You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનિલ અંબાણીની રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ દેવાળું ફૂંકશે?
- લેેખક, દિનેશ ઉપ્રેતી
- પદ, બીબીસી સંવાદદાતા
દેશના સૌથી મોટાં ઉદ્યોગ ગૃહો પૈકીના એક અંબાણી જૂથની કંપનીઓ એક સમયે રોકાણકારો માટે નફો કરવાનો સૌથી સલામત દાવ ગણાતી હતી.
દેશનું આ ઉદ્યોગ ગૃહ દાયકાઓ સુધી તેના રોકાણકારોની અપેક્ષા સંતોષતું રહ્યું હતું અને તેમને દર વર્ષે માલામાલ કરતું રહ્યું હતું.
જે ઉદ્યોગ ગૃહના મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ હોય અને તેમના નાના ભાઈ અનિલ અંબાણી ફોર્બ્સની સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં સામેલ હોય એ ઉદ્યોગ ગૃહની કોઈ કંપની દેવાળું ફૂંકી શકે?
સવાલ ચોંકાવનારો જરૂર છે, પણ તેનો જવાબ 'હા' હોઈ શકે છે.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (એનસીએલટી) અનિલ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ સામે નાદારી સંબંધી પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી છે.
આ પરિસ્થિતિ કઈ રીતે સર્જાઈ?
વાસ્તવમાં ધીરુભાઈ અંબાણી તેમની મૂળ કંપની રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય લોકોની ભાગીદારી વધારવા માટે 1977માં આઈપીઓ લઈને આવ્યા હતા અને એ જાહેર ભરણાંને રોકાણકારોએ જોરદાર પ્રતિસાદ આપ્યો હતો.
એ સમયે ભારતીય અર્થતંત્રના દરવાજા દુનિયા માટે લગભગ બંધ હતા. રિલાયન્સનો આઈપીઓ સાતગણો ભરાયો હતો.
કોઈએ 1977માં રિલાયન્સમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય અને એ જાળવી રાખ્યું હોય તો આજે એ વ્યક્તિ કરોડપતિ થઈ ગઈ હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુકેશ અંબાણીએ ગયા વર્ષે તેમની કંપનીની ચાલીસમી વાર્ષિક સાધારણ સભામાં કહ્યું હતું, "1977માં રિલાયન્સના શેરમાં કરવામાં આવેલા 1,000 રૂપિયાના રોકાણનું મૂલ્ય હવે વધીને 16.54 લાખ રૂપિયા એટલે કે 1600થી વધારે ગણું થઈ ગયું છે."
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, ધીરૂભાઈ અંબાણીની કંપનીઓના ભાગલા તેમના બે પુત્રો મુકેશ અને અનિલ વચ્ચે 2006માં કરવામાં આવ્યા હતા.
મુકેશ અંબાણીના હિસ્સામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ઇન્ડિયા પેટ્રોકેમિકલ્સ આવી હતી, જ્યારે અનિલ અંબાણીના હિસ્સામાં રિલાયન્સ ઇન્ફોકોમ (પછી રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ), રિલાયન્સ એનર્જી, રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ નેચરલ રિસોર્સિસ આવી હતી.
મુકેશ અંબાણીના હિસ્સામાં આવેલી કંપનીઓ રિલાયન્સ ગ્રૂપ હેઠળ જ રહી, પણ અનિલ અંબાણીએ તેમના વડપણ હેઠળની કંપનીઓના જૂથને અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ એટલે કે એડીએજી નામ આપ્યું હતું.
અનિલ અંબાણીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, મ્યુચ્યુઅલ ફંડ્ઝ, વીમો, સંરક્ષણ, સિનેમા, ડીટીએચ અને એફએમ રેડિયો વગેરે ક્ષેત્રોમાં પાંખો પસારી હતી.
અનિલ-મુકેશની નેટવર્થમાં અંતર વધ્યું
અનિલ અંબાણી તેમનો બિઝનેસ વિસ્તારતા રહ્યા હતા, પણ કેટલાંક સેક્ટર્સમાં તેમનો દાવ ઉલટો પડ્યો કે પ્રગતિના માર્ગમાં સમસ્યાઓ સર્જાઈ, જેનો તોડ કાઢવાનું એડીએ ગ્રૂપ માટે મુશ્કેલ બની ગયું.
ફોર્બ્સના અહેવાલ અનુસાર, 2007માં અનિલ અંબાણીની નેટવર્થ 45 અબજ ડોલર હતી અને તેમાં સૌથી વધુ 66 ટકા હિસ્સો રિલાયન્સ કૉમ્યુનિકેશન્સનો હતો.
મુકેશ અંબાણી તેમનાથી થોડા આગળ હતા અને તેમની નેટવર્થ 49 અબજ ડોલર હતી, પણ એ પછીનાં દસ વર્ષમાં બન્ને ભાઈઓ વચ્ચેની નેટવર્થમાંનો તફાવત વધતો ગયો હતો.
ફોર્બ્સની 2017ના વર્ષની શ્રીમંતોની યાદીમાં અનિલ અંબાણીની નેટવર્થ ઘટીને લગભગ સવા ત્રણ અબજ ડોલરની રહી ગઈ હતી.
મુકેશ અંબાણીની નેટવર્થમાં ઘટાડો જરૂર થયો છે, છતાં એ અત્યારે પણ 38 અબજ ડોલરની છે.
બજાર મૂડીની બાબતમાં પણ મુકેશ અંબાણી તેમના નાના ભાઈ કરતાં ઘણાં આગળ છે.
શેર બજારના વિશ્લેષક વિવેક મિત્તલ કહે છે, "બન્ને ભાઈઓ વચ્ચે 2006માં બિઝનેસના ભાગલા પડ્યા પછી તેમની બજાર મૂડીમાં અંતર ઘણું વધી ગયું છે."
"મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બજાર મૂડી છ ગણી વધીને 6 લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે, જ્યારે અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રા તથા રિલાયન્સ કૉમ્યુનિકેશન્સના શેરના ભાવ ગગડ્યા છે અને બજાર મૂડી 50,000 કરોડ રૂપિયાથી પણ ઓછી રહી ગઈ છે."
દિલ્હી સ્થિત એક બ્રોકરેજ ફર્મમાં રિસર્ચ હેડ આસિફ ઇકબાલ જણાવે છે કે રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ 2010 સુધી અનિલ અંબાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની હતી અને ટેલિકોમ સેક્ટરમાં તેનો બજાર હિસ્સો લગભગ 17 ટકા હતો, પરંતુ અન્ય ટેલિકોમ કંપનીઓની પ્રાઇસ વોર સામે રિલાયન્સ કૉમ્યુનિકેશન્સનો બજાર હિસ્સો સતત ઘટતો રહ્યો હતો.
આસિફ ઇકબાલના જણાવ્યા મુજબ, એડીએ ગ્રૂપે કંપનીના વિસ્તરણ માટે લોન લીધી હતી, પણ એ ધિરાણને કારણે કંપનીની હાલત ખરાબ થઈ ગઈ છે.
આસિફ ઇકબાલ કહે છે, "રિલાયન્સ કૉમ્યુનિકેશન્સને બેવડો માર પડ્યો હતો. એક બાજુ તેનો બજાર હિસ્સો ઘટતો રહ્યો અને બીજી બાજુ લોનનું ભારણ વધતું રહ્યું.
"2010 સુધી કંપની પર અંદાજે 25,000 કરોડ રૂપિયાનું દેવું હતું, જે હવે લગભગ બમણું થઈ ગયું છે."
મુંબઈ શેરબજારને ગયા વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આપવામાં આવેલી માહિતી મુજબ, રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ પર લગભગ 45,000 કરોડ રૂપિયાનું દેવું હતું. તેમાં ઘરઆંગણાની નાણાંકીય સંસ્થાઓ ઉપરાંત ચીનથી લેવામાં આવેલું કરજ પણ સામેલ છે.
લોનનો બોજ
લોનના બોજ ઉપરાંત કંપની ટેલિકોમ ક્ષેત્રમાં વોડાફોન અને એરટેલ જેવી પ્રતિસ્પર્ધી કંપનીઓ સામે હરિફાઈમાં સતત નબળી પડતી જાય છે, ત્યારે મોટાભાઈ મુકેશની કંપની રિલાયન્સ જિયોએ પણ માર્કેટનો મોટો હિસ્સો કબજે કરી લીધો છે.
પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ ચૂકી છે કે રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ નાદાર જાહેર થવાની અણી પર આવીને ઊભી છે.
ટેલિકોમ ઉપકરણો બનાવતી સ્વીડનની કંપની એરિક્સને રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ તથા તેની ત્રણ સહયોગી કંપની પાસેથી લોન વસૂલવા માટે એનસીએલટીમાં ત્રણ અરજી દાખલ કરી હતી, જેને સ્વીકારવામાં આવી છે.
એરિક્સનનો દાવો છે કે તેણે રિલાયન્સ પાસેથી 1,150 કરોડ રૂપિયા લેવાના બાકી છે.
રિલાયન્સ કૉમ્યુનિકેશન્શે તેના ગત વાર્ષિક પરિણામમાં જણાવ્યું હતું કે કંપની પર લગભગ 45,000 કરોડ રૂપિયાનું દેવું છે.
એનસીએલટીએ રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ સામે બૅન્કરપ્સીની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
જોકે, તેનો વિરોધ કરતાં એડીએ ગ્રૂપે જણાવ્યું છે કે દેવું ચૂકવવાની દિશામાં તે કાર્યરત છે અને વાયરલેસ તથા સ્પેક્ટ્રમ (ફોરજી તથા શેરિંગ સિવાય) બિઝનેસ વેચવા માટે વાતચીત કરી રહ્યું છે.
વાયરલેસ એસેટ્સના વેચાણ માટે તે જિયો ઇન્ફોકોમ સાથે વાતચીત કરી રહ્યું છે.
રિલાયન્સ કમ્યુનિકેશન્સે મુંબઈ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે તેણે બૅન્કરપ્સી પ્રક્રિયા સંબંધે કાયદાકીય સલાહ લીધી છે અને એ સંબંધે ટૂંક સમયમાં જ એક્સચેન્જને જણાવવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો