધર્મ સંસદમાં ભાગ લેવા માટે ભારતમાંથી રવાના થયા ત્યારે આ યુવા સ્વામી વિશે વિદેશમાં બહુ ઓછો લોકો જાણતા હતા.

એવું કહેવાય છે કે વિવેકાનંદે પોતાના ભાષણની શરૂઆત 'બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઑફ અમેરિકા...' એવી રીતે કરી તે સાથે જ ત્યાં ઉપસ્થિત લોકો ઊભા થઈ ગયા હતા અને બે મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ કરતા રહ્યા હતા.

વિવેકાનંદે તે પ્રસંગને યાદ કરીને બાદમાં લખ્યું હતું, ''ત્યાં બોલવા માટે આવેલા લોકો બહુ તૈયારી સાથે આવ્યા હતા અને ભાષણ પણ લખીને આવ્યા હતા. મેં મારી જિંદગીમાં આટલી મોટી સંખ્યામાં લોકો સામે ભાષણ આપ્યું નહોતું.”

“મારી પાસે ભાષણ લખેલું પણ નહોતું. મેં મા સરસ્વતીનું નામ લીધુ અને મંચ પર પહોંચી ગયો હતો.''

જવાહરલાલ નહેરુ

ઇમેજ સ્રોત, Fred Stein Archive

બાદમાં જવાહરલાલ નહેરુએ 'ડિસ્કવરી ઑફ ઇન્ડિયા'માં લખ્યું હતું કે 'વિવેકાનંદે દુઃખી અને હતોત્સાહ હિંદુઓના દિમાગ માટે એક ટૉનિક જેવું કામ કર્યું હતું. તેમણે ભરોસો અપાવ્યો કે આપણો ભૂતકાળ બહુ ભવ્ય છે અને તેનું ગૌરવ કરવું જોઈએ.'

પ્રભાવકારી વક્તવ્ય કોને કહેવાય અને ચોટદાર ભાષણની વ્યાખ્યા આપણે શું કરીશું?

ભારતીય મહાનુભાવોના પ્રસિદ્ધ ભાષણો વિશે પુસ્તક તૈયાર થયું છે, જેનું નામ છે, 'ધ પેન્ગ્વિન બુક ઑફ ઇન્ડિયન સ્પીચીઝ.'

તમે આ વાંચ્યું કે નહીં?

તેના લેખક અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રૉફેસર રાકેશ બાતાબયાલ કહે છે, ''સૌથી સારું ભાષણ એ જ કહેવાય જે લોકોને જકડી રાખે. સાથે લોકોને કશુંક એવું પણ જણાવે કે પછીના અડધો કલાક સુધી તેના વિશે જ વિચારો કરવા પડે.”

“લોકોને જકડી રાખવા માટે સારી વાણી ઉપરાંત ઉત્તમ શબ્દોનો ઉપયોગ કરવાનું પણ આવડવું જોઈએ.''

line

જ્યારે મહાત્મા ગાંધીનું ભાષણ વચ્ચે અટકાવાયું

ગાંધીજી

ઇમેજ સ્રોત, Pramod Kumar

મહાત્મા ગાંધીએ ફેબ્રઆરી 1916માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના ઉદ્ધાટન સમારોહમાં જે ભાષણ આપ્યું હતું, તેનાથી મોટી સંખ્યામાં ભારતવાસીઓનું ધ્યાન ખેંચાયું હતું.

ગાંધીજી હજી સુધી ભારતીય રાજકારણમાં એટલા ઊંડા ઉતર્યા નહોતા અને આમ પણ તેઓ બહુ ઉત્તમ વક્તા ક્યારેય મનાયા નહોતા.

પરંતુ તે વખતે મંચ પર બેઠેલા કેટલાક લોકોને ગાંધીજીની સ્પષ્ટ વાતો પસંદ ના પડી.

સભાપતિએ તેમને પોતાનું ભાષણ અટકાવી દેવા માટે જણાવ્યું હતું.

ગાંધીજીની જીવનકથા લખનારા પ્રમોદ કપૂર કહે છે, ''ગાંધીજીને બોલવા માટે જણાવાયું ત્યારે સૌપ્રથમ તેમણે કાશી વિશ્વનાથ મંદિરની આસપાસ ફેલાયેલી ગંદકીનો ઉલ્લેખ કર્યો હતો.''

તે પછી તેમણે કહ્યું કે સામે જ મહારાજા બેઠા છે, તેઓ હિરાઝવેરાત પહેરીને બેઠા છે.

એક ગરીબ દેશમાં આ રીતે વૈભવનું પ્રદર્શન કરવું યોગ્ય નથી એમ તેમણે કહ્યું હતું.

તેમણે તત્કાલિન વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ્ઝનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમણે પોતાની ચારે બાજુ એટલી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે, કે જાણે દિવાલ ઊભી થઈ ગઈ હોય.

રેહાન ફઝલ સાથે પ્રમોદ કુમાર
ઇમેજ કૅપ્શન, બીબીસી સ્ટૂડિયોમાં પ્રમોદ કુમાર સાથે રેહાન ફઝલ

તેમને ભારતના લોકોનો આટલો બધો ડર લાગતો હોય તો તેમણે અહીં આવવાની જરૂર જ નહોતી.

આ રીતે ગાંધીજી 15-20 મિનિટ સુધી સૌની ટીકા કરતા રહ્યા ત્યાર પછી એની બેસન્ટ પોતાની જગ્યા પરથી ઊભા થયા અને કહ્યું, 'સ્ટૉપ મિસ્ટર ગાંધી... સ્ટૉપ નાઉ.'

સૌએ જોયું કે આગળ બેઠેલા મહારાજા ઊભા થઈને ચાલતા થયા હતા.

મદનમોહન માલવીય તેમની પાછળ દોડીને તેમને વિનવણી કરી રહ્યા હતા કે, "મહારાજ પાછા ફરો, ગાંધીજીને બોલતા બંધ કરી દેવાયા છે." જોકે ત્યાં સુધીમાં સભા પણ વિખેરાવા લાગી હતી.

line

'તુમ મુઝે ખૂન દો'

નેતાજી સુભાષ ચંદ્ર બોસ

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU

4 જુલાઇ, 1944ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝે સમગ્ર દેશને આહ્વાન કર્યું હતું કે 'તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હેં આઝાદી દૂંગા.' તેમના એ એક જ ભાષણ અને લલકારથી સમગ્ર દેશ જાગૃત થઈ ગયો હતો.

રાકેશ બાતાબયાલ કહે છે, ''નહેરુ પોતાના ભાષણમાં એક તબક્કે 'ઇન્ટલેક્ચુઅલ' થઈ જતા હતા, પણ સુભાષચંદ્ર બોઝ સાથે ભારતનું જનમાનસ પોતાને જોડાયેલું અનુભવતું હતું. નહેરુની નજીક જવા માટે આપણે એકવાર વિચાર કરવો પડે, પણ બોઝના કેસમાં એવું નથી.

"ગાંધીજીનો વિરોધ હોવા છતાં તેમણે સિંગાપોરમાં પોતાનું ભાષણ આપ્યું ત્યારે તેમને 'રાષ્ટ્રપિતા' કહીને જ સંબોધન કર્યું હતું.

તેમણે તેમના આશીર્વાદ પણ માગ્યા હતા.

"બોઝનું ભાષણ સાંભળવા માટે સમગ્ર ભારત રેડિયોની સામે બેસી ગયું હતું. તેઓ બંગાળી હતા અને હિન્દી બરાબર આવડતી નહોતી. તેમ છતાં તેમણે હિન્દુસ્તાની છાંટ સાથે પોતાનું ભાષણ હિન્દીમાં આપ્યું હતું. તેના કારણે તેઓ હિન્દીભાષી ના હોવા છતાં લોકો તેમની સાથે પોતાને જોડાયેલા સમજતા હતા."

line

નહેરુનું ભાષણ 'ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની'

નેહરૂ

ઇમેજ સ્રોત, YOUTUBE GRAB

14 ઑગસ્ટ, 1947ની મધરાતે ભારતની આઝાદી વખતે જવાહરલાલ નહેરુએ આપેલું ભાષણ કોણ ભૂલી શકે? નહેરુના સચિવ તરીકે કામ કરનારા એમ. ઓ.

મથાઈએ પોતાના પુસ્તક 'રેમિનિસેન્સીઝ ઑફ નહેરુ એજ'માં લખ્યું છે, "નહેરુ કેટલાય દિવસોથી પોતાના ભાષણ માટે તૈયારીઓ કરી રહ્યા હતા. તેમના પીએએ તેમનું ભાષણ ટાઇપ કરીને મને આપ્યું ત્યારે મેં જોયું કે એક જગ્યાએ નહેરુએ 'ડેટ વિથ ડેસ્ટિની' એવો શબ્દપ્રયોગ કર્યો હતો."

"મેં રૉજેટનો શબ્દકોષ જોયો અને નહેરુને જણાવ્યું કે આ પ્રસંગે 'ડેટ' શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નહીં ગણાય, કેમ કે અમેરિકામાં ડેટ એટલે સ્ત્રીમિત્ર સાથે ફરવા જવું એવો અર્થ પણ થતો હોય છે."

"મેં સૂચન કર્યું હતું કે 'ડેટ'ની જગ્યાએ 'રોંદવૂ' અથવા 'ટ્રિસ્ટ' શબ્દ વાપરવો જોઈએ. મેં જણાવ્યું કે રુઝવેલ્ટે યુદ્ધ વખતે પોતાના ભાષણમાં રોંદવૂ શબ્દનો ઉપયોગ કર્યો હતો. નહેરુ થોડી ક્ષણ વિચાર કરીને ડેટ શબ્દ હટાવી તેની જગ્યાએ ટ્રિસ્ટ લખી નાખ્યું. નહેરુના તે ભાષણની હસ્તપ્રત આજે પણ નહેરુ મ્યુઝિયમ લાયબ્રેરીમાં સાચવી રખાઈ છે."

રાકેશ બાતાબયાલનું માનવું છે કે તે ભાષણની વિશેષતા એ હતી કે તેમાં કોઈ પ્રકારની લઘુતાનો ભાવ નહોતો.

તેઓ કહે છે, ''આઝાદી મળી હતી, પણ દેશનું વિભાજન થયું હતું. ઉત્તર પ્રાંતમાં તેમના પર પથ્થરો પણ ફેંકાયા હતા તે તેઓ જાણતા હતા, પરંતુ તેમના ભાષણમાં એક વિઝન હતું, એક સપનું હતું.''

''ભાષણમાં કોઈના વિરોધમાં કશું કહેવાયું નહોતું. કદાચ દુનિયાના ઉત્તમ ભાષણોમાં તેનો સમાવેશ થાય છે, કેમ કે તેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક મળે છે. તેમના સપનામાં સૌનો સમાવેશ થતો હતો, તેમના વિરોધીઓનો પણ.''

''તેમણે જાતિ, ધર્મ કે સંપ્રદાયના આધારે કોઈને બાકાત ગણ્યા નહોતા. ગરીબ, કચડાયેલા અને અશિક્ષિત દેશના નેતા જ્યારે કહેતા હોય કે અમારું સપનું એટલે માનવતાનું છે, ત્યારે તે તેમના ભાષણને નવી જ ઊંચાઈ આપે છે. તેમણે ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની વાત કરી ત્યારે કોઈ ધર્મ કે ભાગ્યનો સહારો લેવાની વાત નહોતી. તેનો કંઈક જુદો અર્થ થતો હતો.''

line

ગાંધીજીની હત્યા પછી નહેરુનું તત્ક્ષણ ભાષણ

નેહરૂ

ઇમેજ સ્રોત, Getty Images

આ ભાષણના સાડા પાંચ મહીના પછી બહુ દુઃખદ સ્થિતિમાં ફરી એકવાર દેશવાસીઓને સંબોધન કરવાનું તેમના માથે આવ્યું હતું.

નાથૂરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દીધી ત્યારે શોકગ્રસ્ત નહેરુએ દેશને પૂર્વતૈયારી વિના જ સંબોધન કર્યું હતું.

કોઈ જ તૈયારી વિના દિલથી નહેરુએ તે ભાષણ આપ્યું હતું.

તેમના સચિવ મથાઇએ લખ્યું હતું કે, "ગાંધીજીના પાર્થિવ દેહને જોઈને નહેરુ ધ્રૂજવા લાગ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે તમે મારી સાથે ને સાથે રહેજો. તેઓ કારમાં બેઠા ત્યારે મેં તેમની સાથે વાત કરવાની કોશિશ કરી હતી."

"તેમણે મારા હાથ પર હાથ મૂકીને મને મૌન કરી દીધો. તેઓ ઊંડા વિચારમાં ગરક થઈ ગયા હતા. હું તેમની સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં અંદર સુધી ગયો હતો. તેમની સામે રાખવામાં આવેલા માઇકમાં ગ્રીન લાઇટ થઈ તે સાથે જ નહેરુના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા - ધ લાઇટ હેઝ ગૉન આઉટ ઑફ અવર લાઇવ્ઝ."

આ ભાષણનું વિશ્લેષણ કરતાં રાકેશ બાતાબયાલ કહે છે, ''નહેરુ માટે ગાંધીજી કોઈ વ્યક્તિ નહોતા, તેમના માટે તે પ્રકાશનો પુંજ હતા. નહેરુએ જ્યારે આવું કહ્યું ત્યારે તેમનો કહેવાનો ભાવ એ નહોતો કે તેમના કે કોંગ્રેસના નેતા જતા રહ્યા છે. તેમનો કહેવાનો ભાવ એ હતો કે એક સંસ્કૃતિનો વિલય થઈ ગયો છે.''

નેહરૂ

ઇમેજ સ્રોત, Getty Images

''તેમને એ વાતનું દુઃખ નહોતું કે ગાંધી જતા રહ્યા. પરંતુ જે રીતે તેમની હત્યા થઈ તેનાથી તેઓ દુઃખી હતા. નહેરુને એ વાતનો અફસોસ હતો કે આપણામાંથી જ એકે હત્યા કરી હતી. આપણે દુનિયાને શું મોં દેખાડીશું. તેમને આ શરમની લાગણી થઈ રહી હતી અને તેમણે તેને પોતાની પર લઈ લીધી હતી.''

line

અંગ્રેજીમાં શ્રેષ્ઠ હિરેન મુખરજી

હીરેન મુખર્જી

ઇમેજ સ્રોત, BPST

ઇમેજ કૅપ્શન, હિરેન મુખર્જી તેમના અંગ્રેજી ભાષણ માટે ચર્ચિત રહ્યાં

ભારતીય સંસદમાં નાથ પાઈ, ફિરોઝ ગાંધી, પીલૂ મોદી અને ઇન્દ્રજીત ગુપ્તા જેવા પ્રખર વક્તાઓ હતા, પણ એવું કહેવાતું હતું કે અંગ્રેજીમાં હિરેન મુખરજીથી વધારે સારું ભાષણ ભાગ્યે જ કોઈ આપી શકતું હતું.

રાકેશ બાતાબયાલ કહે છે, ''અંગ્રેજી ભાષા પર હિરેન મુખરજીની જબરી પકડ હતી. અમુક રીતે ભારતમાં રાજકીય ભાષણોની જે પરંપરા હતી તેનાથી તેઓ થોડા જુદા પડતા હતા. તેઓ કેશવચંદ્ર સેન અને સુરેન્દ્રનાથ બેનરજી ‘સ્કૂલ ઑફ થૉટ્સ’ (વિચારસરણીના) વક્તા હતા.''

''સમગ્ર દુનિયાના સંદર્ભમાં તેઓ મોટી મોટી વાતો કરતા હતા અને તે માટેના શબ્દોની પસંદગી પણ ઉમદા રહેતી હતી. પરંતુ લોકોની વચ્ચે તેઓ પોતાની વાત બહુ સારી રીતે રાખી શકતા નહોતા. તેથી તેઓ ઉત્તમ સંસદ સભ્ય બન્યા, પણ જનતા સાથે તેમની કડી જોડાઈ નહોતી.''

line

અટલ બિહારી વાજપેયીનું વક્તૃત્વ

અટર બિહારી વાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે હિંદીમાં ભાષણની વાત આવે ત્યારે અટલ બિહારી વાજપેયીની તોલે કોઈ આવે નહીં.

વાક્પટુતા, શબ્દોની પસંદગી, અનોખા અંદાજમાં બોલવું અને તેમનું પ્રસિદ્ધિ વચ્ચે મૌન થઈ જવું, ભાષણ વચ્ચે અટકવાની શૈલી અનોખી હતી.

આંખો બંધ કરીને આંગળીઓને અમુક રીતે ફેરવવી, જાણે કે બૉલને સ્પીન કરી રહ્યા હોય તે બધાને કારણે સાંભળનારા મંત્રમુગ્ધ થઈ જતા હતા.

વાજપેયીનું સર્વશ્રેષ્ઠ ભાષણ તેમણે જવાહરલાલ નહેરુના નિધન વખતે આપ્યું હતું તે હતું.

તેનું રેકૉર્ડિંગ ઉપલબ્ધ નથી, કેમ કે તે વખતે સંસદની કાર્યવાહીનું રેકૉર્ડિંગ કરાતું નહોતું. જોકે તેમણે પોતાના રાજકીય હરિફને આપેલી શ્રદ્ધાંજલિનું ભાષણ માર્મિક અને અનોખું હતું.

વાજપેયીએ કહ્યું હતું, ''એક સપનું અધૂરું રહી ગયું. એક ગીત મૌન થઈ ગયું અને એક જ્યોત બુઝાઈ ગઈ. આ માત્ર એક પરિવાર, કે પક્ષ કે સમાજ પૂરતું નુકસાન નથી.”

“ભારત માતા શોકમાં છે, કેમ કે તેમના સૌથી પ્રિય રાજકુમાર પોઢી ગયા છે... માનવતા શોકમાં છે, કેમકે તેને પૂજનારો જતો રહ્યો છે.''

''દુનિયાના મંચ પર મુખ્ય કલાકાર પોતાની આખરી ભૂમિકા કરીને જતા રહ્યા. તેમની જગ્યા કોઈ નહીં લઈ શકે. સૂર્યાસ્ત થઈ ગયો છે, પણ તારાઓના અજવાસમાં આપણે રસ્તો શોધી લઈશું.”

“આપણા માટે આ કસોટીનો કાળ છે. તેમને સાચી શ્રદ્ધાંજલિ ભારતને મજબૂત કરીને જ આપી શકાય છે."

line

અડવાણીનો વાજપેયી કૉમ્પ્લેક્સ

આડવાણી અને વાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images

વાજપેયીની ભાષણની કલાને કારણે બીજા પક્ષના નહીં, તેમના પોતાના પક્ષના નેતાઓ પણ લઘુતા અનુભવતા હતા.

લાલ કૃષ્ણ અડવાણી સ્વીકાર કરે છે, ''1952-53માં તેઓ પક્ષના નેતા તરીકે રાજસ્થાન આવતા હતા અને તેમનું ભાષણ સાંભળીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ જતા હતા; તે જોઈને મારા મનમાં એક 'કૉમ્પ્લેક્સ' ઊભો થયો હતો.''

"હું પણ રાજકારણમાં છું, રાજકારણમાં ઉત્તમ વક્તા બનવું પડે તેમ છે, પણ આવું ઉત્તમ ભાષણ આપી શકું તેવી મારી લાયકાત નથી તેવું મનમાં લાગતું હતું.”

“તેથી મને યાદ છે કે 1973માં તેમણે મને કહ્યું હતું કે પોતે ચાર વર્ષથી પક્ષના પ્રમુખ છે, તો હવે તમે બનો. તે વખતે મેં કહ્યું હતું કે હું ના બની શકું, કેમકે મને ભાષણ આપતા આવડતું નથી.''

''તેમણે કહ્યું કે તમે સંસદમાં તો બોલો છો. મેં કહ્યું કે સંસદમાં બોલવું એક વાત છે, પણ જાહેર સભામાં હજારો લોકોની સામે બોલવું મારા ગજાની વાત નથી.”

“એક પછી એક કેટલાય નેતાઓએ પ્રમુખનો હોદ્દો સ્વીકારવાની ના પાડી. તે પછી મારે અધ્યક્ષ બનવું પડ્યું હતું, પણ હું જીવનભર આ બાબતમાં લઘુતા અનુભવતો રહ્યો હતો.''

line

લાલુનો મજાકિયો અંદાજ

લાલુ પ્રસાદ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

લાલુ પ્રસાદ યાદવના દિવસો હાલમાં સારા નથી ચાલી રહ્યા, પરંતુ તેમના વિરોધીઓ પણ તેઓ બોલતા હોય ત્યારે સાંભળવાની લાલચ જતી કરી શકતા નહોતા.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના ભૂતપૂર્વ તંત્રી અંબિકાનંદ સહાય કહે છે, ''લાલુ યાદવ લાજવાબ છે. તેઓ પોતાના ટાર્ગેટ ઑડિયન્સની નસ પારખીને જે રીતે તેમના ગળે વાત ઊતારી શકે છે તે બેજોડ છે.”

“લાલુ યાદવ જેવું બીજું કોઈ થઈ શકે નહીં. તેમની એ ખાસિયત હતી કે તેઓ બહુ સરસ રીતે પોતાને બિહારના પર્યાયવાચી બનાવી શક્યા છે.''

''તમે કોઈ પણ ભારતીયને બિહાર વિશે પૂછો એટલે તરત જ તેના ચક્ષુ સમક્ષ જે છબી આવી જાય છે તે લાલુ યાદવની હોય છે! તેઓ જેલમાં જાય, સજા થાય કે ના થાય, જામીન મળે કે ના મળે, તેઓ મંચ પર ઊભા થાય અને પોતાના લોકો સાથે સંવાદ સાધે ત્યારે તે જોવા જેવું હોય છે. તેમના ભાષણમાં એવી કમાલ હતી કે લોકો તેમને સાંભળવા માટે ઊમટી પડતા હતા. આ બહુ ગજબની વાત છે.''

line

શશિ થરૂરનું ઑક્સફર્ડ યુનિયનનું ભાષણ

શશિ થરૂર

ઇમેજ સ્રોત, VIDEO GRAB

થોડા સમય પહેલાં અપાયેલા ઉત્તમ ભાષણોમાં સૌથી વધુ ચર્ચા થઈ છે શશિ થરૂરે 'ઑક્સફર્ડ યુનિયન'માં આપેલું ભાષણ.

લોકતંત્રનું જન્મસ્થાન મનાતા બ્રિટનમાં જ, તેમની જ ભૂમિ પર અંગ્રેજોની લોકતંત્ર માટેની પ્રતિબદ્ધતાના છોતરા તેમણે પોતાના ભાષણમાં કાઢી નાખ્યા હતા.

થરૂરે કહ્યું હતું, ''હું સંપૂર્ણ સન્માન સાથે કહેવા માગું છું કે તમે લોકો 200 વર્ષ સુધી લોકોને કચડી નાખીને, ગુલામ બનાવીને અને ત્રાસ આપીને અમીર ના બની શકો.”

“ઉપરથી તમે એવું અભિમાન ના રાખી શકો કે દુનિયામાંના તમારા જેવી લોકશાહી ધરાવતો દેશ બીજો કોઈ નથી!''

''તમે અમને લોકશાહી અધિકારોથી વંચિત રાખ્યા હતા, જે અમારે તમારી પાસેથી છીનવી લેવા પડ્યા. 150 વર્ષ સુધી રાજ કર્યા બાદ તમારે બહુ ખચકાટ સાથે અમારા અધિકાર અમને આપી દેવા પડ્યા હતા.''

line

લોકો સાથે મોદીનું 'કનેક્ટ'

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, BJP Twitter

વર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ અસરકારક વક્તા છે.

તેમના ભાષણો ભલે બૌદ્ધિકતાથી પ્રચુર ના હોય, પણ તેઓ સામાન્ય જનતા સાથે બહુ અસરકારક રીતે સીધા 'કનેક્ટ' થઈ શકે છે.

અંબિકાનંદ સહાય કહે છે, "દેશના બુદ્ધિજીવીઓ ભલે કહેતા રહે કે તેઓ સપનાં વેચે છે, પણ તેમની લોકો સાથે સંવાદ સાધવાની આવડત જોરદાર છે.“

“તેઓ લોકોને એ રીતે સ્પર્શે છે કે ભલે તેઓ સપનાં વેચતા હોય, તો પણ લોકો તેમની વાત પર વિશ્વાસ કરવા તૈયાર થઈ જાય છે."

"લોકોને ખબર હોય છે કે આ ચૂંટણીલક્ષી ભાષણ છે. તેઓ મોટા મોટા વાયદાઓ કરે છે. કોણ જાણે ક્યારે પૂરા કરશે, પણ તેમનો વાત કરવાનો અંદાજ એવો છે કે લોકો તેમને માની જાય છે. તેના કારણે આજે પણ તેમની વ્યક્તિગત વિશ્વસનીયતા અતૂટ છે.''

''તમે નરેન્દ્ર મોદી અને ભાજપ બંનેની વિશ્વસનીયતા જોશો તો ખ્યાલ આવશે કે બંનેમાં ફરક છે.”

“ભારતીય જનતા પક્ષ પોતાની તાકાત પર ચૂંટણી લડે તો કદાચ કેટલીય જગ્યાએ હારી પણ જાય.''

''મોદીમાં જબરદસ્ત સંવાદની કલા છે. મૅડિસન સ્કેવરમાં આપેલું તેમનું ભાષણ હોય કે બ્રિટિશ સંસદમાં કરેલું તેમનું સંબોધન, તેમની વાત પર લોકો ભરોસો કરે છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો