You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહની મુલાકાતોના અર્થ અને કારણ
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
બુધવારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે શિવસેનાના સર્વોચ્ચ નેતા ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી, એ પહેલા તેમણે અભિનેત્રી માધુરી દીક્ષિત સહિત અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી.
આ પહેલા દિલ્હીમાં તેમણે યોગગુરૂ બાબા રામદેવ સાથે મુલાકાત કરી હતી. બાબા રામદેવના લાખો અનુયાયીઓ છે.
આગામી દિવસોમાં તેઓ અકાલી દળના પ્રકાશસિંઘ બાદલને પણ મળશે. ત્યારે શાહની આ મુલાકાતો શું સૂચવે છે?
શું તે આવતાં વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીઓની પૂર્વતૈયારી છે? કે પછી તાજેતરમાં પેટા ચૂંટણીઓમાં મળેલાં પરાજયને કારણે પાર્ટીમાં પ્રવર્તમાન અંધાધૂંધીની દ્યોતક છે?
શાહ-ઠાકરેની મુલાકાત પૂર્વે શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું, "જનતા અને ભાજપ વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે."
શિવસેના અને ભાજપની યુતિ સૌથી જૂની યુતિ છે. કેન્દ્ર તથા રાજ્યમાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)નાં ભાગરૂપ છે તથા સત્તામાં ભાગીદાર પણ છે.
આમ છતાંય ઉદ્ધવ ઠાકરે ભાજપ તથા વડા પ્રધાન મોદી વિરુદ્ધ નિવેદન આપતા રહે છે.
મુલાકાતોનો ક્રમ
કર્ણાટકમાં સરકાર બનાવવામાં નિષ્ફળતા તથા પેટા ચૂંટણીઓમાં ભાજપની નિષ્ફળતા બાદ ભાજપના સંપર્ક અભિયાનને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સત્તારૂઢ એનડીએ ગઠબંધનમાં અનેક સાથી પક્ષો ભાજપથી નારાજ છે. માર્ચ મહિનામાં ચંદ્રબાબુ નાયડૂએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભાજપ સંકટ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. 2004માં લોકસભા ચૂંટણી અગાઉ પણ ભાજપ આ પ્રકારના સંકટમાંથી જ પસાર થયો હતો.
આપને આ પણ વાંચવું ગમશે
રાજકીય વિશ્લેષક પ્રકાશ સિંહના કહેવા પ્રમાણે, "જૂના સાથી પક્ષોને મનાવવા તથા નવા સાથીઓનું સમર્થન મેળવવા માટે અમિત શાહે મુલાકાતો શરૂ કરી છે."
લાંબા સમય સુધી ભાજપને કવર કરનારાં સબા નક્વી કહે છે કે વાજપેયી તથા અડવાણીના કાળના ભાજપ કરતાં શાહ અને મોદીના સમયનો ભાજપ અલગ છે.
નક્વી કહે છે કે ભાજપમાં કોઈ સ્પષ્ટ રીતે બોલી નથી શકતું.
તેમના કહેવા પ્રમાણે, "સહયોગી પક્ષોની નારાજગી તો દૂર, ખુદ ભાજપની અંદર પણ નારાજગી પ્રવર્તે છે. પરંતુ કોઈ કશું બોલી નથી શકતું."
તાજેતરની મુલાકાતો અંગે નક્વી કહે છે, "એનડીએમાં ભાજપ મોટાભાઈ જેવો છે.
"આ મુલાકાતો ભાજપના નરમ વલણ તરફ સંકેત આપે છે. એનડીએમાં સામેલ પાર્ટીઓને હજુ સુધી કોઈ લાભ નથી મળ્યો."
2003માં જેમ સાથી પક્ષો નારાજ હતા, તેમ અત્યારે પણ નારાજ છે, એ વાત સાથે પ્રદીપસિંહ સહમત નથી.
તેઓ કહે છે, "2019ની લોકસભા ચૂંટણીઓની પૂર્વ તૈયારી છે.
"જે રીતે રાજકીય તથા બિન-રાજકીય હસ્તીઓ સાથે મુલાકાત કરવામાં આવી રહી છે, તે જોતાં લાગે છે કે ભાજપ કોઈ વ્યૂહરચના ઉપર કામ કરી રહ્યો છે."
પ્રદીપસિંહના કહેવા પ્રમાણે, આ મુલાકાતોને મીડિયા દ્વારા વિશેષ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, જેથી ચૂંટણી પૂર્વે ભાજપને વ્યાપક કવરેજ મળી રહ્યું છે.
મૂળ ગુજરાતના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક મનાતા ઝફર સરેશવાલા માને છે કે 2003ની સરખામણીએ ભાજપ વધુ મજબૂત સ્થિતિમાં છે.
તેમનું કહેવું છે કે ભાજપમાં કોઈ ગભરાટ નથી અને અમિત શાહ દ્વારા આ પ્રકારની મુલાકાતોથી પાર્ટીને લાભ થશે.
ઝફર ઉમેરે છે, "સાથી પક્ષોની નારાજગીનું કારણ વિચારધારામાં મતભેદ નથી. આ પક્ષો જોતા હોય છે કે ક્યાંથી લાભ મળે તેમ છે.
"આપ કહો છો કે શિવ સેના નારાજ છે, આમ છતાંય રાજ્ય તથા કેન્દ્રમાં તે સત્તામાં છે. જો નારાજ હોત તો અલગ થઈ ગઈ હોત."
સબા નક્વી કહે છે, "એનડીએમાં રહીને સાથી પક્ષોને ખાસ લાભ નથી થયો. તેઓ ભાજપના વલણથી પરેશાન છે, પરંતુ આ પાર્ટીઓ ભાવતાલ કરી શકવાની સ્થિતિમાં નથી. સૌથી મોટો પક્ષ ભાજપ જ છે."
પ્રદીપસિંહ માને છે કે સાથી પક્ષોની નારાજગીને દૂર કરવા માટે ભાજપે લાંબા સમય અગાઉ પહેલ હાથ ધરવી જોઈતી હતી, આમ છતાંય તેઓ તાજેતરની મુલાકાતોને આવકારે છે.
ઝફર સરેશવાલાનું માનવું છે કે કોંગ્રેસ પક્ષ પહેલાં કરતા મજબૂત બન્યો છે અને ગુજરાત ચૂંટણી બાદ પક્ષના નેતા રાહુલ ગાંધીનું કદ વધ્યું છે, પરંતુ તેમનો દાવો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયેલો નથી, એટલું જ નહીં આવતાં વર્ષે ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં પક્ષ ચૂંટણી પણ જીતશે.
સબા નક્વીનું માનવું છે કે હવે મોડું થઈ ગયું છે. તેઓ ઉમેરે છે કે અમિત શાહની મુલાકાતોથી ભાજપને કોઈ લાભ થશે કે નહીં, તે અંગે કંઈ પણ કહેવું વહેલું ગણાશે.
પ્રદીપસિંહનું કહેવું છે કે રાજકારણમાં એકબીજા પર આરોપ મૂકવાનો કોઈ લાભ નથી. તેઓ ઉમેરે છે:
"સાથી પક્ષો માત્ર એટલું જ ઇચ્છતા હોય છે કે ભાજપ ચૂંટણી પહેલા કેટલી બેઠકો આપશે તથા ચૂંટણીમાં જીત મળે અને સરકાર બને ત્યારે તેના કેટલા પ્રધાન હશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો