GROUND REPORT: ભરથુઆમાં છેડતી અને કપડાં ફાડ્યાના વીડિયો પછી લોકો શરમમાં જીવી રહ્યા છે

    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, ભરથુઆ(જહાનાબાદ)થી બીબીસી ગુજરાતી માટે

નહેરવાળા રસ્તા પર એકદમ સન્નાટો પ્રસરાયેલો છે. આ રસ્તો તૂટી ગયેલો છે. એમાં મોટા મોટા ખાડા દેખાઈ રહ્યા છે.

જહાનાબાદ-ઇસ્લામપુર હાઇવેના એક છેડાથી શરૂ થતા આ રોડ ઉપર આશરે 500 મીટર ચાલ્યા પછી વીજળીનો 31 નંબરનો થાંભલો જોવા મળે છે.

જ્યાં ગયા મહિનાની 25 એપ્રિલે ભરથુઆ ગામના યુવકોએ એક છોકરી સાથે છેડતી કરી તેમનાં કપડાં ફાડી નાખ્યાં હતાં.

જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે પોલીસે આ જ થાંભલા નંબર-31થી ઘટના સ્થળની ઓળખ કરી હતી.

એના સમાંતરમાં જે એક સૂકાયેલી નહેર છે. એની બીજી તરફ તાડનાં વૃક્ષો છે અને ઝૂંપડીઓ પણ છે.

જહાનાબાદ વાયરલ વીડિયો કાંડના કુલ 13 આરોપીઓમાંથી 11 આ જ ગામના છે અને એમાંથી મોટાભાગના સગીર છે. એક છોકરાની ઉંમર તો માત્ર આઠ વર્ષની છે.

યાદવોનું ગામ

ભરથુઆમાં મોટાભાગની વસતી યાદવોની છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ આ ગામમાં 253 ઘર છે.

આ ગામમાં મોટાભાગના લોકો ખેતી અને મજૂરી કામ કરે છે. ગામમાં માત્ર એક સ્કૂલ છે. એમાં પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. સ્કૂલમાં માત્ર બે શિક્ષકો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સમજી શકાય છે કે અહીં ભણવા માટે સારું વાતાવરણ નથી. એના કારણે અહીંનો સાક્ષરતા દર માત્ર 50.51 ટકા છે. જે બિહારના સરેરાશ સાક્ષરતા દર 61.80 ટકા કરતાં ઓછો છે.

2011ની વસતી ગણતરી પ્રમાણે ગામમાં મહિલાઓનો સાક્ષરતા દર માત્ર 38.28 ટકા છે.

ગામમાં વાસણ સાફ કરતી છોકરીઓને જોઈને આ હકીકત સમજી શકાય છે.

ગામના લોકોને શરમ આવે છે

ગામમાં મારી મુલાકાત મહેશ યાદવ સાથે થઈ. એમને જ્યારે મેં પૂછ્યું 25 એપ્રિલ વાળી ઘટના પર શું કહેશો.

એમણે કહ્યું, ''શું કહીએ, છોકરાઓએ અમારું નામ ડૂબાડી દીધું. અમારા ગામમાં પહેલાં ક્યારેય આવી ઘટના બની નથી. પોલીસ પણ ગામમાં ઓછી જ દેખાતી હતી.''

''પરંતુ હવે આવા ખરાબ કામમાં છોકરાઓ પકડાયા છે તો માથું નીચું કરીને ચાલવું પડે છે. એ લોકોએ અમારું મોં કાળું કરી દીધું. અમને શરમ આવે છે. અમે ઇચ્છીએ છીએ કે પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરે.''

ગામવાળાઓએ જ દોશીઓને પકડ્યા

અમારી વાતચીત દરમિયાન ગામના અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા. એમાંથી એક કુણાલકુમારે કહ્યું, ''ગામના લોકોને પોલીસના આવ્યા પછી આ ઘટનાની જાણ થઈ હતી.''

''પોલીસે અમને જ્યારે વીડિયો દેખાડ્યો ત્યારે અમે છોકરાઓની ઓળખ કરી. એ પછી ગામના લોકોએ જ આરોપીઓને પકડી પોલીસને સોંપી દીધા.''

તેમણે કહ્યું ''આ ઘટના માનવતાના નામ પર મોટું કલંક છે એટલે અમે આરોપીઓનું સમર્થન કોઈ પણ કિંમતે નહીં કરીએ. આ મામલામાં પોલીસે વીડિયોમાં ન દેખાતા હોય એવા કેટલાક છોકરાઓની પણ ધરપકડ કરી છે. એમાં એક આઠ વર્ષનો બાળક પણ છે.''

હું હવે ગામનાં એ ઘરોમાં પહોંચ્યો જેમના છોકરાઓની પોલીસે ધરપકડ કરી છે.

દરમિયાન મને ફુલવા દેવી મળ્યાં. સૂરતી સાડી, કપાળમાં ચાંદલો અને આંખોમાં આંસુ. 'કેમ રડી રહ્યાં છો'? મારો સવાલ સાંભળીને તેઓ બોલ્યાં કે એમના આઠ વર્ષના દીકરાને પોલીસ પકડી ગઈ છે.

ફુલવા દેવીએ કહ્યું, ''અમને કંઈ જ ખબર નથી. હું નહેર ગઈ હતી ત્યારે લોકોએ મને ફોન કરીને કહ્યું કે મારા દીકરાને પોલીસ પકડીને લઈ ગઈ છે. હું દોડીને ઘરે આવી. મારા છોકરાને તો સરખું પેન્ટ પહેરતાં પણ નથી આવડતું એ શું ભૂલ કરવાનો. એને છોડાવી દો.''

'અમારા બાળકો નિર્દોષ છે'

કાંતિ દેવી, સવિતા દેવી અને નન્હે યાદવના બાળકોને પણ પોલીસ પકડીને લઈ ગઈ છે.

આ લોકો ગરીબ છે અને તેમની ગરીબીની આડ હેઠળ તેમના છોકરાઓ નિર્દોષ હોવાની વાત કરે છે.

એમનું કહેવું છે કે બીજા યુવકોએ તેમને બોલાવ્યા હતા. એમના બાળકો તો છોકરીને બચાવી રહ્યા હતા.

નન્હે યાદવે કહ્યું, ''જો તમે વીડિયો ધ્યાનથી જોશો તો તમને સંભળાશે કે બાળકો એ છોકરીને છોડી દેવા માટે કહી રહ્યાં છે. અમારા બાળકોએ જ તેમને કપડાં પણ આપ્યાં હતાં. કેટલાક યુવકો અને ગૂંડા તત્ત્વોનાં કારણે અમારા બાળકો ફસાઈ ગયાં.''

એક આરોપીનાં લગ્ન તૂટ્યાં

આ કેસમાં પકડાયેલા એક યુવકનાં લગ્ન 11 મેના રોજ થવાનાં હતાં. એની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી પણ તે લગ્ન હવે તૂટી ગયાં.

એ યુવકના પિતા જદ્દુ યાદવે કહ્યું કે કન્યા પક્ષે લગ્ન તોડી દીધાં છે.

તેમણે કહ્યું, ''જ્યારે પોલીસે મને મારા દીકરાના આ કૂકર્મ વિશે જાણ કરી તો મેં ખુદ એને પોલીસના હવાલે કરી દીધો. એના માટે હવે મારા ઘરમાં કે દિલમાં કોઈ જગ્યા નથી.''

નિર્દોષને નથી પકડ્યા

વરિષ્ઠ સ્થાનિક પત્રકાર અને દૈનિક જાગરણના તંત્રી અશ્વિની સિંહે કહ્યું કે તમે આને ગુનાઇત ઘટના તરીકે ના જોશો.

તેમણે કહ્યું, "અપરાધ તો થયો જ છે. પરંતુ ખરેખર તો આ એક સામાજિક મુદ્દો છે. આનાથી આપણી શિક્ષણ વ્યવસ્થા, નૈતિક શિક્ષણ, ભરથુઆ ગામની સામાજિક સ્થિતિ અને મફતમાં મળી રહેલા ઇન્ટરનેટ ડેટા પ્લાન સાથે જોડીને જુઓ. ત્યારે આ ઘટનાના મૂળ સુધી પહોંચી શકાશે."

ગામમાં 500 રૂપિયામાં વેંચાતા ચાઇનિઝ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાના કારણે આ બધું થઈ રહ્યું છે.

જહાનાબાદના એસપીનો દાવો છે, 'પહેલા ધરપકડ કરેલા યુવકોની પૂછપરછ બાદ જ બીજા છોકરાઓની ધરપકડ કરી છે. વીડિયો બનાવવો, એને જોવો અને વાયરલ કરવો એ પણ તો અપરાધ જ છે. એટલે અમે 13 આરોપીઓની ધરપકડ કરી છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો