You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અજમેર દરગાહમાં મારી સતામણી થઈ'તી'
- લેેખક, ગુરપ્રીત કૌર અને મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
સોશિયલ મીડિયા પર હવે હેશટેગ #MosqueMeToo સાથે મહિલાઓ પોતાના આ જ પ્રકારના અનુભવોને શેર કર્યા.
મુસ્લિમ યુવતી ઉરુજ બાનોએ ધાર્મિક સ્થળ પર પોતાની સાથે થયેલા શારીરિક શોષણના અનુભવને બીબીસી સાથે શેર કર્યો હતો.
તેમણે કહ્યું, "હું અજમેર દરગાહની અંદર જવા માટે ભીડમાં ઉભી હતી. ત્યારે જ પાછળ ઉભેલા ત્રણ યુવકોમાંથી એક યુવકે બીજાને કહ્યું કે આ છોકરીને પાછળથી હાથ લગાવ."
"તે વારંવાર કહી રહ્યો હતો. હું ડરી ગઈ હતી. તે સમયે હું માત્ર 15 વર્ષની હતી."
"મને એવું લાગી રહ્યું હતું કે હું આગળના લોકોને ધક્કો મારીને ત્યાંથી ભાગી જઉં. હું કોઈને કહી શકતી ન હતી. હું આંસુ વગર રડી રહી હતી."
ઉરુજની આપવીતી
ઉરુજ આગળ જણાવે છે, "જ્યારે આ ઘટના મારી સાથે ઘટી ત્યારે હું મારા માતા-પિતા સાથે હતી, પરંતુ સંકોચના કારણે હું તેમને કંઈ જ કહી શકી ન હતી."
તેઓ કહે છે, "તેમની વાત વારંવાર મારા કાનને ચીરી રહી હતી. હું પાછળ ફરીને જોવાની પણ હિંમત કરી શકી ન હતી.
"મને આશ્ચર્ય હતું કે એ યુવકોને ભીડમાં ઉભેલા લોકોને પણ કોઈ ડર ન હતો અને કોઈએ તેમની વાત સાંભળી ન હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હિંમત કરીને મેં પાછળ જોયું અને તેમની સામે આંખો કાઢી. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા."
"મેં દરગાહ તરફ માથું ઉંચુ કરીને વિચાર્યું કે કોઈ ધાર્મિક સ્થળ પર કોઈ આ પ્રકારની હરકત કેવી રીતે કરી શકે છે."
"અંદર ગયા બાદ જ્યારે અમ્મીએ કહ્યું કે દુઆ માગો તો મેં એક જ દુઆ માગી કે એ ખુદા! એ લોકોને સજા આપજો. આજદિન સુધી મેં આ વાત કોઈને કહી ન હતી."
શારીરિક શોષણના કિસ્સા
ઉરુજ એકલા નથી કે જેમની સાથે ધાર્મિક સ્થળ પર આવી કોઈ ઘટના ઘટી હોય.
છેલ્લા કેટલાક સમયમાં દુનિયાભરની ઘણી મુસ્લિમ તેમજ અન્ય ધર્મની મહિલાઓ હજ તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર પોતાની સાથે થયેલા દુર્વ્યવ્હારના કિસ્સા સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.
ટ્વિટર પર આ અભિયાનની શરૂઆત ઇજિપ્ત-અમેરિકી મહિલાવાદી અને પત્રકાર મોના એલ્ટહાવીએ કરી હતી.
તેમણે 2013માં હજ યાત્રા દરમિયાન પોતાની સાથે થયેલા શારીરિક શોષણનો અનુભવ શૅઅર કર્યો હતો.
મોનાએ પોતાના ટ્વીટમાં લખ્યું, "હજ યાત્રા દરમિયાન મારા શારીરિક શોષણની કહાણી મેં એ આશા સાથે શૅઅર કરી કે જેનાથી બીજી મુસ્લિમ મહિલાઓ પણ મૌન તોડે અને પવિત્ર ધાર્મિક સ્થળો પર પોતાની સાથે થયેલા શારીરિક શોષણના અનુભવોને શૅઅર કરે."
મોનના આ ટ્વીટ બાદ ઘણી મહિલાઓએ પોતાની વાતો શૅઅર કરી હતી.
ઘણાં પુરુષોએ પણ આ હેશટેગનો ઉપયોગ કરી મહિલાઓનો સાથ આપ્યો.
મક્કા કે મદીનામાં.....
24 કલાક કરતા પણ ઓછા સમયમાં આ હેશટેગથી બે હજાર ટ્વીટ કરવામાં આવ્યા હતા.
પરંતુ કેટલીક મહિલાઓ માને છે કે આ પવિત્ર સ્થળો પર આ પ્રકારની ઘટનાઓ કોઈ ગેરસમજના કારણે ઘટે છે અથવા તો કોઈ ષડયંત્રથી તેમને ઘડવામાં આવે છે.
વર્ષ 2016માં હજ પર જનારા દિલ્હીના 45 વર્ષીય મહિલા ખુશનુમા કહે છે, "હજ દરમિયાન ખૂબ ભીડ હોય છે અને તવાફ (એક પ્રકારની પરિક્રમા)માં તો કાબા શરીફની ચારેય તરફ ચક્કર લગાવવાના હોય છે જેના કારણે ધક્કામુક્કી થવી સામાન્ય વાત છે."
તેઓ કહે છે કે દરેકને તવાફ પૂરી કરવાની ઉતાવળ હોય છે જેના કારણે લોકો ઝડપથી આગળ વધે છે અને તેના કારણે હાથ ગમે ત્યાં અડકી જાય છે.
તેમણે કહ્યું કે મક્કા કે મદીનામાં તેમણે આ પ્રકારની કોઈ હરકત જોઈ નથી. જોકે, તેઓ કહે છે કે એવું જરૂર નથી કે મહિલાઓ સાથે મક્કા, મદીના કે કોઈ પવિત્ર સ્થળ પર કોઈ છેડતી ન થતી હોય.
આ તરફ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં 28 વર્ષીય વિદ્યાર્થિની શાહિદા ખાન #MosqueMeToo જેવા સોશિયલ મીડિયા અભિયાનને પશ્ચિમી પ્રૉપગૅન્ડાનો ભાગ બતાવે છે.
તેઓ કહે છે કે આ માત્ર અને માત્ર 'ઇસ્લામોફોબિયા' ફેલાવવા માટે ચલાવવામાં આવે છે.
વર્ષ 2017માં ઉમરા (ધાર્મિક યાત્રા) કરવા માટે મક્કા અને મદીના ગયેલા શાહિદા કહે છે કે તેમણે ક્યારેય ત્યાં છેડતી કે શારીરિક શોષણ જેવી ઘટનાઓનો અનુભવ કર્યો નથી.
તેઓ કહે છે, "મક્કાના કાબા શરીફમાં પહોંચેલા કોઈ પણ પુરુષ કોઈ અજાણી મહિલા તરફ આંખ ઉઠાવીને પણ જોતા નથી. તવાફ દરમિયાન પણ પુરુષો મહિલાઓ માટે રસ્તો છોડી દે છે."
"મુસ્લિમ આ જગ્યાઓને પવિત્ર સમજે છે અને અહીં સુધી પહોંચવું તેમના માટે એક સપનું પૂર્ણ થવા સમાન છે. અહીં લોકો માત્ર ધર્મ-કર્મમાં લીન હોય છે."
તેમનું કહેવું છે કે હજ કે ઉમરા માટે દક્ષિણ પૂર્વ એશિયા કે ભારતથી મોટી ઉંમરના લોકો જાય છે, પરંતુ મધ્ય પૂર્વના દેશના મોટાભાગના યુવાનો જાય છે.
પરંતુ તેમણે ક્યારેય તેમની તરફથી કોઈ છેડતી કે ભેદભાવનો અનુભવ કર્યો નથી.
એક અનુમાન અનુસાર, દર વર્ષે વીસ લાખ મુસ્લિમ હજની યાત્રા પર જાય છે. આ દરમિયાન મક્કામાં ખૂબ ભીડ જોવા મળે છે.
મેહરમ વગર હજ પર જવાની પરવાનગી
#MosqueMeToo પહેલા #MeTooના માધ્યમથી દુનિયાભરની મહિલાઓએ શારીરિક શોષણના પોતાના અનુભવો શેર કર્યા હતા.
આ અભિયાન ફિલ્મ પ્રોડ્યૂસર હાર્વે વાઇનસ્ટીન પર ઘણી હાઇ પ્રોફાઇલ અભિનેત્રીઓ તરફથી લગાવવામાં આવેલા શારીરિક શોષણના આરોપ બાદ શરૂ થયું હતું.
ગત વર્ષે પોતાના છેલ્લા રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી હતી કે ભારતની મુસ્લિમ મહિલાઓ કોઈ મેહરમ (રક્ત સંબંધી) વગર સ્વતંત્ર રૂપે હજ યાત્રા કરી શકશે.
ભારતમાંથી દર વર્ષે 70 હજાર મુસ્લિમો હજ પર જાય છે, જેમનો નંબર લૉટરીના માધ્યમથી નક્કી થાય છે.
મોદી સરકારે એવો નિર્ણય કર્યો છે કે 1200 મહિલાઓને લૉટરી સિસ્ટમથી અલગ રાખીને હજ પર જવાની પરવાનગી આપવામાં આવશે.
અત્યાર સુધી કોઈ મુસ્લિમ મહિલા મેહરમ વગર હજ યાત્રા પર જઈ શકતી ન હતી.
હવે આ 1200 મહિલાઓ ઇતિહાસમાં પહેલી વખત મેહરમ વગર હજ માટે રવાના થઈ શકશે અને મુસ્લિમ મહિલાઓ માટે તે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.
પરંતુ #MosqueMeTooના માધ્યમથી સામે આવી રહેલા શારીરિક શોષણના કિસ્સા હજ પર જતી મહિલાઓને વિચારવા માટે મજબૂર કરી દેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો