નીતિશ કુમાર બિહારમાં 2019માં એનડીએનો ચહેરો : જેડીયુ

જનતા દળ(યુનાઇટેડ)એ જણાવ્યું છે મુખ્યમંત્રી નીતિશ કુમાર વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન બિહારમાં રાષ્ટ્રીય લોકતાંત્રીક ગઠબંધન(એનડીએ)નો ચહેરો હશે.

જેડી(યુ)ના મહાસચિવ અને પ્રવક્તા કે.સી. ત્યાગીએ આ વાત કરી છે. પટના ખાતે નીતિશ કુમારના ઘરે ચાર કલાક ચાલેલી બેઠક બાદ આ દાવો રજૂ કરાયો છે.

સાથે જ તેમણે એ વાત પણ સ્વીકારી છે કે 2014માં નરેન્દ્ર મોદીએ એકલપંડે એનડીએને અપાવેલા વિજયને પગલે જમીની વાસ્તવિક્તા બદલાઈ ગઈ છે.

અહીં એ વાત પણ નોંધવી રહી કે તાજેતરમાં જ જોખીહાટ પેટાચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ સામે એનડીએને મળેલી હારને ત્યાગીએ ભાજપની રણનીતિ માટે આંચકા સમાન ગણાવી હતી.

આ ઉપરાંત એનડીએના વધુ એક ઘટક દળ રાષ્ટ્રીય લોક સમતા પક્ષના ઉપેન્દ્ર કુશવાહાએ પણ સાથીદળો વચ્ચે 'કૉ-ઑર્ડિનેશન'નો અભાવ હોવાનું જણાવ્યું હતું.

સુનિલ છેત્રીએ 100મી મેચ રમી, ભારતે કેન્યાને હરાવ્યું

'અમને ગાળો આપો પરંતુ અમારો મેચ જોવા આવો,' દર્શકોને આવી ભાવૂક અપીલ કરનાર ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ સોમવારે તેમની 100મી મેચ રમી હતી.

ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપના એક મેચમાં ભારતે કેન્યાને 3-0થી હરાવ્યું હતું.

કેન્યાને હાર આપવામાં સુનિલનો ફાળો સૌથી વધારે હતો, ભારત તરફથી થયેલા ત્રણમાંથી બે ગોલ સુનિલે જ કર્યા હતા.

મુંબઈમાં રમાયેલી આ મેચની શરૂઆતમાં જ વરસાદ પડ્યો હતો અને બંને ટીમોએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સુનિલે કરેલી અપિલ બાદ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન કોહલીએ પણ તેમનો સાથ આપ્યો હતો.

જોકે, સુનિલની અપિલ કામ કરી ગઈ અને આ મેચની તમામ ટિકિટો વેંચાઈ ગઈ હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો કોઈ જ અવકાશ નથીઃ પાકિસ્તાની સૈન્ય

પાકિસ્તાની સૈન્યની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશનના ડીજી(ડાયરેક્ટર જનરલ) મેજર જનરલ આસિફ ગફુરે સોમવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો કોઈ જ અવકાશ નથી.

રાવલપીંડીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે આ વાત કરી.

મેજર જનરલ ગફુરે આરોપ લગાવ્યો કે નિયંત્રણ રેખા પર ભારત દ્વારા 2017-18માં યુદ્ધવિરામના સૌથી વધુ બનાવ બન્યા.

તેમણે એવું પણ કહ્યું કે એકલાં 2017ના વર્ષમાં જ યુદ્ધવિરામના ઉલ્લંઘનને પગલે 52 લોકોનાં મોત નિપજ્યા જ્યારે 254 લોકોને ઈજા પહોંચી.

નોંધનીય છે કે છેલ્લા કેટલાંક મહિનાથી નિયંત્રણ રેખા પર બન્ને રાષ્ટ્રોનાં સૈન્ય વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

પેલેસ્ટાઇનના બાળકોનો પત્ર, 'લિયોનેસ મેસી અમારા પૂર્વજોની કબરો પર રમશે'

14 જૂને રશિયામાં ફૂટબૉલ વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. જેને પગલે 9 જૂને આર્જેન્ટિનાની ટીમ ઇઝરાયલ સાથે મૈત્રીપૂર્ણ મેચ રમવા જઈ રહી છે.

આ મેચ દક્ષિણ જેરૂસલેમમાં આવેલા ટેડી કોલેક સ્ટેડિયમ ખાતે રમાશે.

જોકે, પેલેસ્ટાઇનના 70 બાળકોએ આર્જેન્ટિના ખેલાડી લિયોનેસ મેસીને પત્ર લખીને મેચમાં સામેલ ના થવાની ભલામણ કરી છે.

બાળકોએ પત્રમાં લખ્યું છે, ''તમે મલહાના એ સ્ટેડિયમ પર મેચ રમવાના છો, જ્યાં અમારા ગામને બરબાદ કરી દેવાયું હતું.''

બાળકોએ પત્રમાં એવું પણ લખ્યું કે મેસીના આવવાથી તેઓ ખુશ છે પણ એ વાતથી દુઃખી છે કે જ્યાં મેચ રમાઈ રહી છે એ જગ્યા ક્યારેય તેમનું ઘર હતી.

''એ કેટલું યોગ્ય કહેવાય કે અમારો હીરો મેસી એ સ્ટેડિયમ પર રમશે કે જે અમારા પૂર્વજોની કબરો પર બનેલું છે.''

મહત્ત્વપૂર્ણ છે કે 70 વર્ષ પહેલા આરબ-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન મલહાને બરબાદ કરી દેવાયો હતો.

વિરોધ પ્રદર્શનો વચ્ચે જોર્ડનના વડાપ્રધાનનું રાજીનામું

છેલ્લાં કેટલાય અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને પગલે જોર્ડનના વડાપ્રધાને રાજીનામું આપી દેવું પડ્યું છે.

જોર્ડનના અધિકારીઓએ જણાવ્યું કે કિંગ અબ્દુલ્લાહે વડાપ્રધાન હાની અલ-મુલ્કીને સમન્સ પાઠવ્યા હતા.

નોંધનીય છે કે મોંઘવારીને કારણે જોર્ડનના લોકો પહેલાંથી જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં સરકારે આવકવેરો વધારી દેતા પરિસ્થિતિ ઉગ્ર બની હતી.

અલ-મુલ્કીએ 2016માં દેશની કમાન સંભાળી હતી. તેમને દેશનું અર્થતંત્ર પાટા પર લાવવા માટેનો શ્રેય આપવામાં આવે છે.

મહત્ત્વપૂર્ણ છે કે જોર્ડન છેલ્લા કેટલાય સમયથી આર્થિક સંકટોનો સામનો કરી રહ્યો છે. દેશ આજે પણ મોટાભાગે વિદેશ સહાય પર નિર્ભર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો