#Aadhar: આધાર નંબર સેવાઓ સાથે જોડાય તો માહિતી લીક થવાની સંભાવના વધશે?

આધાર કાર્ડના નંબરને જુદી જુદી સર્વિસ સાથે જોડવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
આધાર નંબરના કારણે પ્રાઇવસીનો મુદ્દો પણ ઊભો થયો છે અને અવારનવાર આધારની માહિતી લીક થયાના સમાચારો પણ આવતા રહે છે.
આવા સંજોગોમાં આધારને ફરજિયાત કરવું જોઈએ કે કેમ તે મુદ્દે ભારે વિવાદ જાગેલો છે.
સુપ્રીમ કોર્ટ હાલમાં આ મુદ્દે સુનાવણી કરી રહી છે અને હાલ પુરતી આધાર લિન્ક કરવાની સમયમર્યાદા અનિશ્ચિત મુદત માટે લંબાવી છે.
ત્યારે આધાર નંબરની પદ્ધતિ શું છે, તેનો ઉદ્દેશ શું છે, તેના નિયમો શું છે અને તેની સાથે જોડાયેલી માહિતી લીક થવાની સમસ્યા શું છે તે મુદ્દે નિષ્ણાત નિખિલ પાહવા સાથે વાતચીત કરીને બીબીસીએ તમારા માટે આ પ્રશ્નોત્તરી તૈયાર કરી છે.

અન્ય પાસે મારો આધાર નંબર હોય તો શું થાય?
સરકાર અત્યાર સુધી એવો દાવો કરતી આવી છે કે આધાર નંબરના આધારે તમારી કોઈ પણ જાતની માહિતી કોઈને મળી શકશે નહીં.
થર્ડ પાર્ટી તમારો આધાર નંબર અને તમારું નામ ટાંકીને (અથવા તમારી ફિંગરપ્રિન્ટ ચેક કરીને) ડેટાબેઝને ક્વેરી મોકલી શકે.
જો નામ અને નંબર બરાબર હોય તો સિસ્ટમ જવાબ આપશે "YES", નામ-નંબર મળતા નહીં હોય તો જવાબ આવશે "NO".
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો અર્થ કે માત્ર નામ અને નંબરની ખરાઈ જ કરવાની હોય છે.
જોકે, ખરાઈ ઉપરાંતની "authentication plus" સર્વિસ પણ હોય છે, જેમાં જાતિ, ઉંમર અને સરનામું પણ સર્વિસ પ્રોવાઇડર જાણી શકે છે.
કારણ કે કાયદા અનુસાર 'know your customer' (KYC - તમારા ગ્રાહકને જાણો) ધોરણ પ્રમાણે આ માહિતી જાણવાની હોય છે.
તેના કારણે કોઈ પણ કંપની પોતાના ક્લાયન્ટની ઓળખની ખરાઈ કરી શકે છે.


ઇમેજ સ્રોત, Getty Images
UIDAI દ્વારા આધાર નંબરના આધારે e-KYC પ્રોસેસ તૈયાર કરી છે.
આ એજન્સીએ પોતાની વેબસાઇટ પર તેની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે 'આ સર્વિસ ઇલેક્ટ્રોનિક વિકલ્પ છે, જેનાથી તાત્કાલિક અને પેપરલેસ પદ્ધતિએ ઇન્ડસ્ટ્રી ખરાઈ કરી શકે છે.'
દાખલા તરીકે, ટેલિકોમ કંપનીઓ આ સર્વિસનો ઉપયોગ કરીને ઝડપથી ગ્રાહકોના ફોર્મ તૈયાર કરે છે.
અગાઉ કાગળ પર લખીને આ બધી માહિતી ચકાસવી પડતી હતી.


ઇમેજ સ્રોત, Getty Images
હવે તમારો નંબર અને ફિંગરપ્રિન્ટ આપો એટલે e-KYC સિસ્ટમમાંથી બધી જ માહિતી ફોર્મમાં ભરાઈ જાય છે.
આધારમાંથી મળતી માહિતીના આધારે ખાનગી કંપનીઓ પણ પોતાનો ડેટાબેઝ તૈયાર કરી શકે છે.
કંપનીઓ તમારી ઓળખને અન્ય વિગતો સાથે સાંકળી શકે છે.
ઈ-કોમર્સ માટે આધારની માહિતી સાથે વધારાની માહિતી જોડીને કોઈ કંપની વધારે વિસ્તૃત્ત ડેટા બેઝ તૈયાર કરી શકે છે.
આધાર યોજનાનો વિરોધ કરનારા ડિજિટલ રાઇટ્સ એક્ટિવિસ્ટ નિખિલ પાહવા બીબીસી સાથે વાત કરતા કહે છે, 'આધાર નંબર વધારે માહિતી મેળવવાનું સાધન બની ગયું છે.'


ઇમેજ સ્રોત, NOAH SEELAM/AFP/GETTY IMAGES
દાખલા તરીકે ડિસેમ્બરમાં UIDAI દ્વારા એક નંબર ટ્વીટ કરાયો હતો - તે નંબર પર SMS કરીને તમારો આધાર નંબર આપો એટલે (એકાઉન્ટ નંબર નહી, પણ) કઈ બૅન્ક સાથે તે લિન્ક થયેલો છે તેનો જવાબ મળે.
પાહવા કહે છે, 'આનો દુરુપયોગ થવા લાગ્યો હતો. કેટલાક લોકોએ આ રીતે કઈ બૅન્કમાં ખાતું છે જે જાણી લીધું અને પછી પોતે ફલાણી બૅન્કમાંથી ફોન કરે છે એમ કહીને વિગતો મેળવી લેતા હતા.
વન ટાઇમ પાસવર્ડ (OTP) જનરેટ કરીને તેમને મોકલતા હતા અને તે રીતે તેમના ખાતામાંથી નાણાં કાઢી લેતા હતા.'

મારો અડધો નંબર જ કોઈની પાસે હોય તો તેઓ માહિતી મેળવી શકે?

તમારા આધાર નંબરનો કયો હિસ્સો તેમની પાસે છે તેના આધારે કામ થઈ શકે છે.
થોડા આંકડાં હોય તો માહિતી મળે નહીં પણ મોટા ભાગના આંકડાં મળી ગયા હોય તો માહિતી મેળવી શકે છે.
લોકો ખૂટતા નંબરમાં વારાફરતી જુદા જુદા નંબરો નાખીને ડેટાબેઝ સાથે તે મેચ થઈ જાય તેવું કરી શકે છે.

આધાર નંબર લીક થઈ ગયો તો તેનો દુરુપયોગ કઈ રીતેથઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
ફક્ત આધાર નંબર મળી જાય તેનાથી દુરુપયોગ કરી શકાતો નથી.
જોકે, નજીકના ભવિષ્યમાં ટેલિકોમ કંપનીઓ અને બૅન્ક તમારી બાયોમેટ્રિક્સ વિગતોનો ઉપયોગ કરીને નંબર મેચ કરી શકશે.
કોઈ ખાનગી કંપની (જેમ કે ઈ-કોમર્સ કંપનીઓ) પાસે ડેટાબેઝ હોય અને તેમાં આધાર નંબર પણ નાખેલો હોય અને તે ડેટાબેઝ લીક થઈ જાય તો તે પ્રાઇવસી ભંગનો મુદ્દો બને છે.
આવું ત્યારે વ્યક્તિ વિશેની અનેક વિગતો વેચાવા લાગે અને ખાસ કરીને ધનિકો લોકોની માહિતી શોધતા ગુનેગારોને હાથ પણ લાગી શકે છે.
પાહવા કહે છે, 'આધાર નંબર એ તમારી કાયમી ઓળખ છે. તે એકથી વધારે સર્વિસ સાથે જોડાવા લાગે એટલે તે દરેક જગ્યાએ જોખમ રહે છે.
કોઈ એક જગ્યાએથી માહિતી લીક થઈ જાય એટલે ફક્ત વેરિફિકેશન કરવાનું જ રહે, જેમ કે અંગૂઠાની નિશાની કે પછી OTP અને તે સાથે જ બધી જ ખાનગી વિગતો કે બૅન્કની વિગતો મળી જાય.'
જોકે, સરકાર સતત દાવો કરે છે કે બાયોમેટ્રિક્સ ડેટા 'સેફ છે અને એન્ક્રિપ્ટેડ ફોર્મમાં છે.' કોઈ પણ વ્યક્તિએ ડેટા લીક કર્યો છે તેવી જાણ થાય તો જેલ અને દંડ થઈ શકે છે.

ઓનલાઇન માર્કેટ કે રિટેલ સ્ટોરને આપેલો આધાર નંબર કેટલો સલામત?

ઇમેજ સ્રોત, Huw Evans picture agency
ધીમે ધીમે મોટા ભાગની સર્વિસ માટે ઝડપથી ઓળખની ખરાઈ કરવા માટે આધાર નંબર માગવામાં આવશે.
આધાર સાથે જોડાયેલી અન્ય વિગતો મેળવીને આ કંપનીઓ ધીમે ધીમે ગ્રાહકોની પૂરી પ્રોફાઇલ તૈયાર કરી લે તેમાં મોટું જોખમ રહેલું છે.
આ રીતે તૈયાર થયેલો ડેટા લીક થઈ જાય તો તેને અન્ય ડેટાબેઝ સાથે જોડીને વધારે વિગતો સાથેની પ્રોફાઇલ તૈયાર થઈ શકે છે.
રિટેલ સર્વિસ, ટેક્સી સર્વિસ, યુટિલિટીઝ આ બધાની વિગતો એક સાથે થઈ જાય તો વ્યાપક ક્લાયન્ટ પ્રોફાઇલ ખાનગી હાથ જતી રહે.
તેના કારણે પ્રાઇવસી ભંગનો ગંભીર મામલો બની શકે છે. દુનિયાભરમાં ફેલાયેલી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓમાંથી આ રીતે ડેટા લીક થવો જોઈએ નહી પણ ભૂતકાળમાં એવું થયું છે.
દાખલા તરીકે એરટેલ પેમેન્ટ બૅન્કના સીઈઓ અને એમડી શશી અરોરાએ ગત ડિસેમ્બરમાં રાજીનામું આપવું પડ્યું હતું.
ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે તેમના ડેટાનો દુરુપયોગ થયો છે. તે પછી આ કંપનીને આપવામાં આવેલી e-KYC સર્વિસની સુવિધા UIDAI દ્વારા રદ કરી દેવામાં આવી હતી.
પાહવા કહે છે તે પ્રમાણે 'આધાર નંબર વધારે ને વધારે સર્વિસ સાથે જોડાતો જાય તેમ તેના લીક થવાની સંભાવના વધતી જાય છે.'

હું વિદેશી હોઉં તો પણ મારે આધાર નંબર જોઈએ ખરો?

ઇમેજ સ્રોત, Thinkstock
તમે ભારતમાં કામ કરનારા વિદેશી નાગરિક હો તો કેટલીક સર્વિસ માટે તમારે આધાર નંબર મેળવવો રહ્યો.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ભવિષ્યમાં જો મોબાઇલ ફોન માટે અને બૅન્ક ખાતા માટે આધાર ફરજિયાત હશે તો આવું કરવું રહ્યું.
જોકે, તેનો આધાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર છે. હાલમાં જુદી જુદી સર્વિસ સાથે આધાર જોડવાની સમયમર્યાદાને અનિશ્ચિત મુદત સુધી લંબાવી દેવામાં આવી છે.

નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ અથવા પર્સન ઑફ ઇન્ડિયન ઓરિજિન માટે શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, UIDAI
પાહવા કહે છે તે પ્રમાણે આધાર નંબર એ નાગરિક નંબર નથી, પણ રહેઠાણનો નંબર છે.
નોન રેસિડન્ટ ઇન્ડિયન (એનઆરઆઇ) કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઈઓ) અમુક ચોક્કસ સમયમર્યાદા પ્રમાણે (છેલ્લા 12 મહિનામાં 182 દિવસ) ભારતમાં રહ્યા હોય તો જ જરૂર છે.
જોકે, તેમણે પણ નિયમ લાગુ પડશે ત્યારે બૅન્ક ખાતું, મોબાઇલ પોન કે PAN મેળવવા માટે આધાર નંબર લેવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે ત્યારે સર્વિસ કંપની આધાર નંબર માગી શકે ખરી?

ઇમેજ સ્રોત, PTI
હાલની સ્થિતિ પ્રમાણે સુપ્રીમ કોર્ટે આધાર નંબરની સમયમર્યાદા અનિશ્ચિત મુદત માટે લંબાવી દીધી છે. તેથી આમ તે કાયદેસર છે, પણ પાહવા કહે છે તે પ્રમાણે 'અયોગ્ય છે.'
તેઓ જણાવે છે તે પ્રમાણે કંપનીઓ તમારી પાસે આધાર નંબર માગી શકે ખરી પણ તમે આપવાનો ઇનકાર કરી શકો છો.
તેનો અર્થ એવો પણ થાય કે ઘણી કંપનીઓ તમે નંબર ના આપો તો સર્વિસ આપવાનો ઇનકાર પણ કરે.
ટેલિકોમ કંપનીઓને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે જ દરેક ફોન નંબર માટે આધાર નંબર ચેક કરવા જણાવ્યું છે.


ઇમેજ સ્રોત, RAVI PRAKASH
ડિજિટલ પેમેન્ટ અને મોબાઇલ વૉલેટ જેવી સર્વિસ માટે ફોનનંબર પણ એક ઓળખનો આધાર બન્યો છે, તેથી ફોનધારકની ઓળખની ખરાઈ કરવી જરૂરી બનતી હોય છે.
પાહવા કહે છે, "મારા મત પ્રમાણે આધાર નંબરને સ્વૈચ્છિક અને પરિવર્તનિય બનાવવો જોઈએ."
"તેને બાયોમેટ્રિક્સ સાથે જોડવો જોઈએ નહી અને તમે ઇચ્છો તો તમે તમારો આધાર નંબર રદ કરાવી શકતા હોવા જોઈએ."
UIDAIની વેબસાઇટ પણ જણાવાયું છે કે આધાર નંબર છોડી દેવાની કોઈ નીતિ છે નહી.
જોકે વ્યક્તિ પોતાની બાયોમેટ્રિક્સ વિગતોની સલામતી માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને તેને લોક કરી શકે છે. જરૂર પડ્યે અનલોક પણ કરી શકાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















