નરોડા પાટિયા કેસમાં ન્યાય માટે ઇશ્વર-અલ્લાહને પ્રાર્થના

પિતા અબ્દુલ મજીદ શેખ

ઇમેજ સ્રોત, Dilip Thakar

ઇમેજ કૅપ્શન, મંદિરના દરવાજે અબ્દુલ મજીદ શેખ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દિવસમાં પાંચ વાર નમાઝ પઢતા અને પાંચ વાર મંદીરે જતાં 56 વર્ષના અબ્દુલ મજીદ શેખ ઇશ્વર-અલ્લાહ પાસે એક જ દુઆ માગે છે કે, 'નરોડા પાટિયાકાંડના તમામ આરોપીઓને સજા થવી જોઇએ.' કાળકા માતાના મંદીરે જઈને આ જ પ્રાર્થના કરે છે.

મસ્જિદ અને મંદિરે પ્રાર્થના કર્યા બાદ તેઓ કરિયાણાની દુકાન પર છૂટક વેપાર કરે છે.

વર્ષ 2002માં નરોડા પાટિયામાં થયેલા હિંસક તોફાનોમાં એમની ગર્ભવતી પત્ની સહિત ઘરનાં આઠ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં.

આ દરમિયાન અબ્દુલના દીકરા યાસીનને સળગાવી દેવામાં આવ્યા હતા, જોકે તેમનો જીવ બચી ગયો હતો, પણ તેમણે જે કાંઈ ભોગવ્યું તેને તેઓ આજે પણ ભૂલી શકતા નથી.

તેઓ માને છે કે અલ્લાહ અને ઇશ્વર એક જ છે. એ બંને ભેગા મળીને ન્યાય કરશે એટલે નરોડા પાટિયાકાંડના આરોપીઓને સજા મળશે.

આવી જ સ્થિતિ આયેશાબાનુની છે, જેઓ ન્યાય માટે દોઢ દાયકા કરતાં વધુ સમયથી સંઘર્ષ કરી રહ્યાં છે.

line

'મારા હાથમાં કુરાન હતું'

ફોટો

ઇમેજ સ્રોત, Dilip Thakar

ઇમેજ કૅપ્શન, અબ્દુલ મજીદ શેખ

અબ્દુલ 2002નાં ફેબ્રુઆરી મહીનાને 'ક્યામતનો મહિનો' માને છે. તેઓ કહે છે કે, ''એ દિવસે ગુજરાત બંધનું એલાન હતું. હું નરોડા પાટિયા પાસે આવેલી મારી કરિયાણાની દુકાન પર હતો.

''નાનકડી દુકાન બંધ કરીને જ્યારે હું બેઠો હતો, ત્યારે આજુબાજુ ઉશ્કેરાયેલા લોકો ત્યાં પહોંચ્યા. ત્યારે ખબર પડી કે મોહમ્મદ હુસૈનની ચાલી પાસે હુલ્લડ થયું છે.

''તેવામાં એક હિંસક ટોળું દોડતું આવ્યું અને હું કાંઈ સમજું તે પહેલાં મારા માથા પર તલવારનો ઘા માર્યો, જેથી માથામાંથી લોહીની ધાર વહેવા માંડી, ઘડીકમાં તો કપડાં લોહીલુહાણ થઈ ગયાં.''

આપને આ પણ વાંચવું ગમશે

અબ્દુલ મજીદ બેહોશ થઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા. તે સમયે તેમના હાથમાં કુરાન હતું. અલ્લાહને યાદ કરતાં કરતાં તેમણે એક વાતનો સંતોષ માન્યો હતો કે તેઓ પરિવારને સલામત સ્થળે ખસેડી આવ્યાં હતા.

તેઓ ક્યારે બેહોશ થયા તેની તેમને ખબર જ ન રહી. ભાનમાં આવ્યાં તો તેઓ એક હોસ્પિટલમાં હતા.

અબ્દુલના છ વર્ષના દીકરા યાસીન પણ દાઝેલી હાલતમાં હતા, યાસીન ડરેલા હતા. તેમના શરીર પર કપડાં પણ ન હતાં.

એ જ હોસ્પિટલમાં અબ્દુલના દીકરી સોફિયા અડધી દાઝેલી હાલતમાં ખાટલામાં સારવાર હેઠળ હતાં.

line

'ત્યારબાદ નરોડા ગયો જ નહીં'

પિતા અબ્દુલ મજીદ શેખ પુત્ર યાસીન સાથે

ઇમેજ સ્રોત, Dilip Thakar

ઇમેજ કૅપ્શન, હુલ્લડના ઘાવ હજુ અબ્દુલના પુત્ર યાસીનના ચહેરા પર નજરે પડે છે

અબ્દુલ મજીદ કહે છે કે, ''મેં મારી દીકરીને મારી નજર સામે મરતાં જોઈ છે. ઘરના બીજા લોકોની તપાસ કરી તો ખબર પડી કે મારી ગર્ભવતી પત્ની અને સાત બાળકોને જીવતા સળગાવી દીધા છે.

''ત્યારબાદ યાસીનને મેં ગળે લગાડ્યો અને મારા માટે એ કયામતનો દિવસ હતો. પોલીસને જુબાની આપવાની મારી હાલત ન હતી. હું અડધો પાગલ થઈ ગયો હતો.

''મારા ત્રણ દીકરા, ત્રણ દીકરી અને ગર્ભવતી પત્ની અને એનાં પેટમાં ઉછરતું મારું બાળક અલ્લાહને પ્યારાં થઈ ગયાં હતાં.''

અવાજમાં ધ્રૂજારી સાથે અબ્દુલ ઉમેરે છે, "મારું રાચરચીલાવાળું ઘર છોડીને છ મહીના સુધી હું રાહત કૅમ્પમાં રહ્યો. સગાઓની કફન-દફનવિધિ કરી.

"નાના યાસીન અને બીજી દીકરીને એકલા મૂકીને હું સરકારી ઓફિસો અને કોર્ટના ધક્કા ખાતો.

"મહામહેનતે ડેથ સર્ટિફિકેટ્સ લીધા. ત્યારબાદ પાછું વળીને નરોડા પાટિયા ગયો નહીં."

line

'પૈસા પરથી મન ઉઠી ગયું'

દુઆ માગી રહેલા અબ્દુલ મજીદ

ઇમેજ સ્રોત, Dilip Thaker

એ ઘટનાને યાદ કરતા અબ્દુલ કહે છે, "એક વખત મારા વતન કર્ણાટકમાં ગયો, ત્યારે જોયું કે મસ્જિદની બહાર મારો ફોટો મૂકી એક ભિખારી મારા નામે ભીખ માગી રહ્યો હતો.

''એ ભિખારી કહી રહ્યો હતો કે આ મારો ભાઈ છે, એના ઘરના આઠ લોકો મરી ગયાં છે. મસ્જિદથી બહાર નીકળતા લોકો એને પૈસા આપતા. મેં તેને ઉઠાડ્યો અને કહ્યું કે હજી હું જીવું છું, મારા નામે પૈસા ન માગો...

''બસ ત્યારબાદ પૈસા પરથી મન ઉઠી ગયું. આમ પણ ઘરના લોકોને મેં ગુમાવ્યા હતાં. મજહબના નામે અને મારા મોતના નામે લોકો પૈસા ઉઘરાવતાં હતાં.”

''એ પછી હું અજમેર શરીફ ગયો. અહીં મુસ્લિમ જ નહીં પણ હિન્દુઓ દુઆ માગવા આવતા.''

''ત્યાંથી એક જગ્યાએ ઉર્સમાં ગયો હતો ત્યાં એક કવ્વાલી સાંભળી, આખી કવ્વાલી તો યાદ નથી, પણ તેની બે લીટી યાદ રહી ગઈ છે, જે મારા હૃદયમાં ઉતરી ગઈ છે.

"ઇન્સાનિયત જાન સે ભી જાયે તો ચર્ચા નહીં હોતા હૈ મેરે મુલ્ક મેં

"મજહબ કો ખરોંચ ભી આ જાયે તો ઝલઝલે આ જાતે હૈ"

line

મઝહબ માટેનો દૃષ્ટિકોણ બદલાયો

અબ્દુલ મજીદ શેખ

ઇમેજ સ્રોત, Dilip Thakar

ઇમેજ કૅપ્શન, અબ્દુલ મજીદ શેખ

અબ્દુલ મજીદ કહે છે, ''કવ્વાલીની એ પંક્તિઓએ મારું ઝનૂન તોડી નાખ્યું. મજહબ માટે મારો દૃષ્ટિકોણ બદલાયો, પણ ધર્મના નામે નિર્દોષને મારનારને સજા થવી જ જોઈએ.

''એટલે મેં પાંચ ટાઇમની નમાઝ પઢવાની સાથેસાથે મંદીરે પણ જવાનું શરૂ કર્યું. મારા વિસ્તારમાં મસ્જિદથી થોડે દૂર કાળકા માતાનું મંદિર છે.

''નમાઝ પઢીને હું મંદીરે જાઉં છું. આ બંને જગ્યાએ હું જઈને નરોડા પાટિયાના ગુનેગારોને સજા મળે તેવી પ્રાર્થના કરું છું. નરોડા પાટિયાના ગુનેગારોને સજા મળવી જ જોઈએ, કારણ કે આ ગુનેગારો ધર્મના નહીં પણ ઇન્સાનિયતના ગુનેગારો છે.''

વાત કરતાં થોડી વાર પોરો ખાઇને અબ્દુલ કહે છે, ''હું મારા દીકરા યાસીનને શીખવું છું કે, મજહબથી ઉપર ઇન્સાનિયત છે. તેં ભલે તારા ભાઇઓ-બહેનો અને માતાને મજહબના નામે ખોયા હોય, પણ ઇન્સાનિયતને જીવતી રાખજે.''

અબ્દુલ જેવું પરિવર્તન આયેશા બાનુમાં નથી આવ્યું. નરોડા પાટિયામાં રહેતા આયેશાબાનુ, જ્યારે હિંસાની શરૂઆત થઈ, ત્યારે પોતાના ચાર બાળકોની સાથે એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ) કૅમ્પમાં આશરો લીધો.

line

આયેશાબાનુનું જીવન બદલાઈ ગયું

આયેશા બાનુનો ફોટો

ઇમેજ સ્રોત, Dilip Thakar

ઇમેજ કૅપ્શન, આયેશા બાનુ

આયેબાનુના પતિ અબિદ અલી પઠાણ રીક્ષા ચલાવતા હતા. તે જમાનામાં મોબાઇલ ફોન મોંઘા હતાં. ફોન થઈ શકે એમ હતો નહીં, એટલે એસઆરપી કૅમ્પમાં છુપાઈ ગયાં હતાં. મારો કાપોની બૂમો સંભળાતી હતી, પણ બહાર શું ચાલે છે તેની ખબર પડતી ન હતી. છેવટે બે દિવસ પછી આયેશાબાનુ ચાર બાળકો સાથે શાહ-એ-આલમના કૅમ્પ પહોંચ્યાં.

આયેશાબાનુ કહે છે કે, ''શાહ આલમ કૅમ્પમાં અમે રહેતા હતાં ત્યાં અમારા જેવા કેટલાય મુસ્લિમ પરિવારોએ આશારો લીધો હતો.

"હું મારા ખાવિંદ આબિદ અલીની શોધમાં હતી. બાળકોને મૂકીને જઈ શકતી ન હતી.

''છેવટે અમને ખબર પડી કે હુલ્લડમાં આબિદ અલીની હત્યા થઈ છે. મારા માથે આભ તૂટી પડ્યું હતું. મને કાંઈ સમજાયું નહીં. મારે શું કરવું, મારા ચાર બાળકો કેવી રીતે ઉછેરીશ એ ખબર ન હતી.

''મારા ખાવિંદની હત્યા થઈ હતી, એમની રીક્ષા બાળી નાંખી હતી. મારે ઘર કેવી રીતે ચલાવવું એ સમસ્યા હતી. મારા માટે જિંદગી દુઃખનો દરિયો બની ગઈ હતી."

line

'વર્ષો સુધી ઈદ ન મનાવી'

આયેશા બાનુનાં પતિનો ફોટો

ઇમેજ સ્રોત, Dilip Thakar

ઇમેજ કૅપ્શન, આયેશા બાનુનાં પતિ

''રાહત કૅમ્પમાં બીજાનું દુઃખને જોઇને મારું દુઃખ ઓછું થયું, પણ પતિ ગુમાવ્યાનું સૌથી મોટું દુઃખ હતું. થોડાં સમય પછી અમને મકાન મળ્યું, છ મહિનાનું રાશન અને વાસણ મળ્યાં...પણ હું ભણેલી ન હતી, કામ આવડતું ન હતું એટલે છેવટે હું સિલાઇકામ શીખ્યું.''

''દિવસરાત સિલાઈ કરતી. નાના બાળકોનો પેટનો ખાડો પૂરતી, 2003થી 2007 સુધી અમે ઈદ મનાવી ન હતી. ઈદના દિવસે પણ ખીચડી ખાઈ લેતાં હતાં.

''બાજુના ઘરમાં ઈદના દિવસે જે ઊજવણી થતી તે જોઈને બાળકો જીદ કરતાં, પણ મારી હાલત એવી હતી કે, હું તેમને નવાં કપડાં પણ લાવી આપી શકું તેવી સ્થિતિમાં ન હતી. ધીમે ધીમે આવક વધતી ગઈ.

''છોકરાઓને ભણાવતી હતી અને સિલાઇકામ કરતી હતી. સરકારી રાહતમાંથી પૈસા આવ્યાં. નરોડા પાટિયાનું ઘર રિપેર કરાવી ભાડે આપ્યું તો તેની પણ આવક શરૂ થઈ."

આયેશા બાનુનો ફોટો

ઇમેજ સ્રોત, Dilip Thakar

ઇમેજ કૅપ્શન, આયેશા બાનુ

એક ઘટનાને યાદ કરતા ગળગળા સ્વરે આયેશાબાનુ કહે છે, "ઈદના દિવસો નજીક હતાં, દીકરાએ સાઇકલ ખરીદવાની જીદ પકડી અને મારી પાસે એટલા પૈસા ન હતાં.

એની જીદથી હું ચિઢાઈ ગઈ અને મેં એને ગુસ્સામાં પહેલી વાર માર્યો. એ રાતે હું ખૂબ રોઈ... મારા વ્હાલા બાળકો પર હાથ ઉપાડવાનો મને સખત અફસોસ હતો, પણ અલ્લાહની દુઆથી કામ મળતું જતું હતું.

"વખત જતાં બે દીકરીઓ પણ કામ કરવા લાગી હતી. થોડી આવક વધી એટલે ઘરમાં બે પૈસાં આવવાં લાગ્યાં. છોકરીઓનાં નિકાહ કરાવ્યાં અને દીકરાઓને ભણાવી તેમનાં પણ નિકાહ કરાવ્યાં. મારી જિંદગીના આ 16 વર્ષ નર્ક સમાન હતાં.

"મેં અને મારી દીકરીઓએ અડધી રોટલી ખાઈને દિવસો પસાર કર્યાં છે. અલ્લાહના કારણે ચારેય છોકરાંઓના નિકાહ થઈ ગયા છે, પણ ઘર ચલાવવા હજુ પણ હું સિલાઇકામ કરું છું.

''કારણ કે મારે મારા મા-બાપનો કોઈ સહારો નથી. 2002ની હિંસામાં મારા એક ભાઈનું મોત થયું છે. એક ભાઈને ગોળી વાગી અને એ અપાહિજ થઈ ગયો છે.''

line

દુઆમાં સજાની માગ

આયેશા બાનુ

ઇમેજ સ્રોત, Dilip Thakar

ઇમેજ કૅપ્શન, આયેશા બાનુ દુઆમાં નરોડા પાટિયાના આરોપીઓ માટે સજા માગે છે

''અલ્લાહને હું કાયમ પૂછું છું કે, એવો તો મારો શું વાંક છે કે, તમે મારા ખાવિંદને લઈ લીધો અને મારા છોકરાઓને ભટકતા કરી મૂક્યાં?''

આયેશાબાનુ રોજ કુરાન વાચીને એક જ દુઆ માગે છે કે, નરોડા પાટિયામાં નિર્દોષોને મારનાર તમામ લોકોને સજા થવી જોઇએ, જેમ જેમ નિર્ણયનો દિવસ નજીક આવતો જાય છે એમ તેઓ વધુને વધુ સમય અલ્લાહ પાસે દુઆ માગવામાં કાઢે છે.

જુમ્માની નમાઝ પઢ્યાં પછી જ જમે છે. આયેશાબાનુ કહે છે, "અમને ન્યાયતંત્ર પર ભરોસો છે, પણ જો અમને ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં જઈશું અને કોર્ટમાં લડવાના પૈસા અમે ફાળો કરીને કાઢીશું, પણ નરોડા પાટિયાના આરોપીઓ નિર્દોષ છૂટે તે અમે નહીં ચલાવી લઇએ.

"અંત સુધી લડત આપીશું. આ 16 વર્ષ કાઢ્યા છે, તો આગળ પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડી લઈશું. 16 વર્ષથી અમે ગરીબ લોકો ચૂપ બેઠા છીએ, અમારી ખામોશીને લોકો લાચારી સમજે છે અને કોઈ અમારી પીડા સામે જોતું નથી. આ પીડાની આહ ક્યારેક અલ્લાહ સુધી પહોંચશે અને અમને ન્યાય મળશે એવી અમને શ્રધ્ધા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો