આ છે પ્રિયાની નજરથી ઘાયલ થયેલો છોકરો...

ઇમેજ સ્રોત, YOUTUBE
- લેેખક, તાહિરા ભસીન, ઇંદુ પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
એક ગીત અને એક છોકરી પાછળ આજકાલ આખો દેશ દિવાનો બન્યો છે. ગીત મલયાલમ ફિલ્મ 'ઓરુ અદાર લવ' (Oru Adaar Love)નું છે અને છોકરીનું નામ છે પ્રિયા પ્રકાશ.
સ્કૂલમાં થતા પ્રેમની કથા આ ફિલ્મમાં કહેવામાં આવી છે.
ફિલ્મના ડિરેક્ટર ઉમર લુલુ અને સંગીતકાર શાન રહેમાન છે અને આવતા મહિને રીલિઝ થવાની છે.
આ ફિલ્મના મોટાભાગના કલાકારો નવોદિત છે.
પ્રિયા પ્રકાશને ચમકાવતો વાઇરલ વીડિયો ફિલ્મના 'માનિક્યા મલરાયા પૂવી...' ગીતનો એક હિસ્સો છે.
પ્રિયા પ્રકાશની ચર્ચા ચારેકોર થઈ રહી છે, ત્યારે વીડિયોમાં પ્રિયા સામે આંખ મારતો છોકરો કોણ છે એ અમે શોધી કાઢ્યું છે. એ છોકરાનું નામ રોશન અબ્દુલ રહૂક છે.

બહુ ઉત્સાહિત છે રોશન

ઇમેજ સ્રોત, INSTAGRAM
વીડિયોનો એક હિસ્સો વાઇરલ થવાથી રોશન પણ બહુ ખુશ છે.
રોશને ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું, "તમારા તરફથી જે પ્રેમ મળી રહ્યો છે એ બદલ ખુબ-ખુબ આભાર."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોશને એમ પણ લખ્યું હતું, "મને સમજાતું નથી કે હું શું કહું? કારણ કે વીડિયો તમારા હૃદયને સ્પર્શી ગયો એ વાતથી હું બહુ રાજી થયો છું.
"ફિલ્મનું નામ 'ઓરુ અદાર લવ' જણાવે છે કે રોમાન્સ આવી રહ્યો છે. તેથી પ્રેમ વરસાવતા રહેજો."
સોશિયલ મીડિયામાં રોશન બાબતે અલગ-અલગ માહિતી રજૂ કરવામાં આવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પરના રોશનના ફોટોગ્રાફ્સ મારફત વાર્તા ઘડી કાઢવાના પ્રયાસો પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

"આવું થશે એ ક્યારેય વિચાર્યું ન હતું"

ઇમેજ સ્રોત, INSTAGRAM
રોશને બીબીસી હિન્દી સાથે વાત કરી ત્યારે બધી સ્પષ્ટતા થઈ ગઈ હતી.
રોશનને પૂછવામાં આવ્યું હતું કે ફિલ્મનું ગીત અને વીડિયો ક્લિપ દેશ-દુનિયામાં વાયરલ થશે તેની કલ્પના હતી?
રોશને કહ્યું હતું, "ના. ક્યારેય વિચાર્યું ન હતું. મને સમજાતું નથી કે શું કહું. હું બહુ ખુશ અને ઉત્સાહિત છું."
રોશન કેરળના ત્રિચૂર જિલ્લાના ગુરુવયૂરમાં રહે છે અને હાલ બીસીએ (બેચલર ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશન્સ) ડિગ્રી કોર્સના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.
રોશને આ રોલ માટે ઓડિશન આપ્યું હતું અને તેમાં સફળતા મળી હતી.
માત્ર 18 વર્ષના રોશનની આ પહેલી ફિલ્મ છે અને પહેલા ગીતે જ રોશનને આખા દેશમાં પ્રખ્યાતિ અપાવી છે.
આ વીડિયોને કારણે પ્રિયા રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ છે, ત્યારે પ્રિયાએ રોશનની ખ્યાતિને ઢાંકી દીધી હોય એવું નથી લાગતું?
રોશને કહ્યું હતું, "એવું જરાય નથી. પ્રિયા મારી હીરોઇન છે એટલે હું બહુ ખુશ છું."

એક્ટિંગનો અભ્યાસ નથી કર્યો

ઇમેજ સ્રોત, INSTAGRAM
રોશન કોઈ પાસેથી એક્ટિંગ કરતાં શિખ્યો છે?
આ સવાલના જવાબમાં રોશને કહ્યું હતું, "ના. મેં કોઈની પાસેથી એક્ટિંગની તાલીમ ક્યારેય લીધી નથી."
એક્ટિંગની તાલીમ લીધી નથી તો આટલાં સરસ એક્સપ્રેશન કઈ રીતે આપી શકે છે?
રોશને કહ્યું હતું, "મેં એક રિઆલિટી શોમાં કામ કર્યું હતું. તેને કારણ અભિવ્યક્તિમાં મદદ મળી છે."
હવે પછી બોલિવુડમાં આવવાનો કોઈ પ્લાન છે કે કેમ, એવા સવાલના જવાબમાં રોશને કહ્યું હતું, "અત્યારે તો કંઈ ખબર નથી, પણ ભવિષ્ય વિશે કોણ જાણે છે?"
ફિલ્મ જેવો રોમાન્સ વાસ્તવિક જીવનમાં ક્યારેય કર્યો છે કે કેમ, એવા સવાલના જવાબમાં રોશને કહ્યું હતું, "ના. એવું ક્યારેય નથી કર્યું. હું અસલ જિંદગીમાં આટલો રોમૅન્ટિક નથી."
ફિલ્મ વિશે વાત કરતાં રોશને જણાવ્યું હતું કે તેમાં અગિયાર અને બારમા ધોરણમાં થતા પ્રેમની કથા કહેવામાં આવી છે.
રોશનના પપ્પા હાલ કતરની એક સ્પેરપાર્ટ્સ કંપનીમાં કામ કરે છે અને તેના પરિવારમાં એક બહેન તથા બે ભાઈ પણ છે.

પરિવાર છે ખુશ

ઇમેજ સ્રોત, YOUTUBE
રોશનના પરિવારમાં ફિલ્મો સાથે સંબંધ ધરાવતી હોય એવી કોઈ વ્યક્તિ નથી, ત્યારે પરિવારજનો અને દોસ્તો કેવો પ્રતિભાવ આપી રહ્યા છે?
રોશને કહ્યું હતું, "મારો પરિવાર બહુ ખુશ છે."
રોશનને હિંદી ફિલ્મો બહુ જ ગમે છે અને શાહરુખ ખાન તેનો ફેવરિટ હીરો છે, પણ ફેવરિટ હીરોઇન કોણ છે?
આ સવાલના જવાબમાં રોશન તરત જ કહ્યું હતું, "પ્રિયા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












