ઉન્નાવ ગ્રાઉન્ડ રિપોર્ટ: બન્ને તરફ ફરિયાદ અને ગુસ્સો

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, ઉન્નાવ, યૂપીથી બીબીસી ગુજરાતી માટે
મંગળવારે સાંજે ઉન્નાવના કલેક્ટર ઑફિસ બહાર ચહલપહલ હતી. ધારાસભ્ય અને તેમના સાથીઓ પર દુષ્કર્મનો આરોપ લગાવનાર યુવતી અને તેમના પરિવારજનો ન્યાયની આશાએ અહીં આવ્યાં હતાં. સવારે જ યુવતીના પિતાની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
પરિવારના કેટલાક લોકો જ્યારે કલેક્ટરને મળીને બહાર આવ્યા તો તેમનો બધો ગુસ્સો બાંગરમઉના ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર હતો.
એક મહિલા કહેવા લાગી "નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. શરીર પર ઘણી જગ્યાએ ઈજાનાં નિશાન હતાં.
"ધારાસભ્યના દબાણમાં પહેલાં તો મેડિકલ પણ ન થયું પછી જેલ અંદર પણ માર મારવામાં આવ્યો. બધું મેનેજ કરી લેવામાં આવ્યું."
ભોગ બનેલી યુવતીનાં પિતાનું એક દિવસ પહેલાં જ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.
આરોપ છે કે તેમના અને તેમના પરિવારના અન્ય સભ્યોને માર મારવામાં આવ્યો હતો.
મારપીટનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે ગયા વર્ષે દુષ્કર્મ કેસમાં પોલીસે એફઆઈઆર નોંધવાની ના પાડી તો પરિવાર કોર્ટ ગયો અને હવે ધારાસભ્યના પરિવારજનો કેસ પાછો ખેંચી લેવાનું દબાણ કરી રહ્યા છે.
ઉન્નાવના કલેક્ટર રવિકુમાર એન. જી. કહે છે કે કોર્ટ એક વર્ષ પહેલાંની એફઆઈઆર પર 12 એપ્રિલે સુનાવણી કરશે. પરંતુ મારપીટની એફઆઈઆરમાં જે ખામીઓ હતી, તેમને દૂર કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે "પોલીસકર્મીઓને તેમની ભૂલને કારણે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મારપીટમાં તેમણે બન્ને પક્ષની એફઆઈઆર લખવી જોઇતી હતી, આની તપાસ કરવામાં આવશે.
"જોકે પીડિત પરિવાર જેમના નામ ઇચ્છતા હતા તેમના નામ ઉમેરી દેવામાં આવ્યા છે અને અતુલ સેંગર સહિત પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે."

ધારાસભ્યના ભાઈ કસ્ટડીમાં

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
અતુલ સેંગર ધારાસભ્ય કુલદીપ સેંગરના ભાઈ છે અને મંગળવારે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
જ્યારે ભોગ બનેલી યુવતી કલેક્ટરને મળીને બહાર આવ્યાં ત્યારે તે પિતાનું એક દિવસ પહેલાં થયેલું મૃત્યુ અને એક વર્ષ અગાઉ પોતાની સાથે થયેલી કથિત દુષ્કર્મની ઘટનાને યાદ કરતાં રડી પડ્યાં હતાં.
હકીકતમાં ધારાસભ્ય કુલદીપ સિંહ અને ભોગ બનેલો પરિવાર એક જ ગામના છે. ઉન્નાવથી આશરે દસથી બાર કિ.મી. દૂર માખી ગામ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ ગામમાં રસ્તાની એક બાજુ ધારાસભ્યનું આલિશાન મકાન છે. અહીં ઘણા મોટા મંદિર અને એક વિશાળ કોલેજ પણ છે. તો બીજી તરફ ભોગ બનેલા પરિવારનું ઇંટોમાંથી બનાવેલું બે રૂમનું ઘર છે.
અમે મંગળવારે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં તાળું હતું. આસપાસ પણ નીરવ શાંતિ હતી. ગામનાં લોકો પોતપોતાનાં ઘરની અંદર હતા.
માત્ર પોલીસ આસપાસ જોવા મળી. એક પોલીસકર્મીએ કહ્યું, "સવારથી ગામમાં 10 લોકો પણ રસ્તા પર દેખાયા નથી. લોકો ડરે છે કે કોઈ કશું પૂછે નહીં. કોણ મુશ્કેલી નોતરશે?"
એક સજ્જન એટલું બોલ્યા, "જ્યારે ધારાસભ્ય વિરુદ્ધ આવા મોટા અધિકારી નથી બોલી શક્તા, તો ગામવાળા શું બોલશે?"

કોણ છે કુલદીપ સિંહ?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
ધારાસભ્ય કુલદીપ સિંહનું નામ વિસ્તારમાં મોટું છે. સતત ચાર વિધાનસભા ચૂંટણીઓ જીત્યા છે, એ પણ અલગ-અલગ પક્ષો અને અલગ બેઠકોથી.
સ્થાનિક લોકો કહે છે કે કોંગ્રેસ પાર્ટીથી રાજકીય યાત્રા શરૂ કરનાર કુલદીપ સિંહ 2002માં બહુજન સમાજપાર્ટી તરફથી પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા. તે પછી તેઓ બે વખત સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય હતા અને 2017માં તેઓ ભાજપના શરણે આવ્યા.
કુલદીપ સિંહને ઘરમાં પ્રવેશ કરતા દેખાયું કે લગભગ એક ડઝન લોકો ટીવી પર સમાચાર જોતા હતા. દરેકની એક જ પીડા હતી કે તેમના પક્ષને અવગણવામાં આવી રહ્યો છે અને પીડિત પક્ષને જરૂર કરતાં વધુ સહાનુભૂતિ બતાવવામાં આવી રહી છે.
ત્યાં હાજર હિમાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું, "પપ્પુસિંહ અને તેમના ત્રણ ભાઈઓ વિરુદ્ધ કેટલા કેસો નોંધવામાં આવ્યા છે તે જાણવાની કોઈ કોશિશ કરતું નથી. મીડિયા ટ્રાયલને કારણે પોલીસ અને વહીવટીતંત્ર અમને હેરાન કરી રહ્યા છે."
ત્યાં હાજર ઘણા લોકો કહે છે કે ગયા વર્ષે જ્યારે યુવતીના અપહરણનો રિપોર્ટ લખવામાં આવ્યો હતો, ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું નહોતું પરંતુ તે સ્વેચ્છાએ ગઈ હતી.
સલીલ સિંહનો આરોપ છે, "આ લોકોની કેટલીક વાતોનો સ્વીકાર ન કરવાને કારણે ધારાસભ્યને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કુલદીપ સિંહ વિરુદ્ધ અત્યાર સુધી કોઈ પણ કેસ દાખલ થયો નથી અને ન તો તેઓ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થયા છે."
માખી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મંગળવારે તાત્કાલિક ચાર્જ સંભાળનારા રાકેશ સિંહે જણાવ્યું હતું કે પીડિતાનાં મૃત પિતા સામે 29 કેસ અને તેમનાં કાકા સામે 14 કેસ નોંધાયેલા છે.
ધારાસભ્યના ભાઈ અતુલ સિંહ સામે 3 કેસ નોંધાયા છે. તેમના જણાવ્યા મુજબ ધારાસભ્ય કુલદીપ સિંહ સામે કોઈ કેસ નોંધાયેલો નથી.

આક્ષેપ-પ્રતિઆક્ષેપ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
જોકે સ્થાનિક લોકો ધારાસભ્ય અને તેમના ભાઈના ગુનાહિત અને દબંગ એટિટ્યૂડને નકારતા નથી.
ઉન્નાવ બળાત્કાર કેસના કિસ્સામાં પીડિતાનાં પિતાના જેલમાં શંકાસ્પદ મૃત્યુના મામલે વિપક્ષ જ્યાં યોગી સરકાર પર હુમલા કરી રહ્યું છે, ત્યાં સરકાર આ બાબતે યોગ્ય પગલાં લેવાનો દાવો કરી રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કહી ચૂક્યા છે કે જે પણ દોષી હશે તે બચશે નહીં. આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ વર્ણવતા યોગીએ એડીજી લખનઉ સાથે આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જે પણ ગુનેગાર હોય, તે બચે નહીં.
ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેમના સાથીઓ પર બળાત્કારનો આક્ષેપ કરનાર યુવતીનું કહેવાનું હતું કે ન્યાય માટે તેઓ ઉન્નાવ પોલીસના દરેક અધિકારી પાસે ગયા, પરંતુ સુનાવણી થઈ જ નહીં.
પીડિતાના પરિવારના સભ્યોએ એવો આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય કુલદીપ સિંહ અને તેમના સાથીઓ પોલીસમાં ફરિયાદ નહીં કરવા દબાણ કરતા રહ્યા હતા.
ત્રણ એપ્રિલે પણ આવું જ દબાણ કરવા ધારાસભ્યના ભાઈએ પીડિતાનાં પિતા સાથે મારપીટ કરી.

આત્મવિલોપનની કોશિશ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
આટલું જ નહીં, વિરોધ કરવા પર પીડિતાનાં પિતા વિરુદ્ધ પોલીસે કથિત રીતે બનાવટી કેસ દાખલ કર્યો હતો.
પોલીસની નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈ સાથે પીડિતાએ મુખ્યમંત્રી ઘરની બહાર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પીડિતાનાં એક સંબંધી જણાવે છે કે જેને ધારાસભ્યના પરિવારના લોકો સાથે આટલી દુશ્મની છે, એક સમયે તેઓ એક સાથે હતા. પરંતુ કેટલાક કારણોસર બે પરિવારો અલગ થઈ ગયા અને હવે એકબીજાને મારવા તૈયાર છે.
યુવતીનો પરિવાર ઘર છોડીને ન્યાયની ભીખ માગી રહ્યો છે અને પોલીસ તેમના ઘરનું રક્ષણ કરે છે.
ચારેય તરફ નીરવ શાંતિ છે, ધારાસભ્યના ઘરમાં પણ અને ગામમાં પણ.
દરેકને એ જ પ્રશ્ન છે કે સત્ય ખરેખર બહાર આવશે અને ગુનેગારને સજા કરવામાં આવશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















