ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને લઈને કેટલાક લોકો જજમેન્ટલ કેમ છે?

ઇમેજ સ્રોત, NALSA.GOV.IN
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલીં
- પદ, બીબીસી સંવાદદાતા
જસ્ટિસ દીપક મિશ્રા અભ્યાસ દરમિયાન નાટકોમાં ભાગ લેતા હતા, પરંતુ ત્યારે તેમણે વિચાર્યું નહીં હોય કે દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમનો કાર્યકાળ આટલો નાટકીય બની જશે.
સ્વભાવથી સૌમ્ય, મૃદુભાષી જસ્ટિસ દીપક મિશ્રાએ ગરીબ કેદીઓને મફત કાનૂની સલાહ આપવાનો અને એફઆઈઆરને 24 કલાકની અંદર વેબસાઇટ પર નાખવા જેવા મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યા છે.
પરંતુ એમની ચર્ચા આ નિર્ણયો માટે નહીં બીજા જ કારણોથી થઈ રહી છે.
એમના પર આરોપ છે કે તેઓ ખાસ પ્રકારના કેસ કેટલાક ખાસ જજીસને સોંપે છે. એટલે સુધી કે નકલી દસ્તાવેજ પર જમીન હડપવાના જૂના મામલાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.
આ સિવાય શિક્ષણ ટ્રસ્ટ સાથે જોડાયેલા કેસોમાં પણ તેમની ભૂમિકા પર સવાલ ઊઠ્યા છે.
દીપક મિશ્રા ભારતીય ન્યાય-વ્યવસ્થાના ઇતિહાસમાં પહેલા મુખ્ય ન્યાયાધીશ છે જેમની સાથે કામ કરનારા ચાર વરિષ્ઠ જજીસે પ્રેસ કૉન્ફરન્સ કરીને દેશની સર્વોચ્ચ અદાલતના કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા.
ચારેય સિનિયર જજીસનો આરોપ હતો કે ચીફ જસ્ટિસ મહત્ત્વપૂર્ણ કેસોની સુનાવણીથી સિનિયર જજીસને દૂર રાખે છે, અને જુનિયર જજીસને આવા કેસ સોંપી દેવામાં આવે છે.
આ આરોપો પર દીપક મિશ્રાનું કહેવું હતું કે આ મુખ્ય ન્યાયાધીશનો વિશેષાધિકાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહાભિયોગ નોટીસ બદલાની કાર્યવાહી

ઇમેજ સ્રોત, Supreme Court
દીપક મિશ્રા દેશના પહેલા મુખ્ય ન્યાયધીશ તરીકે જાણીતા છે જેમના વિરુદ્ધ મહાભિયોગ નોટિસ આપવામાં આવી.
ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ અને બીજા છ દળો જસ્ટિસ લોયાની મોતની તપાસ સ્વતંત્ર એજન્સી પાસે કરાવવાની માંગ કરી રહ્યા હતા.
આ માંગને જસ્ટિસ દીપક મિશ્રાએ ઠુકરાવી દીધી હતી. જેથી આ દળો મુખ્ય ન્યાયાધીશ નારાજ છે. એ પછી જ વિપક્ષે મહાભિયોગ નોટિસ મોકલી 'બદલાની કાર્યવાહી' કરી છે.
જસ્ટિસ મિશ્રાએ અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદના માલિકીના હકની નિયમિત સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.
બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલાની તપાસ કરનારા જસ્ટિસ મનમોહનસિંઘ લિબરહાને એક ઇંટર્વ્યૂમાં કહ્યું હતું, 'પહેલા વિધ્વંસનો ગુનાઇત કાવતરાનો મામલો પતાવવાની જરૂર છે, માલિકીના હકનો મામલો પછી પતી જશે જ.'
વિવાદો સાથે જૂનો સંબંધ

ઇમેજ સ્રોત, TWITTER/@NOTSHANTIBHUSHN
વિવાદોનો આ સિલસિલો એમના મુખ્ય ન્યાયાધીશ બનતા પહેલાં જ શરૂ થઈ ગયો હતો.
ઓડિશા સ્થિત એક સામાજિક કાર્યકર્તા જયંત દાસે રાષ્ટ્રપતિને ચિઠ્ઠી લખીને એમના પર નકલી એફિડેવીટના આધારે જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો હતો.
ફરિયાદ મુજબ આ મામલો 1970ના દાયકાનો છે જ્યારે દીપક મિશ્રા કટક કોર્ટમાં વકીલાત કરતા હતા. આ મામલામાં સીબીઆઈ તપાસ પણ હાથ ધરાઈ હતી.
ભારતના પૂર્વ કાયદા પ્રધાન અને નામી વકીલ શાંતિ ભૂષણએ તો એક લેખ લખીને જસ્ટિસ દીપક મિશ્રાને મુખ્ય ન્યાયાધીશ બનાવવા પર નૈતિકતાનો પ્રશ્ન ઉભો કર્યો હતો.
આ લેખમાં જમીન સંપાદન અને બીજા મામલાઓના ઉલ્લેખની સાથે સાથે એમણે અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલીકો પુલના સુસાઇડ નોટનો પણ ઉલ્લેખ કર્યો જેમાં સુપ્રીમ કોર્ટમાં લાંચ લેવાતી હોવાની વાત કહેવામાં આવી હતી.
પૂર્વ કાયદા પ્રધાન કહે છે કે તપાસમાં સામે આવ્યું છે કે સુસાઇડ નોટ અસલી છે. જોકે એ એવું પણ માને છે કે મામલો કોર્ટ આધિન છે અને હજી તપાસ પૂરી થઈ નથી.

ઝેડ શ્રેણીની સુરક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
શાંતિ ભૂષણે સુપ્રીમ કોર્ટમાં જજીસની વચ્ચે કેસની વહેંચણીને લઈને એક અરજી દાખલ કરી છે. એમના પુત્ર પ્રશાંત ભૂષણ જસ્ટિસ મિશ્રાની અદાલતમાંથી પગ પટકીને એમ કહીને નીકળી ગયા હતા કે એમને બોલવાનો મોકો નથી મળી રહ્યો.
મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ સંબંધિત નિર્ણયમાં જસ્ટિસ મિશ્રાને ધમકીઓ મળી હતી. ત્યારબાદ તેમને ઝેડ પ્લસ સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી.
બુલેટપ્રૂફ કારમાં ચાલનારા તેઓ સુપ્રીમ કોર્ટના એકમાત્ર જજ છે. એમની સાથે પોલીસની ગાડીઓનું એક દળ પણ ચાલે છે.
જસ્ટિસ મિશ્રા એ બેંચના મુખ્ય જજ છે જેમણે 1993માં શ્રેણીબદ્ધ વિસ્ફોટના દોષી યાકુબ મેમણની દયા યાચિકા રદ્દ કરી હતી.
ત્યારબાદ જસ્ટિસ મિશ્રાના ઘરના પાછળના દરવાજા પણ એક ચિઠ્ઠી ફેંકીને ધમકી આપવામાં આવી હતી, 'તમારી પાસે ભલે ગમે તેટલી સુરક્ષા હોય, અમે તમને પતાવી દઈશું.'
સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનો આદેશ પણ એમણે જ આપ્યો હતો. નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું, 'દેશભક્તિ અને રાષ્ટ્રવાદની અભિવ્યક્તિ માટે' દર્શકોએ હૉલમાં ઉભા થવું જોઈએ.
આ નિર્ણય માટે તેની નિંદા થઈ. થોડા દિવસ પછી સરકારા ખુદ આ નિર્ણયને પાછો લેવા માટે આગ્રહ કર્યો હતો.
જસ્ટિસ મિશ્રાએ મહારાષ્ટ્રના ડાંસ બાર પર લગાવેલો પ્રતિબંધ રદ્દ કર્યો હતો. આ નિર્ણય પર લોકોના અભિપ્રાય જુદાજુદા છે.
જસ્ટિસ મિશ્રાને લઈને હાલમાં માત્ર રાજકીય દળો જ નહીં પરંતુ જજીસ અને વકીલોના જૂથો પણ તેમના વિરોધ અને સમર્થનમાં વહેંચાયેલાં છે.

પ્રતિષ્ઠિત પરિવાર અને કોંગ્રેસ સાથે સંબંધ

ઇમેજ સ્રોત, naveenpatnaik.com
ઓડિશાના એક પ્રતિષ્ઠિત પરિવારમાં ચીફ જસ્ટિસ મિશ્રાનો જન્મ થયો હતો. એમના દાદા પંડિત ગોદાબરિશ મિશ્રા ઓડિશાના એક નામી કવિ હતા. તેઓ સ્વતંત્રતના આંદોલનમાં પણ સામેલ હતા.
ચીફ જસ્ટિસ મિશ્રાના પિતા રઘુનાથ મિશ્રા કોંગ્રેસ પાર્ટીના સક્રિય નેતા હતા અને બાનપુર વિધાનસભા વિસ્તારના બે વાર ધારાસભ્ય રહી ચૂક્યા હતા.
દીપક મિશ્રાના પિતા ત્રણ ભાઈ હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા રંગનાથ મિશ્રા તેમના સગા કાકા હતા, એમના બીજા કાકા લોકનાથ મિશ્રા કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા હતા.
તેઓ 1990ના દશકમાં અસમ રાજ્યના રાજ્યપાલ પણ હતા.
જસ્ટિસ રંગનાથ મિશ્રાએ 1984ના શીખ વિરોધી રમખાણોની તપાસ પણ કરી હતી. ત્યારબાદ રંગનાથ મિશ્રા રાજ્યસભાના સભ્ય પણ બન્યા હતા.
ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી જેબી પટનાયકના દીકરી સુદત્તા પટનાયક MAના અભ્યાસ દરમિયાન કટકના રૈવેનશૉ કૉલજમાં જસ્ટિસ મિશ્રાની સાથે ભણતાં હતાં.
તેઓ કહે છે, "એ જે કંઈ પણ કહેતા તેમાં સરળતા હતી, જેથી તેમની વાતોથી લોકો પ્રભાવિત થતા હતા."
સરકાર અને ન્યાયપાલિકાની વચ્ચે ચાલી રહી ખેંચતાણ વિષે જાણીતા વકીલ સંજય હેગડે કહે છે, "સંસ્થા તરીકે સુપ્રીમ કોર્ટ ભારે દબાણમાં છે, એમાંથી કેટલીક પરિસ્થિતિઓ તો જાતે જ નિર્માણ પામેલી છે અને કેટલાક માટે સરકાર જવાબદાર છે."
સંજય હેગડે કહે છે, "કોઈ પણ મજબૂત રાજકીય વ્યવસ્થા મજબૂત ન્યાયાલય નથી ઇચ્છતી. ઇતિહાસમાં ઇંદિરા ગાંધીએ શું કર્યું હતું એ પણ યાદ કરો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












