અમેરિકાએ કૉલ સેન્ટરથી ઠગતા ગુજરાતીઓને ફટકારી 20 વર્ષ સુધીની કેદ

અમદાવાદ ખાતેનાં કૉલ સેન્ટર્સ દ્વારા આચરવામાં આવેલા કરોડો ડૉલરના ટેલિફ્રોડ કૌભાંડમાં 21 ભારતીયોને અમેરિકામાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેમાંથી મોટા ભાગનાં ગુજરાતી છે.

પીટીઆઈના અહેવાલ અનુસાર અમેરિકાના સત્તાધિશોએ 21 ભારતીયોને 4થી 20 વર્ષ સુધીની કેદની સજા ફટકારી છે.

ભારત સ્થિત આવા કૉલ સેન્ટર્સમાંથી સંખ્યાબંધ અમેરિકન નાગરિકો અને ઇમિગ્રન્ટ સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી.

કૉલ સેન્ટરમાંથી અમેરિકાના નાગરિકો અને કાયદેસર ઇમિગ્રન્ટને સરકારને ન ચૂકવેલાં નાણાં માટે ધરપકડ, દેશનિકાલ, જેલ અને દંડની ધમકીઓ આપીને નાણાં પડાવી લેવામાં આવતા હતા.

કૌભાંડમાં સજા પામેલાં તમામ 21 લોકોમાં ભારતીયો અને ભારતીય મૂળના અમેરિકનો છે.

આ મામલે એમરિકાના એટર્ની જનરલ જેફ સેશન્સે કહ્યું, "કોઈ એક જ કેસમાં મોટી સંખ્યામાં આરોપીઓને કડક સજા ફટકારવામાં આવી હોય તેવી આ પ્રકારની પ્રથમ ઘટના છે."

"જે કૉલ સેન્ટર સંબંધિત કૌભાંડમાં થયેલી તપાસમાં મળેલી સફળતા દર્શાવે છે."

સજા બાદ ભારત પરત મોકલી દેવાશે

સજા પામેલા કેટલાક ભારતીયોને સજા પૂરી થતાં ભારત પરત મોકલી દેવાશે.

સેશન્સે ઉમેર્યું, "આ કેસનો ચુકાદો અમેરિકાના નાગરિકો સાથે થતી છેતરપિંડી રોકવા અને તેમને આ જોખમથી દૂર રાખવાની અમારી લડાઈના પ્રયાસોમાં મળેલી મોટી સફળતા છે."

આપને આ પણ વાંચવું ગમશે

"અમેરિકાના નાગરિકોની મહેનતની કમાણી આ રીતે છેતરપિંડીથી પડાવી પાડતા કૌભાંડીઓના નેટવર્ક માટે આ એક સંદેશો છે કે તેમને ઉઘાડા પાડીને જેલમાં ધકેલી નાખવામાં અમેરિકાની એજન્સીઓ જરાય કસર નહીં છોડે. તેઓ પીડિતોને ન્યાય અપાવીને જ રહેશે."

એમરિકાના લૉ વિભાગના અધિકારીઓ અનુસાર ભારત સ્થિત કૉલ સેન્ટરે વિવિધ પ્રકારની ટેલિફોનિક ફ્રૉડ સ્કીમ દ્વારા જાળમાં જલદી ફસાઈ જાય એવા અમેરિકન નાગરિકોને નિશાન બનાવ્યા હતા.

તેમણે ખાસ કરીને વૃદ્ધો અને કાયદેસર ઇમિગ્રન્ટ્સને શિકાર બનાવ્યા હતા.

કઈ રીતે કરતા ફ્રૉડ?

કૌભાંડીઓએ વર્ષ 2012 અને 2016 દરમિયાન એમેરિકાના નાગરિકોને પોતે અમેરિકાના વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ હોવાનું કહીને ધમકીઓ આપીને નાણાં પડાવી લીધાં હતાં.

તેઓ પોતાને એમેરિકાની ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસ અથવા યુએસ સિટીઝન ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસના અધિકારી તરીકે કૉલ સેન્ટરમાંથી કૉલ કરતા હતા અથવા કરાવતા હતા.

કૉલરને અમેરિકાના એક્સન્ટમાં અંગ્રેજીમાં બોલવાની તાલીમ પણ આપવામાં આવતી હતી.

તેઓ અમેરિકન નાગરિકોને ધમકી આપતા કે જો સરકારને ચૂકવવામાં આવનારી રકમ નહીં ચૂકવવામાં આવે તો તેમની સામે પગલાં લેવાશે.

આથી નાગરિકો અને પીડિતો ડરીને નાણાં ચૂકવવા તૈયાર થઈ જતા. પછી તેમને નાણાંની ચૂકવણી વિશે જણાવવામાં આવતું હતું.

જે લોકોને સરકારને કે કોઈ અન્ય સંસ્થાને નાણાં ચૂકવવાના બાકી હોય તેમની વિગતો ડેટા બ્રોકર્સ અથવા અન્ય સ્રોત મારફતે મેળવી લેવાતી હતી.

આ રીતે થતાં નાણાં ટ્રાન્સફર

જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અનુસાર એકવાર કોઈ વ્યક્તિ નાણાં ચૂકવવા તૈયાર થાય એટલે તેને ભારતીય કૉલ સેન્ટરમાં કામ કરતા લોકો સ્ટોર્ડ વેલ્યૂ કાર્ડથી અથવા વાયર ટ્રાન્સફર કરવા માટે કહેતા.

અમેરિકા સ્થિત એજન્ટો રિલોડેબલ એટલે કે સ્ટોર્ડ વેલ્યૂ કાર્ડ ખરીદી લેતા અને તેનો નંબર ભારત સ્થિત ભાગીદારોને મોકલી આપતા હતા.

તેઓ અમેરિકાના નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરીને આ કાર્ડની નોંધણી કરાવી લેતા હતા.

ત્યારબાદ આ નાણાં જે તે નાગરિકના નામે નોંધાયેલા કાર્ડમાં કૌભાંડની રકમ જમા કરાવતા અને અમેરિકા ખાતેના તેમના એજન્ટ મની ઓર્ડર ખરીદી લેતા હતા.

ત્યાર બાદ તેને અન્ય વ્યક્તિનાં ખાતામાં જમા કરાવી દેવાતાં હતાં. કેસમાં કુલ 32 ભારતીયો અને પાંચ કૉલ સેન્ટર સામે તહોમતનામું મૂકાયું છે.

તેમની સામે છેતરપિંડી, વાયર ફ્રૉડના ષડયંત્ર અને કાળા નાણાંને ધોળા કરવા સહિતની પ્રવૃત્તિઓના આરોપ નક્કી થયા છે.

હજુ સુધી તેમની સામે કાર્યવાહી નથી થઈ. અગાઉ અન્ય ત્રણ ભારતીયોને આ જ કેસમાં સજા ફટકારવામાં આવી ચૂકી છે.

અમેરિકામાં રહેતા આ મૂળ ગુજરાતીઓને સજા થઈ

  • મિતેશકુમાર પટેલ - 20 વર્ષ , હાર્દિક પટેલ - 15 વર્ષ
  • સની જોશી - 12 વર્ષ ,ફહાદ અલી - 9
  • મોન્ટુ બારોટ - 5 ,રાજેશ ભટ્ટ - 12 વર્ષ
  • અશ્વિનભાઈ ચૌધરી - 7 વર્ષ , જગદીશ ચૌધરી - 9
  • રાજેશ કુમાર - 5 વર્ષ , જોરી નોરીસ - 5 વર્ષ
  • નિલેશ પંડ્યા - ત્રણ વર્ષ (પ્રોબેશન), નીલમ પરીખ - 4 વર્ષ
  • ભરતકુમાર પટેલ - 10 વર્ષ, ભાવેશ પટેલ - 10 વર્ષ
  • દિલીપકુમાર એ. પટેલ - 9 વર્ષ, દિલીપકુમાર આર. પટેલ - 4 વર્ષ
  • હર્ષ પટેલ - 6.5 વર્ષ, નીસર્ગ પટેલ - 4 વર્ષ
  • પ્રફુલ પટેલ - 5 વર્ષ, રાજુભાઈ પટેલ - 12.5 વર્ષ
  • વિરાજ પટેલ - 13.5 વર્ષ

અગાઉ આ ત્રણને સજા ફટકારાઈ હતી

  • અસ્મિતા પટેલ - 2 વર્ષ
  • દિપકકુમાર પટેલ - 4 વર્ષ
  • રમણ પટેલ - 76 હજાર ડૉલરનો દંડ (લગભગ 68 લાખ રૂપિયા)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો