બિઝનેસ : વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ વચ્ચેની ડીલથી કોને જોખમ છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, દિનેશ ઉપ્રેતી
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકી કંપની વૉલમાર્ટે ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો 77 ટકા હિસ્સો ખરીદી લીધો છે. આ માટે કંપની ફ્લિપકાર્ટને 1600 કરોડ ડૉલર (લગભગ એક લાખ સાત હજાર કરોડ રૂપિયા)થી વધુની રકમ ચૂકવશે.
આ ડીલ વૉલમાર્ટની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે.
પાંચ વર્ષ પહેલાં અમેરિકી ઈ-કોમર્સ કંપની ઍમેઝોને, જ્યારે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો, ત્યારથી જ ફ્લિપકાર્ટ પર બજારમાં દબાણ ઊભું હતું.
ઍમેઝોન પણ ફ્લિપકાર્ટને ખરીદવા માગતી હતી, પણ વૉલમાર્ટ તેમાં સફળ રહી અને તેણે ફ્લિપકાર્ટને ખરીદી લીધી. ફ્લિપકાર્ટના ભારતમાં લગભગ દસ કરોડ જેટલા ગ્રાહકો છે.
વળી ઍમેઝોન એ વાત પર પણ પસ્તાવો કરી રહી હશે કે એક દાયકા પહેલા તેમની કંપનીમાં ઇન્ટર્નશિપ કરવા આવેલા બે વ્યક્તિને કંપનીમાં કેમ ન રાખી લીધા.
કેમ કે એ સમયે કોઈ પણ વ્યક્તિએ વિચાર્યું નહીં હોય કે આ બન્ને વ્યક્તિ ભવિષ્યમાં ઍમેઝોનને ટક્કર આપતી કંપની ચલાવશે.
આ બે વ્યક્તિ આઈઆઈટીમાંથી સ્નાતક થયેલા બે એન્જિનિયર એટલે સચિન બંસલ અને બિન્ની બંસલ.
બન્નેએ ભારત પરત ફરીને વર્ષ 2007માં ફ્લિપકાર્ટ નામની કંપની સ્થાપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વૉલમાર્ટની કોશિશ

ઇમેજ સ્રોત, Reuters
વૉલમાર્ટ કેટલાંક વર્ષોથી ભારતમાં પગ પેસારો કરવાની કોશિશ કરી રહી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતા કંપની પાસે મોટાપાયે રોકડ જમા થઈ ગઈ હતી.
ફ્લિપકાર્ટમાં માઇક્રોસોફ્ટ, ટેનસેન્ટ અને સોફ્ટબૅન્કની પણ ભાગીદારી છે. આ કંપંનીઓએ તેમની ભાગીદારી નથી વેચી. જેમાં સોફ્ટબૅન્ક પાસે સૌથી વધુ 20 ટકા હિસ્સો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ભારતમાં ઑનલાઇન ખરીદીનું બજાર ઝડપથી વિકસી રહ્યું છે. માર્કેટ રિસર્ચ કરતી કંપની ફૉર્સ્ટર અનુસાર, ગત વર્ષે ઑનલાઇન ખરીદીનું બજાર 2100 કરોડનું રહ્યું હતું.
નાણાંકીય મામલે સંશોધન કરતી કંપની મૉર્ગન સ્ટૅનલીના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં 2026 સુધી ઑનલાઇન ખરીદીનું બજાર 200 અરબને આંબી જશે.
એટલે કે આગામી આઠ વર્ષમાં તેમાં 9થી 10 ટકાનો વધારો થશે.

ઇમેજ સ્રોત, Getty Images
વૉલમાર્ટના મુખ્ય કાર્યકારી અધિકારી ડગ મૅકમિલન પણ આ આંકડાઓથી પરિચિત છે.
તેમણે કહ્યું, "ભારત વિશ્વમાં સૌથી આકર્ષક રિટેલ માર્કેટમાંનું એક છે. કદ અને વૃદ્ધિ બન્ન મામલે તે મોટું છે.
"અમે એવી કંપનીમાં રોકાણ કર્યું છે, જેણે ઈ-કોમર્સ બજારમાં મોટું પરિવર્તન લાવ્યું છે."
મૅકમિલનના નિવેદન પરથી સ્પષ્ટ છે કે, 130 કરોડની વસતી ધરાવતા ભારતના બજાર પર કેમ ઍમેઝોન અને વોલમાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓની નજર છે.
પણ સવાલ એ છે કે આ ડીલથી ભારતીય બજાર પર શું અસર થશે અને કઈ રીતે અસર થઈ શકે છે.

ચિંતા

ફ્લિપકાર્ટ પર સામાન વેચતા વિક્રેતાઓમાં ગભરાટ જોવા મળવી સ્વાભાવિક છે.
ઑલ ઇન્ડિયા ઑનલાઇન વેન્ડર્સ એસોસિયેશનના દાવા મુજબ, ઑનલાઇન વિક્રેતાની સંખ્યા આઠથી દસ હજાર જેટલી છે. તેમના માટે આ ડીલ પરેશાની બની શકે છે.
એસોસિયેશનના મહાસચિવ સુધીર મહેરા કરે છે, "વૉલમાર્ટનો ઇતિહાસ રહ્યો છે કે તે સસ્તી કિંમતે સામાન વેચીને નાના વેપારીઓને પોતાના માર્ગમાંથી હટાવી દે છે.
"તેમની પાસે આર્થિક ભંડોળની કમી નથી અને વિશ્વભરના બજારો સુધી તેની પહોંચ છે.
"આમ હવે તે અન્ય દેશોનો સસ્તો સામાન ભારતમાં પણ વેચશે."

જોકે, વૉલમાર્ટ ચાર વર્ષ પહેલાં ભારતી સાથે ભારતીય બજારમાં પ્રવેશી હતી, ત્યારે વૉલમાર્ટે ખુદ કંપનીને માત્ર 'કૅશ ઍન્ડ કૅરી' ઑફલાઇન સ્ટોર સુધી જ મર્યાદિત રાખી હતી.
આવું એટલા માટે કરવું પડ્યું હતું કે વિદેશી રોકાણ મામલે ભારત સરકારે લગાવેલા નિયંત્રણો આ માટે જવાબદાર હતા. હાલ વૉલમાર્ટના ભારતમાં 21 સ્ટોર છે.
ભારતી સાથે ચાર વર્ષ બાદ છેડો ફાડ્યા બાદ વૉલમાર્ટ એક વાર ફરી ભારતીય બજારમાં ધમાકેદાર તૈયારી સાથે પ્રવેશવા તૈયાર છે.
અમેરિકી કંપની ઍમેઝોનને ભારતમાં ટક્કર આપવા માટે વૉલમાર્ટ તમામ કોશિશ કરશે અને આ માટે જ તે કુખ્યાત છે.
સુધીર મહેતા કહે છે, "આગામી સમયમાં વૉલમાર્ટ ફ્લિપકાર્ટના માધ્યમથી ડિસ્કાઉન્ટ સ્કિમમાં પણ મોટા પાયે રોકાણ કરશે.
"નિશ્ચિતરૂપે આનાથી ગ્રાહકોને લાભ થશે પણ વેપારી અને ખાસ કરીને નાના વેપારીઓને તેની માઠી અસર થવાની છે."

મેક ઈન ઇન્ડિયાનું શું થશે?

ઑનલાઇન વેન્ડર્સ એસોસિયેશને મોદી સરકારના મેક-ઇન-ઇન્ડિયાના સૂત્રને પણ નામ માત્રનું ગણાવ્યું છે.
તેમણે બીબીસીને કહ્યું, "એક તરફ મોદી સરકાર મેક-ઇન-ઇન્ડિયાની વાત કરે છે, બીજી તરફ વોલમાર્ટ જેવી કંપનીઓને ભારતમાં પ્રવેશવા દે છે.
"આવી કંપનીઓ નાણાંના જોરે વેપારીઓને નુકશાન પહોંચાડવા માટે કુખ્યાત છે.
"આમ માર્કેટમાં નાના વેપારીઓને વેપાર કરવા માટે સમાન તકો નહીં મળશે આથી તેઓ સ્પર્ધામાં પાછળ રહી જશે."


ઓછી કિંમત અને વિવિધ પ્રોડક્ટ્સ
વૉલમાર્ટ આવવાથી ભારતીય રિટેલ સેક્ટરને પણ પ્રોત્સાહન મળશે. વૉલમાર્ટ આવવાથી ગ્રાહકોને સસ્તા દરે પ્રોડક્ટ મળશે.
વળી ગ્રાહકોને વિવિધ પ્રોડક્ટના વિકલ્પ પણ મળશે. બીજી તરફ વૉલમાર્ટને ટક્કર આપવા માટે ઍમેઝોન પણ નવી રણનીતિ લાવવા માટે મજબૂર થશે.
આમ સરવાળે તો આનાથી ગ્રાહકોને જ લાભ થવાનો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












