પ્રિયાના વીડિયોમાં એવું શું હતું કે લોકો FB પર શેર કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, MUZIK247/VIDEO GRAB
મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશના એક ગીતમાં આંખોના હાવભાવને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.
પ્રિયા રાતોરાત સ્ટાર અને કેટલાય યુવાનોનાં સપનાંઓનાં 'વૅલેન્ટાઇન્સ ડેટ' બની ગયા છે.
એવું તો શું છે એ વીડિયો ક્લીપમાં કે જેને કારણે સ્કૂલ સમયના 'સામાન્ય' હાવભાવ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયા.
આ અંગે બીબીસી ગુજરાતીએ બોડી લેંગ્વેજ એક્સપર્ટ્સ તથા ઇન્ડસ્ટ્રીના લોકોની સાથે વાત કરી હતી.
મલયાલયમ ફિલ્મ 'ઓરુ અદાર લવ' (Oru Adaar Love)ના એક ગીતમાં ટીનેજર છોકરી અને છોકરો, એકમેકની સાથે આંખો મારફત દિલની વાત કરી રહ્યાં છે.
ઓરિજિનલ વીડિયોને ત્રણ દિવસમાં લગભગ એક કરોડ વ્યૂઝ મળ્યા છે. એ વીડિયોના અલગઅલગ વર્ઝન્સને પણ લાખો વ્યૂઝ મળી રહ્યાં છે.
તમને આ પણ વાંચવું ગમશે


ઇમેજ સ્રોત, MUZIK247/VIDEO GRAB
બીબીસી સાથે લેખિકા અને બોડી લૅંન્ગ્વેજના નિષ્ણાત રમા મુંદ્રાએ આ વીડિયોના હીરો અને હીરોઇનનાં હાવભાવ વિશે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંદ્રા કહે છે, "લોકોને આ એક્સપ્રેશનમાં મોહક્તા દેખાઈ હશે પણ હું કહીશ કે આ વીડિયોમાં પ્રિયાનાં એક્સપ્રેશનમાં આત્મવિશ્વાસ વધારે જોવા મળ્યો છે.
"એ સિવાય પ્રિયાનો 'આઈ ડૉન્ટ કૅર' વાળો ઍટિટ્યૂડ ધ્યાન ખેંચે છે. આ જ સૌથી મોટું કારણ છે કે જેણે પ્રિયાને દેશમાં થતી (સોશિયલ મીડિયા પર) ચર્ચામાં કેન્દ્રસ્થાને મુકી આપી.
"આ વાઇરલ થયેલા વીડિયોમાં તેનું એરોગન્સ પણ દેખાય છે. જો ધ્યાનથી તેના આઇબ્રો જૂઓ તો એ બહુ જ સરસ રીતે તેને રમાડે છે."

'પ્રેમમાં પડવા વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ'

ઇમેજ સ્રોત, Instagram
મુંદ્રા ઉમેરે છે, "કોઈના પ્રેમમાં પડવા માટે સામે વાળી વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને ઍટિટ્યૂડ હોવો જોઈએ. આ બન્ને ખાસિયતો પ્રિયામાં દેખાય છે.
"મેં જ્યારે આ વીડિયો જોયો અને સાચું કહું તો ઘણી વખત જોયો અને હું બહુ હસી હતી.
"મને એમ થયું કે જ્યારે હું સ્કૂલમાં હતી, ત્યારે કેટલી ભોળી હતી અને આ આજકાલના યુવક - યુવતીઓ એ ઉંમરે કેટલા મજાના હાવભાવ આપે છે.
ફિલ્મના હીરો રોશન અબ્દુલ રહૂફ ના હાવ ભાવ વિશે વાત કરતાં મુંદ્રા કહે છે, "તેના હાવભાવમાં એ બધું જ છે જે એક સ્ત્રી ચાહતી હોય.
"એના એક્સપ્રેશનમાં દેખાય છે કે તે સ્ત્રી જેમ છે તેમ તેને સ્વીકારવા તૈયાર છે. તે ઘણો ઍક્સાઇટેડ છે કે બોસ, આ એ જ છોકરી છે જે મને ગમે છે."


ઇમેજ સ્રોત, MUZIK247/VIDEO GRAB
બીબીસી ડિજિટલ એડિટર તૃષાર બારોટ કોઈપણ વીડિયો વાઇરલ થવા વિશે વાત કરી રહ્યા છે.
તેઓ જણાવે છે, "આજે એવી પોસ્ટ કે વીડિયો કે ક્લીપ વાઇરલ થાય છે જે લોકોનાં ચહેરા પર સ્મિત લાવતા હોય. પછી એ ગમે તે હોય.
"મતલબ કે કોઈપણ એ વસ્તુ કે જે લોકોને સારી લાગણી આપે, એ લોકો વધારેને વધારે શેયર અને લાઇક કરે છે.
"આ સિવાય કયા સમયે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે એ પણ વાઇરલ થવા પાછળ કામ કરે છે."

જ્યારે 'ઢીંચાક પૂજા'ના વીડિયો રાતોરાત વાઇરલ થયો

ઇમેજ સ્રોત, Dhinchak Pooja@ YouTube
ખાસ કરીને જો આ ક્લીપની વાત કરવામાં આવે તો આ વીડિયો વૅલેન્ટાઇન્સ ડે સમયે રીલિઝ થયો છે.
આ સિવાય આ ક્લીપમાં કોઈ એવી વાત કે દૃશ્ય નથી કે જે કોઈની લાગણીને ઠેસ પહોંચાડે.
એવી દરેક ક્લીપ વાઇરલ થાય જ છે કે જે થોડી જ સેકન્ડમાં ઘણી બધી વાત અને લાગણી કહેતી હોય.
આવા જો ઉદાહરણની વાત કરું તો ભારતમાં 'ઢીંચાક પૂજા'ના વીડિયો રાતોરાત વાઇરલ થયો હતો.
આ સિવાય એક બાળકનો ફોટો તમે જોયો જ હશે જેમાં તે બાળક હાથ બતાવીને તાકાત દર્શાવતો હોય છે.
આ તસવીર પણ અલગઅલગ ટેક્સ્ટ સાથે વાઇરલ થઈ હતી.


ઇમેજ સ્રોત, INSTAGRAM
જાણીતા ફિલ્મકાર સંદીપ પટેલે બીબીસી સાથે ફિલ્મો અને આ પ્રકારના હાવભાવ પર વાત કરી.
તેમણે કહ્યું, "આ એક બહુ સામાન્ય વીડિયો હતો. સામાન્ય રીતે ફિલ્માવેલો હતો, પરંતુ અસામાન્ય વાત એ હતી કે જે આપણે ભૂલી ગયા છીએ તે પાછું યાદ અપાવ્યું.
"આ દેશ ઘણો યુવાન છે એવું કહેવાય છે, પણ એ યુવાનોની ભાષા-પરિભાષા-વર્તણૂક આપણે ભૂલી ગયા છીએ.
"જે યુવાનો છૂપાઈ-છૂપાઈને આંખોના ઇશારા કરતા એ બધું આજે નથી જોવા મળતું. એ આ વીડિયોમાં દેખાયું જેથી લોકો તેની સાથે તાદાત્મ્ય અનુભવ્યું.
"એકદમ નિર્દોષ પ્રેમના હાવભાવ આ વીડિયોમાં દેખાયા. જે પહેલાંની ફિલ્મોમાં જોવા મળતા હતા.
"હું તો કહું છું કે બિકિની પહેરેલી હિરોઇનના ગ્લેમર કરતાં આવું નિર્દોષ ગ્લેમર વધારે પાવરફુલ છે.
"સૌથી મહત્ત્વની વાત એ છે કે છોકરાએ આંખ નથી મારી, છોકરીએ મારી છે. જે ઘણું બધું કહી જાય છે."
(બીબીસી ગુજરાતીના મિહિર રાવલ સાથેની વાતચીતના આધારે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












