આ મહિલાએ કિડની દાન કરવા લડવો પડ્યો કાનૂની કેસ

વર્ષા શર્મા

ઇમેજ સ્રોત, VARSHA SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, બેંગલુરુની એક હૉસ્પિટલમાં કિડની દાન કર્યાના એક દિવસ પહેલાં વર્ષા શર્માની તસવીર
    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

"આપણા હિંદુ ધર્મમાં માન્યતા છે કે આપણું સંપૂર્ણ શરીર પંચતત્ત્વમાં વિલીન ન થાય, તો આપણે સ્વર્ગમાં નથી જઈ શકતા. પણ એવા સ્વર્ગનું શું મહત્ત્વ જેના કારણે તમે એક જીવતી વ્યક્તિને નવું જીવન ન આપી શકો. કોઈના મુખ પર સ્મિત ન લાવી શકો અને કોઈ બાળકને અનાથ થવાથી બચાવી ન શકો. આના સ્વર્ગનો ફાયદો શું?"

આ શબ્દો વર્ષા શર્માના છે જેઓ છેલ્લા એક વર્ષથી તેમના પરિવાર, સમાજ અને સરકારી તંત્ર સામે સંઘર્ષ કરી રહ્યાં છે.

તે લડાઈ લડી રહ્યાં છે કે તેમને તેમના મિત્રને કિડની દાન કરવાનો અધિકાર આપવામાં આવે.

આ પ્રક્રિયા માટે વર્ષા શર્માએ હૉસ્પિટલોથી લઈને સરકારી ઓફિસ અને કોર્ટના ધક્કા ખાવા પડ્યા છે.

line

'પહેલા ખુદ પોતાની સાથેની લડાઈ લડી'

વર્ષા શર્મા

ઇમેજ સ્રોત, VARSHA SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, કિડની દાન કરવા વજન 76 કિલોથી ઘટાડી કર્યું 64 કિલો

વર્ષા શર્મા એક ટૂરિસ્ટ ગાઇડ છે અને તેમના માટે આ લડાઈ શરૂઆતથી જ મુશ્કેલ રહી છે. કેમ કે સૌથી પહેલા તેમણે પોતાની જાત સાથે જ સંઘર્ષ કરવો પડ્યો.

એક વર્ષ પહેલાં તેમનું વજન 76 કિલોગ્રામ હતું અને કિડની દાન કરવા માટેની સૌપ્રથમ જરૂરિયાત એ હતી કે તેમનું વજન 62 કિલો કરવાનું હતું.

આપને આ પણ વાંચવું ગમશે

તેમણે તેમની સંઘર્ષની આપવીતી જણાવતા બીબીસીને કહ્યું,"મને પાણીપૂરી, મીઠાઈ, આઇસક્રીમ અને છોલે ભટુરે સહિતના ચટપટાં ખોરાક ખૂબ પસંદ છે. મારું વજન 76 કિલો હતું અને મારે કિડની દાન કરવા માટે વજન 62 કિલો કરવાનું હતું."

"આથી મારે આ બધું જ ખાવાનું છોડી દેવું પડ્યું અને ઘણી મહેનત કરીને વજન ઘટાડ્યું. મેં મારું વજન 64 કિલો કર્યું."

line

'પરિવાર અને સરકારી તંત્ર સાથે સંઘર્ષ'

પત્ર

ઇમેજ સ્રોત, PANKAJ BHARGAV/BBC

ઇમેજ કૅપ્શન, કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગનો પત્ર

શારીરિક રીતે પોતાને કિડની દાન માટે તૈયાર કર્યા બાદ તેમની સામે બીજો મોટો પડકાર અંગ પ્રત્યારોપણ માટેના નિયમોનું પાલન કરવાનો હતો.

પોતાના મિત્ર કર્નલ પંકજ ભાર્ગવને કિડની દાન કરવાની પ્રક્રિયા મામલે આ પડકાર ઘણો જ મહત્ત્વનો હતો.

કેમ કે અંગદાન કરનારી વ્યક્તિએ પોતાના પરિવાર પાસેથી મંજૂરી લેવી પડતી હોય છે.

તેમને પોતાની બહેન પાસેથી મંજૂરી લેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને કોર્ટમાં કેસ પણ લડવો પડ્યો.

આ સમગ્ર સંઘર્ષમાં તેમને સમાજસેવી અનિલ શ્રીવાસ્તવની મદદ મળી. તેઓ પહેલાં અંગદાનની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા છે.

line

'લોકો જ્યારે માણસાઈ બતાવે, ત્યારે તેમાં સરકાર હસ્તક્ષેપ કરે છે'

અનિલ શ્રીવાસ્તવે આ મામલે કહ્યું,"વર્ષા શર્મા કિડની દાન માટે જ્યારે શારીરિક રીતે સંપૂર્ણ ફિટ હતાં, ત્યારે કર્ણાટક સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી તમામ હૉસ્પિટલોને એક પત્ર લખવામાં આવ્યો કે તેમના અંગદાનની પ્રક્રિયા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે."

"મને આ વિશે જાણ થતાં હું આગળ આવ્યો અને મદદ કરવાની કોશિશ કરી કેમ કે હું પણ આવી સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યો હતો."

"હું આ પ્રકારના ચલણ સામે લડાઈ લડું છું, મારું માનવું છે કે લોકો જ્યારે માણસાઈ બતાવે છે, ત્યારે તેમાં સરકાર હસ્તક્ષેપ કેમ કરે છે."

પત્રમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષા શર્મા આર્થિક રીતે તેમના બહેન પર આશ્રિત છે અને તેમની કોઈ સલાહ નથી લેવામાં આવી તથા બહેનને આ મામલે વિરોધ છે.

આથી વર્ષા શર્માએ કોર્ટમાં કેસ દાખલ કરી કાનૂની લડાઈ લડવાનું નક્કી કર્યું.

પકંજ ભાર્ગવ પરિવાર સાથે

ઇમેજ સ્રોત, FACEBOOK/PANKAJ BHARGAVA

ઇમેજ કૅપ્શન, લંડનના મેડમ તુસ્સાદ મ્યુઝિયમમાં પકંજ ભાર્ગવ પરિવાર સાથે

આ મામલે પ્રતિક્રિયા માટે જ્યારે વર્ષા શર્માના બહેન સીમા વ્યાસનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બીબીસીને કોઈ પણ પ્રતિક્રિયા કે ટિપ્પણી કરવા મામલે ઇન્કાર કરી દીધો.

કર્ણાટકની કોર્ટમાં તેમનો કેસ લડી રહેલાં તેમનાં વકીલ અનુ ચિંગપ્પાએ બીબીસીને જણાવ્યું કે,"આ મામલે અપીલનો નિકાલ લાવનાર ઑથૉરિટીએ એક પરિપત્ર જાહેર કર્યો હતો કે કોઈ પણ સત્તા પ્રાપ્ત સમિતિ આ કેસ પર કાર્યવાહી નહીં કરે. પરંતુ આ ઑથૉરિટીને આ કેસમાં કોઈ સત્તા હતી જ નહીં."

"યોગ્ય પ્રક્રિયા એ હોય છે કે, જો તેમને કોઈ વાંધો હોય તો તેમણે લેખિતમાં સત્તા પ્રાપ્ત સંબંધિત સમિતિ સમક્ષ વાંધો રજૂ કરવાનો હતો."

"પરંતુ તેમણે તેમના સ્તરે જ વાંધાનો પરિપત્ર જારી કરી દીધો. આથી વર્ષા શર્માની અરજીનો નિકાલ કરવામાં આવતો નહોતો."

"બીજી તરફ કિડની મેળવનારા કર્નલ ભાર્ગવની તબિયત લથડી રહી હતી. આથી કર્ણાટક હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી અને જણાવ્યું કે સરકારે આ મામલે યોગ્ય રીકે કામગીરી કરી નથી."

કિડની ટ્રાન્સપ્લાન્ટ મામલેની એપલેટ ઑથૉરિટીનું કામ અંગ પ્રતિરોપણ કરાવતું હૉસ્પિટલ યોગ્ય નિયમોનું પાલન કરીને કામ કરે તે નિશ્ચિત કરવાનું હોય છે.

ઉપરાંત અંગ મેળવવા અને દાન કરવા મામલેની પ્રક્રિયામાં પણ નિયમોનું પાલન કરવામાં આવે તેની દેખરેખ રાખવાની હોય છે.

સમાજસેવી અનિલ શ્રીવાસ્તવ સાથે પંકજ ભાર્ગવ

ઇમેજ સ્રોત, FACEBOOK/GIFTOFLIFEADVENTURE

ઇમેજ કૅપ્શન, સમાજસેવી અનિલ શ્રીવાસ્તવ સાથે પંકજ ભાર્ગવ

દરમિયાન વકીલ અનુ ચિંગપ્પાએ જણાવ્યું કે,"કેસ કોર્ટમાં પહોંચતા ઑથૉરિટીના પ્રતિનિધિએ રજૂઆત કરી કે તેઓ અરજી સુપરત થયાના 24 કલાકમાં જ આદેશ જારી કરી દેશે."

"કોર્ટની સમર વેકેશનની પીઠે મામલાની ગંભીરતાને ઘ્યાને લઈને 10 મેની સાંજે જ નિર્ણય સંભળાવીને આદેશ આપીને તેની નકલ પણ જારી કરી દીધી."

"બીજે દિવસે અમે અરજી સંબંધિત તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી."

તેમણે વધુમાં જણાવ્યું,"પરંતુ પછી જૂન મહિનો પસાર થઈ ગયો અને ઑથૉરિટી કોઈને કોઈ કારણસર આ બાબતને ટાળતી રહી. બાદમાં તેના ચાર સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ ગયો અને 20મી જૂને સમિતિ ભંગ થઈ ગઈ."

"અમને કહેવામાં આવ્યું કે હવે નવી સમિતિ બનશે ત્યારે જ કામ આગળ વધશે."

"આથી 19મી જુલાઈએ અમે ફરીથી કેસ કર્યો. ન્યાયમૂર્તિએ ટિપ્પણી કરી કે આ કોઈની જિંદગીનો સવાલ છે. આથી તમે આજે જ રાત્રે જૂની સમિતિની બેઠક કરો અને નિર્ણય કરો."

"ત્યારબાદ સમિતિએ આ મામલે તેમની સંમતિ દર્શાવી અને 27 જુલાઈએ આખરે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું."

line

'મારી બહેન વર્ષા કોઈ બીજી દુનિયાની છે'

ગત કેટલાક મહિનાથી ડાયાલિસિસ પર રહેનારા પંકજ ભાર્ગવ માટે વર્ષા શર્માની જીત એક નવા જીવનની આશાનું કિરણ લઈને આવી છે.

કર્નલ પંકજ ભાર્ગવે બીબીસીને કહ્યું કે,"આજના સમાજમાં મારી બહેન વર્ષાએ જે કરી બતાવ્યું છે એ આ દુનિયામાં રહેતું કોઈ અન્ય ન કરી શકે."

"કિડની દાન કરવી ખૂબ જ મોટી વાત છે. હું છેલ્લા ઘણા મહિનાથી હૉસ્પિટલમાં દાખલ હતો. શરીરમાં ઘણી નબળાઈ હતી."

"એક વાર ચાલતા ચાલતા પડી ગયો હતો. એકાએક ખબર નહીં ક્યાંથી અચાનક એ મારી સામે આવી ગઈ અને મને કહ્યું કે તે મને કિડની આપવા માંગે છે."

"આ ભગવાનનો આશિર્વાદ હતો."

સર્જરી બાદ વર્ષા શર્માને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે, પણ પંકજ ભાર્ગવે હજુ કેટલાક દિવસ સુધી ડૉક્ટર્સની દેખરેખમાં રહેવું પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો