નૈના 'ઠગ' લેંગે! શું છે અમિતાભના નવા લુકની સચ્ચાઈ?

અમિતાભ અને તેમના કથિત દેખાવની તસવીર

ઇમેજ સ્રોત, Instagram/stevemccurryofficial/Amitabh

ફિલ્મ 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન'માં અમિતાભ બચ્ચનનો નવો દેખાવ તમે જોયો? એ ફોટો જે કેટલાક દિવસોથી ભારતીય મીડિયાના એક વર્ગ અને સોશિયલ મીડિયામાં દેખાડવામાં આવી રહ્યો છે.

જો તમારો જવાબ 'હા' હોય તો 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન'ના નવા દેખાવના નામે તમારી નજરોને 'ઠગી' લેવાઈ છે.

છેલ્લાં કેટલાક દિવસોમાં એક આંખ પર પટ્ટી બાંધીને ચશ્મા પહેરેલી જે તસવીરને અમિતાભ બચ્ચનનો નવો લુક કહેવામાં આવી રહી છે, તે અમિતાભની તસવીર જ નથી.

જે એ ફોટોગ્રાફમાં દેખાય છે, તે અફઘાન શરણાર્થી શાહબાઝ છે. આ ફોટોગ્રાફ જાણીતા ફોટોગ્રાફર સ્ટીવ મેક્કરીએ પાકિસ્તાનમાં લીધો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

સ્ટીવે આ તસવીર 27 જાન્યુઆરીએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

આ ફોટોગ્રાફમાં શાહબાઝનો ચહેરો અમિતાભ સાથે મળતો આવે છે. એટલે કેટલાક લોકોને તે અમિતાભ બચ્ચનનો નવો લુક લાગ્યો હતો.

line

અમિતાભની તબીયત 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન'ને લીધે બગડી?

સ્ટીવ મૅક્કરીએ પાકિસ્તાનમાં ખેંચીને ઇંસ્ટાગ્રામ પર મૂકેલી અફઘાન શરણાર્થી શાહબાઝની તસવીર

ઇમેજ સ્રોત, Instagram

થોડા દિવસો પહેલાં અમિતાભ બચ્ચને બ્લોગ લખીને પોતાની ખરાબ તબિયતનો ઉલ્લેખ કર્યો હતો.

આ બ્લોગ બાદ અમિતાભની તબિયતને લઈને અટકળો થવા લાગી હતી. ત્યારબાદ જયા બચ્ચને કહ્યું હતું, "અમિતજીની તબિયત બરાબર છે. પીઠમાં દુખાવો છે, કમરમાં દુખાવો છે. ડોકમાં દુખાવો છે. બધે જ દુખાવો છે. ફિલ્મ માટેનો કોસ્ટ્યૂમ (ડ્રેસ) ખૂબ વજનદાર છે. એટલે તકલીફ છે. બાકી બધુ બરાબર છે."

જયા બચ્ચન ફિલ્મ 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન'ના શુટિંગ માટે અમિતાભ પહેરેલા ડ્રેસની વાત કરી રહ્યાં હતાં.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત આમિર ખાન, કેટરીના કૅફ, ફાતિમા સના શેખ જેવા કલાકારો પણ છે. ફિલ્મના દિગ્દર્શક વિજય કૃષ્ણ આચાર્ય છે.

વિજય કૃષ્ણ આચાર્ય ધૂમ અને રાવણ જેવી ફિલ્મોની પટકથા લખી ચૂક્યા છે. 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન' આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થાય તેવી શક્યતા છે.

line

ફિલ્મમાં આમિર કેવા દેખાશે?

આમિર ખાનના નવા લુકની તસવીર

ઇમેજ સ્રોત, SpicePR

ગયા વર્ષે જુલાઈમાં આમિર ખાનનો આ ફિલ્મ માટેનો લુક જોવા મળ્યો હતો.

ફોટોગ્રાફ્સમાં આમિર ખાનના નાક અને કાન વિંધાયેલા હતાં. જ્યારે ફિલ્મની જાહેરાત થઈ ત્યારે આમિરે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

આમિરે લખ્યું હતું, "આખરે એ ઘડી આવી જ ગઈ, જેની હું રાહ જોઈ રહ્યો હતો. હું મારા આદર્શ સાથે કામ કરીશ. મેં આખી જિંદગી તેમના કામને વખાણ્યું છે અને હું ખૂબ જ ઉત્સાહિત છું."

'ઠગ્સ ઑફ હિંદુસ્તાન' એ પહેલી ફિલ્મ છે, જેમાં અમિતાભ અને આમિર ખાનની જોડી એક સાથે જોવા મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો