પ્લસ સાઈઝની એ ફેશન મૉડલ્સ, જેમને ક્યારેક લોકો ‘ભેંસ’ કહેતા

તમે રૅમ્પ પર ચાલતી મૉડલને તો જોઈ જ હશે. કેવી હોય છે આ મૉડલ્સ? લાંબી,દૂબળી પાતળી, સપાટ પેટ અને સપાટ શરીરવાળી.

જીશા, કીર્તિ, અનન્યા, આયુષી અને કલ્પના પણ મૉડલ્સ છે પણ ના તો એ દૂબળી છે અને ના તો એમનું શરીર સપાટ છે. આ પ્લસ સાઇઝ મૉડલ્સ છે કે એમ જ સમજો કે તેઓ જાડા છે.

આ પાંચેય મૉડલ્સે હમણાં જ એક પ્લસ સાઇઝ બ્યૂટી કૉન્ટેસ્ટમાં ભાગ લીધો હતો.

સવાલ એ છે કે જે સમાજમાં જાડી છોકરીઓનું રાજી-ખુશીથી જીવવું પણ મુશ્કેલીભર્યું હોય છે, તે દુનિયાની સામે રૅમ્પ પર કેવી રીતે ચાલી હશે?

તમે આ વાંચ્યું કે નહીં?

અન્ય જાડી છોકરીઓની જેમ આ મૉડલ્સને સાંભળવું કે સહન કરવું પડતું નથી એવું નથી.

બ્યૂટી કૉન્ટેસ્ટની વિજેતા બનેલાં જીશાને એમનાં શરીર અંગે એવી વાતો સાંભળવી પડી છે કે જે અહીં લખી પણ ન શકાય.

તેમણે જણાવ્યું, "લોકો દરેક પ્રકારની હલકી કોમેન્ટ કરતાં હોય છે. જેમ કે તું ભેંસ છે, અને એમને લાગે છે કે આમ કહેવું સામાન્ય બાબત છે. તેઓ એક વખત પણ વિચારવાનો પ્રયાસ નથી કરતાં કે સામેની વ્યક્તિ કેવી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થાય છે."

ઉત્તર પૂર્વના આસામ રાજ્યમાં રહેનારી આયુષી જ્યારે પોતાની એક મિત્રને યાદ કરે છે ત્યારે તેમનું ગળું રૂંધાઈ જાય છે.

તે યાદ કરે છે, ''કોઈએ મને ક્હયું હતું કે તું દુનિયાની સૌથી જાડી અને બેડોળ છોકરી છે. તારા જેવી છોકરીને હું ક્યારેય પણ મારી દોસ્ત બનાવી ના શકું.''

જાડા લોકોની મજાક ઉડાવવી કેટલી સરળ છે તે અંગે આયુષી એક વાત જણાવે છે. તેમણે કહ્યું,''કોઈ ફોન પણ કરે છે તો બોલે છે હેલો જાડી, કેમ છે? અમે દરજી પાસે કપડાં સિવડાવવાં જઈએ છીએ તો લોકો મજાકમાં પૂછે છે કે, કેમ કપડાં ફરીથી ફિટ પડવા માંડ્યા કે શું?''

મુંબઈમાં રહેતાં કલ્પના પાસે પણ કહેવા લાયક અઢળક વાતો છે.

તેઓ જણાવે છે કે, ''જો કોઈ મારી થાળીમાં થોડીક મીઠાઈ પણ જોઈ લે, તો તરત જ ટોકે છે. અરે આટલી બધી મીઠાઈ ખાઈશ કે શું? આટલી તો જાડી છે ,વધારે કેટલું જાડું થવું છે?''

આજ સુધી સાંભળેલી વાતોમાંથી સૌથી વધુ દુ:ખ કઈ વાત પર થયું છે?

આ વાતનો જવાબ આપતાં અનન્યા જણાવે છે કે, ''ભલે તમે જોરથી મારો કે ધીમેથી મારો સરખું જ વાગે ને. વાતો બધી જ ખરાબ લાગે છે.''

અનન્યાએ સ્કૂલની એક વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું, ''હું એ વખતે સ્કૂલમાં નવી હતી. એક છોકરો મારી પાસે આવ્યો અને સીધું જ પૂછ્યું કે શું હું એની સાથે એક રાત ગાળવા તૈયાર છું? મને તરત ખ્યાલ ન આવ્યો કે હું શું જવાબ આપું.

સાંજ સુધી મેં કોઈ જવાબ ના આપ્યો ત્યારે એમણે મને ફોન કરીને કહ્યું કે તારા જેવી છોકરી તો માત્ર પથારીમાં જ સારી લાગે.''

અનન્યાને આ સાંભળીને ખૂબ ખરાબ લાગ્યું. એમણે કહ્યું, ''મારું જાડું શરીર જોઈને, એણે અંદાજ લગાડ્યો કે મારી પાસે એની સાથે સૂવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.''

એક ખાસ બીબામાં ન ઢળી શકતી છોકરીઓને કટાક્ષનો સામનો તો કરવો જ પડે છે પણ સાથે સાથે આની અસર એમની નોકરી, કારકિર્દી અને જિંદગી પર પણ પડતી હોય છે.

કીર્તિએ પોતાની સાથે બનેલી એક ઘટના જણાવતાં કહ્યું કે એક નોકરીમાં માત્ર એટલા માટે જ તેમની પસંદગી કરવામાં આવી નહોતી કારણ કે તેમનું શરીર ભારે હતું.

તેમણે જણાવ્યું, ''તેઓ એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા. ત્યાં એક કોઑર્ડિનેટર હતા. તેમણે મારો ઇન્ટરવ્યૂ લીધો હતો અને મને એટલા માટે રિજેક્ટ કરી કે હું જાડી હતી. બૅકસ્ટેજરને પડદા પાછળ કામ કરવાનું હોય છે, છતાં પણ એ નોકરી મને ના મળી કારણ કે ઇન્ટરવ્યૂ લેનારને મારું શરીર પસંદ ના પડ્યું.''

આટલું બધું થવા છતાં આ પાંચ છોકરીઓ રૅમ્પ સુધી કઈ રીતે પહોંચી? એમનામાં આટલો આત્મવિશ્વાસ કઈ રીતે આવ્યો કે તેઓ મૉડલ બનવાનું સપનું જોવા માંડી?

બધાનાં જવાબ લગભગ એક સરખા જ છે. જીશા જણાવે છે કે, ''હું એક ફેશન ડિઝાઈનર છું. એક દિવસ મારા મનમાં એક વિચાર આવ્યો કે કેમ હું મારા માટે એવાં કપડાં ડિઝાઇન કેમ ના કરું કે જેવાં હું મૉડલ્સ માટે કરું છું.”

આ રીતે જીશા પોતાના માટે કપડાં ડિઝાઇન કરવા લાગ્યા અને પહેરવા માંડ્યા, અને એમનો જાત પ્રત્યેનો પ્રેમ ફરી જીવંત બન્યો. ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે “જો હું મૉડલ્સ માટે કપડાં બનાવી શકું તો એમની જેમ મૉડલિંગ કેમ ના કરી શકું?''

આયુષીની એક મિત્રએ જ્યારે એમને પ્લસ સાઇઝ બ્યૂટી કૉન્ટેસ્ટ માટે ફૉર્મની લિંક મોકલી ત્યારે તેમણે એ લિંકને ખોલી પણ નહોતી.

એમણે જણાવ્યું,''મિત્રએ મને ફૉર્મ ભરવાની અંતિમ તારીખ જણાવી દીધી હતી. છેલ્લા દિવસે ખબર નહીં મને શું થયું અને મેં ફૉર્મ ખોલીને અરજી કરી દીધી. શૉર્ટલિસ્ટ પણ થઈ ગઈ અને એ દિવસ પણ આવી ગયો જ્યારે હું રૅમ્પ પર ચાલી.''

જોવા જઈએ તો આ પાંચ છોકરીઓની વાતો, બીજા બે નામનાં ઉલ્લેખ વગર અધુરી રહેશે. આ બે નામ છે સચિન પુરી અને સના મુરાબ.

સચિન અને સના એ બે વ્યક્તિઓ છે કે જેમણે પ્લસ સાઇઝ બ્યૂટી કૉન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. અને પ્લસ સાઈઝ મૉડલ્સને મંચ પૂરું પાડ્યું.

સચિનનાં મનમાં પ્લસ સાઇઝ બ્યૂટી કૉન્ટેસ્ટનો વિચાર ત્યારે આવ્યો હતો જ્યારે તેઓ અમેરિકામાં હતા.

એમણે બીબીસીને જણાવ્યું, ''અમેરિકામાં પ્લસ સાઇઝ મૉડલ્સનું ખૂબ ચલણ છે. હું એમાંથી ખૂબ પ્રભાવિત થયો હતો. અને ભારતમાં આવીને આવું જ કંઈક કરવાનું વિચાર્યું હતું. જ્યારે મેં કમ્યૂનિટી શરૂ કરી ત્યારે મારી પાસે એક પણ મૉડલ નહોતી.”

“શરૂઆતમાં તો મને મૉડલ્સ શોધવામાં પણ ઘણી તકલીફ પડી. પણ ત્યારબાદ લોકો મારી સાથે જોડાવવા લાગ્યા. આ દરમ્યાન મારી મુલાકાત સના સાથે થઈ અને ત્યારબાદ તો કાફલો આગળ વધતો જ ગયો.”

સનાની વાત કરીએ તો એમને જોઈને કોઈને પણ પહેલો સવાલ એ થાય કે તે પ્લસ સાઇઝ મૉડલ્સ અંગે આટલી ઉત્સાહિત કેમ છે.

એ એટલા માટે કે સના ખૂબ દૂબળી પાતળી છે. રસપ્રદ તો એ છે કે દૂબળી પાતળી હોવા છતાં પણ સનાને ઘણું સાંભળવું પડ્યું છે.

એમણે જણાવ્યું,''હું દૂબળી પાતળી છું પણ મારું પેટ સપાટ નથી. એટલે લોકો મને ટોકતા હતા. મને ખૂબ ગુસ્સો આવતો હતો. હું વિચારતી કે મારા જેવી છોકરીને આટલું સાંભળવું પડે છે તો જે છોકરીઓ ખરેખર જાડી છે એમણે કેટલું સાંભળવું, સહન કરવું પડતું હશે.”

“આ જ કારણે જ સચીને જ્યારે મને પ્લસ સાઇઝ મૉડલ્સ અંગે જણાવ્યું તો તરત જ હું તેમની સાથે જોડાઈ ગઈ.''

સના જણાવે છે,''અમારા માટે આ બધું કરવું સરળ નહોતું. કારણ કે પ્લસ સાઇઝવાળી છોકરીઓને મૉડલિંગ માટે સમજાવવું ખૂબ મુશ્કેલ હતું. સમાજે એમનો આત્મવિશ્વાસ એટલો બધો ઘટાડી નાંખ્યો હોય છે કે એમને જાત પર ભરોસો આવતો જ નથી.

એમને લાગે છે કે એમને રૅમ્પ પર ચાલતા જોઈને લોકો એમના પર હસશે, પણ અમારો પ્રયાસ ચાલુ જ છે અને આ પ્રયાસોની અસર પણ જોવા મળી રહી છે.''

તો હવે મૉડલ્સ બનેલી આ છોકરીઓ, એ લોકોને શું કહેવા માંગશે કે જેમણે ક્યારેક એમની મજાક ઉડાડી હતી.

આના જવાબમાં આયુષી હસીને જણાવે છે કે,''આજે લોકો મારી વાતો સાંભળે છે, હું એમની નહીં.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો