દર્શકોનો અધિકાર છીનવી રહ્યાં છે મલ્ટિપ્લેક્સ?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, રાજીવ ગોદારા
- પદ, વકીલ, પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટ, બીબીસી ગુજરાતી માટે
દેશ, સમાજ અને નાગરિકો સામે એક ગંભીર બંધારણીય, રાજકીય અને વ્યવહારિક સવાલ આવ્યો છે. સવાલ એ છે કે શું કોઈ કાયદાનું અસ્તિત્વ તેના વિશેની જાણકારી બધાને હોવાની માન્યતા બની શકે?
હાલ કાયદો એવું માને છે કે દરેક નાગરિક કાયદાથી વાકેફ છે પણ વ્યવહારિક સત્ય તેનાથી છેક ઉલટું છે.
આ સત્ય એક નાગરિકના કાયદા તથા નિયમોથી વાકેફ હોવાના માર્ગમાંની અડચણ છે.
તે જનહિત અને માનવીય અધિકારની દિશાને પણ ધૂંધળી કરી નાખે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
દરેક નાગરિક અને ગ્રાહકને નિયમ-કાયદાની જાણકારી આપવાની પ્રાથમિક જવાબદારી દરેક સંસ્થાની છે.
સિનેમાઘરો તથા મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જતા દર્શકોને બહારથી ખાનપાનની સામગ્રી લઈ જતા રોકવાના, મલ્ટિપ્લેક્સના માલિકોની મરજીથી ત્યાં વાનગીઓ તૈયાર કરવાના અને મનફાવે એટલા મોંઘા ભાવે વેચવાના ચલણની સમીક્ષાથી ઉપરોક્ત મુદ્દા અને તેની વિડંબણાને સમજી શકાય છે.

કોઈ કાયદા વિના મનાઈ

ઇમેજ સ્રોત, Getty Images
તમે કોઈ સિનેમા હોલમાં ખાનપાનની સામગ્રી સાથે નહીં લઈ શકો એવું કોઈ નાગરિકને જણાવી દેવામાં આવે છે ત્યારે નાગરિક તેને કાયદો માની લે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પરિસ્થિતિમાં થિયેટરમાં ખાનપાનની સામગ્રી મોંઘા ભાવે વેચવામાં અને હોલમાં પીરસવામાં આવે છે ત્યારે દરેક દર્શક માની લે છે કે આ વ્યવસ્થા નિયમ-કાયદા અનુસારની જ છે.
સિનેમા હોલમાં જઈને ફિલ્મ નિહાળતા મોટા ભાગના નાગરિકો એ મુજબ વ્યવહાર પણ કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે થોડા સમય પહેલાં આદેશ આપ્યો હતો કે રાજ્યના સિનેમા હોલ્સ(મલ્ટિપ્લેક્સ)માં બહારથી ખાનપાનની ચીજો લઈ જઈ શકાશે.
સરકારના આદેશથી એ સ્પષ્ટ થયું હતું કે સિનેમા હોલમાં અગાઉ ખાનપાનની ચીજો લઈ જવા પર પ્રતિબંધ હતો.
મહારાષ્ટ્ર સરકારે એવું પણ જણાવ્યું હતું કે મલ્ટિપ્લેક્સમાં વેચવામાં આવતી ખાનપાનની ચીજોના ભાવનું નિયમન કરવામાં આવશે.
આ નિર્ણય જણાવે છે કે મહારાષ્ટ્ર સરકાર કંઈક નવું કરી રહી છે. તેનો અર્થ એ કે સિનેમા પ્રેક્ષકોની તરફેણમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હકીકત એ છે કે જૈનેન્દ્ર બક્ષી નામના એક નાગરિકે મુંબઈ હાઈકોર્ટમાં જાહેર હિતની એક અરજી દાખલ કરી હતી.
જૈનેન્દ્ર બક્ષીનું કહેવું હતું કે સિનેમા હોલમાં ખાદ્યસામગ્રી અને પાણી લઈ જવા પર કોઈ કાયદો કે નિયમ ન હોવા છતાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
જાહેર હિતની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે સિનેમા હોલમાં ખાદ્યસામગ્રી તૈયાર કરવી, વેચવી કે હોલની અંદર પીરસવી એ મહારાષ્ટ્ર સિનેમાઝ રેગ્યુલેશન રૂલ્સ-1966ના નિયમ 121 હેઠળ કરવામાં આવેલી મનાઈને ખોટી ગણાવે છે.
સિનેમા હોલમાં મનફાવે તેવા ભાવે વેચવામાં આવતી ખાદ્યસામગ્રીના ભાવ નક્કી કરવા અને તેનું નિયમન કરવાની માગણી પણ જાહેર હિતની આ અરજીમાં કરવામાં આવી હતી.

'પ્રેક્ષકોનો અધિકાર છીનવી ન શકાય'

ઇમેજ સ્રોત, AFP
જાહેર હિતની આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સમાં ખાદ્યસામગ્રી બહારથી લઈ જવા પરનો પ્રતિબંધ સિનેમા હોલને લાઇસન્સ આપવા સંબંધી કાયદા તથા નિયમની વિરુદ્ધ છે.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે સિનેમા માલિકો ખાદ્યસામગ્રીઓ બનાવવાનું, વેચવાનું અને હોલમાં પહોંચાડવાનું કામ નિયમ વિરુદ્ધ કરતા હોય તો બહારથી ખાદ્યસામગ્રી લઈ જવાના પ્રેક્ષકોના અધિકારને કોઈ નિયમ-કાયદા વિના છીનવી શકે નહીં.
આ અરજીની સુનાવણી દરમિયાન સરકારે ખાતરી આપી હતી કે સિનેમા દર્શકોના આ અધિકારનું ઉલ્લંઘન ન થાય અને સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે એ ખાતરી અનુસાર નિર્ણય લીધો હતો.

મલ્ટિપ્લેક્સ ઍસોસિએશનનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
જાહેર હિતની આ અરજીનો મલ્ટિપ્લેક્સ સિનેમા ઍસોસિએશન વિરોધ કરતું હતું.
તેમની દલીલ એવી હતી કે સિનેમા હોલ તેના માલિકની સંપત્તિ છે. માલિક બહારની ખાદ્યસામગ્રી અંદર લઈ જવાની મનાઈ ફરમાવી શકે છે.
તેમણે એવી દલીલ પણ કરી હતી કે પ્રેક્ષક ટિકીટ ખરીદે છે ત્યારે જ ખાદ્યસામગ્રી અને પીવાનું પાણી બહારથી અંદર લઈ જવાનો અધિકાર ત્યાગી દે છે.
ઍસોસિએશને સલામતીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
મહારાષ્ટ્ર સિવાયનાં રાજ્યોમાં સિનેમા હોલમાં મોંઘી ખાદ્યસામગ્રી ખરીદવાનું હજુ પણ નિયમ અનુસારનું હોય એવું જ લાગે છે.

કાયદાને યોગ્ય રીતે સમજવો જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબમાં પણ મહારાષ્ટ્ર જેવો કોઈ કાયદો અમલમાં છે કે નહીં તેની ખબર સામાન્ય નાગરિકને કેવી રીતે પડે?
પંજાબ સરકારે પણ સિનેમા હોલમાં બહારથી ખાનપાનની ચીજો લઈ જવાની છૂટ આપી છે એવી માહિતી મળી નથી.
તેનો અર્થ એ થયો કે પંજાબના સિનેમાઘરોમાં બહારથી ખાનપાનની ચીજો લઈ જવા પરનો પ્રતિબંધ નિયમ અનુસારનો જ છે.
આ સંબંધે પંજાબ સિનેમા રેગ્યુલેશન રુલ્સ-1952ના નિયમો જાણવા પડશે.
એ નિયમ અનુસાર, જે બિલ્ડિંગમાં સિનેમા હોલ ચલાવવાનું લાઇસન્સ લેવામાં આવ્યું છે તેના કોઈ પણ હિસ્સાનો ઉપયોગ ફેક્ટરી, વર્કશોપ, સ્ટોરેજ કે હોટેલ માટે કરી શકાય નહીં.
એવું કરવું હોય તો લાઇસન્સિંગ ઓથોરિટીની લેખિત પરવાનગી જરૂરી છે.
સિનેમા હોલમાં જતો દરેક પ્રેક્ષક જાણે છે કે તેના દરવાજે જ માર્કેટ પ્રાઇસથી મોંઘા ભાવે પીવાનું પાણી મળે છે. મફત પાણીની વ્યવસ્થા દૂરના કોઈ ખૂણામાં હોય છે.

નાગરિકોમાં જાણકારીનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
સત્તા તથા કાયદાનું પાલન કરાવતા અધિકારીઓ સુધીની પહોંચ અને નાણાંના સહારે સામાન્ય નાગરિકોના અધિકારોને કચડી નાખવા એ વર્તમાન બજાર નીતિનું ચરિત્ર બની ગયું હોય એવું લાગે છે.
માહિતી ક્રાંતિ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની આંધી વચ્ચે આજના નાગરિકોનું નાની-નાની માહિતીથી વંચિત હોવું આપણા સમગ્ર વ્યવસ્થા તંત્ર સામે પણ સવાલ ઉઠાવે છે.
વ્યવસ્થા તંત્ર માની લે છે કે કાયદા તથા નિયમો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોવાથી તમામ નાગરિકોને તો તેની માહિતી મળી ગઈ છે.
દેશની વસતીનો મોટો હિસ્સો અશિક્ષિત છે, બધા સરકારી ગેઝેટ સુધી પહોંચી શકતા નથી અને માહિતી ક્રાંતિની બદહાલ દિશા તથા દશા આપણા સમાજને યોગ્ય માર્ગે લઈ જતી નથી.
તેથી તમામ સંસ્થાઓ દરેક કાયદા અને નિયમની માહિતી તેમના ગ્રાહકો સુધી પહોંચાડે.
એ જ રીતે સિનેમા હોલના દરવાજા અને ટિકીટ્સ પર પણ દર્શકોને તેમના અધિકારની માહિતી આપવી જોઈએ.
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓના લાઈસન્સ રદ્દ કરવાં જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














