Top News: નિર્ભયા કાંડના આરોપીઓની સજા માફી વિશે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટ આજે નિર્ભયા કાંડમાં મૃત્યુ દંડની સજા પામેલા ગુનેગારો સજા માફીને લાયક છે કે નહીં, તે મામલે પોતાનો ચુકાદો આપશે.
દિલ્હીમાં વર્ષ 2012ની 16 ડિસેમ્બરે એક 23 વર્ષની મેડિકલની વિદ્યાર્થિની પર ચાલતી બસે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેનું 16 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ સમગ્ર દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે સરકારે મહિલાઓ પર થતા અત્યાચારના કાયદાને વધુ કડક બનાવવાની ફરજ પડી હતી.
આ કેસના છ મુખ્ય આરોપીઓને ઝડપી લેવાયા હતા. જેમાં એક આરોપીની ઉંમર 18 વર્ષ કરતાં થોડા દિવસો ઓછી હોવાને કારણે તેને ત્રણ વર્ષ સુધી બાળ સુધાર ગૃહમાં રાખ્યા બાદ મુક્ત કરી દેવાયો હતો.
એ બસના ડ્રાઇવર રામ સિંઘે જેલમાં જ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
આ ઉપરાંત ચાર આરોપીઓ 29 વર્ષના મુકેશ, 22 વર્ષના પવન ગુપ્તા અને 23 વર્ષના વિનય શર્મા અને 31 વર્ષના અક્ષય કુમારને દિલ્હી હાઈ કોર્ટ અને ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી.
સુપ્રીમ કોર્ટે વર્ષ 2017ના 5 મેના રોજ આ આરોપીઓએ કરેલી અપીલના ચુકાદામાં હાઈ કોર્ટ અને ટ્રાયલ કોર્ટે સંભળાવેલી મૃત્યુદંડની સજાને જાળવી રાખી છે.
આ ચુકાદા સામે ત્રણ આરોપીઓ મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માએ રિવ્યૂ પીટિશન કરી હતી. અક્ષય કુમારે સજા હળવી કરવાની અરજી કરી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું 31 ઓક્ટોબરે વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ

ઇમેજ સ્રોત, statueofunity.in
‘ગુજરાત સમાચાર’ના અહેવાલ અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબરે 143મી જન્મજયંતિ પર નર્મદા નદીમાં આવેલા સાધુ બેટ પરની તેમની 182 મીટર ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
લોકાર્પણ કરવાની સાથે જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની જશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે સાધુ બેટ ખાતે નિર્માણાધિન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના નિર્માણ કાર્યની નિરિક્ષણ મુલાકાત લીધી હતી.
શું તમે આ વાંચ્યું?
મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સરદાર પટેલની વિશાળ પ્રતિમા પાસે વિશ્વકક્ષાની પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રતિમાના નિર્માણમાં 90 હજાર મેટ્રિક ટન સિમેન્ટ, 25 હજાર મેટ્રિક ટન લોખંડ ઉપયોગમાં લેવાયું છે.

ધો. 9 અને 10માં 80-20ની નવી ગુણાંકન પદ્ધતિ દાખલ કરવાનું આયોજન

ઇમેજ સ્રોત, Getty Images
‘સંદેશ’ના અખબારનાં અહેવાલ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 અને 10માં હાલ 70-30ની ગુણાંકન પદ્ધતી બદલીને 80-20ની નવી ગુણાંકન પદ્ધતિ દાખલ કરવાનું વિચારી રહ્યું છે.
હાલમાં ધોરણ 9 અને 10માં 70-30ની ગુણાંકન પદ્ધતિ અમલી છે. જે અનુસાર 30 માર્ક વિદ્યાર્થીઓને ઇન્ટરનલ એસેસમેન્ટના અને 70 માર્ક એક્સટર્નલના હોય છે. બોર્ડની પરીક્ષા પણ આ રીતથી જ લેવાય છે.
શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિએ આ અંગેનો એક વિધિવત ઠરાવ કરીને અંતિમ બહાલી અર્થે શિક્ષણ વિભાગને મોકલી આપ્યો છે.
શિક્ષણ વિભાગે બહાલી આપ્યા બાદ તેના અમલીકરણ અંગે આચાર્યોને જાણ કરાશે.

બુરહાન વાનીની બીજી મૃત્યુ તિથિને કારણે કાશ્મીર બંધ

ઇમેજ સ્રોત, Getty Images
'હિંદુસ્તાન ટાઇમ્સ'માં પ્રકાશિત સમાચાર અનુસાર હિઝબુલ મુજાહિદીનના ઉગ્રવાદી કમાન્ડર બુરહાન વાનીની બીજી મૃત્યુતિથિને કારણે કાશ્મીરમાં સામાન્ય જનજીવન પર અસર થઈ હતી.
અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં વર્ષ 2016ની 8 જુલાઈએ સુરક્ષા દળો સાથેના ઍન્કાઉન્ટરમાં બુરહાન વાનીનું મૃત્યુ થયું હતું.
એ ઘટનાને બે વર્ષ પૂરાં થતાં અલગાવવાદી સંગઠનોએ રવિવારે બંધનું ઍલાન આપ્યું હતું, જ્યારે સરકારે કેટલાંક નિયંત્રણો મૂક્યા હતાં.
વાનીના મૃત્યુ બાદ છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાની સાથે જોડાયેલાં લગભગ 18 યુવાનોની તસવીરો હિઝબુલ મુજાહિદીન રવિવારે સોશિયલ મીડિયા પર ફરતી કરી હતી.
આ તસવીરોમાં હાલ ઉત્તર-પૂર્વ ભારતમાં ફરજ બજાવી રહેલા એક આઈપીએસ અધિકારીના ભાઈ શમ્સુલ હક મેંગ્નૂ પણ જોવા મળે છે.
શમ્સુલ શ્રીનગરમાં યુનાની ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમની ઉંમર 20 વર્ષની છે.
તે 22 મેથી ગૂમ થઈ ગયા હતા. આ તસવીરમાં તે અન્ય એક ઉગ્રપંથી બુરહાન સાની સાથે બંદૂક સાથે જોવા મળી રહ્યા છે.

નવ રાજકીય પક્ષો લોકસભા - વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવાની વિરુદ્ધમાં

ઇમેજ સ્રોત, Getty Images
'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર અનુસાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાના પ્રસ્તાવ પર ભારતના કાયદા પંચને મળેલા સૂચનોમાં નવ રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.
ચાર પક્ષોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે, જ્યારે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ આ પ્રસ્તાવ પર પરામર્શનથી દૂર રહ્યા છે.
જોકે, ભારતીય જનતા પક્ષે કાયદા પંચના ચૅરમૅન જસ્ટિસ બી.એસ. ચૌહાણને લખેલા એક પત્રમાં એમ જણાવ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં વિધાન સભા અને લોક સભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાના પક્ષમાં દલીલો કરી છે.
ભાજપે વિગતવાર સૂચનો રજૂ કરવા માટે વધુ સમયની માંગણી કરી છે.
જસ્ટિસ ચૌહાણે તમામ સૂચનો 31 જુલાઈ સુધીમાં રજૂ કરવાની સૂચના આપી હોવાનું મનાય છે.
કોંગ્રેસે જણાવ્યું છે કે તે અન્ય સાથી પક્ષો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મુદ્દે પોતાનું વલણ નક્કી કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












