ઝારખંડ: ડાકણ ઠેરવી મા-દીકરીને કર્યાં નિર્વસ્ત્ર, પેશાબ પણ પીવડાવ્યો

ઇમેજ સ્રોત, BBC/RAVI PRAKASH
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, દુલમી (રાંચી)થી, બીબીસી ગુજરાતી માટે
"એ 15 ફેબ્રુઆરીની સવાર હતી. ગુરુવારનો દિવસ હતો. અમે અમારા ઘરમાં જ બેઠાં હતાં, ત્યાં જ કેટલાક લોકો આવીને દરવાજો જોર જોરથી ખટખડાવવા લાગ્યા. એ લોકોએ અમે મા-દીકરી પર ડાકણ હોવાના આરોપ મૂક્યા. અમે ના પાડી, છતાં તેઓ અમને બન્નેને સ્મશાન ઘાટ લઈ ગયા."
"ત્યાં અમારા કપડાં પર મળ અને પેશાબ ફેંક્યો. પછી તેને અમારા મોઢામાં પણ નાંખ્યો. એ લોકોએ અમને કોદાળી આપીને અમારી પાસે જ જમીન ખોદાવડાવી. તેમની સાથે એક વાળંદ પણ હતા. તેમણે અમારૂં મુંડન કર્યું.
"અમારા કપડાં કાઢી નાખ્યાં. ત્યારબાદ અમને પહેરવા માટે એક સફેદ સાડી આપી, પરંતુ બ્લાઉઝ અને પેટીકોટ ન આપ્યા. માત્ર સાડીથી અમે અમારૂં શરીર ઢાંક્યું.
"એ જ કપડાંમાં અમને આખા ગામમાં ફેરવ્યાં, ત્યાં સુધી ઘણાં લોકો એકત્ર થઈ ગયા હતા, પરંતુ અમને બચાવવા કોઈ આગળ ન આવ્યું. ત્યારબાદ તે લોકો અમને ઘરે મૂકી ગયા."
તમને આ પણ વાંચવું ગમશે
એતવરિયા દેવી (બદલાયેલું નામ) આ કહેતાં કહેતાં પરસેવે રેબઝેબ થઈ જાય છે.
તેઓ રાંચીથી લગભગ 60 કિલોમીટરના અંતરે આવેલા સોનાહાતૂ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બોંગાદાર દુલમી ગામમાં રહે છે.

'અમે ખૂબ ડરી ગયા હતા'

ઇમેજ સ્રોત, BBC/ RAVI PRAKASH
એતવરિયા દેવીએ બીબીસીને જણાવ્યું, "અમે લોકો આ ઘટના બાદ ખૂબ ડરી ગયાં હતાં. કોઈ પણ ગ્રામજન અમારી મદદ કરવા તૈયાર ન હતા. અમે ડરમાં રાત વિતાવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બીજી સવારે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ હું મારી દીકરી સાથે મારા પિયર પીલિત (ઈચાગઢ) જતી રહી. ત્યાં ભાઈના દીકરાને બધી વાત જણાવી. તેમણે અમને હિંમત આપી.
"તેઓ અમારી સાથે પોલીસ સ્ટેશન આવ્યા. અમે સોનાહાતૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી."
તેઓ કહે છે, "હવે પોલીસે દરેકની ધરપકડ કરી લીધી છે, પરંતુ હજુ પણ ડર લાગે છે. મારી દીકરી પરિણીત છે. થોડા વર્ષો પહેલા નજીકના ટાંગટાંગ ગામમાં તેનાં લગ્ન કરાવ્યાં હતાં.
"હવે તેના સાસરીમાં લોકો શું કહેશે, એ વિચારીને ડર લાગે છે. જે ભૂવાએ અમને ડાકણ કહી, તે એ જ ગામમાં રહે છે."

આમ શા માટે કરવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, BBC/RAVI PRAKASH
એતવરિયા દેવીનાં દીકરી ફૂલમતી (બદલવામાં આવેલું નામ)એ બીબીસીને જણાવ્યું, "મારા સંબંધી અક્ષયના ઘરે 3 ફેબ્રુઆરીના રોજ ઝરી દેવીનું મૃત્યુ થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતાં.
"ત્યારબાદ 14 ફેબ્રુઆરીની રાત્રે અક્ષય, તેમના ભાઈ વિજય અને મા માલતી દેવીની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. લોકોએ ડૉક્ટર પાસે તપાસ ન કરાવી. મારા સાસરીયાના ગામથી એક ભૂવાનો બોલાવવામાં આવ્યો.
"તેમણે મને અને મારા માને ડાકણ ઠેરવ્યાં. ભૂવાએ તેમની બીમારી તેમજ ઝરી દેવીનાં મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવ્યાં. ત્યારબાદ 15 ફેબ્રુઆરીની સવારે અમારી સાથે આ ઘટના ઘટી."

ગામમાં ડરનો માહોલ

ઇમેજ સ્રોત, BBC/ RAVI PRAKASH
દુલમીના મુખી તપન સિંહ મુંડાએ બીબીસીને જણાવ્યું કે આ વાતની જાણ થવા પર તેમણે ગ્રામજનોને સમજાવ્યા હતા, પરંતુ કોઈએ તેમની વાત માની નહીં.
હવે ગામના લોકો પોલીસથી ડરેલા છે. રોજ કોઈને કોઈ તેમનાં ગામમાં આવી રહ્યા છે.
તપન સિંહ કહે છે, "કેટલીક સ્વયંસેવી સંસ્થાઓના લોકો પણ આગળ આવ્યા. તે લોકોએ પીડિત મા દીકરીને ફરિયાદ નોંધાવવા આગળ આવવા બદલ સન્માનિત કર્યા છે.
"શિક્ષણના અભાવે ગ્રામજનો અંધવિશ્વાસી થઈ ગયા છે. તેના માટે જાગરૂકતા અભિયાન ચલાવવાની જરૂર છે."

આરોપીઓમાં મહિલાઓ પણ સામેલ

ઇમેજ સ્રોત, BBC/ RAVI PRAKASH
રાંચીના એસએસપી કુલદીપ દ્વિવેદીએ જણાવ્યું કે પોલીસે આ મામલે બધાં જ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
મામલા અંગે તપાસ ચાલી રહી છે. સાથે જ જાગરૂકતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ગામમાં પોલીસની એક ટીમ કૅમ્પ કરી રહી છે.
એસએસપી કુલદીપ દ્વિવેદીએ કહ્યું, "આ ઘટના અંગે જાણકારી મળતા જ અમે તાત્કાલિક એક ટીમ બનાવી તેની તપાસ કરી. પોલીસે થોડાં કલાકની અંદર જ 11 આરોપીઓની ધરપકડ કરી હતી.
"હવે અમારો પ્રયાસ હશે કે ભવિષ્યમાં એવી કોઈ ઘટના ન બને. ધરપકડમાં ત્રણ મહિલાઓ અને ઓઝાનો પણ સમાવેશ થયો છે. આ લોકોએ અંધવિશ્વાસમાં આવીને આ પ્રકારનો ગેરવર્તાવ કર્યો હતો."
આ વચ્ચે આરોપીઓએ જેલ જતાં પહેલા મીડિયાને કહ્યું કે તેમને સપનું આવ્યું હતું કે ગામમાં બીમારીની જડ આ મા-દીકરી છે. એ માટે તેમણે તેમનું શુદ્ધીકરણ કરાવ્યું.
શુદ્ધીકરણ ન કરાવતા તો ગામમાં વધુ લોકો બીમારીની ઝપેટમાં આવી શકતા હતા.
ઝારખંડમાં ડાકણના નામે ઉત્પીડનના આવા ઘણાં મામલા પહેલા પણ સામે આવ્યા છે. ઝારખંડ પોલીસની આંકડાકીય વિગતો અનુસાર, ફેબ્રુઆરી 2017થી જાન્યુઆરી 2018 વચ્ચે આ પ્રકારના મામલે કુલ 41 લોકોની હત્યા થઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












