ટ્રેનમાં વધારે સામાન લઈ જશો તો દંડ થશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
શું હવે પ્લેનની જેમ ટ્રેનમાં પણ નિર્ધારીત વજન કરતાં વધારે સામાન લઈ જશો તો દંડ થશે? 6 જૂનના છાપામાં સમાચાર પ્રકાશિત થયા હતા કે હવેથી મુસાફરોના સામાનના વજન પર રેલવે વિભાગની નજર રહેશે.
તમને ખબર છે કે રેલવેના કયા કોચમાં કેટલો સામાન મુસાફરો લઈ જઈ શકે? શું હવેથી રેલવે દ્વારા નક્કી કરાયેલી સીમા કરતા જો વધારે સામાન લઈ જશો તો દંડ થશે?
પહેલી વાત તો એ કે રેલવે દ્વારા આ અંગે કોઈ નવો નિયમ બનાવવામાં આવ્યો નથી. હાલ આ અંગે ચર્ચા એટલે થઈ રહી છે કારણકે રેલવે દ્વારા આ અંગે જાગૃતતા અભિયાન ચલાવાઈ રહ્યું છે.
રેલવે બોર્ડના સૂચના અને પ્રચાર નિયામક વેદ પ્રકાશ કહે છે કે, "આ કોઈ નવો નિયમ નથી, આ વર્ષો પહેલાંનો નિયમ છે. જ્યારથી ટ્રેનમાં ટિકિટ આપવામાં આવે છે ત્યારથી જ આ નિયમ છે, પણ 29 ઓગસ્ટ 2006માં એમાં સંશોધન કરવામાં આવ્યા હતા."

કયા કોચમાં કેટલા વજનનો સામાન લઈ જઈ શકાય?

વેદ પ્રકાશ કહે છે કે રેલવે એ દરેક ક્લાસ માટે વજનની અલગ સીમા નક્કી કરી છે.
- ફર્સ્ટ એસીમાં 70 કિલોગ્રામ
- સેકન્ડ એસીમાં 50 કિલોગ્રામ
- થર્ડ એસી અને ચૅરકારમાં 40 કિલોગ્રામ
- સ્લીપરમાં 40 કિલોગ્રામ
- જનરલમાં 35 કિલોગ્રામ, જ્યારે વેન્ડર્સ માટે 65 કિલોગ્રામ
રેલવેનું કહેવું છે કે આ નિયમ ભલે જૂનાં હોય, પણ હવે આ નિયમો અમલી કરવા પર ભાર મૂકાશે. પણ હજી સુધી રેલવેએ નક્કી કર્યું નથી કે દંડની રકમ કેટલી હશે.
યાત્રીઓ પાસે કેટલું વજન છે એ કેવી રીતે નક્કી કરવું એ બાબત પણ હજી સ્પષ્ટ કરાઈ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વેદ પ્રકાશ માને છે કે વજન માટે રેલવેની આ સીમા યોગ્ય જ છે. જો એક પરિવારના ચાર લોકો મુસાફરી કરતા હોય તો તેઓ સ્લીપર કોચમાં 150 કિલોગ્રામ વજનનો સામાન લઈને મુસાફરી કરી શકશે.
જો કોઈ વ્યક્તિ એના કરતાં વધારે સામાન લઈને મુસાફરી કરશે તો અન્ય મુસાફરોને તકલીફ પડે એવું શક્ય છે.
રેલવેના જણાવ્યા પ્રમાણે ટ્રેન અને અંતરના આધારે સામાનના વજનનો આધાર રહેશે.
વધારે પૈસા આપીને પણ મુસાફરો સ્લીપર ક્લાસમાં વધુમાં વધુ 80 કિલોગ્રામ સામાન લઈ જઈ શકે છે.
સેકન્ડ ક્લાસના મુસાફરો પણ એ જ રીતે વધુમાં વધુ 70 કિલોગ્રામ સામાન લઈ જઈ શકે છે.

મુસાફરો આ અંગે શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આઝમગઢના રહેવાસી સ્વપ્નિલ દિલ્હીમાં અભ્યાસ કરે છે. દર પાંચ-છ મહિને તેઓ પોતાના ઘરે જાય છે. જ્યારે તેમની સાથે આ નિયમ અંગે ચર્ચા કરાઈ ત્યારે સ્વપ્નિલને નવાઈ લાગી કે આવો પણ કોઈ નિયમ છે.
સ્વપ્નિલે કહ્યું કે, "હું તો આ નિયમ અંગે પહેલી વખત સાંભળી રહ્યો છું. છાપામાં વાંચ્યું હતું, પણ એવી ખબર નહોતી કે આવો કોઈ નિયમ વર્ષોથી છે. મારી જેમ મુસાફરી કરતા લોકો માટે તો આ નિયમ યોગ્ય નથી."
દિલ્હીમાં નોકરી કરી રહેલી રિચા આ નિયમ અંગે જાણીને ખૂબ ખુશ થઈ હતી. રિચાનું કહેવું છે કે જો આવો કોઈ નિયમ હોય તો તેનું કડક પાલન થવું જોઈએ.
રિચાએ કહ્યું, "હું તો ખૂબ ખુશ છું. હકીકતમાં એવું થતું હોય છે કે જે લોકો નાના બાળકો સાથે મુસાફરી કરતા હોય છે, એ લોકો જાણે અજાણે જ સીટ બુક કરાવતા હોય છે. એક સીટ પર પહેલાંથી જ બે લોકો હોય છે.”
“બાળકો સાથે હોય તો સામાન પણ વધારે હોય છે. એવામાં લોઅર બર્થ નીચેની જગ્યા ભરાઈ જાય છે અને બીજા મુસાફરોએ સીટ પર સામાન મૂકવો પડે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












