મુંબઈ-ગોવા હાઇવે પર જતી બસ ખાઈમાં ખાબકી, 30 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, UGC
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-ગોવા હાઇવે પર એક બસ પહાડ પરથી 500 ફૂચ નીચે ખાઈમાં પડતા અકસ્માત સર્જાયો છે. જેમાં 30 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ બસમાં કુલ 31 લોકો સવાર હતા જેઓ મહારાષ્ટ્રની ડપોલી કોંકણ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ હતા.
આ બસ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો બચાવ થયો છે.
દુર્ઘટનાને પગલે રાયગઢના કલેક્ટર વિજય સૂર્યવંશીએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા જ્યાંથી તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ ઘટના સવારના 11.30 ઘટી હતી અને અકસ્માતની જાણ બચી ગયેલા પ્રકાશ સાવંતના મિત્ર દ્વારા કરવામાં આવી હતી."

ઇમેજ સ્રોત, ugc
નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સના આગેવાન અનુપમ શ્રીવાસ્તને ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે આ અકસ્માતમાં 32 લોકોનાં મૃત્યુ થયાં છે અને અમારી ટીમ મૃતદેહોને રિકવર કરવાનું કાર્ય કરી રહી છે.
મહારાષ્ટ્રના મંત્રી વિનોદ તાવડેએ ટ્વીટ કર્યું હતું કે તેમણે અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરવાનું કહ્યું છે.

અકસ્માતની જાણ કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, UGC
જ્યારે દુર્ઘટના થઈ, ત્યારે પ્રકાશ સાવંત નામના વ્યક્તિ બચી ગઈ હતી.
જેમણે તેમના મિત્ર અજીતને ફોન કરીને આ દુર્ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ અજીતે પોલીસને દુર્ઘટના અંગે જણાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ પ્રકાશ સાવંતનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો જેમાં તેમણે સમગ્ર દુર્ઘટનાક્રમ વર્ણવ્યો હતો.
વીડિયોમાં તેઓ કહેતા સંભળાય છે, "રસ્તામાં વચ્ચે આવેલા એક ટેકરા પરથી બસ લપસી સીધી નીચે ખાબકી હતી. જ્યારે બસ નીચે પડી ત્યારે હું એક ઝાડની ડાળી સાથે લટકી ગયો હતો."
"મેં નીચે જોયું તો બસ ઊંધી વળી ગઈ હતી. ત્યારબાદ હું માંડમાંડ કરીને ઉપરની તરફ આવ્યો. અકસ્માતને પગલે લોકો ત્યાં જમા થઈ ગયા હતા. મેં તેમાંથી એક વ્યક્તિ પાસેથી ફોન લઈને મારા મિત્રને દુર્ઘટના અંગે જણાવ્યું."
ત્યારબાદ તેણે પોલીસને આ અકસ્માતની સૂચના આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












