ફેક પાસપોર્ટ પર કેનેડા જવાનો પ્રયાસ કરનાર 12 ગુજરાતીઓની ધરપકડ

ડુપ્લિકેટ પાસપોર્ટ્સ વડે કેનેડા જવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાતના 12 લોકોની ભારતીય ઇમિગ્રેશન અધિકારીઓએ ધરપકડ કરી છે.

એ 12 લોકો પાસે કેનેડામાં યોજાનારી એક ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા સંબંધી વિઝા હતા.

આ 12 લોકોને ભારત બહાર મોકલવાનો પ્રયાસ કરતા બીજા સાત લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા લોકોમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે.

ભારતીય ઇમિગ્રેશન અધિકારીઓએ ચેન્નઈના અન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે સવાબાર વાગ્યે 19 લોકોના એક જૂથને અટકાવ્યું હતું. એ પૈકીના 12 પાસે બનાવટી પાસપોર્ટ્સ હતા.

કેનેડાના વર્કિંગ વીઝા પણ ધરાવતા આ લોકોએ લુફ્થહાન્સા એરલાઇન્સ મારફત દેશ છોડવાની યોજના બનાવી હતી.

ગુજરાત કનેક્શન

ઇમિગ્રેશન વિભાગે ચેન્નઈ પોલીસને જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા 12 પૈકીના છ ગાંધીનગરના, બે આણંદના, જ્યારે બે મહેસાણાના છે. બાકીના બે જણે માત્ર તેમનો આધાર નંબર જ આપ્યો છે.

ઇમિગ્રેશન અધિકારીઓના જણાવ્યા મુજબ, કોરિયો કલ્ચર ઇન્ટરનેશનલ ડાન્સના રેખા, પ્રેમચંદ અને રાહુલ પણ આ કથિત કૌભાંડમાં સંડોવાયેલાં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

કોરિયો કલ્ચર ઇન્ટરનેશનલ ડાન્સ ગ્રૂપ મુંબઈનું છે. આ બધાના ડુપ્લિકેટ પાસપોર્ટ્સ પર મુંબઈનું સરનામું છે અને તેમને બેંગલોરમાંથી વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડ પાછળની મુખ્ય વ્યક્તિનું નામ અંજન શિવાકુમાર છે, જે રાહુલનો ભાઈ છે.

ડાન્સના નામે દેશ છોડવાનો પ્લાન

ઇમિગ્રેશન અધિકારીઓના જણાવ્યા મુજબ, આ લોકો ડાન્સ ગ્રૂપના સભ્યો નથી પણ કેનેડા કામ કરવા જવા માટે તેમણે ખુદને ડાન્સ ગ્રૂપના સભ્યો ગણાવ્યા હતા.

કેનેડા ડાન્સર તરીકે જઈ શકાય એટલા માટે તેઓ કેટલાક ડાન્સ સ્ટેપ્સ પણ શીખ્યા હતા.

આ જ રીતે દેશ છોડવાનો પ્રયાસ કરી રહેલા 30 લોકોની ધરપકડ કરી હોવાનો દાવો પોલીસે અગાઉ કર્યો હતો.

ધરપકડ કરાયેલા લોકોનો કબજો સૅન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. સૅન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ આ સંબંધે વિશેષ તપાસ કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો