નેશનલ મેડિકલ કમિશન ખરડો પસાર થશે તો આભ તૂટી પડશે?

પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર
    • લેેખક, સર્વપ્રિયા સાંગવાન
    • પદ, બીબીસી સંવાદદાતા

'નેશનલ મેડિકલ કમિશન' (એનએમસી) ખરડાના વિરોધમાં શરૂ થયેલી સરકારી અને ખાનગી ડૉક્ટરોની હડતાળ મંગળવારે બપોરે પાછી ખેંચી લેવામાં આવી હતી.

આ ખરડાને સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવ્યો એ પછી ડૉક્ટરોએ હડતાળ પાછી ખેંચી હતી.

ડૉક્ટરોએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિ નિર્ણય જાહેર કરશે ત્યાં સુધી હડતાળ મુલતવી રહેશે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ એનએમસી ખરડો લોકસભામાં ગત શુક્રવારે રજૂ કર્યો હતો.

ભારતમાં તબીબી મેડિકલ શિક્ષણ, મેડિકલ સંસ્થાઓ અને ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન સંબંધી કામકાજ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(એમસીઆઈ)ના કાર્યક્ષેત્રમાં આવે છે.

એનએમસી ખરડો પસાર થઈ જશે તો એમસીઆઈ પર પૂર્ણવિરામ મુકાઈ જશે અને તેનું સ્થાન નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) લેશે.

મેડિકલ શિક્ષણ અને મેડિકલ સેવાઓ સંબંધી તમામ નીતિઓ બનાવવાનું કામ એનએમસી જ કરશે.

line

એનએમસી ખરડાની સાત મહત્વની વાતો

પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

• મેડિકલ એડવાઈઝરી કાઉન્સિલઃ કેન્દ્ર સરકાર એક કાઉન્સિલની રચના કરશે.

મેડિકલ શિક્ષણ તથા ટ્રેનિંગ સંબંધે રાજ્યોને તેમની પોતાની સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવાની તક આ કાઉન્સિલ આપશે.

મેડિકલ શિક્ષણને કઈ રીતે સરળ બનાવી શકાય તેનાં સૂચન મેડિકલ કમિશનને આ કાઉન્સિલ કરશે.

• પ્રવેશ માટે એક પરીક્ષાઃ એનએમસી ખરડો પસાર થઈને કાયદો બનશે પછી સમગ્ર દેશમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે માત્ર એક જ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે.

એ પરીક્ષાનું નામ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ રાખવામાં આવ્યું છે.

• મેડિકલ પ્રૅકટિસ માટે એક પરીક્ષાઃ ગ્રેજ્યુએશન પછી ડૉક્ટરોએ એક પરીક્ષા આપવી પડશે.

એ પરીક્ષા પાસ કર્યા પછી તેમને મેડિકલ પ્રેક્ટિસનું લાઇસન્સ મળશે.

એ પરીક્ષાને આધારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પ્રવેશ મળશે.

• મેડિકલ કૉલેજોની ફીઃ ખાનગી મેડિકલ કૉલેજોની કુલ પૈકીની 40 ટકા બેઠકો માટેની ફી કમિશન નક્કી કરશે.

બાકીની 60 ટકા બેઠકો માટેની ફી ખાનગી મેડિકલ કૉલેજો અને તેના સંચાલકો નક્કી કરી શકશે.

• બ્રિજ કોર્સઃ એનએમસી ખરડાની જોગવાઈ ક્રમાંક 49 જણાવે છે કે એક બ્રિજ કોર્સ શરૂ કરવામાં આવશે.

બ્રિજ કોર્સ કરીને આયુર્વેદ અને હોમિયોપથીના ડૉક્ટર્સ પણ એલોપથીની પ્રેક્ટિસ કરી શકશે.

• કર્મચારીઓનું શું થશે? એનએમસી ખરડાની જોગવાઈ ક્રમાંક 58માં જણાવ્યા અનુસાર, આ ખરડો કાયદો બન્યા પછી તરત જ એમસીઆઈ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે.

તેના અધિકારીઓ અને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવશે. એ બદલ તેમને ત્રણ મહિનાનો પગાર અને ભથ્થાં આપવામાં આવશે.

• નિમણૂકઃ એમસીઆઈના અધિકારીઓની નિમણૂક ચૂંટણી મારફત કરવામાં આવતી હતી, પણ મેડિકલ કમિશનમાં સરકારે બનાવેલી એક સમિતિ અધિકારીઓની પસંદગી કરશે.

line

ડૉક્ટરો શા માટે કરી રહ્યા છે ખરડાનો વિરોધ?

પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને લોકસભામાં રજૂ કરેલા એનએમસી ખરડામાંની કેટલીક જોગવાઈઓ સામે વિરોધ થતાં તેને સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવ્યો છે.

સ્થાયી સમિતિએ સંસદના બજેટ સત્રમાં આ ખરડા વિશેનો અહેવાલ આપવાનો રહેશે.

ઇન્ડિયન મેડિકલ અસોસિએશન(આઈએમએ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. કે. અગ્રવાલ સાથે બીબીસીએ આ મુદ્દે વાત કરી હતી.

ડૉ. કે. કે. અગ્રવાલે કહ્યું હતું કે ''એનએમસી ખરડો મેડિકલ ક્ષેત્રમાં અમલદારશાહીને છૂટો દોર આપશે.''

''આઈએમએ ત્રણ લાખ ડૉક્ટરોની સંસ્થા છે, પણ આ ખરડા બાબતે આઈએમએ સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.''

''અત્યાર સુધી 112 લોકોની ટીમ નિર્ણયો કરતી હતી. હવે ત્રણ લોકોની ટીમ નિર્ણય કરશે અને એ ત્રણેયની નિમણૂક સરકારે કરેલી હશે.''

''સરકાર એક બિનલોકશાહી સંસ્થાની રચના કરી રહી છે. તમામ સત્તા અધિકારી વર્ગને સોંપી રહી છે, જે યોગ્ય નથી.''

''એનએમસી ખરડામાં ભ્રષ્ટાચારને વેગ આપે તેવી જોગવાઈઓ છે.''

''તમે કોઈ આયુર્વેદિક ડૉક્ટરને અલોપથી પ્રેક્ટિસ કરવાની છૂટ આપશો તો આયુર્વેદ શું કરશે? આ રીતે તો દેશમાંથી અન્ય તબીબી શાખાઓ ખતમ થઈ જશે.''

line

ડૉક્ટરોના સવાલ

પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના રેસિડેન્ટ ડૉક્ટર વિજય કુમારે પણ આ સંબંધે સવાલ કર્યો હતો.

વિજય કુમારનો સવાલ એ છે કે આયુર્વેદ અને હોમિયોપથીના ડૉક્ટરોને બ્રિજ કોર્સ કરાવીને અલોપથી પ્રેક્ટિસની પરવાનગી શા માટે આપવામાં આવી રહી છે?

તેમણે કહ્યું હતું કે ''જે લોકોએ ચાર વર્ષ હોમિયોપથી અને આયુર્વેદના અભ્યાસની મહેનત કરી છે એમને સરકાર નોકરી આપી શકતી નથી.''

''એ લોકો તેમના ક્ષેત્રમાં રિસર્ચ શા માટે ન કરે? તેમને અલોપથી ડૉક્ટર શા માટે બનાવવામાં આવી રહ્યા છે?''

''એક તરફ ડૉક્ટરો દ્વારા તબીબી બેદરકારીની ઘટનાઓ બની રહી છે ત્યારે કેટલાક મહિના કે એક વર્ષનો કોર્સ કરીને હોમિયોપથી તથા આયુર્વેદિક ડૉક્ટરો શું સેવા આપશે?''

ડૉ. વિજય કુમારે એમ પણ કહ્યું હતું કે ''જે લોકો મુશ્કેલ પરીક્ષા પાસ કરીને ડિગ્રી મેળવશે તેમણે લાઇસન્સ માટે વધુ એક પરીક્ષા આપવી પડશે.''

''બીજી તરફ બ્રિજ કોર્સ મારફત હોમિયોપથી અને આયુર્વેદિક ડૉક્ટરોને અલોપથી પ્રેક્ટિસની પરવાનગી મળશે.''

ડૉ. વિજય કુમાર માને છે કે એનએમસી ખરડો ખાનગી હોસ્પિટલો માટે નિયમો સરળ બનાવવાના હેતુસરનો છે, કારણ કે 60 ટકા મેડિકલ બેઠકોની ફી પણ ખાનગી હોસ્પિટલો જ નક્કી કરી રહી છે.

line

એમસીઆઈના કર્મચારીઓની અપીલ

એમસીઆઈના કર્મચારીઓએ વડાપ્રધાનને લખેલો પત્ર

ઇમેજ સ્રોત, Employees of MCI

ઇમેજ કૅપ્શન, એમસીઆઈના કર્મચારીઓએ વડાપ્રધાનને લખેલો પત્ર

એનએમસી ખરડાની જોગવાઈ ક્રમાંક 58 અનુસાર, આ ખરડો કાયદો બનતાંની સાથે જ એમસીઆઈને વિખેરી નાખવામાં આવશે.

એમસીઆઈને વિખેરી નાખવામાં આવતાં તેના 100થી વધુ કર્મચારીઓ બેરોજગાર થઈ જશે.

આ કર્મચારીઓએ વડાપ્રધાનને પત્ર લખીને અપીલ કરી છે.

તેમણે વડાપ્રધાનને જણાવ્યું છે કે તેમને નવી સંસ્થામાં સ્થાન આપવામાં આવે અથવા કેન્દ્ર સરકારની સંસ્થામાં અન્ય તક આપવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો