ભાવનગર: દલિત યુવાનની છેડતીના મામલે થઈ હતી હત્યા, પરિવાર અસંમત

મૃતક યુવાન પ્રદીપ રાઠોડની ઘોડા પર બેસેલી તસવીર

ઇમેજ સ્રોત, Social Media/Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, મૃતક યુવાન પ્રદીપ રાઠોડ

ભાવનગરના ટીંબી ગામે ગત માર્ચ મહિનામાં થયેલી દલિત યુવાનની હત્યામાં હવે નવો વળાંક આવ્યો છે.

આ દલિત યુવાનની હત્યા થઈ હતી ત્યારે તેમના પરિવારે આરોપ કરતાં કહ્યું હતું કે ઘોડી રાખવાના કારણસર તેની હત્યા કરવામાં આવી છે.

પરિવારજનોનો આરોપ હતો કે બાજુના ગામના દરબારોએ ઘોડી નહીં રાખવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પ્રદીપ નામના આ યુવાનની હત્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. પરંતુ હત્યાના સમયથી અત્યાર સુધી એક પણ આરોપીની ધરપકડ કરી ન હતી.

હવે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા પાછળ છેડતીનો મામલો છે.

line

પોલીસ તપાસમાં શું થયો ખુલાસો?

પોલીસ આરોપી સાથે

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan

પોલીસે આ કેસમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

જેમાં જાણવા મળ્યું છે કે આ હત્યા ઘોડી રાખવા મામલે નહીં પરંતુ એક પરણિત મહિલાની છેડતીના મામલે કરવામાં આવી હતી.

આ મામલે બીબીસી સાથે વાત કરતા પાલિતાણાના ડીવાએસપી પી.પી. પિરોજિયાએ કહ્યું, "આ મામલે અમે ધંધુકાના પડાણા ગામથી એક શખ્સને પકડ્યો છે અને પોલીસ સમક્ષ તેમણે ગુનાની કબૂલાત પણ કરી લીધી છે."

તપાસ મામલે બોલતા પિરોજિયાએ કહ્યું, "પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને શકમંદોની પૂછપરછ ચાલુ રાખી હતી. જેમાં આ શખ્સનું નામ ખૂલતા પોલીસે તેને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ તેનું લોકેશન મળી આવતા પડાણાથી તેમને ઉમરાળા લઈ આવવામાં આવ્યો હતો. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી."

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે કહ્યું, "આ શખ્સે પીપરાળી ગામે વાડી ભાગમાં રાખેલી હતી. ત્યારે આ મૃતક યુવાન તેમની પત્નીની છેડતી કરતો હતો. જેથી આ મામલે બોલાચાલી થતા તેની હત્યા કરવામાં આવી છે."

પિરોજિયાના જણાવ્યા પ્રમાણે આ આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ભાવનગરના એસપી પી.એલ.માલે આ મામલે વાત કરતા પીટીઆઈને જણાવ્યું હતું કે પ્રદીપ આરોપીની પત્નીની ખેતમજૂરી કરવા જાય તે સમયે છેડતી કરતો હતો. હત્યા બાદ સમગ્ર પરિવાર ખેતર છોડીને જતો રહ્યો હતો.

તેમણે કહ્યું, "આ હત્યાના દિવસ બાદ જ આરોપીનો પરિવાર ગુમ થઈ ગયો હતો. જે બાદ પોલીસે આ દીશામાં પણ તપાસ ચલાવી હતી. અંતે પોલીસ આરોપીના ગામ પહોંચી હતી અને ઉમરાળા લાવી તેમની ધરપકડ કરી હતી."

line

કેવી રીતે થઈ હત્યા?

આરોપી

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan

ઇમેજ કૅપ્શન, પોલીસે ધરપકડ કરી તે આરોપી

પોલીસે જાહેર કરેલ પ્રેસ રિલિઝમાં જણાવાયું છે કે ધરપકડ કરાયેલો આરોપી અમદાવાદના ધંધુકા તાલુકાના પડાણા ગામના રહેવાસી છે અને તેમણે ભાવનગરના પીપરાળી ગામે વાડી ભાગમાં રાખી હતી. જ્યાં તેમનો પરિવાર ખેતીકામ કરતો હતો. સમગ્ર પરિવાર અહીં વાડીમાં જ રહેતો હતો.

પ્રેસ રિલિઝમાં જણાવ્યા પ્રમાણે મૃતક પ્રદીપ અહીં વાડીએ આવીને તેમના પત્નીની છેડતી કરતા હતા અને અભદ્ર માગણી કરતા હતા. બનાવના દિવસે આરોપી ધારીયું લઈને દાતણ કાપવા જતા હતા ત્યારે આ મૃતક યુવાનને તેમની વાડી તરફ જતો જોયો હતો. તેમને ઠપકો આપવા જતા બંને વચ્ચે બોલાચાલી થઈ અને આ સમયે ધારીયા વડે પ્રદીપની હત્યા કરવામાં આવી હતી.

line

પરિવારની પોલીસની તપાસ પર શંકા

કાળુભાઈ રાઠોડની તસવીર

ઇમેજ સ્રોત, Social Media/Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, મૃતક યુવાન પ્રદિપના પિતા કાળુભાઈ રાઠોડ

પ્રદીપના પરિવારે આ પહેલાં સ્થાનિક દરબારો પર ઘોડી રાખવા મામલે હત્યા કરવાનો આરોપ કર્યો હતો.

પોલીસની છેડતી મામલે હત્યા કરવાના દાવા સાથે પરિવાર સંમત નથી.

મૃતક પ્રદીપના પિતા કાળુભાઈએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "જે શખ્સની પોલીસે ધરપકડ કરી છે તેને અમે ક્યારેય જોયો નથી. પોલીસની આ તપાસ પર અમને વિશ્વાસ નથી."

તેમણે કહ્યું, "પોલીસ ખોટે રસ્તે તપાસ કરી રહી છે. જેની પાછળ કોઈ માથાભારે શખ્સો છે. આ તપાસથી અમને સંતોષ નથી અને અમે આ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવે તેની માગણી કરી રહ્યા છીએ."

છેડતી મામલે બોલતા પ્રદીપના પિતાએ કહ્યું, "મને મારા પુત્ર પર વિશ્વાસ છે કે તે આવું કરે જ નહીં. તેની સામે એક પણ આવી ફરિયાદ થયેલી નથી."

આ મામલે બીબીસી સાથે વાત કરતા દલિત આગેવાન અરવિંદભાઈ મકવાણા કહે કે પોલીસ આ કેસની ગંભીરતાને ઓછી કરી રહી છે અને અમને પોલીસની તપાસ સામે પણ પ્રશ્નો છે.

તેમણે કહ્યું, "મૃતકના પરિવાર આ આરોપીને ઓળખતા નથી, તેમની સાથે કોઈ તકરાર થઈ ન હતી. માની લો કે આ આરોપીએ જ હત્યા કરી છે તો પણ તેની પાછળ કોઈ મોટા માથાં હોવા જોઈએ."

"આ મામલે પોલીસે હત્યા બાદ એકપણ આરોપીની ધરપકડ કરી ન હતી. અમે જ્યારે કોઈ આરોપી ન પકડાય તો તેની સામે ઉપવાસ કરવાની ચીમકી આપી તેના બે-ત્રણ દિવસમાં જ પોલીસે આ આરોપીને રજૂ કરી દીધો છે."

"અમે આ મામલે હવે પોલીસને મળવા જવાના છીએ અને આરોપીનો નાર્કો ટેસ્ટ કરવાની માગણી કરીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો