સરકારે ભાનુભાઈના પરિવારની કઈ માગો સ્વીકારી?

ભાનુભાઈના પુત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાનુભાઈના પુત્ર ધવલ વણકર

દલિત એક્ટિવિસ્ટ ભાનુપ્રસાદ વણકરના પરિવારજનોએ મૃતકનો પાર્થિવદેહ સ્વીકારી લીધો છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તેમના પરિવારે શનિવારે મૃતદેહ સ્વીકારવાનો તથા તેના અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમના પરિવારે સરકાર સામે કેટલીક માગો મૂકી હતી.

આ માગોને લઈને સરકાર અને તેમના પરિવાર વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી. જે બાદ ભાનુભાઈના પરિવાર અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી.

અંતે એક પરિપત્ર જાહેર કરી સરકારે તેમની માગો સ્વીકારી હતી. જે બાદ આખરે 40 કરતાં વધુ કલાકથી ચાલતી મઠાગાંઠ અંત આવ્યો હતો.

તેમના પરિવારે ભાનુભાઈનો મૃતદેહ સ્વીકારી લીધો છે. હવે ઊંઝામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ મુદ્દે રવિવારે રાજ્યાના અનેક શહેરોમાં લોકો રસ્તા પર આવ્યા હતા. બંધની અપીલ કરનારા જિગ્નેશ મેવાણીની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં મોડી સાંજે તેમને છોડી દેવામાં આવ્યા હતા.

line

સરકારે કઈ માગો સ્વીકારી?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

1.સાંથણીના કાયદેસરના હુકમો કર્યા હોય, સનદ આપી હોય પરંતુ કબજા આપવાના બાકી હોય તે કિસ્સામાં રાજ્ય સરકાર કલેક્ટર્સને પરિપત્ર કરી 6 મહિનામાં કબજો આપવાનો આદેશ કરશે.

2.દુદખા ગામના પરિવારને જમીન ફાળવણીનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. મહેસૂલ વિભાગ આ માટેનો આદેશ ત્રણ દિવસમાં કરશે.

3.પરિવારની માગ મુજબ સમગ્ર કેસની તપાસ સીટ રચીને કરાશે.

4.ભાનુભાઈને ઍવોર્ડ આપવાની રજૂઆત અંગે વિધિસસર વિચારણા કરાશે.

5.ભાનુભાઈના પુત્ર ભાર્ગવને ભાનુભાઈના પત્ની જ્યાં નોકરી કરે છે ત્યાં ટૂંક સમયમાં બદલી કરી આપવામાં આવશે.

6.ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં ભાનુભાઈની પ્રતિમા મૂકવાની માગ બાબતે ઊંઝા નગરપાલિકાને ભલામણ મોકલી આપવામાં આવશે.

7.પાટણમાં જે સ્થળે બનાવ બન્યો તે સ્થળે નિષ્કાળજી બદલ પોલીસ અધિકારી અને કર્મચારી સામે ત્રણ દિવસમાં તપાસ કરી સસ્પેન્શન સુધીનાં પગલાં લેવાશે.

8.ભાનુભાઈનાં મૃત્યુ બાદ દલિતો સામે જો રાજ્ય સરકારે ફોજદારી કેસ કરેલ હશે તો એ પરત ખેંચવામાં આવશે.

line

શું છે સમગ્ર મામલો?

પરિવાર સાથે વાચ કરતાં જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ

દલિત નેતા જિજ્ઞેશ મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુજબ રાજ્યમાં વિવિધ સ્થળે આવેલી 1,63,808 એકર જમીન દલિતોને આપવામાં આવે પણ સરકાર આ જમીન તેમને આપવા માટે નિષ્ફળ ગઈ છે.

વિવિધ દલિત સંગઠનો અને વ્યક્તિઓ જમીન મેળવવા માટે સરકાર સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.

રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના કાર્યકર સુબોધ પરમાર કહે છે, ''સરકાર જમીનના અધિકારોને કાગળ પર આપે છે, પરંતુ તેમને જમીનનો વ્યવહારુ કબજો નથી આપતી. પરિણામે અમારે સરકાર સાથે સંઘર્ષ કરવો પડશે.''

દલિત કાર્યકર ભાનુપ્રસાદ વણકરે દલિતોની માગને લઈ ગુરુવારે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં અગ્નિસ્નાન કર્યું હતું. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો