એવો સ્ટોર જેમાં કોઈ કર્મચારી જ નથી, કેશ અને કાર્ડ પણ નહીં ચાલે! તો કઈ રીતે કરશો ખરીદી?

એમેઝોન સ્ટોર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના વૉશિંગ્ટનમાં એમેઝૉને આધુનિક સ્ટોર ખોલ્યો છે

હંમેશા કોઈ સુપરમાર્કેટમાં ખરીદી કરવા જઈએ ત્યારે બૅગ બહાર જમા કરાવવી પડે છે. ત્યારબાદ સામાનની ખરીદી કરવાની અને પછી પેમેન્ટ કરવું પડે છે. જેના માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે.

પરંતુ એમેઝૉને ગ્રાહકોને આ માથાકૂટમાંથી મૂક્ત કરવા માટે પોતાનું પહેલું સુપરમાર્કેટ શરૂ કર્યું છે. જેનું નામ આપ્યું છે એમેઝૉન ગો.

અહીં ગ્રાહકોનો સામાન ચેક કરવા માટે કોઈ નહીં હોય. માત્ર ગ્રાહક હશે અને સ્ટોરમાં પણ કોઈ કર્મચારી નહીં હોય.

અમેરિકાના વૉશિંગ્ટનના સિએટલમાં આવેલા આ સ્ટોરમાં ચારેબાજુ કેમેરા લાગેલા છે. જે શૉપિંગ કરવા આવતા ગ્રાહકો પર નજર રાખશે.

અહીં ખરીદી માટે બસ સ્માર્ટફોન અને એમેઝૉન ગો એપની જરૂરિયાત હશે. આ એપ સાથે એમેઝૉન ગો સુપરમાર્કેટ જાવ, શૉપિંગ કરો અને આરામથી સ્ટોરની બહાર આવી જાવ.

લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં અને કોઈપણ પ્રકારના ચેકઆઉટની જરૂર નહીં.

સ્ટોરમાં ખરીદી કરી રહેલી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોઇપણ વસ્તુને લેતા તે વર્ચ્યૂલ કાર્ટમાં આવી જશે

સામાનની ખરીદી કર્યા બાદ તે વર્ચ્યુઅલ કાર્ટમાં ઉમેરાઈ જશે. જો કોઈ ચીજવસ્તુને પરત મૂકશો તો આપોઆપ તે વર્ચ્યૂઅલ કાર્ટમાંથી બહાર થઈ જશે. સ્ટોરની બહાર આવતાની સાથે જ ઇલેક્ટ્રૉનિક્સ રસીદ બની જશે.

આ સ્ટોર ડિસેમ્બર, 2016માં ઑનલાઇન રિટેલના કર્મચારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આશા હતી કે સામાન્ય લોકો માટે પણ આ સ્ટોર જલદી જ ખુલ્લો મૂકવામાં આવશે.

પરંતુ મુશ્કેલી ત્યારે આવી જ્યારે ખરીદી કરવા આવનાર એક જ પ્રકારના ચહેરા ધરાવનાર ગ્રાહકોને કેમેરા ઓળખવામાં થાપ ખાઈ ગયા. જે શરૂઆતી સમસ્યાને ઠીક કરવામાં સમય ગયો.

ત્યારબાદ બાળકો કોઈ સામાન ઉઠાવીને અન્ય ખાનામાં રાખી દે ત્યારે શું? આવા કેટલાક પ્રશ્નોના ઉકેલ લાવતા સમય ગયો.

એમેઝોન ગોના સ્ટોરમાં મોબાઇલ સ્વાઇપ કરતી તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્ટોરમાં આ રીતે મોબાઇલ સ્વાઇપ કરવાથી એન્ટ્રી થશે પછી પેમેન્ટ ઑટોમૅટિક થઈ જશે

એમેઝૉન ગોના પ્રમુખ ગિયાના પ્યૂરિનીના જણાવ્યા પ્રમાણે સ્ટોરના ટેસ્ટ ફેઝ દરમિયાન તેને સારી રીતે સંચાલિત કરવામાં આવ્યો.

જોકે, હજી સુધી એમેઝૉને એ નથી કહ્યું કે તે આવા પ્રકારના અન્ય સ્ટોર્સ પણ ખોલશે.

હાલમાં પોતાના સૈંકડો ફૂડ સ્ટોર્સ માટે આવી ટેકનિક ઉપલબ્ધ કરાવવાની કંપનીની કોઈ યોજના નથી.

જોકે, કંપની એ વાતથી વાકેફ છે કે ગ્રાહક જેટલી ઝડપથી ખરીદી કરી શકશે એટલી જ તેમની સ્ટોરમાં આવવાની સંભાવના વધી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો